કૅન્સર હોવા છતાં ગર્ભાશયને નુકસાન ન થાય અને મહિલા માતા કેવી રીતે બની શકે?

એન્જેલિકા હોડેકર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બ્રુના એલ્વેસ
    • પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ
ગ્રે લાઇન

કૅન્સર એવો રોગ નથી, જે વંધ્યત્વનું કારણ બને છે, સિવાય કે તેણે પ્રજનન અંગોને ખાસ અસર કરી હોય. અલબત્ત, રેડિયેશન થૅરપી સારવારથી એગ્સ ખતમ થઈ શકે અથવા તે વિસ્તારના અન્ય હિસ્સાને નુકસાન થઈ શકે છે અને તે વંધ્યત્વનું કારણ બની શકે છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને પરાના (બ્રાઝિલ)ની ઇન્સ્ટિટ્યૂટ ઑફ રોબૉટિક સર્જરીના સંશોધક અને ઓન્કોલૉજી સર્જન રેઇટન રિબેરોએ એક પ્રાયોગિક તકનીક વિકસાવી છે, જે વિશ્વભરમાં ગર્ભાશયના સ્થાનાંતર તરીકે જાણીતી બની છે.

તેનો હેતુ કૅન્સરની સારવાર માટે રેડિયો થૅરપી લેતી સ્ત્રીઓની પ્રજનનક્ષમતા જાળવી રાખવાનો છે.

સંશોધન સંબંધી નીતિ-નિયમો હેઠળની આ પ્રક્રિયામાં પ્રજનનઅંગોને થૅરપી દરમિયાન સલામત રાખવા માટે પેટની ઉપરના ભાગમાં સ્થાનાંતરિત કરવાનો સમાવેશ થાય છે.

સારવારને અંતે ગર્ભાશય, ફેલોપિયન ટ્યૂબ અને અંડાશયને તેના મૂળ સ્થાને પાછા ગોઠવી દેવામાં આવે છે.

આ પ્રક્રિયાના એક લાભાર્થી 33 વર્ષની વયનાં મેક-અપ આર્ટિસ્ટ કેરેમ ડોસ સેન્ટોસ હતાં.

તેમના પેડુમાં લિપોસરકોમા (ચરબીયુક્ત પેશીઓમાંથી ઉદભવતી એક ગાંઠ) હોવાનું જૂન, 2018માં જાણવા મળ્યું હતું. તેની સારવાર ભાગરૂપે તેમણે કૅન્સરના કોષોના નિવારણ માટે જરૂરી રેડિએશન થૅરપી લેવી પડે તેમ હતી.

રેડિએશનની અસર તેમના ગર્ભાશય પર થશે અને ભવિષ્યમાં તેઓ ગર્ભ ધારણ નહીં કરી શકે તેવી શંકા હતી.

33 વર્ષીય મેક-અપ આર્ટિસ્ટ કેરેમ ડોસ સેન્ટોસ

ઇમેજ સ્રોત, PERSONAL FILE

ઇમેજ કૅપ્શન, 33 વર્ષીય મેક-અપ આર્ટિસ્ટ કેરેમ ડોસ સેન્ટોસ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેરેમ ડોસ સેન્ટેસે કહ્યું હતું કે “મારો કોઈ બૉયફ્રેન્ડ કે સંતાનો ન હતાં. હું 30 વર્ષની થઈ પછી સંતાનને જન્મ આપવા ઇચ્છતી હતી. તેથી લિપોસરકોમાના સમાચાર મારા માટે પીડાદાયક હતા અને રેડિયો થૅરપી ડૉક્ટરે મને વિચારવાનો સમય આપ્યો હતો.”

એ સમય દરમિયાન તેમને ગર્ભાશય સ્થાનાંતર તકનીક વિશે જાણવા મળ્યું હતું. ક્યુરીટીબામાં હાથ ધરવામાં આવેલા તેના પ્રયોગનો હેતુ અનુગામી ગર્ભાવસ્થા માટે ગર્ભાશયને જાળવી રાખવાનો હતો.

કેરેમ ડોસ સેન્ટેસે કહ્યું હતું કે “તે તકનીક અભ્યાસના તબક્કમાં છે અને કોઈ મહિલા ગર્ભવતી થઈ નથી. તેથી હું ભવિષ્યમાં ગર્ભવતી થઈશ એવી ખાતરી તેઓ આપી શકે તેમ નથી એવું ડૉક્ટરે મને પ્રામાણિકપણે જણાવ્યું હતું, પરંતુ મેં મારી જાતની વાત સાંભળી હતી અને સર્જરી કરાવી હતી.”

કેરેમને યાદ છે કે શસ્ત્રક્રિયા પછીનો પખવાડિયાનો સમયગાળો બહુ પીડાદાયક હતો. બીજી કોઈ સમસ્યા સર્જાઈ ન હતી. રેડિયો થૅરપીની સેશન્શના ત્રણ મહિના પછી તેમનાં અંગો મૂળ સ્થાને ગોઠવી દેવામાં આવ્યાં હતાં.

સમય જતાં એવું જાણવા મળ્યું હતું કે તેમના ફેફસાની ઉપરના ભાગમાં અને ફેફસામાં કૅન્સરની બે વધુ ગાંઠ છે. તેમણે તેની સંબંધિત સારવાર કરાવી હતી. કેરેમે કહ્યું હતું કે “2021માં હું મારા પતિને મળી હતી અને તેઓ આ પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા હતા ત્યારે મને ખબર પડી હતી કે હું ગર્ભવતી છું.”

“આજે હું તેમને જોઉં છું તો લાગે છે કે એ મારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો, કારણ કે હું માતૃત્વના પ્રેમમાં પડી ગઈ હતી. મારા માટે હિંમત તથા વિશ્વાસ મહત્ત્વનાં હતાં અને તેના વિશે વાત કરવી જરૂરી હતી, કારણ કે માતા બનવાનું સપનું દરેક સ્ત્રીનું હોય છે,” એમ તેમણે ઉમેર્યું હતું.

ગ્રે લાઇન

સર્વાઇકલ કૅન્સર

બીમારીના નિદાન બાદ એક વર્ષ પછી એન્જેલિકા ગર્ભવતી થયાં હતાં

ઇમેજ સ્રોત, PERSONAL FILE

ઇમેજ કૅપ્શન, બીમારીના નિદાન બાદ એક વર્ષ પછી એન્જેલિકા ગર્ભવતી થયાં હતાં

33 વર્ષની વયનાં નવપરિણીતા હેરડ્રેસર એન્જેલિકા હોડેકર અઝમ્બુજાને સર્વાઇકલ કૅન્સર થયું હોવાનું નિદાન 2020માં થયું હતું.

એન્જેલિકાએ કહ્યું હતું કે “ડૉક્ટરે પહેલાં તો ગર્ભાશય, અંડાશય અને ફેલોપિયન ટ્યૂબ કાઢી નાખવાનું સૂચન કર્યું હતું, પરંતુ મને ગર્ભાશય ગ્રીવા (સર્વિક્સ)માં કૅન્સર થયું હોવાથી તેની અસર અન્ય અવયવોને થઈ ન હતી. તેમ છતાં મેં અનુમાન કર્યું હતું.”

એન્જિલિકાના જણાવ્યા મુજબ, શરૂઆતમાં તો આ સમાચાર ગળે ઉતારવાનું બહુ મુશ્કેલ હતું. બીમારી ઉપરાંત ભવિષ્યમાં માતા બનવાનું સપનું પણ તેઓ સાકાર કરી શકાય તેમ ન હતું.

એન્જેલિકાએ કહ્યું હતું કે “હું જાણે કે બરબાદ થઈ ગઈ હતી, કારણ કે કોઈ સ્ત્રી માતા બનવા ન માગતી હોય તો ઠીક છે, પરંતુ તમે માતા બની શકશો નહીં, એવું કોઈ તમને કહે ત્યારે તમારી પાસે કોઈ વિકલ્પ હોતો નથી. તેની ખરેખર માઠી અસર થાય છે.”

સર્વિક્સનો હિસ્સો દૂર કરવાનું ઑપરેશન કરવામાં આવ્યું એ પછી મુશ્કેલ નિર્ણય લેવાની ઘડી આવી હતી.

એન્જેલિકાએ કહ્યું હતું કે “મેં ગર્ભવતી થવાની સારવાર લેવામાં વિલંબ કર્યો હતો અથવા તો મેં બાળકને જન્મ આપવાની તક ગુમાવી દીધી હતી, કારણ કે મારે રેડિએશન થૅરપી લેવી પડી હતી.”

 2022માં એન્જેલિકાને કુદરતી રીતે ગર્ભાધાન થયું હતું

ઇમેજ સ્રોત, PERSONAL FILE

ઇમેજ કૅપ્શન, એન્જેલિકાને એવું લાગતું કે તેઓ કૅન્સરપીડિત છે, માટે બાળકને જન્મ નહીં આપી શકે

જોકે, એન્જેલિકા તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલા વિકલ્પોથી સંતુષ્ટ ન હતાં એટલે તેઓ અન્ય વિકલ્પની શોધમાં નીકળી પડ્યાં હતાં. એ વખતે તેમને ગર્ભાશય સ્થાનાંતર તકનીક વિશે જાણવા મળ્યું હતું. એન્જેલિકાએ કહ્યું હતું કે “પહેલી નજરે મને તે અસલામત લાગી હતી, કારણ કે તે અભ્યાસ નવોસવો હતો અને તે અસરકારક છે કે કેમ તે હું જાણતી ન હતી.”

તેમ છતાં એન્જેલિકાએ ગર્ભાશય સ્થાનાંતર કરાવ્યું હતું અને પખવાડિયા પછી તેમણે કેમો થૅરપી અને રેડિયો થૅરપીની સારવાર લીધી હતી.

એન્જેલિકાએ કહ્યું હતું કે “કેમો અને રેડિયો થૅરપી સમાપ્ત કર્યાના એક સપ્તાહ બાદ માર્ચમાં મેં ફરી ટ્રાન્સપોઝિશન ઑપરેશન કરાવ્યું હતું. તે બહુ સારી રીતે પાર પડ્યું હતું. હું બહુ સારી રીતે રિકવર પણ થઈ હતી.”

રોગનું સંપૂર્ણપણે નિવારણ થઈ ગયું હોવાનું ઑક્ટોબર, 2021માં જણાવવામાં આવ્યું પછી એન્જેલિકાએ સંતાનપ્રાપ્તિના પ્રયાસનો નિર્ણય કર્યો હતો અને આશ્ચર્યજનક વાત એ હતી કે તે પછીના વર્ષે જ એન્જેલિકાને કુદરતી રીતે ગર્ભાધાન થયું હતું.

પાંચ મહિનાની ઇસાબેલનાં માતા એન્જેલિકાએ કહ્યું હતું કે “મારા માટે ગર્ભાશયનું સ્થાનાંતર શ્રેષ્ઠ વિકલ્પ હતો અને મેં તથા મારા પતિએ ઉત્તમ નિર્ણય કર્યો હતો.”

ગ્રે લાઇન

ગર્ભાશયનું સ્થાનાંતર કેવી રીતે કરવામાં આવે છે?

ગર્ભાશય

ઇમેજ સ્રોત, Getty Images

તે રોબૉટિક ટેક્નોલૉજી વડે કરવામાં આવતી બહુ ઓછી વાઢકાપ સાથેની સર્જરી છે. તેમાં ગર્ભાશય, ફેલોપિયન ટ્યૂબ અને અંડાશયને મૂળ સ્થાનેથી દૂર કરીને પેટની ઉપરના ભાગમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, જેથી રેડિયો થૅરપી સારવાર દરમિયાન તેમને નુકસાન ન થાય.

તેનું કારણ એ છે કે રેડિયો થૅરપી ગર્ભાશય તરફ નિર્દેશિત ન હોય તો પણ તેની આડઅસર એગ્સ પર થાય છે, જે વંધ્યત્વ અથવા વહેલી રજોનિવૃત્તિનું કારણ બની શકે છે.

આ તકનીક વિકસાવી છે તે બ્રાઝિલના સર્જન રિબેરોના જણાવ્યા મુજબ, સર્જરી ઓછી જોખમી હોય છે અને દર્દીઓને સામાન્ય રીતે શસ્ત્રક્રિયાના એક કે બે દિવસ પછી રજા આપી દેવામાં આવે છે.

શસ્ત્રક્રિયા પછી દર્દીને પીડા કે અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે, તેવું જણાવતાં રિબેરોએ ઉમેર્યું હતું કે “ગર્ભાશય અસ્થાયી રૂપે અસામાન્ય સ્થિતિમાં હોવા છતાં તેઓ રાબેતા મુજબનું જીવન જીવી શકે છે.”

સ્થાનાંતર છતાં ગર્ભાશય અને અંડાશય રાબેતા મુજબ કાર્યરત રહે છે. રેડિયો થૅરપીના અંતે પ્રજનન અંગોને ફરી તેમના મૂળ સ્થાને ગોઠવી દેવામાં આવે છે.

ગુદામાર્ગ, આંતરડા, મૂત્રાશય, યોનિ, યોનિમુખના કૅન્સર અને સાર્કોમાના કેસમાં ગાંઠોની સારવાર માટે રેડિએશન થૅરપીની જરૂર હોય તેવા દર્દીઓને ટ્રાન્સપોઝિશનની ભલામણ કરવામાં આવે છે. સાર્કોમા સ્નાયુ, ચરબી કે રજ્જૂ જેવી નરમ પેશીઓમાંની જીવલેણ ગાંઠ હોય છે અને તેના માટે રેડિએશનની થોડી સારવાર પણ વંધ્યત્વ માટે પૂરતી હોય છે.

આલ્બર્ટ આઈનસ્ટાઈન ઇઝરાયલી હૉસ્પિટલ ખાતે ગાયનેકોલૉજીમાં રોબૉટિક સર્જરી પ્રોગ્રામના સંયોજક રેનાટો મોરેટી માર્ક્સના જણાવ્યા મુજબ, ટ્રાન્સપોઝિશન હંમેશાં આસાન હોતું નથી.

વિલા સાન્ટા કેટરીના મ્યુનિસિપલ હૉસ્પિટલમાં ગાયનેકોલૉજિકલ ઓન્કોલૉજી વિભાગના સંયોજક તરીકે પણ કામ કરતા માર્કસે કહ્યું હતું કે “કૅન્સરની અસર ગર્ભાશય, ફેલોપિયન ટ્યૂબ અને અંડાશયમાં ન થઈ હોય તે જરૂરી છે. દર્દીમાં કાર્યરત અંડાશય ન હોય તો ગર્ભાશયનું સ્થાનાંતર શક્ય નથી, કારણ કે અન્ય કોઈ રીતે તેનું પોષણ શક્ય નથી. કોઈ સ્ત્રીએ પેલ્વિક રેડિયો થૅરપી લીધી હોય તો પણ આ સર્જરી કરવી શક્ય નથી.”

ગ્રે લાઇન

પ્રાયોગિક તબક્કામાં ગર્ભાશયનું સ્થાનાંતર

ગર્ભાશય

ઇમેજ સ્રોત, Getty Images

આવી ઘણી સર્જરી કરવામાં આવી હોવા છતાં ગર્ભાશયનું સ્થાનાંતર હજુ પણ પ્રાયોગિક અભ્યાસના તબક્કામાં છે.

ઇન્ટરનેશનલ ગાયનેકોલૉજિક ઓન્કોલૉજી કૉંગ્રેસમાં 2016માં એ તકનીક રજૂ કરવામાં આવી હતી અને તેના અભ્યાસના પ્રકાશનની તૈયારી ચાલી રહી છે.

આવી પ્રથમ સર્જરી ડૉક્ટર અને સંશોધક રીટેન રિબેરો દ્વારા ઑક્ટોબર, 2015માં બ્રાઝિલમાં કરવામાં આવી હતી. ત્યારપછી જર્મની, રશિયા, આર્જેન્ટિના, કોલંબિયા, અમેરિકા અને ઇઝરાયેલ જેવા દેશોમાં પણ કરવામાં આવતી રહી છે.

સંખ્યાબંધ દર્દીઓએ આવી સર્જરી કરાવી છે અને માત્ર બ્રાઝિલમાં જ 20 સર્જરી કરવામાં આવી છે.

અલબત્ત, કેટલાક નિષ્ફળ કેસ પણ જોવા મળ્યા છે, જેમાં ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામી જવાને કારણે દર્દીના અંગને પોષણ મળતું બંધ થવાથી ગર્ભાશયની પેશીઓનો ક્ષય થયો હતો.

માર્ક્સે કહ્યું હતું કે “રેડિયો થૅરપીને કારણે સ્ત્રી આમ પણ ગર્ભાશયને ગુમાવવાની હોય છે ત્યારે આ સર્જરી પ્રજનન અંગને સાચવવાની એક તક જરૂર છે.”

આ દર્દીઓ સાથે હાથ ધરવામાં આવતા પ્રાયોગિક અભ્યાસનો લાંબા ગાળાનો ત્રીજો તબક્કો છે.

રિબેરોએ કહ્યું હતું કે “અમે અનેક દર્દીઓના લાંબા ગાળાના મૂલ્યાંકન સાથેના અભ્યાસના ત્રીજા તબક્કામાં છીએ. એવા મહિલા દર્દીઓ પણ છે કે જેમણે હજુ સુધી ગર્ભવતી થવાનો પ્રયાસ સુધ્ધાં કર્યો નથી, કારણ કે તેઓ નાની વયની છે.”

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે ઓન્કોલૉજીનો ઉદ્દેશ માત્ર દર્દીઓના સાજા કરવાનો નથી, પરંતુ મહિલા દર્દી સારવાર પછી પણ અગાઉના જેવું જ જીવન જીવી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. ટ્રાન્સપોઝિશન સર્જરીના અભ્યાસનું મુખ્ય કારણ એ છે.

તેમણે કહ્યું હતું કે “દસ વર્ષ પહેલાં આપણે કોઈ પણ ભોગે કૅન્સરના ઇલાજના પ્રયાસ કર્યા હતા અને ઘણું પાપ પણ કર્યું. આજે અમારો ઉદ્દેશ કૅન્સરના દર્દીના ઇલાજનો જ નથી. તેઓ સામાન્ય જીવન જીવતા થાય તેના પ્રયાસ કરીએ છીએ.”

રેડ લાઇન
રેડ લાઇન