સિગારેટ કે બીડી પીનારની બાજુમાં રહેવાથી પણ કૅન્સર થાય?

ધૂમ્રપાનથી કૅન્સરનું જોખમ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સિરાજ
    • પદ, બીબીસી સંવાદદાતા

'ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે'. આ વાત તો સૌ કોઈ જાણે છે. ધૂમ્રપાન ફેફસાનું કૅન્સર, હૃદયરોગ અને લકવા જેવી બીમારીઓનું કારણ બની શકે છે.

સિગારેટનાં પૅકેટો પર મોટા અક્ષરોમાં ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું લખેલું હોય છે. તેમજ તમાકુની આદતથી થનાર નુકસાનની આપણે ટીવી અને સિનેમાઘરોમાં જાહેરાત પણ જોતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો કે જે લોકો જિંદગીમાં ક્યારેય પણ સિગારેટ નથી પીતા, તેઓ પણ ધૂમ્રપાનને લીધે આવી બીમારીઓની ચપેટમાં આવી શકે છે?

ધૂમ્રપાન કરનાર વ્યક્તિની આસપાસ રહેવાથી આવી બીમારીઓ થઈ શકે? આને સેકન્ડ હૅન્ડ સ્મૉકિંગ કે પૅસિવ સ્મૉકિંગ કહેવાય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર, વિશ્વમાં દર વર્ષે 80 લાખ લોકો તમાકુ સંબંધી આદતોને કારણે મૃત્યુ પામે છે. તમાકુવાળી ચીજોના પ્રત્યક્ષ સેવનથી 70 લાખ મૃત્યુ પામે છે. જ્યારે નિષ્ક્રિય ધૂમ્રપાનથી 10થી 13 લાખ લોકો મરે છે. તેમાં મોટા ભાગે મહિલાઓ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, કોઈ પણ પ્રકારના તમાકુની ટેવ આઘાત છે. આ સિવાય તમાકુની લત વૈશ્વિક રીતે સાર્વજનિક સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો છે.

સિગારેટ કે બીડી પીનાર દરેક વ્યક્તિ જાણે છે કે આની શરીર પર શું અસર થવાની છે. પણ શું ધૂમ્રપાન ન કરનાર વ્યક્તિ જાણે છે કે આનાથી તેમના શરીર પર શી અસર થાય છે? પોતાને કેવી રીતે બચાવવા અને સુરક્ષિત રાખવા?

નિષ્ક્રિય ધૂમ્રપાન એટલે શું?

મદ્રાસમાં અપોલો કૅન્સર સેન્ટરના ચિકિત્સક અને વરિષ્ઠ સલાહકાર અજય નરસિમ્હન કહે છે, "જો કોઈ વ્યક્તિ સીધી સિગારેટ પીવે તો એ સક્રિય ધૂમ્રપાન છે. પણ જો કોઈ વ્યક્તિ સિગારેટ પીનારની પાસે ઊભી હોય અને ધુમાડો લેતી હોય તો તેને નિષ્ક્રિય ધૂમ્રપાન કહેવાય છે."

"ધૂમ્રપાન કરનાર વ્યક્તિને જેટલું નુકસાન થાય એટલું જ નુકસાન તેની પાસે ઊભેલી વ્યક્તિને પણ થાય છે, જે ધુમાડો સૂંઘે છે. સ્વાભાવિક છે કે પતિને સિગારિટે પીવાની ટેવ હોય તો તેની સાથે રહેનાર પત્નીને પણ ખતરો હોઈ શકે છે."

ડૉ. નરસિમ્હને કહ્યું, "સિગારેટનો ધુમાડો વર્ષોથી શ્વાસમાં લેવાઈ રહ્યો છે, એ જાણ્યા વિના કે આ હાનિકારક છે. કરુણતા એ છે કે આ બધા નિષ્ક્રિય ધૂમ્રપાન કરનારા કોઈ પણ કારણ વિના સિગારેટનો દુષ્પ્રભાવ સહન કરે છે."

નિષ્ક્રિય ધૂમ્રપાનથી શું-શું બીમારીઓ થઈ શકે?

ધૂમ્રપાનથી કૅન્સરનું જોખમ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચિકિત્સાની ભાષામાં કહીએ તો તમાકુના સેવનથી ફેફસાનું કૅન્સર, તીવ્ર શ્વસન સમસ્યા, હૃદયરોગ, સ્ટ્રૉક, ગળાનું કૅન્સર, અસ્થમા વગેરે બીમારી થાય છે.

ઑન્કોલૉજિસ્ટ અનીતાનું કહેવું છે કે જો પરિવારમાં કોઈ ધૂમ્રપાન કરતું હોય તો તેની તેના પરિવાર પર ગંભીર નકારાત્મક અસર થઈ શકે છે.

તેઓ કહે છે, "કેટલાક મહિના પહેલાં એક મહિલા ફેફસાના કૅન્સરના ઈલાજ માટે મારી પાસે આવી હતી. તેની ઉંમર 45 વર્ષ છે. એક સ્કૅનમાં ફેફસામાં ઍડેનોકાર્સિનોમા (કૅન્સર)ની ખબર પડી હતી. ચોંકાવનારી વાત એ હતી કે તેણે પોતાની આખી જિંદગીમાં ક્યારેય ધૂમ્રપાન કર્યું નહોતું. પણ તેના પતિને ધૂમ્રપાનની ટેવ હતી. તેના પતિ મોટા ભાગે ઘરમાં રહેતા હતા અને ધૂમ્રપાન કરતા હતા."

"વર્ષો સુધી મહિલા ઘરમાં સિગારેટના ધુમાડાના સંપર્કમાં હતી અને તેને શ્વાસની સમસ્યા થઈ હતી, પણ તેણે ડૉક્ટરની સલાહ લીધી નહોતી."

ડૉ. અનીતા કહે છે, "એક દિવસ શ્વાસમાં તકલીફ થઈ તો ડૉક્ટરની સલાહ લીધી, પછી મારી પાસે આવી હતી. જ્યારે મેં તેના પતિને કહ્યું કે તમારી પત્નીના કૅન્સરનું કારણ તમે છો તો એ ચૂપ થઈ ગયા હતા. વિશ્વમાં અનેક મહિલાઓએ ક્યારેય સિગારેટને હાથ પણ નથી લગાડ્યો હોતો, તેને કૅન્સર, હૃદયરોગ, સ્ટ્રૉકનો સામનો કરવો પડે છે, કેમ કે તેમની આસપાસ બધા ધૂમ્રપાન કરતા હોય છે. તેઓ કોઈ પણ પસ્તાવા વિના સ્ટાઇલથી સિગારેટ પીવે છે."

"કોરોના દરમિયાન અનેક લોકો પોતાના ઘરમાં જ હતા. ઘણાં ઘરોમાં પતિ સિગારેટ કે બીડી પીતા હોય છે. એ સમયે તેમની પત્ની કે બાળકો પાસે ઊભાં રહીને વાતો કરતાં હોય છે. પરંતુ તેઓ જાણતા નથી આ કેટલું ખતરનાક છે. આથી દરેકે નિષ્ક્રિય ધૂમ્રપાન અંગે જાગરૂક થવું જોઈએ."

ડૉ. અજય નરસિમ્હન કહે છે, "ખાસ કરીને બાળકોમાં સિગારેટનો ધુમાડો શરીર પર પ્રતિકૂળ અસર કરે છે. ધુમાડામાં રહેલા નિકોટીનના અણુ ફેફસાં સુધી જાય છે અને શ્વસન પ્રણાલીને ગંભીર રીતે પ્રભાવિત કરે છે."

ધૂમ્રપાન કેટલું ઘાતક છે?

ધૂમ્રપાનથી કૅન્સરનું જોખમ

ઇમેજ સ્રોત, Getty Images

અનિચ્છનીય ધૂમ્રપાનથી શ્વાસ સંબંધી સમસ્યાઓ અને પીડિત લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ એ માટે અમે અદયાર કૅન્સર સેન્ટરમાં સાઇકો-ઑન્કોલૉજીના પ્રોફેસર સુરેન્દ્રન વીરૈયા સાથે વાત કરી હતી.

વીરૈયાએ કહ્યું, "ઘણા લોકો એ વાતને નજરઅંદાજ કરે છે કે તેમની અંદર તમાકુ સંબંધિત બીમારીનાં લક્ષણ હોય છે. પણ તેમની ખરાબ આદતો નથી હોતી. એટલા માટે નિષ્ક્રિય ધૂમ્રપાન કરતા અનેક લોકો બીમારી વધી જાય પછી જ ડૉક્ટર પાસે જાય છે."

"તમાકુનો ધુમાડો તરત ગાયબ થઈ જતો નથી, તે હવામાં રહે છે. રેસ્ટોરાં હોય, ઘર હોય કે ઑફિસ."

તેઓ ઉદાહરણ આપીને સમજાવે છે, "ટ્રેનોમાં ધૂમ્રપાન પ્રતિબંધિત છે. પણ કેટલાક લોકો શૌચાલયમાં જઈને સિગારેટ પીવે છે. બહાર આવ્યા પછી પણ ધુમાડામાં રહેલા ઝેરીલા અણુ મોજૂદ રહે છે. તેનો અર્થ એ કે ધુમાડામાંથી નીકળતો ઝેરી પદાર્થ દરેક જગ્યાએ ફેલાઈ જાય છે. ઘણા લોકો આ વાતને સમજવા માટે અસમર્થ હોય છે."

તેઓ વધુમાં કહે છે, "જો ગર્ભવતી મહિલા આ ધુમાડો પોતાની અંદર લે તો તેની સીધી અસર આવનાર બાળક પર પડે છે. લાંબા સમય સુધી શ્વાસ લેવાને કારણે પૂરા મહિના અગાઉ જ ડિલિવરી થઈ જાય છે. પેદા થનાર બાળકને પણ અનેક સમસ્યાઓ થાય છે. નિષ્ક્રિય ધૂમ્રપાન ફેફસાંના કૅન્સરથી લઈને હૃદયરોગ સુધી અનેક સમસ્યાનું કારણ બની શકે છે."

તેઓ કહે છે કે "આથી જો તમે એવી વ્યક્તિ સાથે હોવ જે ધૂમ્રપાન કરતી હોય તો તમારે ચોક્કસ મેડિકલ તપાસ માટે જવું જોઈએ."

સાવધાની શું રાખવી જોઈએ?

ધૂમ્રપાનથી કૅન્સરનું જોખમ

ઇમેજ સ્રોત, Getty Images

સુરેન્દ્રન વીરૈયા કહે છે, "ચાની કીટલી પર એક મિત્ર ધૂમ્રપાન કરે છે અને એક નથી કરતો, પણ તેની સાથે ચા પીવે છે અને વાતો કરે છે તો તેણે નિષ્ક્રિય ધૂમ્રપાન અંગે જાગૃતિ રાખવી જોઈએ. દરેકને એ ખબર હોવી જોઈએ કે સિગારેટ પીવી એ સારી વાત નથી."

"બાળકો અને મહિલાઓએ આ અંગે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ધૂમ્રપાનનાં જોખમ અંગે વૈજ્ઞાનિક પ્રમાણ છે, પણ લોકોમાં તેના અંગે એટલી જાગૃતિ નથી."

વીરૈયા કહે છે, "જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધિત કાયદો છે, પરંતુ તેનું સરળતાથી ઉલ્લંઘન કરાય છે. આથી દરેકે તેના અંગે જાગૃતિ રાખવી જોઈએ. દરેકને સ્વચ્છ હવાનો અધિકાર છે. આપણે તમાકુમુક્ત ભારત તરફ આગળ વધવું જોઈએ."

કાયદો શું કહે છે?

2014માં ભારતમાં તમાકુ સંબંધિત ચીજોના ઉપયોગ પર કાયદો બનાવાયો હતો. ત્યાર બાદ સિગારેટના પૅકેટ પર 'ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે' એવું લખેલું જોવા મળે છે.

જોકે સિગારેટ નિર્માતાઓએ સરકારના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 2016માં સુપ્રીમ કોર્ટે સરકારના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો.

ધૂમ્રપાનની આદત પર લગામ કસવા માટે અનેક રીતના પ્રતિબંધ લગાવેલા છે.

જેમ કે જાહેર સ્થળોએ ગુટખા ખાવા પર પ્રતિબંધ, સિગારેટ પીવા પર પ્રતિબંધ, તમાકુ પ્રોડક્ટની જાહેરાતો પર પ્રતિબંધ, 18 વર્ષથી ઓછી વયનાં બાળકોને તમાકુની ચીજવસ્તુઓ વેચવા પર પ્રતિબંધ, સ્કૂલો અને કૉલેજોની આસપાસ તમાકુની ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ.

બીબીસી
બીબીસી