અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો જમાવ્યો ત્યારે રાષ્ટ્રપતિ કઈ રીતે બચી નીકળ્યા હતા?

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ આ વર્ષે ઑગસ્ટમાં દેશ છોડવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી અશરફ ગનીએ અચાનક દેશ છોડી દીધો હતો. બાદમાં તેમણે કહ્યું કે તેણે કાબુલને વિનાશથી બચાવવા માટે આવું કર્યું હતું.

બીબીસી રેડિયો 4ને આપેલા ઇન્ટરવ્યૂમાં અશરફ ગનીએ કહ્યું કે જ્યારે તેઓ 15 ઑગસ્ટની સવારે જાગ્યા, ત્યારે તેમને ખ્યાલ નહોતો કે અફઘાનિસ્તાનમાં આ તેમનો છેલ્લો દિવસ હશે.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની 15 ઑગસ્ટ 2020ના દેશ છોડી જતા રહ્યા હતા

મંગળવારે ટુડે પ્રોગ્રામમાં મહેમાન તંત્રી રહેલા બ્રિટનના પૂર્વ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ સર નિક કાર્ટર સાથે વાત કરતાં અશરફ ગનીએ કહ્યું કે જ્યારે તેમનું વિમાન કાબુલથી ઊડ્યું, ત્યારે તેમને અહેસાસ થયો કે તેઓ દેશ છોડીને જઈ રહ્યા છે.

તે સમયે દેશ છોડવા બદલ અશરફ ગનીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. અશરફ ગની હાલ યુએઈમાં છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન અશરફ ગનીએ જણાવ્યું હતું કે એ દિવસે સવારે જ તાલિબાન આક્રમણખોરોએ સંમતિ આપી હતી કે તેઓ કાબુલમાં પ્રવેશ કરશે નહીં.

તેમણે કહ્યું કે "પરંતુ બે કલાક પછી પરિસ્થિતિ આવી ન હતી."

તેમણે કહ્યું કે, "તાલિબાનનાં બે અલગ-અલગ જૂથ કાબુલની બંને બાજુએથી રાજધાનીની સીમાએ હતા. તે બંને વચ્ચે મોટા પાયે અથડામણ થવાની સંભાવના હતી."

"જો આવું થયું હોત તો 50 લાખની વસતીવાળા શહેરની સૂરત બદલાઈ ગઈ હોત અને સામાન્ય લોકોને ઘણું નુકસાન થાત."

અશરફ ગનીના જણાવ્યા અનુસાર, તેઓ તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને તેમનાં પત્ની પહેલાં કાબુલ છોડવા માટે સંમત થયાં હતાં. તે પછી તેઓ એક કાર આવીને તેમને રક્ષા મંત્રાલય લઈ જાય, તેની રાહ જોઈ રહ્યા હતા.

પરંતુ તે કાર તો ન આવી પરંતુ થોડા સમય પછી રાષ્ટ્રપતિના સુરક્ષાપ્રમુખ 'ગભરાઈ ગયેલા' આવ્યા અને કહ્યું કે જો રાષ્ટ્રપતિ કોઈ સ્ટૅન્ડ લેશે તો, "દરેકનું મોત નક્કી છે."

અશરફ ગનીએ કહ્યું, "તેમણે મને વિચારવા માટે બે મિનિટથી વધુ સમય આપ્યો ન હતો. મારો આદેશ હતો કે આપણે જરૂર પડ્યે ખોસ્ત જવા નીકળી જઈશું. તેમણે કહ્યું કે ખોસ્ત હવે તાલિબાનના કબજામાં છે અને જલાલાબાદ પણ આક્રમણકારીઓના કબજામાં જતું રહ્યું છે."

"મને ખબર નહોતી કે અમે ક્યાં જઈશું. જ્યારે અમારું વિમાન હવામાં ઊડ્યું ત્યારે સ્પષ્ટ થયું કે અમે અફઘાનિસ્તાન છોડી રહ્યા છીએ. તે ખરેખર ઉતાવળમાં થયું હતું."

અશરફ ગનીએ દેશ છોડી દીધા પછી તેમની ટીકા કરવામાં આવી હતી, ઉપરાષ્ટ્રપતિ અમીરુલ્લા સાલેહે પણ તેમની ટીકા કરી અને તેમના પગલાને 'અપમાનજનક' ગણાવ્યું હતું.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અશરફ ગનીએ કહ્યું, "જે લોકો કહી રહ્યા હતા કે જો મેં કોઈ પગલું ભર્યું હોત, તો તેઓ બધા માર્યા ગયા હોત. તેમની પાસે મારી સુરક્ષા કરવાની ક્ષમતા નહોતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડૉક્ટર હમદુલ્લાહ મોહિબ ખૂબ જ ડરી ગયા હતા."

અશરફ ગનીએ એ વાતને નકારી કાઢી કે તેઓ પૈસા લઈને દેશ છોડીને ભાગી ગયા છે. તેમણે કહ્યું કે તેઓ તેમના પર લાગેલા આરોપોને દૂર કરવા માટે આ મામલે આંતરરાષ્ટ્રીય તપાસ માટે પણ તૈયાર છે.

તેમણે કહ્યું, "હું સ્પષ્ટ કરવા માગુ છું કે હું કોઈ પૈસા લઈને દેશની બહાર નથી ગયો. હું કેવું જીવન જીવી રહ્યો છું, તે બધા જાણે છે. હું પૈસાનું શું કરું?"

દેશ પર તાલિબાનોનો કબજો એક દિવસમાં પૂર્ણ થયો ન હતો, પરંતુ ઘણા લોકો કહે છે કે 15 ઑગસ્ટના રોજ અશરફ ગનીની અચાનક વિદાયને કારણે સત્તાના આયોજિત સ્થાનાંતરણ માટે બંને પક્ષો વચ્ચે સમજૂતી ન થઈ શકી.

line

વિશ્લેષણ - અશરફ ગનીના જવાથી સત્તા હસ્તાંતરણ ન થઈ શક્યું

તાલિબાને 15 ઑગસ્ટ 2020ના કાબુલ પર કબજો કરી લીધો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાલિબાને 15 ઑગસ્ટ 2020ના કાબુલ પર કબજો કરી લીધો હતો.

બીબીસીના મુખ્ય આંતરરાષ્ટ્રીય સંવાદદાતા લીઝ ડુસેટના વિશ્લેષણ અનુસાર દેશ પર તાલિબાનનો કબજો એક દિવસમાં જ નહોતો થયો, ઘણા લોકોનું કહેવું છે કે અશરફ ગનીના અચાનક દેશ છોડી જવાના કારણે સુનિયોજિત રીતે સત્તાના હસ્તાંતરણ માટે બંને પક્ષો વચ્ચે સમજૂતી નહોતી થઈ શકી.

જોકે સમજૂતી થાય કે ન થાય - બંને સ્થિતિમાં તાલિબાનના હાથમાં સત્તા જતી રહેવાની હતી, તે નક્કી થઈ ગયું હતું. પરંતુ 'હું મરતા સુધી લડીશ' એમ કહેનારા અશરફ ગનીના પલાયનથી દેશમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

15 ઑગસ્ટે લીધેલા નિર્ણય માટે દોષિત ઠરાવવાની સાથે તે પહેલાં કંઈ ન કરવા બદલ તેમને દોષી ઠેરવવામાં આવી રહ્યા છે.

એ વાત સાચી છે કે સમજૂતીની બાબતમાં અમેરિકનોએ તેમના હાથ કમજોર કર્યા, પરંતુ તેમણે પણ દૃઢતા બતાવી નહોતી.

હવે તેમને એક રાજકારણી તરીકે ઓછા અને એક એવા નેતા તરીકે વધુ જોવાય છે કે જેઓ અમેરિકાના રાજકારણને તો નથી સમજી શક્યા પણ ઝડપથી બદલાતી વાસ્તવિકતાને પણ ન પારખી ન શક્યા, જેનો તાલિબાનને પણ અંદાજ નહોતો.

હવે તેમણે આપેલા નિવેદન પર ચર્ચા કરવામાં આવશે અને તેને મોડું નિવેદન ગણાવીને ફગાવી દેવામાં આવશે.

line

'તાલિબાન-અમેરિકા સમજૂતીથી અમે બરબાદ થઈ ગયા'

તાલિબાન

ઇમેજ સ્રોત, MOHD RASFAN

ઇમેજ કૅપ્શન, અશરફ ગની અમેરિકા સહિત નેટો દેશો સાથે તાલિબાનની સમજૂતીને હાલની અફઘાનિસ્તાનની સ્થિતિ માટે જવાબદાર ઠેરવે છે

અશરફ ગનીએ સ્વીકાર્યું કે ભૂલો થઈ હતી, પરંતુ ઉમેર્યું હતું કે તેમને આશા છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય ધીરજ રાખશે.

તાલિબાન સાથે અમેરિકાની સમજૂતીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે 15 ઑગસ્ટના દિવસે જે થયું તેનો પાયો આ સમજૂતી દ્વારા નંખાયો હતો. આ સમજૂતી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, "શાંતિપ્રક્રિયાને બદલે, અમને પીછેહઠની પ્રક્રિયા મળી."

તેમણે કહ્યું કે તે એ સમજૂતી હતી જેણે "અમને બરબાદ કરી નાખ્યા."

તાલિબાન અને અમેરિકા વચ્ચે થયેલી સમજૂતી અનુસાર અમેરિકા એ વાતે સહમત થયું હતું કે તે અફઘાનિસ્તાનમાં હાજર તેમના તમામ સૈનિકો અને નાટો દેશોના તમામ સૈનિકોને ત્યાંથી પાછા ખેંચી લેશે.

આ સાથે યુદ્ધ કેદીઓના વિનિમય પર કરાર થયા. ત્યાર બાદ તાલિબાન અફઘાન સરકારને ચર્ચામાં સામેલ કરવા રાજી થયું હતું.

આ ચર્ચા નિરર્થક રહી. તે પછી 2021ના ઉનાળામાં નવા યુએસ પ્રમુખ જો બાઇડને કહ્યું કે તેઓ 11 સપ્ટેમ્બર સુધીમાં અફઘાનિસ્તાનમાં હાજર તમામ સૈનિકોને પરત બોલાવી લેશે.

આ સમયે તાલિબાનોએ દેશમાં પોતાનો પગ જમાવવાનું શરૂ કરી દીધું હતું અને તેના લડવૈયાઓ એક પછી એક શહેરો પર કબજો મેળવી રહ્યા હતા.

અશરફ ગની કહે છે, "અંતમાં જે થયું તે ન તો રાજકીય સમાધાન હતું કે ન તો લોકોને સામેલ કરતી રાજકીય પ્રક્રિયા હતી. તે તો એક હિંસક બળવો હતો."

વીડિયો કૅપ્શન, અફીણના વેપારમાંથી કેવી રીતે તાલિબાન કરોડો રૂપિયા કમાય છે?

જે દિવસે અશરફ ગનીએ કાબુલ છોડ્યું એ દિવસે જ તાલિબાને કાબુલ કબજે કરી લીધું હતું.

તાલિબાનના સત્તામાં આવ્યા પછી અફઘાનિસ્તાનને મળી રહેલી વિદેશી સહાય બંધ કરવામાં આવી હતી અને અફઘાન સરકારની તમામ સંપત્તિઓ ફ્રીઝ કરી દેવામાં આવી હતી અને દેશ પર આર્થિક અને માનવીય સંકટ ઘેરું બનવા લાગ્યું હતું.

અશરફ ગની જતા રહ્યા, એના ત્રણ મહિના પછી તેમણે જણાવ્યું હતું કે તેઓ જે કંઈ પણ થયું તેની જવાબદારી લેવા તૈયાર છે.

તેમણે કહ્યું કે તેઓ એ વાતની જવાબદારી લેવા તૈયાર છે કે તેમણે "આંતરરાષ્ટ્રીય સહયોગ પર ભરોસો કર્યો હતો."

અલબત્ત, તેમણે એમ પણ કહ્યું કે "મેં જીવનભર જે કંઈ કર્યું એ બરબાદ થઈ ગયું છે. મારા મૂલ્યોને કચડી નાખવામાં આવ્યાં અને મને બલિનો બકરો બનાવી દેવામાં આવ્યો."

(કૉપી - માનસી દાશ)

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો