'તે માત્ર આઠ વર્ષની છે અને માસિક આવવાનું શરૂ થઈ ગયું, ડૉક્ટર હવે શું કરવું?'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. શિલ્પા ચીટનીસ-જોશી
- પદ, ગાયનેકૉલૉજિસ્ટ અને વંધ્યત્વ નિષ્ણાત, બીબીસી મરાઠી માટે
હું એ દિવસે ઑપરેશન થિયેટરમાંથી બહાર આવી અને મારો ફોન જોયો તો એમાં મારી પિતરાઈના પાંચ મિસ્ડ કૉલ દેખાયા.
મને લાગ્યું કે કોઈ ઇમર્જન્સી છે, તેથી મેં તેને તાત્કાલિક ફોન કર્યો, તે ફોન પર રડી રહી હતી...
“મને લાગે છે કે સાનુને માસિક આવવાની શરૂઆત થઈ ગઈ છે. હજુ તો એ આઠ વર્ષની જ છે! આવું કંઈ રીતે બને? મને નથી સમજાતું કે શું કરવું...”
જ્યારે એ શાંત થઈ ત્યારે મેં એને સાનુને તાત્કાલિક ક્લિનિકે લાવવા કહ્યું.
અમુક કિસ્સામાં બાળકીને યોનિની આસપાસ ઈજા થાય કે મૂત્રનળીના ચેપના કારણે ત્યાં લોહી હોય ત્યારે આવું બની શકે. પરંતુ આવા કિસ્સામાં એ વાત અંગે પણ ધ્યાન આપવું જોઈએ કે કોઈએ બાળકીનું શારીરિક શોષણ તો નથી કર્યું ને.
મેં જ્યારે સાનુનું બરાબર રીતે ચેકઅપ કર્યું ત્યારે મને ખબર પડી કે ખરેખર તેને માસિક આવવાની શરૂઆત થઈ ગઈ છે.

આજકાલ ઘણી નાની ઉંમરે બાળકીઓને માસિક આવવાની શરૂઆત થઈ જાય છે. આના કારણે માતાપિતાને ખૂબ પરેશાનીનો સામનો પણ કરવો પડતો હોય છે.
મુશ્કેલી એ હોય છે કે આ બાળકીઓને આ ઉંમરે તેમના શરીરમાં આવતા બદલાવ વિશે કંઈ ખબર નથી પડતી. તેમજ સેનિટરી પૅડનો ઉપયોગ કેવી રીતે કરવો, તેનો નિકાલ કઈ રીતે કરવો, શારીરિક સ્વચ્છતાનું ધ્યાન કઈ રીતે રાખવું, એ બધા મુદ્દા તેઓ ન સમજી શકે. આ વાત બાળકીનાં માતા માટે પણ એક પડકાર હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આવું થવા પાછળનાં કારણો શું છે?

બાળકીઓમાં માસિક ધર્મની શરૂઆત થવાની ઉંમરમાં થઈ રહેલા ઘટાડા અંગે ઘણાં સંશોધનો થયાં છે. આ સંશોધનોમાં આ બદલાવ માટે બાળકીઓમાં વધુ વજનની સમસ્યા, આહારમાં પ્રાણીજન્ય પ્રોટીનની વધુ માત્રા, સ્ટ્રેસ, પારિવારિક સમસ્યાઓ અને એકબીજાથી અલગ રહેતાં માતાપિતા જેવાં કેટલાંક કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
ઉપરાંત બાળકીના આહારમાં સોયાબીનની વધુ માત્રા પણ આની પાછળનું એક કારક સાબિત થઈ શકે.
આ સિવાય દૈનિક જીવનમાં કોઈને કોઈ સ્વરૂપે કેમિકલ અને જંતુનાશકો પણ આપણા શરીરમાં જતાં હોય છે, આ પ્રકારનાં તત્ત્વોને કારણે પણ આ સ્થિતિ સર્જાઈ શકે છે.
પરંતુ અહીં નોંધનીય છે કે આ બધાં કારણો પૈકી સૌથી મોટાં કારણો દૈનિક જીવનમાં કસરતનો અભાવ અને વજનમાં થતો વધારો છે.
કિશોરીઓમાં મેદસ્વીપણાની સમસ્યા એ આ સંદર્ભે એક મોટી ચિંતાઓ પૈકી એક છે. ઉંમર વધવાની સાથે કિશોરીઓને ભૂખ લાગવાનું વધી જાય છે. આવી સ્થિતિમાં તેઓ લૉ-કેલરી ડાયટ લે અને દરરોજ કસરત કરે એ જરૂરી બની જાય છે.

- બાળકીઓમાં માસિક ધર્મ ખૂબ ઓછી વયે શરૂ થાય તેનાથી ગભરાવાની જરૂર છે ખરી?
- બાળકીની જીવનમાં કેટલીક પરિસ્થિતિઓ અને કારણોને લીધે આ પ્રકારની અવસ્થા સર્જાય છે
- આ અવસ્થાનો સામનો માતાપિતા અને બાળકી કરી શકે તે માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
- આખરે બાળકીના શરીરમાં એવા તો શો બદલાવ થાય છે કે ખૂબ ઓછી ઉંમરે માસિક આવવાનું શરૂ થઈ જાય છે
- શું ઓછી ઉંમરે માસિક આવવાની સ્થિતિને અટકાવી શકાય?

મોબાઇલ ફોનની આડઅસર?

ઇમેજ સ્રોત, Empics
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માસિક ધર્મની શરૂઆત માટે જરૂરી હોર્મોન શરીરને હાઇપોથેલેમસ ગ્રંથિના સ્રાવ થકી મળે છે.
છોકરીઓમાં અમુક ઉંમરે આ ગ્રંથિ માસિક ધર્મની શરૂઆત માટેના જરૂરી સ્રાવ રિલીઝ કરે છે. પરિણામ સ્વરૂપે છોકરીના શરીરમાં ફેરફાર થવાની શરૂઆત થઈ જાય છે અને માસિક ધર્મ શરૂ થાય છે.
પરંતુ દુર્ભાગ્યે મગજ છોકરીઓ માટે આ પ્રક્રિયા શરૂ થવા માટે યોગ્ય ઉંમર કઈ રીતે નક્કી કરે છે એ અંગે આપણને ઝાઝી ખબર નથી. પરંતુ એક થિયરી અનુસાર બાળકીની આસપાસનું વાતાવરણ આ વાત માટે જવાબદાર હોઈ શકે.
પુખ્ત વયની વ્યક્તિઓ માટે બનતા પ્રોગ્રામ જો બાળકીઓ જુએ તો તેના કારણે પણ મગજ પર અમુક પ્રકારની અસરો થાય છે. આવા સીન સતત જોતા રહેવાથી મગજ શરીરના આગળના વિકાસ અને તે માટેના હોર્મોન રિલીઝ થવાની પ્રક્રિયા શરૂ કરવાની સ્થિતિમાં આવી શકે છે. આવી સ્થિતિને લીધે પણ માસિક ધર્મની શરૂઆત જલદી થવાની શક્યતા હોય છે.
ગ્રામીણ વિસ્તારોની છોકરીઓ આ પ્રકારના કન્ટેન્ટ જુએ કે સાંભળી શકે તેવી શક્યતા ઓછી હોય છે. તેથી ગામડે રહેતી છોકરીઓમાં માસિક ધર્મ જલદી શરૂ થવાની શક્યતા ઓછી હોય છે. પરંતુ આ દિશામાં હજુ વધારે સંશોધનની જરૂરિયાત છે.
અહીં એ નોંધનીય છે કે મોબાઇલ, ટીવી પર આ પ્રકારનાં દૃશ્યો બાળકનાં માનસ પર અસર કરતાં હોય છે. આજકાલ બાળકોને અભ્યાસ માટે લૅપટૉપ, ટેબ્લેટ, ફોન અને અમર્યાદિત ડેટાની સુવિધા અપાય છે.
તો પછી જલદી માસિક ધર્મ શરૂ થવાની પ્રક્રિયા માટે બીજી કોઈ વસ્તુની જરૂરિયાત રહે છે કે ખરી? બાળકો એવું કન્ટેન્ટ જોઈ રહ્યાં છે જે તેમણે ન જોવું જોઈએ અને માતાપિતા કે જેઓ અન્ય રૂમમાં હોય છે તેમને આ વાત વિશે કશી ખબર નથી હોતી.
આ બધાની છોકરી અને છોકરા બંને પર અસર પડતી હોય છે. પરંતુ મહિલાઓના શરીરની ખાસિયતો અને જટિલપણાને લીધે આ બધાનાં પરિણામો ખૂબ ઝડપથી જોવા મળે છે.
બાળકોને પણ આની અસર અલગ પ્રકારે અનુભવાય છે. ખૂબ જ ઓછી ઉંમરે બાળકોને પૉર્ન ફિલ્મ જોવાની લત અને અન્ય પ્રકારની લત લાગી જાય છે.

નાની ઉંમરે માસિક ધર્મની શરૂઆત ચિંતાનો વિષય છે?

ઇમેજ સ્રોત, Getty Images
માસિક ધર્મ શરૂ થતાં જ બાળકીનો વિકાસ મર્યાદિત બની જાય છે. બાળકીની ઊંચાઈ મર્યાદિત રહી શકે છે. તેથી નાની ઉંમરે માસિક ધર્મ શરૂ થાય તો તે એક ચિંતાનો વિષય હોઈ શકે.
જો બાળકીની ઉંમર દસ વર્ષની છે અને તેની ઊંચાઈ માતા કરતાં ઘણી ઓછી હોય તો તેવા કિસ્સામાં વિસ્તૃત તપાસ બાદ એન્ડોક્રિનોલૉજિસ્ટની સલાહથી માસિક ધર્મને અસ્થાયીપણે રોકવા માટે ઇન્જેક્શન આપવાનો નિર્ણય કરાય છે. પરંતુ આ નિર્ણય ખૂબ વિચાર અને પરીક્ષણ પછી કરવો જોઈએ.
જો ચેકઅપ અને કાઉન્સેલિંગ બાદ આ ઇન્જેક્શન લેવાય બાળકીઓમાં માસિક ધર્મની પ્રક્રિયા બે-ત્રણ વર્ષ સુધી ટાળી શકાય. આવું કરવાથી આ તબક્કા દરમિયાન બાળકીની ઊંચાઈ અને તેનો વિકાસ થવાની પ્રક્રિયા સામાન્ય બની શકે છે. તેથી જે બાળકીમાં માસિક ધર્મની પ્રક્રિયા ખૂબ ઓછી વય શરૂ થઈ જાય તેનાં માતાપિતાએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
પરંતુ આ પગલું જો યોગ્ય સમયે લેવાય તો જ તે અસરકારક સાબિત થઈ શકે. માસિક ધર્મ શરૂ થયાના અમુક મહિના બાદ ઉપચારના કારણે થવાના લાભોની શક્યતા ઘટી જાય છે.
જો બાળકીમાં ઓછી વયે માસિક ધર્મની શરૂઆત થાય તો પૉલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝની સ્થિતિ સર્જાઈ શકે છે. તેના કારણે માસિક ધર્મને કારણે અનુભવાતી મૂંઝવણમાં વધારો થઈ શકે છે. ઉપરાંત સ્થૂળતા, ડાયાબિટીસ જેવી સમસ્યાઓની શક્યાતા વધી શકે છે.
તેમજ ભવિષ્યમાં બ્રેસ્ટ કૅન્સર, યુટેરિન કૅન્સર અને હૃદયરોગની સમસ્યા સર્જાઈ શકે છે.
છોકરીઓમાં માસિક ધર્મની શરૂઆત થાય એ પહેલાં બગલમાં અને યોનિની આસપાસ વાળ આવવા તેમજ સ્તનના વિકાસ જેવાં લક્ષણો દોઢ વર્ષ પહેલાં જોવા મળે છે. જો આ પ્રકારનાં લક્ષણો ખૂબ ઓછી વયે દેખાય તો તરત જ ગાયનેકૉલૉજિસ્ટનો સંપર્ક સાધો.

જો ઓછી વયે માસિક ધર્મ શરૂ થાય તો આ કાળજી લો

અહીં સૌથી અગત્યની વાત એ છે કે ઘરના બધા લોકોએ એ સમજવું જોઈએ કે આ સ્થિતિ માટે બાળકી જવાબદાર નથી. નાની વયે માસિક ધર્મની શરૂઆત થયા પછી પણ બાળકીનું જીવન સામાન્ય ગતિમાં જ આગળ વધે એ જરૂરી છે.
માતાએ બાળકીને આવા કિસ્સામાં પર્સનલ હાઇજિન, સેનિટરી પૅડનો ઉપયોગ, તેના યોગ્ય નિકાલ અંગે શીખવવું જોઈએ. તેમજ માતાપિતા બંનેએ તે દરેક પ્રવૃત્તિમાં અગાઉની જેમ જ ઉત્સાહપૂર્વક ભાગ લે તેમજ તેનો આત્મવિશ્વાસ જળવાઈ રહે એ સુનિશ્ચિત કરવું જોઈએ.
તેમજ આ પ્રક્રિયા શરૂ થયા બાદ સ્પૉર્ટ્સ અને ડાન્સ જેવી પ્રવૃત્તિઓ બંધ કરી દેવાની કોઈ જરૂરિયાત નથી, એ સમજવાની જરૂર છે.
ઘણી વખતે માસિક ધર્મની શરૂઆત થયા બાદ બાળકીને શોખ અનુસરતા, રમતા રોકવામાં આવે છે. આ બધું પછાત, ખોટા અને ગેરન્યાયિક વિચારો દર્શાવે છે. આવું કરવાથી બાળકીનો વિકાસ થાય એ પહેલાં જ તેની તકો છીનવી લેવાયા જેવી સ્થિતિ સર્જાય છે.
શરૂઆતનાં એક કે બે વર્ષ બાદ માસિકચક્ર અનિયમિત બની શકે, આ એકદમ નૉર્મલ વાત છે. પરંતુ જો તમને દર 21 દિવસે માસિક, સાત દિવસ કરતાં વધુ રક્તસ્રાવ, વધુ રક્તસ્રાવ જેવાં લક્ષણો દેખાય તો આના માટે તરત જ ગાયનેકૉલૉજિસ્ટનો સંપર્ક કરો.
આવી સ્થિતિમાં છોકરીના હિમોગ્લોબિન લેવલ પર પણ ધ્યાન આપવું જોઈએ. તેમજ તેઓ સંતુલિત આહાર લે એ વાત પર ભાર મૂકવો જોઈએ.
તેમજ આહારમાં ચોખા, ખાંડ, લોટ અને બટાટા જેવી વસ્તુઓ ઓછા પ્રમાણમાં હોવી જોઈએ.
સંશોધન અનુસાર ઓછી વયે રજોનિવૃત્તિની સ્થિતિ સર્જાય ત્યારે મહિલાને એકલતા, વ્યક્તિત્વનો મર્યાદિત વિકાસ અને ઓછી ઉંમરે જાતીય જીવનની શરૂઆત થવા જેવી સમસ્યાઓ અનુભવાય તેવું બની શકે. તેથી આવી છોકરીઓને શારીરિક અને માનસિક બંને પ્રકારે સુરક્ષિત રાખવાની જરૂર હોય છે.
માસિક ધર્મ એ કોઈ રોગ નથી, આ સ્ત્રીઓના જીવનમાં વિકાસનો એક તબક્કો છે. ઓછી વયે માસિક ધર્મની શરૂઆત થઈ હોય એ બાળકીઓને આ બાબત અંગે શાંતિથી સમજાવાય તો તેઓ તાત્કાલિક આવેલા આ પરિવર્તનને કારણે આઘાતમાં નહીં સરી પડે, પરંતુ ધીરે ધીરે પરિસ્થિતિને અપનાવતાં શીખી જશે.














