તમારો ખોરાક ગર્ભધારણની તમારી ક્ષમતા પર કેવી અસર કરી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેસિકા મુદ્દિત
- પદ, બીબીસી ફ્યુચર
સોશિયલ મીડિયા પર જો તમે ઇનફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ વિશે થતી ચર્ચા જોઈ હશે તો સૌથી વધારે જે વિષય પર ચર્ચા થાય છે તે છે ગર્ભવતી થવા માટે કેવો આહાર લેવો જોઈએ.
પ્રજનન ક્ષમતા વધારવા માટે ઉપયોગી સંખ્યાબંધ સપ્લીમેન્ટ્સ ઉપરાંત એવા અનેક આહાર છે, જે તંદુરસ્ત ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.
તમામ દાવાઓ અને માર્કેટિંગ વચ્ચે એ જાણવું જરૂરી છે કે પુરુષ તથા મહિલાની પ્રજનનક્ષમતા વધારવામાં તેમજ વિકસતા ગર્ભને આધાર આપવામાં અમુક આહાર ઉપયોગી સાબિત થતો હોવાના કોઈ નક્કર પુરાવા છે ખરા?
તંદુરસ્ત ગર્ભાવસ્થા અને ગર્ભને આધાર આપવા માટે ફૉલિક એસિડ જેવા અમુક પોષક તત્ત્વો નિશ્ચિત રીતે ઉપયોગી છે.
ગર્ભાવસ્થા પહેલાં અને ગર્ભાવસ્થા દરમિયાન તે લેવામાં આવે ત્યારે બાળકના મગજમાંની તેમજ કરોડરજ્જૂ સંબંધી જન્મજાત ખામીના નિવારણમાં ઉપયોગી થતું હોવાનું સાબિત થયું છે.
આ ખામીઓ ગર્ભાવસ્થાના પહેલાં તબક્કામાં જ આકાર પામતી હોય છે.
તેથી પ્રજનનક્ષમ વયની તમામ મહિલાઓએ દરરોજ 400 માઈક્રોગ્રામ ફૉલિક એસિડ લેવું જોઈએ, તેવી ભલામણ અમેરિકન સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન કરે છે.
ફૉલિક એસિડ ઉપરાંત ધાન્ય, કઠોળ જેવી મુખ્ય આહારસામગ્રી વધુ શક્તિશાળી સલામતી પ્રદાન કરી શકે છે, કારણ કે મોટાભાગની પ્રેગ્નેન્સી આયોજન અનુસારની હોતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક અંદાજ મુજબ, યોગ્ય પ્રમાણમાં આહારમાં ફૉલિક એસિડ લેવાને કારણે બાળકના મગજમાંની તેમજ કરોડરજ્જૂ સંબંધી જન્મજાત ખામીના 22 ટકા કેસનું નિવારણ વૈશ્વિક સ્તરે કરી શકાયું હતું.
ફૉલિક એસિડનો એક અન્ય લાભ પણ છે. ગર્ભવતી થવાનો પ્રયાસ કરતી મહિલાઓ તેનો ઉપયોગ સપ્લીમેન્ટ તરીકે કરે છે ત્યારે તેનાથી ગર્ભધારણ કરવાની સંભાવનામાં વધારો થતો હોય છે. જોકે, આ બાબતની પુષ્ટિ માટે વધારે પરીક્ષણો જરૂરી છે.

ફર્ટિલિટી ડાયટ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અન્ય ખોરાક અને સપ્લીમેન્ટ્સનું શું? મહિલા માટે ગર્ભધારણની શક્યતા વધારી શકે તેવી ફર્ટિલિટી ડાયટ તેવી કોઈ વસ્તુ છે ખરી?
આ સવાલનો જવાબ એ છે કે તે વંધ્યત્વનાં મુખ્ય કારણોના નિવારણમાં મદદરૂપ થાય છે.
અમેરિકામાં એક વર્ષ સુધી અસુરક્ષિત સંભોગ કરતાં યુગલો પૈકીના 15 ટકા કિસ્સામાં ગર્ભધારણ થતો નથી.
તેના સંભવિત કારણો ઘણાં છે. મહિલાની વાત કરીએ તો તેમનું અંડાશય તંદુરસ્ત એગ્ઝ ઉત્પન્ન કરવામાં અસમર્થ હોઈ શકે અથવા તે એગ્ઝ અંડાશયમાંથી ગર્ભાશય સુધી પહોંચવામાં અસમર્થ હોય.
ફેલોપિયન ટ્યુબમાં અવરોધને કારણે એવું બની શકે છે. તે એગ્ઝ સફળતાપૂર્વક આગળ વધે તો પણ તે ગર્ભાશયની દિવાલ સાથે ચોંટેલા રહી ન શકે અથવા ચોંટી ગયા પછી લાંબો સમય ટકી ન શકે એવું પણ બની શકે છે.
પુરુષોની વાત કરીએ તો તેમના વીર્યની ગુણવત્તા પ્રજનન ક્ષમતા માટે નિર્ણાયક હોય છે. તેમાં તેમની આગળ વધવાની ગતિ, તેમનો આકાર તથા કદ અને તેના સ્પર્મ કાઉન્ટનો સમાવેશ થાય છે. વીર્યની ગુણવત્તા પર અનેક બાબતો અસર કરતી હોય છે. તેમાં પ્રદૂષણ જેવી પર્યાવરણીય સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે. અનેક પરીક્ષણ કર્યા પછી પણ આશરે 15 ટકા કિસ્સામાં વંધ્યત્વનું સ્પષ્ટ કારણ જાણી શકાતું નથી.
કોઈ આહાર કે સપ્લીમેન્ટ આવી સંભવિત સમસ્યાનું નિરાકરણ હોઈ શકે નહીં ત્યારે નિષ્ણાતો જણાવે છે કે ગર્ભધારણ કરવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન અને તે પછી પણ આહાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

બાળકો પરનો ખતરો
સારું પોષણ મેળવવું તે સૌથી મહત્વની બાબત છે. બાળકના જન્મ પહેલાંના સ્વાસ્થ્ય માટે કુપોષણ વિનાશક પૂરવાર થઈ શકે છે.
આ સંબંધે સૌથી વધારે જાણીતા તારણ 1944ના કથિત ડચ હંગર વિન્ટર દરમિયાન ગર્ભમાં આકાર પામેલાં બાળકો વિશેના અભ્યાસના છે. નાઝીઓએ બીજા વિશ્વ યુદ્ધના અંતે નેધનરલેન્ડ્ઝ માટેનો ખાદ્ય પુરવઠો બંધ કરી દીધો હતો.
તેને લીધે આઠ માસનો દુકાળ સર્જાયો હતો. એ સમયે ગર્ભવતીઓએ દૈનિક માત્ર 400 કૅલેરી મળે તેટલા ખોરાક પર નિર્ભર રહેવું પડ્યું હતું.
સ્વસ્થ ગર્ભાવસ્થા માટે જરૂરી પોષણના પ્રમાણમાં 400 કૅલેરી અત્યંત ઓછી છે.
એ સમયગાળા દરમિયાન ગર્ભમાં આકાર પામેલાં બાળકોએ આરોગ્ય સંબંધી સંખ્યાબંધ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
એ બાળકો તેમનાં પહેલાં જન્મેલાં બાળકોની સરખામણીએ ટૂંકા કદનાં અને પાતળાં હતાં અથવા તેમનાં મસ્તક બહુ નાનાં હતાં.
પુખ્તાવસ્થામાં તેમનામાં સ્થૂળતા, ડાયાબિટીસ અને સ્કિઝોફ્રેનિયા જેવી બિમારી વધારે પ્રમાણમાં જોવા મળી હતી તથા એવાં બાળકો નાની ઉંમરે મૃત્યુ પામતાં હતાં.
જેઓ પૂરતા પ્રમાણમાં આહાર કરી શકે છે તેમના માટે પણ આહારમાં યોગ્ય પ્રમાણમાં પોષક તત્ત્વોનું મિશ્રણ હોવું જરૂરી છે.
ફાયદાકારક આહારની વાત આવે ત્યારે મહિલાની પ્રજનનક્ષમતાના સંદર્ભમાં જ મોટાભાગે ચર્ચા થતી હોય છે ત્યારે આહાર પુરુષની પ્રજનનક્ષમતા પર કેવી રીતે અસર કરી શકે તે બાબતે પણ જાગૃતિ વધી રહી છે.
સંતાનપ્રાપ્તિ માટેની ઇનવિટ્રો ફર્ટિલાઈઝેશન પ્રોસેસ કરાવતા યુગલોને આવરી લેતા 2015ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પુરુષો દ્વારા માંસનો વપરાશ અને ખાસ કરીને તેઓ જે પ્રકારના માંસનો આહાર કરે છે તેની અસર પરિણામમાં જોવા મળે છે.
તેનું મૂલ્યાંકન ગર્ભાધાન દર દ્વારા કરવામાં આવે છે. વધારે પ્રમાણમાં પોલ્ટ્રી પ્રોડક્ટ ખાવાની ગર્ભાધાન દર પર હકારાત્મક અસર જોવા મળી હતી, જ્યારે પ્રોસેસ્ડ માંસના આહારની નકારાત્મક અસર જોવા મળી હતી.
જે પુરુષો ઓછા પ્રમાણમાં પ્રોસેસ્ડ માંસ ખાતા હતા તેમની મહિલા પાર્ટનરના ગર્ભવતી થવાની 82 ટકા શક્યતા જોવા મળી હતી, જ્યારે વધુ પ્રમાણમાં પ્રોસેસ્ડ માંસ ખાતા પુરુષોના સંદર્ભમાં તે પ્રમાણ 54 ટકા નોંધાયું હતું.

પિતાના સ્વાસ્થ્ય અને ટેવોની બાળક પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
મહિલા ગર્ભવતી થાય પછી પણ પિતાના આહારની ગર્ભમાંના બાળક પર આડકતરી અસર થઈ શકે છે.
ઑસ્ટ્રેલિયાની ક્વિન્સલૅન્ડ યુનિવર્સિટીના સંશોધકોની આગેવાની હેઠળના એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે પિતાના આહારની અસર ગર્ભમાંના બાળકના ભાવિ સ્વાસ્થ્ય પર કાયમી અસર થતી હોય છે.
ઑસ્ટ્રેલિયાની બ્રિસ્બેન ખાતેની સૌથી મોટી મેટરનિટી હૉસ્પિટલ મેટર મધર્સ હૉસ્પિટલમાં પ્રસૂતિ પૂર્વેની સારવાર લેતા લગભગ 200 યુગલના આહારની માહિતીનું વિશ્લેષણ સંશોધકોની આ ટુકડીએ કર્યું હતું.
અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે મહિલાના આહાર કરતાં પુરુષોના આહારની વધુ અસર થઈ હતી અને તેનો પ્રભાવ ગર્ભમાં વિકસી રહેલા સંતાન પર જોવા મળ્યો હતો. અન્ય અભ્યાસો સૂચવે છે કે પિતાના વજનની પણ બાળકના વજન પર અસર થતી હોય છે.
ક્વીન્સલૅન્ડ યુનિવર્સિટીના અભ્યાસના લેખકો પૈકીના એક અને આહારશાસ્ત્રી શેલી વિલ્કિન્સને કહ્યું હતું કે "પ્રજનનક્ષમતાના સંદર્ભમાં પુરુષના સ્વાસ્થ્ય તથા પોષણની અવગણના કરવામાં આવે છે, પરંતુ તે બહુ જ મહત્ત્વપૂર્ણ છે. તેની પુરુષનાં પૌત્રો-પૌત્રીઓના સ્વાસ્થ્ય પર પણ અસર થતી હોય છે."
ફર્ટિલિટી સપોર્ટનું કામકાજ કરતા ઑસ્ટ્રેલિયાના એક ખાનગી ક્લિનિકમાં કામ કરતા શેલી વિલ્કિન્સને ઉમેર્યું હતું કે "યુગલમાંની એક વ્યક્તિ યોગ્ય પ્રમાણમાં આહાર લેતી હોય તો બીજી વ્યક્તિ પણ એવું જ કરતી હોય તેવી શક્યતા વધારે છે. સ્વસ્થ પરિવર્તન માટે આપણે મહિલા તેમજ પુરુષ બન્નેના આહાર પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. અન્યથા આપણે અડધી લડાઈ હારી જઈશું."
એક ફાયદાકારક ફેરફાર યુગલના આહારમાં યોગ્ય પ્રકારની ચરબીની માત્રામાં વધારો કરવાનો છે. બદામ, બીજ, સેલ્મોન, ઍવોકાડો અને ઑલિવ ઑઇલમાંથી સ્વસ્થ ચરબી મળતી હોય છે.
કુદરતી કે ઔદ્યોગિક સ્રોત અને માર્જરિન, તળેલાં નાસ્તા, મિઠાઈ, ડોનટ્સ, તળેલો ખોરાક કે અન્ય પ્રોસેસ્ડ ફૂડમાંના ટ્રાન્સ ફેટી ઍસિડ્સ વંધ્યત્વ માટે બહુ જોખમી હોય છે.

સારી પ્રજનનક્ષમતા માટે આહારમાં શું લેવું?

ઇમેજ સ્રોત, Getty Images
શાકભાજીથી ભરપૂર આહાર પણ લાભકારક સાબિત થઈ શકે છે.
હાર્વર્ડ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના સંશોધકોએ ગર્ભધારણ કરવાનો પ્રયાસ કરતી અથવા ગર્ભવતી થયેલી 18,555 મહિલાઓના જૂથના આહારનો આઠ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો.
તેમને જાણવા મળ્યું હતું કે લાલ માંસ જેવા પ્રાણી આધારિત પ્રોટીનને બદલે ફળો જેવા વૃક્ષ આધારિત પ્રોટીનનું સેવન કરવાથી ગર્ભાશય સંબંધી પ્રજનનક્ષમતાનું જોખમ અડધોઅડધ ઘટી જાય છે.
આહાર અને મહિલાની પ્રજનનક્ષમતા વચ્ચેની સંભવિત કડી વિશેના 2021ના એક સંશોધનના લેખકોએ એવું તારણ કાઢ્યું હતું કે તેમની ભલામણો ભલે મહિલા-કેન્દ્રી હોય, પરંતુ "પુરુષ તથા મહિલા બન્નેની પ્રજનનક્ષમતા માટે આહાર તથા પોષણની પેટર્ન નિઃશંકપણે મહત્ત્વપૂર્ણ છે."
સંશોધકોએ પોષક તત્ત્વોની અસર અને જેમાંથી તે મળે છે તે ખાદ્યસામગ્રીની વિગતવાર માહિતી આપી હતી. તેમણે એવી ભલામણ પણ કરી હતી કે સંતાન ઇચ્છતા યુગલોએ સારવાર દરમિયાન ક્લિનિકલ ડાયટિશિયનની સેવા અવશ્ય લેવી જોઈએ. તેમણે આહારમાં કાર્બોહાઈડ્રેટ્સ માટે શાકભાજી, ફળો, હોલ-ગ્રેઈન પાસ્તા, તથા હોલ-ગ્રેઈન બ્રેડની, જ્યારે હેલ્ધી ફેટ માટે ઓઈલી ફિશ અને પ્રોટીન માટે કઠોળ, ઈંડાં તથા લીન મીટ લેવાની ભલામણ કરી હતી.
તેમણે ઘણીવાર અવગણવામાં આવતા અમુક પોષક તત્ત્વોની મહત્ત્વની ભૂમિકા પર પણ ધ્યાન દોર્યું હતું.
તેમાં આયોડિનનો સમાવેશ થાય છે, જે ગર્ભના યોગ્ય વિકાસમાં તેમજ ગર્ભવતીના થાઇરોઇડ સંબંધી કાર્યમાં મદદરૂપ થાય છે.
આલ્કોહૉલ બાબતે તમામ સંશોધનમાં સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે.
સીડીસી જણાવે છે કે "સગર્ભાવસ્થા દરમિયાન કે ગર્ભધારણ કરવાના પ્રયાસ કરતી વખતે કેટલા પ્રમાણમાં દારૂ પીવો જોઈએ તે અસ્પષ્ટ છે."
આ વાઇન્સ અને બીયર સહિતના તમામ પ્રકારના દારીને લાગુ પડે છે. સગર્ભાવસ્થા કે ગર્ભધારણ કરવાના પ્રયાસ દરમિયાન દારૂનું સેવન સંપૂર્ણપણે ટાળવાની સલાહ આપવામાં આવે છે.
તમારા આહાર બાબતે અને તે તમારી પ્રજનનક્ષમતાને કેવી રીતે અસર કરી શકે એ બાબતે કોઈ સવાલ હોય તો તમારે તમારા ડૉક્ટરની સલાહ જ લેવી જોઈએ. અમુક પ્રકારનો ખોરાક ફર્ટિલિટીમાં સકારાત્મક ભૂમિકા ભજવતો હોય તેવું લાગે, પરંતુ તેની શક્તિનું વધુ પડતું મૂલ્યાકન કરવું હિતાવહ હોય છે.
પોતાના આહાર બાબતે ચિંતા કરવાથી બિનજરૂરી માનસિક તણાવ સર્જાય છે તેમજ અપરાધ અને શરમની લાગણી જન્મે છે. ગર્ભવતી થવાના પ્રયાસ કરતી સ્ત્રીઓએ સમજી લેવું જોઈએ કે તેમની સમસ્યાનું મૂળ, તેમણે જે કંઈ કર્યું છે કે ચોક્કસ પ્રકારનો આહાર નથી કર્યો તેમાં હોવાની શક્યતા નથી.
શેલી વિલ્કિન્સનના જણાવ્યા મુજબ, "પ્રજનનક્ષમતા સંબંધી તકલીફ ધરાવતા લોકો મોટાભાગે એક જ ફર્ટિલિટી પ્રમોટેડ ફૂડની શોધ કરતા હોય છે, પરંતુ એકંદરે સ્વસ્થ આહાર પર ધ્યાન દેવું જરૂરી છે."
તેમણે કહ્યું હતું કે "ગર્ભધારણ કરવા માટે અનાનસ જાદુઈ આહાર હોવાની ચર્ચા ઑનલાઇન ફર્ટિલિટી ચેટ રૂમમાં વારંવાર થતી હોય છે, પરંતુ તે ગર્ભધારણ કરવામાં ઉપયોગી એકમાત્ર આહાર કે સપ્લીમેન્ટ નથી."
(આ લેખનો હેતુ સામાન્ય માહિતી પ્રદાન કરવાનો છે. તેને તબીબી સલાહનો વિકલ્પ માનવી જોઈએ નહીં. આ સાઈટ પરની સામગ્રીના આધારે વપરાશકર્તા દ્વારા કરવામાં આવેલા નિદાન કે લેવામાં આવેલા પગલાં માટે બીબીસી જવાબદાર નથી, બીબીસી ફ્યૂચર પર મૂળ લેખ વાંચી શકો છો.)














