વૃષણનું કૅન્સરનું કઈ ઉંમરે થઈ શકે અને તેનાં લક્ષણો શું હોય છે?

કૅન્સર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. દિલીપ નિકમ
    • પદ, કૅન્સર નિષ્ણાત
બીબીસી ગુજરાતી
  • સાધારણ રીતે લગભગ 90 ટકા ટેસ્ટિક્યુલર કૅન્સર જર્મ કોષમાંથી ઉદભવતું હોય છે
  • બાકીનું 10 ટકા કૅન્સર સેક્સ કોર્ડ-સ્ટ્રોમલ સેલ્સમાંથી કે જુદા-જુદા કોષોમાંથી વિકસતું હોય છે
  • વિશ્વમાં દર વર્ષે 50,000થી વધારે લોકોને ટેસ્ટિક્યુલર કૅન્સર થાય છે
  • એ પૈકીના લગભગ 10,000 લોકો ટેસ્ટિક્યુલર કૅન્સરને કારણે મૃત્યુ પામે છે
  • ભારતમાં એ પ્રમાણ અનુક્રમે 3,000 અને 1,500નું છે
  • ભારતમાં આ કારણે મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ વધારે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ રોગનું નિદાન પ્રારંભમાં જ નહીં, પરંતુ પછીના તબક્કે થાય છે
બીબીસી ગુજરાતી

ભારતમાં ક્રિકેટને ધર્મ ગણવામાં આવે છે અને ક્રિકેટરને ઈશ્વર. આપણે અજાણતા જ તેમને આદર્શ બનાવીને તેમનું અનુકરણ કરીએ છીએ. એવો જ એક ક્રિકેટર છે, જેમણે 2007માં ટી-20 અને 2011માં વર્લ્ડકપ જીતવામાં મદદ કરી હતી. તે ક્રિકેટર છે યુવરાજસિંહ.

તમે વિચારશો કે યુવરાજસિંહને આ લેખ સાથે શો સંબંધ છે? યુવરાજને ટેસ્ટિસ (વૃષણ)નું કૅન્સર થયું હતું અને ઉપચાર પછી હવે તે સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા છે.

એટલું જ નહીં, તેમણે ભારતીય ટીમમાં ફરીથી સ્થાન મેળવવા માટે ઘણી મહેનત કરી હતી અને ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પાકિસ્તાન સામેની મેચમાં એકલે હાથે શાનદાર બેટિંગ કરીને ભારતીય ટીમને જીત અપાવી હતી. યુવરાજે તેની એ ઈનિંગ્ઝ કૅન્સર સામે લડતા લોકોને સમર્પિત કરી હતી.

કૅન્સર થયું છે એ જાણીને યુવરાજ નિરાશ થયા ન હતા, પરંતુ કઠોર નિશ્ચયથી તેમણે તેના પર કાબૂ મેળવ્યો હતો અને કૅન્સરના અન્ય દર્દીઓ માટે દાખલો બેસાડ્યો હતો.

આપણે યુવરાજને માત્ર આદર્શ જ ન માનીને તેમના જીવનમાંથી કશું શીખવું પણ જોઈએ.

સવાલ એ છે કે પુરુષોને થતું ટેસ્ટિક્યુલર કૅન્સર ખરેખર શું છે?

પુરુષોમાં પ્રજનન માટે જરૂરી શુક્રાણુ અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ વૃષણમાં ઉત્પન્ન થાય છે. પુરુષના શરીરમાં બે અંડાશય હોય છે, જે અંડકોશમાં આવેલાં હોય છે અને અંડાશય ચામડીની કોથળીમાં હોય છે.

અંડાશયની અંદર શુક્રાણુ ઉત્પન્ન કરતા જર્મ સેલ એટલે કે સૂક્ષ્મ કોષો હોય છે અને તેને જરૂરિયાત અનુસાર કોષો એટલે કે સેક્સ કોર્ડ-સ્ટ્રોમલ સેલ્સ હોય છે.

આ બન્ને કોષમાંથી ટેસ્ટિક્યુલર કેન્સર થઈ શકે છે. સાધારણ રીતે લગભગ 90 ટકા ટેસ્ટિક્યુલર કૅન્સર જર્મ કોષમાંથી ઉદભવતું હોય છે. તેને જર્મ સેલ ટ્યૂમર કહેવામાં આવે છે.

બાકીનું 10 ટકા કૅન્સર સેક્સ કોર્ડ-સ્ટ્રોમલ સેલ્સમાંથી કે જુદા-જુદા કોષોમાંથી વિકસતું હોય છે.

વિશ્વમાં દર વર્ષે 50,000થી વધારે લોકોને ટેસ્ટિક્યુલર કૅન્સર થાય છે. એ પૈકીના લગભગ 10,000 લોકો ટેસ્ટિક્યુલર કૅન્સરને કારણે મૃત્યુ પામે છે.

આ જ રીતે ભારતમાં એ પ્રમાણ અનુક્રમે 3,000 અને 1,500નું છે. ઉપરોક્ત આંકડા પર નજર કરીએ તો સમજાય છે કે ભારતમાં આ કારણે મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ વધારે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ રોગનું નિદાન પ્રારંભમાં જ નહીં, પરંતુ પછીના તબક્કે થાય છે.

ગ્રે લાઇન

ટેસ્ટીઝ કૅન્સર થવાનું કારણ શું?

યુવરાજ

ઇમેજ સ્રોત, Getty Images

વૃષણના કૅન્સરનું ચોક્કસ કારણ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. ટેસ્ટિક્યુલર કૅન્સર સામાન્ય રીતે 15થી 35 વર્ષની વય વચ્ચેના સમયગાળામાં થતું હોય છે.

તેનાં કારણોમાં અનડિસેન્ડેડ ટેસ્ટીઝ અથવા આનુવાંશિકતા વગેરેનો પણ સમાવેશ થાય છે. અનડિસેન્ડેડ ટેસ્ટીઝ એટલે અંડકોષ પેટમાં જ્યાં બને છે ત્યાં જ અટકાયેલા રહે તે સ્થિતિ.

બીબીસી ગુજરાતી

વૃષણના કૅન્સરનાં લક્ષણ

ગ્રાફ

ટેસ્ટીઝ કૅન્સરનાં લક્ષણ અલગ-અલગ હોઈ શકે છે. તેમાં વૃષણમાં સોજો કે ગાંઠ, વૃષણમાં દુખાવો, પેટમાં દુખાવો, પેટમાં પાણી હોવું, શ્વાસ લેવામાં તકલીફ થવી. પાછળના ભાગમાં પીડા, ભૂખ ન લાગવી અને વજનમાં સતત ઘટાડો વગેરે જેવાં લક્ષણ જોવાં મળે છે.

એ લક્ષણ જોવાં મળે પછી કેટલાક ટેસ્ટ કરાવવા પડે છે. તેમાં રક્ત તપાસણી, છાતીનો એક્સરે, સોનોગ્રાફી, સીટી સ્કેન અને એચસીજી, એએફપી, એલડીએચ અથવા રક્ત પરીક્ષણ વગેરે કરાવવું પડે છે.

એ સિવાય ઇંગ્વાયનલ ઓરિકિડેક્ટોમી કરીને રોગ તથા તેના ચોક્કસ પ્રકારનું નિદાન કરવા માટે વૃષણને હટાવી દેવામાં આવે છે. ઇંગ્વાયનલ ઓરિકિડેક્ટોમીમાં પેટમાં ઑપરેશન કરીને વૃષણને અંદરના ભાગમાંથી હટાવવામાં આવે છે.

ગ્રે લાઇન

વૃષણના કૅન્સરનો ઉપચાર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આગળ જણાવ્યું તેમ વૃષણનું કૅન્સર મુખ્યત્વે જર્મ સેલમાંથી ઉત્પન્ન થાય છે. તેના બે પેટા પ્રકાર – સેમિનોમા અને નોન-સેમિનોમા હોય છે.

વૃષણના કૅન્સરનો ઉપચાર સર્જરી, કીમોથૅરપી, રેડિયોથૅરપી જેવી વિવિધ ઉપચાર વિધિ દ્વારા કરવામાં આવે છે.

આ રોગના દર્દીનું સંપૂર્ણપણે સાજા થઈ જવાનો દર બહુ સારો છે. તેનો આધાર રોગના પ્રકાર, અવસ્થા, આકાર, પેટમાં ગાંઠ તથા એચસીજી, એએફપી, અને એલડીએચ વગેરે પર હોય છે.

વૃષણનું કૅન્સર એક એવી બીમારી છે, જે સામાન્ય રીતે 15થી 35 વર્ષના સમયગાળામાં થાય છે.

આ રોગનો દર્દી ઈલાજ દરમિયાન સંતાનનો પિતા ન બની શકે તેવી શક્યતા હોય છે. તેથી ડૉક્ટરની સલાહ લઈને દર્દીને તેના શુક્રાણુ સ્પર્મ બૅન્કમાં જમા કરાવવાની સલાહ આપવામાં આવતી હોય છે.

બીબીસી ગુજરાતી

ઇંગ્વાયનલ ઓરિકિડેક્ટૉમી સર્જરી

રોગને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે દર્દીના શરીરમાંથી શસ્ત્રક્રિયા મારફત રોગગ્રસ્ત અંડાશય કાઢી નાખવું જરૂરી છે.

તે અંડાશયને પેથોલૉજિસ્ટ પાસે મોકલવામાં આવે છે અને તેના રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવે છે કે દર્દીને કોઈ ઉપચારની જરૂર છે કે નહીં.

સેમિનોમા

આ પ્રકારનું કૅન્સર મુખ્યત્વે વૃષણ કે ક્યારેક મીડિયાસ્ટિનમમાં જોવા મળે છે. ક્લાસિક સેમિનોમામાં એચસીજી, એએફપીમાં વૃદ્ધિ થતી નથી.

આ રોગ કીમોથૅરપી અને રેડિયોથૅરપી પ્રત્યે અતિ સંવેદનશીલ હોવાથી તેનો સંપૂર્ણ ઈલાજ કરી શકાય છે. રોગ પ્રસરી ગયો હોય તો પણ દર્દીને સાજો કરી શકાય છે.

સર્જરી કરીને રોગગ્રસ્ત અંડાશયને હટાવ્યા પછીના પ્રથમ ચરણમાં દર્દીને કોઈ ઉપચારની જરૂર પડતી નથી.

બીબીસી ગુજરાતી

નોન-સેમિનોમા

નોન-સેમિનોમા કૅન્સરનું પૅથૉલૉજી અને એચસીજી, એએફપી અનુસાર એમ્બ્રિઓનલ, કોરિઓકાર્સિનોમા, યોક સેક ટ્યૂમર, ટેરાટોમા વગેરે સ્વરૂપમાં વર્ગીકરણ કરવામાં આવે છે.

તેના ઉપચારમાં માત્ર સર્જરી, કીમોથૅરપીનો જ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રેડિયોથૅરપીની જરૂર પડતી નથી.

કોરિઓકાર્સિનોમા અત્યંત આક્રમક બીમારી છે, તે ફેફસાં અને મગજમાં ફેલાઈ શકે છે. તેથી કીમોથૅરપી વડે ઉપચાર શરૂ કરવો પડે છે.

(લેખક મુંબઈની બૉમ્બે હૉસ્પિટલમાં કૅન્સર નિષ્ણાત તરીકે કાર્યરત છે)

રેડ લાઇન
રેડ લાઇન