વિશ્વમાં વધી રહ્યું છે લિંગનું કૅન્સર, લક્ષણો અને સારવાર શું?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રાઝીલના પેન્શનર જોઆઓ 2018માં તેમના લિંગમાં ગાંઠ હોવાનું જાણતા તબીબી પાસે ગયા.
63 વર્ષના જોઆઓ એ ઘટનાને યાદ કરતાં કહે છે, “શું છે તે જાણવા માટે મેં મેડિકલ ક્લિનિક્સની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું, પરંતુ બધા ડૉક્ટરોએ કહ્યું હતું કે વધારાની ચામડી અને દવાઓને કારણે થયું છે.”
દવા કરવા છતાં તે ગાંઠ વધતી જ રહી. તેની અસર જોઆઓના લગ્નજીવન પર પડવા લાગી હતી. તેમના અને તેમનાં પત્નીની સેક્સ લાઇફમાં કમી દેખાવા લાગી.
પણ શું થઈ રહ્યું છે તે જાણવા જોઆઓ મક્કમ હતા.
જોઆઓ (નામ બદલ્યું છે) પાંચ વર્ષ સુધી નિષ્ણાતોની સલાહ લેતા રહ્યા. નિષ્ણાતોએ વધુ દવાઓ લખી આપી હતી અને બાયોપ્સી પરીક્ષણ કરાવવાની સલાહ આપી હતી.
તેઓ કહે છે, “કોઈ નિરાકરણ થયું ન હતું.”
પછી 2023માં જોઆઓની સમસ્યાનું નિદાન થયું હતું. તેમને પેનાઇલ કૅન્સર હતું.
જોઆઓ કહે છે, “મારા પરિવાર માટે બહુ તકલીફદાયક હતું. એટલા માટે કે મારે મારા પેનિસનો એક હિસ્સો કપાવી નાખવો પડ્યો હતો. જાણે કે મારું અંગ ભંગ થઈ ગયું હતું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“તે એક પ્રકારનું કૅન્સર છે, જેના વિશે તમે લોકો સાથે વાત કરી શકતા નથી, કારણ કે તમે મજાકનું પાત્ર બની શકો છો.”
પેનાઇલ કૅન્સર બહુ ઓછા પુરુષોને થતી બીમારી છે, પરંતુ સમગ્ર વિશ્વમાં તેનાં પ્રમાણ અને મૃત્યુદર વધી રહ્યાં છે.
તાજેતરના અભ્યાસ અનુસાર, જોઆજોના દેશ બ્રાઝીલમાં લિંગના કૅન્સરનું પ્રમાણ વધુ છે, પ્રતિ એક લાખ પુરુષોએ 2.1નું.
‘સર્જરીના નામથી ફફડાટ’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે વર્ષ 2012થી 2021 વચ્ચે પેનાઇલ કૅન્સરના 21 હજાર કેસ નોંધાયા હતા, જેમાંથી ચાર હજાર લોકોનાં મૃત્યુ થયાં. ઉપરાંત 6,500થી વધુ પુરુષોનું લિંગ કૅન્સરને લીધે કાપવું પડ્યું હતું.
બ્રાઝીલના સૌથી ગરીબ રાજ્યોમાંના મારાન્હાઓમાં દર એક લાખ પુરુષોમાં લગભગ 6.1 પુરુષોમાં પેનાઇલ કૅન્સર જોવા મળે છે, જે દુનિયામાં સૌથી મોટો દર છે.
પેનાઇલ કૅન્સરનાં લક્ષણોમાં શરૂમાં ઘાવ પડે છે, જે રુઝાતો નથી અને લિંગમાંથી અત્યંત દુર્ગંધયુક્ત સ્રાવ થાય છે.
જો પેનાઇલ કૅન્સર વિશે શરૂઆતમાં જ ખબર પડી જાય તો સર્જરીથી ગાંઠ દૂર કરી, રેડિયોથૅરપી અને કીમોથૅરપી જેવા ઉપાયો થકી દર્દીના સાજા થવાની શક્યતા વધારે રહે છે.
પરંતુ જો લિંગના કૅન્સરને નજરઅંદાજ કરવામાં આવે કે સારવાર ન કરાય તો લિંગને સંપૂર્ણ અથવા તેના કેટલાક ભાગને કાપવો પડી શકે છે.
એવું પણ થઈ શકે કે આસપાસનાં યૌનઅંગો એટલે કે અંડકોષને પણ કાપવાની જરૂર પડી શકે છે.
આ વર્ષે જાન્યુઆરીમાં જોઆઓને લિંગનો એક ભાગ કપાવવો પડ્યો હતો અને તેમણે કહ્યું કે આ એક કપરો સમય હતો.
તેમણે કહ્યું, “આ એવી બીમારી હતી જેની અમે કલ્પના પણ નહોતી કરી કે અમારી સાથે આવું થશે. તમારી સાથે આવું થાય ત્યારે તેના વિશે સામાન્ય રીતે લોકો સાથે વાતચીત કરી શકતા નથી.”
“હું સર્જરીથી ભયભીત હતો, પરંતુ બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. સર્જરી પછીના શરૂઆતનાં અઠવાડિયાં હું દુ:ખી હતો. મારા લિંગના એક ભાગનું ન હોવું ભયાનક હતું.”
તો કેટલાક દર્દીઓનું સંપૂર્ણ લિંગ કાપવું પડે છે, જે જીવનને સંપૂર્ણ બદલી નાખે છે.
ડૉક્ટર શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સાઓ પાઉલોસ્થિત એસી કેમાર્ગો કૅન્સર સેન્ટરમાં યુરૉલૉજી વિભાગમાં કામ કરતા થિયાગો કૈમેલો મોઉરાઓએ કહ્યું, “લિંગને આંશિક રીતે કાપવાના કિસ્સામાં પેશાબ લિંગ વાટે જ બહાર નીકળે છે. સંપૂર્ણ લિંગ કાપવાના કેસમાં પેશાબની નળીને અંડકોષ અને ગુદામાર્ગની વચ્ચે કરી દેવામાં આવે છે. આ કારણે દર્દીએ બેસીને પેશાબ કરવો પડે છે.”
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પેનાઇલ કૅન્સરનાં અનેક કારણો હોઈ શકે છે. તેમાં લિંગની આગળની ચામડી મોટી હોવી અને ધૂમ્રપાન સામેલ છે.
બ્રાઝીલની સોસાયટી ઑફ યુરૉલૉજીના મૉરિસિયો ડેનર કાર્ડેરોના કહેવા મુજબ, તેમાં વ્યક્તિગત સ્વચ્છતાનો ફાળો પણ હોય છે.
તેઓ કહે છે, “પુરુષો લિંગની ઉપરની ચામડીને દૂર કરીને તેને યોગ્ય સાફ ન રાખે ત્યારે તેમાંથી જે સ્રાવ ઉત્પન્ન થાય છે તે ચામડીની નીચે જમા થાય છે. તેનાથી જીવાણુના ચેપ માટે અનુકૂળ વાતાવરણ સર્જાય છે.”
“એવું વારંવાર થાય તો ગાંઠ બનવાનું જોખમી વધી જાય છે.”
કોર્ડેરોના કહેવા મુજબ, સાફસફાઈ ન કરવા ઉપરાંત હ્યુમન પપિલોમાવાઇરસ (એચપીવી)નો સતત ચેપ ‘લિંગના કૅન્સરનાં જોખમને વધારતાં’ કારણોમાં એક છે. એચપીવી મળતા આવતા એકસરખા વિષાણુઓનું જૂથ છે. કેટલાક કિસ્સામાં એચપીવીને લીધે મોં અને પેનાઇલ સહિતનાં કૅન્સર થઈ શકે છે.
તેઓ કહે છે, “આ વાઇરસ સંબંધિત કૅન્સરને રોકવા માટે એચપીવીની રસી બહુ અસરકારક ઉપાય હોઈ શકે છે.” તેઓ ઉમેરે છે કે બ્રાઝીલમાં રસીકરણનો દર અસરકારક સાબિત થઈ શકે તેના કરતાં ઘણા નીચા સ્તરે છે.
રસીકરણ દર ખૂબ જ ઓછો છે

ઇમેજ સ્રોત, Getty Images
મૉરિસિયો કોર્ડેરો કહે છે, “બ્રાઝીલમાં રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવા છતાં છોકરીઓમાં એચપીવી રસીકરણનો દર માત્ર 57 ટકા છે અને છોકરાઓમાં તે 40 ટકાથી વધુ નથી. રોગના પ્રસારને અટકાવવા માટે આ દર 90 ટકા હોવો જરૂરી છે.”
તેઓ માને છે કે રસીકરણના આટલા ઓછા દરનાં કારણોમાં રસી વિશેની ખોટી માહિતી, તેની અસરકારકતા વિશેની શંકા અને રસીકરણ ઝુંબેશનો અભાવ પણ સામેલ છે.
જોકે, આ સમસ્યા માત્ર બ્રાઝીલમાં જ નથી. લિંગના કૅન્સર સંબંધી નવીન સંશોધન મુજબ, વિશ્વભરમાં પેનાઇલ કૅન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે.
જેએમઆઈઆર પબ્લિક હેલ્થ ઍન્ડ સર્વેલન્સ જર્નલમાં 2022માં 43 દેશોના નવીન ડેટાને આવરી લેતા વ્યાપક વિશ્લેષણનાં તારણો પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં.
2008થી 2012ની વચ્ચે પેનાઇલ કૅન્સરનો સૌથી વધુ દર યુગાન્ડા (પ્રતિ એક લાખ દીઠ 2.2), ત્યાર બાદ બ્રાઝીલ (પ્રતિ એક લાખ 2.1)માં અને થાઇલૅન્ડ (પ્રતિ એક લાખ 1.4)માં નોંધાયો હતો. સૌથી ઓછું પ્રમાણ કુવૈત (પ્રતિ એક લાખ 0.1)માં જોવા મળ્યું હતું.
ચીનની સન યાટ-સેન યુનિવર્સિટીના લેઇવેન ફુ અને ટિયાન ટિયાનના વડપણ હેઠળના સંશોધકોની ટીમે શોધી કાઢ્યું હતું કે “આમ તો વિકાસશીલ દેશોમાં પેનાઇલ કૅન્સરના કેસ તથા મૃત્યુદર સૌથી વધારે છે. ત્યાં 1979થી 2009 દરમિયાન પેનાઇલ કૅન્સરનો દર પ્રતિ એક લાખ વ્યક્તિએ 1.1થી વધીને 1.3 થયો હતો. તો જર્મનીમાં 1961 અને 2012ની વચ્ચે પેનાઇલ કૅન્સરના કેસમાં 50 ટકા વધારો થયો હતો. તે પ્રતિ એક લાખ 1.2થી વધીને 1.8 થયો હતો.
ગ્લોબલ કૅન્સર રજિસ્ટ્રીનાં પૂર્વાનુમાનો અનુસાર, આ આંકડામાં વધારો થવાની શક્યતા છે. 2050 સુધીમાં પેનાઇલ કૅન્સરના કેસની સંખ્યામાં 77 ટકાથી વધુનો વધારો થવાનું તેનું અનુમાન છે.
આ ફેરફાર મહદઅંશે વૃદ્ધ વસ્તીને આભારી હોઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આયુષ્યના સાતમા દાયકામાં હોય તેવા પુરુષોમાં આ સમસ્યા સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે.
શું સાવચેતી રાખવી?

ઇમેજ સ્રોત, Getty Images
કાર્ડેરો કહે છે, “પેનાઇલ કૅન્સર એક દુર્લભ રોગ છે, પણ તેને અટકાવી શકાય છે. તમામ વયના પુરુષો દરરોજ અને સંભોગ પછી તેમનું લિંગ સાબુ તથા પાણી વડે સાફ કરે તે જરૂરી છે.”
તેઓ સલાહ આપે છે કે સેક્સ વખતે કૉન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ અને જે લોકોને ફીમોસિસ કે પેનિસના આગળના ભાગની ચામડીમાં છાલાં પડવાની બીમારી હોય તેમણે લિંગના આગળના ભાગને સર્જરીથી દૂર કરવો જોઈએ. તેનાથી પણ લિંગના કૅન્સરનું જોખમ ઓછું થઈ શકે છે.
હાલમાં જોઆઓ તેમના નવીન ટેસ્ટના પરિણામની રાહ જોઈ રહ્યા છે, જે તેમને આ વર્ષના અંતમાં મળશે. તેઓ કહે છે, “હું સાજો થઈ જઈશ એવું આ ટેસ્ટનું પરિણામ દર્શાવશે તેનો મને વિશ્વાસ છે.”
તેઓ કહે છે, “અંગ કપાવી નાખવાને કારણે પીડા દૂર થઈ ગઈ છે અને હવે મને બહુ સારું લાગે છે, પરંતુ બાકીનું જીવન મારે લિંગનો એક ભાગ ન હોવાની હકીકત સાથે વિતાવવું પડશે.”
બ્રિટનની કૅન્સર રિસર્ચ સોસાયટીના જણાવ્યા અનુસાર, જે પુરુષોમાં લિંગનું કૅન્સર જોવા મળે છે, તેમાં 90 ટકાથી વધુ લોકોમાં જે તે આસપાસની લીમ્ફ નોડ્સ (રોગપ્રતિકાર ગાંઠ) સુધી ફેલાયું ન હોય તો દર્દીઓ પાંચ વર્ષ કે તેથી વધુ સમય જીવતા રહે છે.
(ઍડિશનલ રિપોર્ટિંગઃ રોન કાર્વાલ્હો, બીબીસી બ્રાઝીલ)












