‘હું 46મા વર્ષે લગ્ન કર્યાં વિના માતા બની અને મારા સંતાનનો કોઈ પિતા નથી'

ઇમેજ સ્રોત, COURTESY OF M. BARRAU
- લેેખક, આલ્મુડેના ડી કાબો
- પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
તેઓ માતૃત્વની વાત કરે ત્યારે તેમનો ચહેરો ખુશીથી ઝળકી ઊઠે છે. બીબીસી સાથે પોતાના દીકરા વિશે વાત કરતાં મારિયા બરાઉ સસ્મિત કહે છે, "હું એટલી બધી રાજી છું કે દીકરાથી મને મળેલી ખુશી વિશે હું બધાને કહેતી ફરું છું."
છેલ્લાં સાત વર્ષથી સેવિલેમાં રહેતાં મૂળ એકસ્ટ્રામાદુરાનાં આ મહિલા, 46 વર્ષની વયે માતા બનવાની પોતાની ખુશી કંઈક આવા શબ્દોમાં વર્ણવે છે.
'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટેટેસ્ટિક્સ'ના આંકડા અનુસાર, સ્પેનમાં 2021માં 45 વર્ષથી વધુની વયે 1,652 મહિલાઓ માતા બની હતી અને મારિયા એ મહિલાઓ પૈકીનાં એક છે.
યુરોપિયન યુનિયનના એક અભ્યાસ મુજબ, સ્પેન યુરોપનો એક એવો દેશ છે, જ્યાં 40થી વધુ વર્ષની વયે માતા બનતી મહિલાઓની ટકાવારી સૌથી વધુ 9.9 ટકા છે. સ્લોવાકિયામાં તે પ્રમાણ 3.2 ટકા અને ડેન્માર્ક અને બેલ્જિયમમાં ચાર ટકા છે.
આધુનિક આસિસ્ટેડ રિપ્રોડક્શન ટેકનિક અને અંડકોષનું ફ્રીઝિંગ તથા દાન આપવા ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે વધુને વધુ મહિલાઓ મોટી ઉંમરે માતા બની રહી છે. સ્પેન જેવા ઘણા દેશોમાં આમ કરવું કાયદેસર છે.
લેટિન અમેરિકન દેશોમાં પણ આવી ઘટનાઓ વધી રહી છે. અલબત્ત, તેનું પ્રમાણ ઓછું છે.
દાખલા તરીકે ચિલીમાં 45થી 49 વર્ષની વચ્ચેની વયે બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલાઓનું પ્રમાણ છેલ્લાં દસ વર્ષમાં બમણું થઈ ગયું છે. એ વયજૂથની 585 મહિલાઓ 2020માં માતા બની હતી. એ પ્રમાણ કુલ બાળજન્મના 0.3 ટકા છે, એવું ચિલીની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટેટેસ્ટિક્સના આંકડા જણાવે છે.
આ દરમિયાન મૅક્સિકોમાં 45થી 49 વર્ષના વયજૂથની 3,096 મહિલાઓ (0.19 ટકા)એ સમયગાળામાં માતા બની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, COURTESY OF M. BARRAU
મારિયાની વાત કરીએ તો માતા બનવા બાબતે તેઓ સ્પષ્ટ હતાં. જોકે, એ સમીકરણમાં તેમની બાજુમાં એક પુરુષ હોવો જોઈએ એવું તેમણે વિચાર્યું હતું, પરંતુ એવું ક્યારેય બન્યું નહીં. તેથી વર્ષો સુધી ચિંતા કર્યા બાદ આખરે 45 વર્ષની વયે તેમણે નિર્ણય કર્યો હતો. હવે તેમને માતા બનવાના બધા લાભ જ દેખાય છે.
સપ્ટેમ્બરમાં 48 વર્ષનાં થનારાં મારિયા કહે છે કે, "હા. મોટી વયે માતા બનવાથી મને લાભ થયો છે, કારણકે જીવનનો મોટો હિસ્સો હું જીવી ચૂકી હતી અને 20 કે 30 વર્ષની વયે આપણી પાસે જીવન વિશેની જે સમજ હોય તેના કરતાં અલગ જ સમજ જિંદગીના આ તબક્કામાં આવે છે. આપણે જીવનને અલગ દૃષ્ટિકોણથી નિહાળતા હોઈએ છીએ. બાળક પડી જાય કે ભોજન ન કરે તો હું ચિંતિત થઈ જતી નથી. ઉંમર આપણને નવો પરિપ્રેક્ષ્ય આપે છે."મારિયાએ બીબીસી સાથેની વાતચીતમાં જે કહ્યું હતું તે તેમના કથન સ્વરૂપે રજૂ કરીએ છીએ.

નિર્ણય કરો
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માતા બનવાની ઇચ્છા મને હંમેશાં હતી. મારો પરિવાર હોય તેવું હું ઇચ્છતી હતી. માતાની સાથે હું પિતા પણ બનવા માગતી હતી, પરંતુ એવું ન થયું. હું ગર્ભવતી થઈ તેનાં આશરે 10 વર્ષ પહેલાં મને જાણવા મળ્યું કે બાળક જોઈતું હોય તો હું લગ્ન કર્યા વિના પણ ગર્ભવતી થઈ શકું છું. હું કાયમ ઇચ્છતી હતી કે મારા જીવનમાં પણ કોઈ પુરુષ હોય.
હું 45 વર્ષની થઈ ત્યારે એક વ્યક્તિને મળી, જે હવે મારી બેસ્ટફ્રૅન્ડ છે અને કોવિડ મહામારી દરમિયાન એ મારી પડોશી હતી. તેને એક દીકરી હતી. મને લાગે છે કે તેને જોઈને મારા નિર્ણયને બળ મળ્યું હતું. હું વયને કારણે નહીં, પરંતુ મારા સંતાનને જન્મ આપી શકીશ કે કેમ એ બાબતે ગભરાતી હતી.
બાળકને જન્મ આપવા બાબતે જ નહીં, પરંતુ તેના ઉછેર, ભરણપોષણ બાબતે પણ ચિંતિત હતી. એ પરિસ્થિતિ મને ડરામણી લાગતી હતી.
મારા મનમાં એકમાત્ર ભય હતો કે હું એકલે હાથે સંતાનને ઉછેરી શકીશ કે નહીં. મને લાગતું કે એ ક્ષમતા મારામાં નથી.
મારી પાડોશી મહિલાને મળી અને સંતાનને કેવી રીતે ઉછેરી શકાય તે હું એમની પાસે શીખી. તે સમયે મને મારી ઉંમર વિશે થોડી શંકા હતી.
એક દિવસ અમે વાત કરતાં હતાં ત્યારે તેણે કહ્યું કે, "હવે તું 45 વર્ષની થઈ ગઈ છે. તારે સંતાન જોઈએ છે કે નહીં, તે તારે જ વિચારવું પડશે. તું કહે છે કે તારે સંતાન જોઈતું નથી, પણ એ સાચું નથી. એ વિચાર તારા મગજમાંથી ક્યારેય નીકળવાનો નથી.”
એ પછી તેણે મને કહ્યું હતું કે, "તેના વિશે વિચારી જો. વિચારવા માટે જાતને સમય આપ, પછી નિર્ણય કરજે.”
આ રીતે મેં 2020ની ક્રિસમસમાં મારી જાતને એ બાબતે વિચારવાનો સમય આપ્યો હતો અને આખરે સંતાનને જન્મ આપવાનો નિર્ણય કર્યો હતો.

ફર્ટિલિટી ટ્રીટમેન્ટ

ઇમેજ સ્રોત, COURTESY OF M. BARRAU
નિર્ણય લીધા પછી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે દેખીતી રીતે કશું નિશ્ચિત નથી હોતું, પણ હું સૌથી સલામત વિકલ્પ પસંદ કરીશ.
સમય આવ્યો ત્યારે ગાયનેકૉલૉજિસ્ટે મને જાતે ગર્ભાધાન કરાવવાનું કહ્યું, પણ મેં એમ કરવાની ના પાડી હતી. ઇન વિટ્રો ટ્રીટમેન્ટ સૌથી સલામત વિકલ્પ હતો અને હું તે વિકલ્પ જ અજમાવવા ઇચ્છતી હતી. હું નસીબદાર હતી કે પ્રથમ વખતમાં જ ગર્ભવતી થઈ ગઈ હતી.
મેં શુક્રાણુ અને એગ્ઝ એમ બન્ને ડોનેશન વડે પ્રાપ્ત કર્યાં હતાં. મેં અગાઉ કહ્યું તેમ સલામત માર્ગ અપનાવ્યો હતો. એ વાત પણ સાચી છે કે મારા ગાયનેકૉલૉજિસ્ટે મને પૂછ્યું હતું, મારા અંડકોશ સાથે તેઓ પ્રયોગ કરી શકે કે કેમ.
ગાયનેકૉલૉજિસ્ટે મને જણાવ્યું હતું કે મારી જૈવિક વય મારી શારીરિક વય કરતાં ઓછી છે અને મારા અંડકોશના ફલનની શક્યતા છે, એવું તમારા ટેસ્ટ્સ દર્શાવે છે, પરંતુ મેં બે પ્રયાસ કરવાનો નિર્ણય લઈ લીધો હતો.
મેં સાંભળ્યું હતું કે લોકો તેમના જીવનનાં વર્ષો બરબાદ કરી નાખે છે. એવું નહીં કરવા બાબતે હું સ્પષ્ટ હતી. તેઓ માનતા હતા કે બે જ પ્રયાસ કરવા છે. તેનાથી વધુ એક પણ નહીં. તેથી તેમને અન્ય વિકલ્પ સ્વીકાર્ય ન હતા.
હું પ્રથમ વખત ગર્ભવતી થઈ ત્યારે ગર્ભાવસ્થા દરમિયાન કોઈ સમસ્યા સર્જાઈ ન હતી. એ પરફેક્ટ પ્રેગ્નેન્સી હતી, પરફેક્ટ પ્રસૂતિ હતી અને બાળક સ્વસ્થ હતું. મને કોઈ ફરિયાદ ન હતી.

નિશ્ચિંત રહો

ઇમેજ સ્રોત, COURTESY OF M. BARRAU
એ ક્ષણે મેં નક્કી કર્યું હતું કે હું આગળ વધીશ. હું ગર્ભવતી થઈશ તે સ્પષ્ટ હતું. હું બીજું કશું વિચારવા જ માગતી ન હતી. મેં વિચાર્યું હતું કે ગર્ભાવસ્થાનો સમયગાળો પણ સારો જશે અને પ્રસૂતિ પણ સારી રીતે થઈ જશે.
મારી વયને કારણે સમસ્યા સર્જાઈ શકે છે, પરંતુ એ સમયે મેં કશું અવળું થવાનું વિચાર્યું ન હતું. કશું આડુંઅવળું થવાની શક્યતા હતી, પણ મારે તે બાબતે શા માટે વિચારવું જોઈએ. સમસ્યા સર્જાશે તો તેનું નિવારણ કરીશું.
એ ઉપરાંત મારા ગાયનેકૉલૉજિસ્ટે મને હરહંમેશ હિંમત આપી હતી. તેઓ મને જોખમ બાબતે સતત માહિતગાર કરતા હતા. તેમણે મને ઘણી માનસિક શાંતિ આપી હતી.
તેઓ મને કહેતા કે ચિંતા કરશો નહીં. હું સતત તમારી પડખે રહીશ. તેમણે મારી તબિયત પર સતત નજર રાખી હતી. મને બ્લડ સુગરની થોડી તકલીફ હતી, પરંતુ તેમણે તેને નિયંત્રિત કર્યું હતું.
પ્રેગ્નેન્સીના અંતે, મારી વયને ધ્યાનમાં રાખીને તેમણે મારી વિશેષ કાળજી લીધી હતી. તેમણે મારા ભલા માટે નિયંત્રણ રાખ્યું હતું અને બધું સારી રીતે પાર પડ્યું હતું.
તેઓ દર સપ્તાહ મારી સ્થિતિ તપાસતા હતા. ગર્ભાવસ્થાનાં છેલ્લાં સપ્તાહો દરમિયાન ગાયનેકૉલૉજિસ્ટે મને જણાવ્યું હતું કે ગર્ભાશયમાં એમ્નિઓટિક ફ્લુઈડ નથી. બાળકનું વજન વધતું નથી, પણ સ્વસ્થ છે.
અલબત, આવું કોઈની પણ સાથે થઈ શકે. તેને મારી વય સાથે કોઈ સંબંધ ન હતો. ફ્લુઈડ ખતમ થઈ જાય તો બાળકે બહાર આવવું જ પડે.
પ્રસૂતિ પછીનો સમયગાળો સારી રીતે પસાર થયો, મને ત્રણ ટાંકા લીધા હતા અને હું એ જ દિવસે પથારીમાંથી બેઠી થઈ ગઈ હતી.
મારા સંતાનનો જન્મ 2021ની ચોથી ડિસેમ્બરે થયો હતો. મને છઠ્ઠી ડિસેમ્બરે હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. સાતમા દિવસે હું માંદગીની રજા માગવા 45 મિનિટ ચાલીને હૉસ્પિટલ ગઈ હતી અને ચાલીને જ પાછી ફરી હતી.
હું સ્વસ્થ હતી. તે આનુવાંશિક કારણોસર હતું કે પછી બહું સ્પૉર્ટ્સ રમી એ કારણથી, એ ખબર નથી, પણ હું ફાઇન હતી. ગર્ભાવસ્થા દરમિયાન મારું વજન પણ બહુ વધ્યું ન હતું.

વધુ સહનશીલ અને ધૈર્યવાન

ઇમેજ સ્રોત, COURTESY OF M. BARRAU
મને લાગે છે કે 10 વર્ષ પહેલાં હું ગર્ભવતી થઈ હોત તો મારું વર્તન આજના જેવું ન હોત, કારણકે મારામાં પણ ઘણું પરિવર્તન આવ્યું હતું.
હું બહુ બધી ચિંતા સાથે જીવતી સુપર નર્વસ વ્યક્તિ છું. મેં તેના નિવારણ માટે લાંબો સમય પ્રયાસ કર્યા હતા.
એ બધું ત્યારે મારામાં હતું, પણ મેં અગાઉ પ્રયાસ કર્યા હોત તો હું ગર્ભવતી ન થઈ હોત કે આ ક્ષણે જે અનુભવી રહી છું તે અનુભવી શકી ન હોત, તેની મને ખાતરી છે. હું 10 વર્ષ પહેલાં ગર્ભવતી થઈ હોત તો ત્યારનો અનુભવ એકદમ અલગ હોત, કદાચ ખરાબ પણ હોત.
એ સમયે બધું ઠીકઠાક ન હતું. તે હવે મને સમજાય છે. હું બહુ ચિંતિત રહેતી હતી. હું ચિંતાની વાત કરું છું ત્યારે જેનું નિદાન, સારવાર રોજ કરવી પડતી હોય તેવા રોગની વાત નથી કરતી. મને બોલી નહીં શકવાની ચિંતા મોટી હતી. હું ખાઈ શકતી ન હતી. સમયાંતરે મને ગ્લુકોઝની જરૂર પડતી હતી.
તેથી જ મને લાગે છે કે હું એકધારું જીવી શકી છું. મેં એક મનોચિકિત્સકની મદદથી તેના પર વિજય મેળવ્યો હતો. પ્રમાણિક રીતે કહું તો એ કારણે મને ધર્મની નજીક જવામાં મદદ મળી હતી.
કોઈએ મારા વિશે ખોટી ધારણા બાંધી હોય એવું મને ક્યારેય લાગ્યું નથી. એ સમયે સંખ્યાબંધ લોકોએ મને કહ્યું હતું કે આ યોગ્ય સમય છે, કારણ કે હું માતા બનવા ઇચ્છતી હતી. તેથી કોઈને આશ્ચર્ય થયું નહીં. મને લાગે છે કે પીઠ પાછળ બોલતા લોકો હશે, પરંતુ મારા વિશે ખોટી ધારણા બાંધવામાં આવી હોય એવું મેં ક્યારેય અનુભવ્યું નથી.
તમને મારા વિશેની વધુ એક વાત કહું. બીજા લોકો શું કહેશે તેની પરવા હું જરાય કરતી નથી. લોકો એકમેકની સાથે તમારા વિશે વાતો કરે છે, પણ તમારી સાથે કોઈ સ્પષ્ટ વાત કરતું નથી.
મારા પરિવારજનોને તો બાળકો બહુ જ પ્રિય છે. મારા પિતાને ચિંતા હતી કે મને કંઈક થઈ જશે. એ ઉપરાંત બીજી કેટલીક ધારણાઓ પણ હતી. તેમને એવી ચિંતા હતી કે મારી વય મોટી હોવાથી કશુંક આડુંઅવળું થઈ શકે છે, પરંતુ તેમને આમ પણ બહુ ડર લાગે છે.
પરમ દિવસે મારી પ્રસૂતિ થવાની છે એવું મેં જણાવ્યું ત્યારે તેમણે મને કહ્યું હતું કે, "બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી મને ફોન કરશો નહીં.” તેનું કારણ ભય હતો.

અન્ય સ્ત્રીઓને પ્રોત્સાહિત કરો

ઇમેજ સ્રોત, COURTESY OF M. BARRAU
બીજા લોકો જે કહે છે તેના પર આપણે ઓછું ધ્યાન આપવું જોઈએ. કોઈને સંતાનની ઇચ્છા હોય તો તેણે આગળ વધવું જ જોઈએ તેવી ભલામણ હું કરું છું. આસપાસના લોકો શું કહેશે તેની પરવા કરવી ન જોઈએ.
આખરે તો એ તમારો નિર્ણય છે. તમારું જીવન છે. સંતાનને જન્મ આપવાનો આનંદ બીજું કોઇ નહીં, પણ માતા માણશે. જરાય શંકા રાખવી નહીં.
આપણે ફાયદા વિશે ખરેખર વાત કરી શકીએ કે કેમ તેની મને ખબર નથી, પરંતુ મને લાગે છે કે આખરે તો આપણે જ પરિપક્વ થઈએ છીએ.
આપણે ઘણી બાબતોને સાપેક્ષ બનાવીએ છીએ. ઘણી વસ્તુઓનું મહત્ત્વ ઓછું આંકીએ છીએ. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે હે ભગવાન, હું આવું કેવી રીતે કરી શકીશ, આ કેવી રીતે શક્ય બનશે?
ખાસ કરીને બાળકના શિક્ષણની વાત હોય ત્યારે આવા વિચાર આવે છે. દાખલા તરીકે, બગીચામાં રમતી વખતે તમારું સંતાન ગબડી પડે તેવું બને. તેને પડવા દો. તે ગંદુ થઈ શકે. તેને ગંદુ થવા દો.
સૌથી વધારે મહત્ત્વનું શું છે તે બાબતે સ્પષ્ટ હોવું જરૂરી છે. એ આપણી લાગણી છે. ઉંમર વધવાની સાથે આપણે વસ્તુઓને સાપેક્ષ બનાવીએ છીએ. વાલી તરીકે તમે તમારા સંતાનને સારી રીતે જ શિક્ષિત કરશો. જરૂર પડ્યે ઠપકો આપશો. સત્ય એ છે કે તમે વધારે સાપેક્ષ બનો છો.

મા બનવાના ગેરલાભ પણ હોય?

ઇમેજ સ્રોત, COURTESY OF M. BARRAU
વેલ, એ સાચું છે. તેની વાત હું નહીં કરું તો તેનો અર્થ એ થશે કે હું ખોટું બોલું છું. ઘણીવાર હું એવું વિચારું છું કે હું વહેલી માતા બની હોત તો?
આખરે હું જ મારી જાતને જણાવું છું કે 30 વર્ષની વયે મને કંઈ થશે નહીં તેની ખાતરી મને કોઈએ આપી નથી. એ બાબતે હું સમયાંતરે વિચારતી રહું છું એ પણ સાચું છે.
એક વાત નક્કી છે કે માતા બનવામાં કશું જ ખરાબ નથી. હું કોઈ પણ તકલીફ વિના મારા સંતાનને મેદાનમાં રમાડવા લઈ જાઉં છું. દરેક વ્યક્તિ પોતે કેવી છે તેના પર પણ ઘણો આધાર હોય છે.
અલબત્ત, હું થાકી પણ જાઉં છું. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મેં ઘણી બીમારીનો સામનો કર્યો હતો, પણ એવું તો આપણા બધાની સાથે થાય છે. આપણી વય ભલે ગમે તેટલી હોય.
એ સમયગાળામાં જ મેં મારી જાતને જણાવ્યું છે કે હું તેને બહાર લઈ નહીં જઈ શકું. અન્યથા હું સપ્તાહમાં ત્રણ વખત તેને સ્વિમિંગ માટે લઈ જાઉં છું. અમે રોજ પાર્કમાં જઈએ છીએ. ઘરે હું તેના માટે કાયમ હાજર જ હોઉં છું. હું નાની વયે આ બધું કરી શકી હોત કે કેમ તે જાણતી નથી.
એ સાચી વાત છે કે મારું સંતાન 20 વર્ષનું થશે, ત્યારે હું 67 વર્ષની હોઈશ. એ બાબતે હું સતત વિચારતી રહું છું. એ પણ સાચું છે કે હવેનાં 67-68 વર્ષ, પૂર્વેના 20 વર્ષ જેવાં રહ્યાં નથી.
વળી હું 10 વર્ષ પહેલાં માતા બની હોત તો મેં મારા સંતાનનું જીવન દયનીય બનાવી દીધું હોત. અમે ખરેખર જીવી શક્યાં ન હોત. અત્યારે હું અને મારું સંતાન જીવનને સંપૂર્ણપણે માણી રહ્યાં છીએ. મારો દીકરો બૉસ્કો ખુશખુશાલ છોકરો છે. એ આખો દિવસ હસતો રહે છે. તે ચંચળ બાળક છે.
મારામાં કડવાશ હોત તો મારો દીકરો પણ ખુશખુશાલ ન હોત. મને લાગે છે કે દરેક વસ્તુના ફાયદા તેમજ ગેરફાયદા હોય છે.














