સાવિત્રીબાઈએ જ્યોતિરાવ ફુલેને પત્રોમાં શું લખ્યું હતું?

ઇમેજ સ્રોત, Sandhya Nare Pawar
- લેેખક, સંધ્યા નરે-પવાર
- પદ, બીબીસી ગુજરાતી માટે
''અહીં એક અણછાજતી ઘટના બની છે. ગણેશ નામના એક બ્રાહ્મણને પોથી-પુરાણો સાથે ઘણો લગાવ છે. તે ગામે-ગામ ફરીને પંચાંગ બતાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.
ગામની સારજા (જે એક શુદ્ર હતાં) નામની એક યુવતીને પ્રેમ કરે છે. સારજાને ગણેશ થકી છ મહિનાનો ગર્ભ રહ્યો છે.
ગામમાં આ વાત ફેલાઈ અને કેટલાક અસામાજિક તત્વોએ બન્નેને માર માર્યો. બન્નેને ગામમાં ફેરવ્યાં.
આ લોકો તેમને મારી નાખવાના હતા પણ હું તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. એ લોકોને અંગ્રેજ સરકારનો ભય દેખાડ્યો અને એ બન્નેને બદમાશોથી બચાવ્યા.
પણ ભીડની માગ હતી કે બન્ને ગામ છોડીને જતાં રહે. જે એમણે માન્યું નહીં...''
આ પત્ર 3 જાન્યુઆરી, 2020 કે 1979નો નહીં પણ છેક 29 ઓગસ્ટ, 1868નો છે, એટલે કે આજથી દોઢસો વર્ષ અગાઉનો છે.
શહેરમાં રહેતા અમુક લોકોને બાદ કરતાં ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ આંતરજ્ઞાતીય લગ્ન સામાન્ય વાત નથી.
આવાં લગ્નનો વિરોધ કરનારી ખાપ-પંચાયત કે જાતિપંચાયતની વ્યવસ્થાઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. ઑનર કિલિંગના નામે આજે પણ યુવક- યુવતીની હત્યાઓ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લગ્ન વિના માતૃત્વ ધારણ કરવું કે લગ્ન પહેલાં ગર્ભવતી બનવું આજે પણ કલંક માનવામાં આવે છે.
સ્ત્રી-પુરૂષ વચ્ચેની પ્રેમભાવનાની સામે આજે પણ જાતિ, ધર્મ, લગ્ન જેવાં બંધનો અવરોધે છે.
ત્યારે 1868માં આંતરજ્ઞાતીય લગ્ન અને લગ્ન પહેલા ગર્ભધારણને તત્કાલીન સમાજ મૃત્યુદંડ લાયક ગુનો ગણે એમાં કોઈ અચરજની વાત નથી.
આમાં આશ્ચર્યજનક વાત એ છે કે એક 37 વર્ષની મહિલા આ ખબર સાંભળીને ઊભી થઈ અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ.
એટલું જ નહીં, તેણે ત્યાં ઊભેલી ભીડને અંગ્રેજ સરકારનો ડર બતાવ્યો અને આ યુગલનો જીવ બચાવ્યો.

ઇમેજ સ્રોત, Sandhya Nare Pawar
ભીડ સામે બાથ ભીડીને એ યુગલનો જીવ બચાવનાર મહિલાનું નામ સાવિત્રીબાઈ ફુલે.
તેઓ આંતરજ્ઞાતીય લગ્ન અને લગ્ન પહેલાં ગર્ભધારણને અપરાધ નહોતાં ગણતાં. તે યુવતીને સાવિત્રીબાઈ કલંકિત નહોતાં માનતાં અને એટલે જ તેઓ આ યુગલ સાથે ઊભાં રહ્યાં, તેમના ટેકામાં રહ્યાં.
સાવિત્રીબાઈએ જ્યોતિરાવ ફુલેને લખેલા પત્રોથી આપણને એ સમય- કાલખંડની ઘટનાનો અંદાજ આવે છે.
સાવિત્રીબાઈએ જ્યોતિબાને જે પત્રો લખ્યા તેમાંથી ત્રણ પત્રો અત્યારે સાચવી રાખવામાં આવ્યા છે.
પહેલો પત્ર 1856નો, બીજો 1868નો અને ત્રીજો પત્ર 1877નો છે. આ ત્રણેય પત્રો સાવિત્રીબાઈના વ્યક્તિત્વનાં અલગ-અલગ પાસાંઓનો આપણને પરિચય કરાવે છે.
સાવિત્રીબાઈ ભારતનાં પ્રથમ મહિલા શિક્ષક જ નહીં પણ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતાં ક્રાંતિકારી પણ હતાં.
ઘરની બહાર નીકળીને સામાજિક સુધારણાના કામ કરનારાં આ મહાન મહિલાનો પરિચય આ પત્રોમાંથી મળે છે. સમયથી આગળ ચાલનારાં, માનવઅધિકારો વિષે બોલનારાં સંવેદનશીલ મહિલાનો પરિચય આ પત્રોમાંથી મળે છે.
જે પત્ર તમે ઉપર વાંચ્યો તે સાવિત્રીબાઈએ જ્યોતિબાને લખેલો બીજો પત્ર હતો. આ પત્ર તેમણે તેમનાં પિયર નાયગાંવથી લખ્યો હતો.
ત્રીજો પત્ર તેમણે પુણે પાસેથી જુન્નર ગામ પાસેથી લખ્યો છે. 1876 અને 1896નાં વર્ષોમાં મહારાષ્ટ્રમાં બે મોટા દુકાળ પડ્યા હતા.
1876-77નો દુકાળ આકરો હતો. આ દુકાળમાં સાવિત્રીબાઈએ 'સત્યશોધક સમાજ' નામના સંગઠનના કાર્યકર્તાઓ સાથે ફરીને લોકોની મદદ કરી હતી.
આ કામ દરમિયાન 20 એપ્રિલ 1877માં સાવિત્રીબાઈએ લખ્યું :
''1876નું વર્ષ પૂર્ણ થતાં દુકાળની પરિસ્થિતિ વણસી છે અને પશુઓ પાણી વગર ટળવળીને મરી રહ્યાં છે.
લોકો પાસે ખાવાનું નથી, પશુઓ માટે ચારો નથી. લોકો તેમનાં ઘરો છોડીને સ્થળાંતર કરી રહ્યાં છે.
ઘણા લોકો પોતાના સંતાનોને વખાનાં માર્યાં વેચી રહ્યા છે.
નદી-તળાવ સૂકાઈ ગયાં છે. જમીન વેરાન બની ગઈ છે. ઘણા લોકો ભૂખ-તરસથી મરી રહ્યા છે. અહીં આટલી ભયાનક પરિસ્થિતિ છે."

ઇમેજ સ્રોત, Sandhya Nare Pawar
ખરેખર તો સાવિત્રીબાઈ ફૂલેએ પત્ર લખ્યા એ જ તેઓ તેમના સમયથી આગળ હોવાના મોટા પુરાવા છે.
એ સમયે પત્ની પોતાના પતિને પત્ર લખે તે સામાન્ય વાત નહોતી, જ્યારે મહિલાઓ સુધી હજુ ભણતર પણ પહોંચ્યું નહોતું, ત્યારે સાવિત્રીબાઈ પોતાના પતિને પત્ર લખતાં હતાં.
આ પત્રોમાં તેઓ કૌટુંબિક બાબતોને બદલે સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતાં હતાં.
આ પત્રોને ઝીણવટથી વાંચો તો સમજાશે કે આ માત્ર પતિ-પત્ની વચ્ચેનો પત્રવ્યવહાર નથી પણ કામમાં સહભાગી બે સહકાર્યકરો વચ્ચેનો સંવાદ છે.
સાવિત્રીબાઈએ 1856માં લખેલો આ પત્ર એ વાતનું ઉદાહરણ છે.
આ પત્ર લખાયો ત્યારે સાવિત્રીબાઈ એમના પિયર નાયગાંવમાં હતાં. ત્યાં તેમનો નાનો ભાઈ કહે છે, "તમે બન્ને પતિ-પત્ની શુદ્રો માટે કામ કરો છો. આવું કરીને પોતાના કુળની મર્યાદાનું ઉલ્લંઘન કરો છો".
સાવિત્રીબાઈ આ વિશે જ્યોતિબાને લખે છે : "મેં વાતનો જવાબ આપતાં કહ્યું કે, ભાઈ! તમારી બુદ્ધિ બ્રાહ્મણોની સમજથી નબળી થઈ ગઈ છે.
તમે બકરી, ગાયને પ્રેમથી પાળો છો. નાગપંચમીએ નાગને દૂધ પીવડાવો છો, પણ મહાર-માંગ (દલિત) જે તમારા જેવા જ માણસો છે તેમને અસ્પૃશ્ય માનો છો.
તેનું કારણ મને જણાવો. આવો સવાલ મેં એમને કર્યો હતો."
નિંદાથી વિચલિત થયા વિના કામ કરતા રહેવાનો સિદ્ધાંત સાવિત્રીબાઈના મિજાજમાં વર્તાય છે.
માનવતાને જ ધર્મ માનનારાં સાવિત્રીબાઈનું વ્યક્તિત્વ આ પત્રોથી ઉજાગર થાય છે. આથી જ આ પત્રો એક મહત્ત્વપૂર્ણ સામાજિક અને ઐતિહાસિક દસ્તાવેજ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












