'મારાં માતાપિતા મને મારી નાખવા માટે તૈયાર હતાં'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
જન્મસમયે છોકરી ગણવામાં આવેલા ‘મનોજ’એ જ્યારે 17 વર્ષની ઉંમરે પોતાના પરિવારને જણાવ્યું કે તેઓ પુરુષ જેવું અનુભવે છે અને એક મહિલાને પ્રેમ કરે છે તો તેમનો જીવ જોખમમાં મુકાઈ ગયો.
મનોજે મને જણાવ્યું કે તેમનાં માતાપિતા આ વાતને સ્વીકારવા તૈયાર નહોતાં. તેમણે મનોજને હાથપગ બાંધીને ખૂબ જ માર માર્યો અને ઘરના એક ખૂણામાં બાંધી દીધા હતા.
પિતાએ મનોજના હાથની નસ કાપી નાખી અને મારી નાખવાની ધમકી પણ આપી.
મનોજ કહે છે, “આટલો બધો માર પડશે એની મને કલ્પના પણ નહોતી. મને એમ હતું કે પોતાનાં બાળકો માટે પરિવાર માની જ જાય છે. પણ મારો પરિવાર પોતાની છબી માટે મને મારવા પણ તૈયાર હતો.”
ગામમાં મહિલાઓ પર પહેલેથી જ ઘણી રોકટોક હોય છે. મહિલા જો કહે કે તે મહિલા જેવું અનુભવે છે અને હવે તેને ટ્રાન્સમૅન માનવામાં આવે તો એ મામલે ઘણી તીખી પ્રતિક્રિયા આવી શકે છે.
બિહારના એક ગામમાં રહેતા મનોજ જણાવે છે કે તેમનું ભણવાનું છોડાવીને તેમનાથી બે ગણી વયના પુરુષ સાથે તેમના જબરજસ્તી લગ્ન કરી દેવાયાં.
તેમણે કહ્યું, “હું મારો જીવ લેવા પણ તૈયાર હતો, પણ મારી પ્રેમિકાએ મારો સાથ ન છોડ્યો. આજે હું જીવું છું અને અમે સાથે છીએ અને આ વિશે તેણે ક્યારેય હાર નથી માની.”
હવે 22 વર્ષીય મનોજ અને તેમની 21 વર્ષીય પ્રેમિકા ‘રશ્મિ’ એક મોટા શહેરમાં છુપાઈને રહે છે. આ વચ્ચે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સમલૈંગિકોનાં લગ્નનો કાનૂની અધિકાર માગ્યો છે અને હવે નિર્ણયની રાહ જોઈ રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

લગ્નનો અધિકાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2018માં એક લાંબી કાનૂની લડાઈ પછી સુપ્રીમ કોર્ટે બે વયસ્કો વચ્ચે પરસ્પર સંમતિથી બનેલા સમલૈંગિક યૌનસંબંધને અપરાધની શ્રેણીમાંથી બાકાત કરી દીધા હતા.
પરંતુ સમલૈંગિકોમાં લગ્નને હજુ પણ કાનૂની માન્યતા નથી મળેલી.
આ વર્ષે સુપ્રીમ કોર્ટે આવી માગણી કરનારી 21 અરજીની સુનાવણી કરી અને હવે જલદી જ નિર્ણય આવવાની સંભાવના છે.
અરજી (પિટિશન)માં મોટા ભાગનાએ લગ્નની માગ એક મૌલિક અધિકારરૂપે કરેલી છે.
પરંતુ ચાર ક્વિયર ઍક્ટિવિસ્ટ અને બે અન્ય યુગલ સાથે મળીને મનોજ અને રશ્મિની પિટિશનમાં લગ્નને પરિવારના હાથે થતી શારીરિક અને માનસિક હિંસામાંથી બહાર નીકળવાનો માર્ગ ગણાવ્યો છે.
મનોજે કહ્યું, “અમારા સંબંધોને કાનૂની માન્યતા મળશે તો કોઈ ડર નહીં રહે.”
વર્ષ 2011માં થયેલી આખરી વસ્તીગણતરી અનુસાર ભારતમાં લગભગ પાંચ લાખ લોકો ખુદને ટ્રાન્સજેન્ડર માને છે. ઍક્ટિવિસ્ટ અનુસાર આ આંકડા વાસ્તવિકતા કરતાં ઘણા ઓછા છે.
વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય આપીને ટ્રાન્સજેન્ડર લોકોને ત્રીજી જેન્ડરનો કાનૂની દરજ્જો આપ્યો.
પાંચ વર્ષ બાદ સંસદે ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારોની સુરક્ષા માટે કાયદો પસાર કર્યો. કાયદા હેઠળ શિક્ષા, રોજગાર, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ટ્રાન્સજેન્ડરો સાથે ભેદભાવ અને તેમના વિરુદ્ધ આર્થિક, શારીરિક, યૌન અને માનસિક હિંસા ગેરકાનૂની છે.
પરંતુ પરિવારમાં થતી આંતરિક હિંસાને દૂર કરવી જટિલ છે.

પરિવારોમાં થતી હિંસા

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈમાં રહેતાં નારીવાદી વકીલ વીણા ગૌડા અનુસાર, મોટા ભાગના કાનૂન કોઈ પણ વ્યક્તિ માટે પરિવાર સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, ભલે તે લોહીના સંબંધવાળો પરિવાર હોય અથવા લગ્ન કે દત્તકથી બનેલો પરિવાર હોય.
વીણા અનુસાર, “પરિવારોમાં થતી હિંસાથી આપણે બધા વાકેફ છીએ. તે ભલે પત્ની, બાળકો અથવા ટ્રાન્સજેન્ડર લોકો વિરુદ્ધ હોય. પણ જાણીજોઈને તેને અવગણવામાં આવે છે, કેમ કે તેને જોયું અને કબૂલ્યું તો પરિવારના માળખા પર સવાલ ઉઠાવવા મજબૂર થઈ જશે.”
વીણા ગૌડા એ પેનલનો ભાગ છે જેણે એક જાહેર સુનાવણીમાં 31 ક્વિયર અને ટ્રાન્સજેન્ડર લોકોનાં વ્યાપક નિવેદનો નોંધ્યાં. આ લોકોએ જણાવ્યું કે તેમણે પરિવારમાં જ કેવી હિંસાનો સામનો કરવો પડ્યો.
ગૌડાની સાથે આ પેનલમાં એક પૂર્વ જજ, વકીલ, શિક્ષણવિદ્, કાર્યકર્તા અને રાજ્ય સરકાર સાથે કામ કરી રહેલા એક સમાજસેવિકા હતાં.
એપ્રિલમાં આ સુનાવણી પર આધારિત રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો જેમાં ભલામણ કરવામાં આવી કે ક્વિયર લોકોને પોતાનો પરિવાર પસંદ કરવાનો હક આપવો જોઈએ.
પોતાની ભલામણમાં વીણાએ લખ્યું, “સુનાવણીમાં જે પ્રકારની હિંસાનાં નિવેદનો લોકોએ મૂક્યાં, એને જોતાં જો તેમને પોતાનો પરિવાર પસંદ કરવાની આઝાદી નહીં મળે તો તેમના જીવવાનો અધિકાર અને ઇજ્જતથી જીવન જીવવાનો અધિકાર છીનવાઈ જશે.”
વીણા અનુસાર, “લગ્નનો અધિકાર આ નવા પરિવારને વ્યાખ્યાયિત કરવા અને બનાવવા જેવો હશે.”
બળજબરીથી લગ્નના કેટલાક મહિનાઓ બાદ મનોજે ફરીથી રશ્મિ સાથે રહેવાની કોશિશ વિશે કહ્યું કે તેમના પતિએ આ વાત જાણી લીધી અને બંને સાથે બળજબરીથી યૌનસંબંધ બાંધવાની ધમકી આપી.
મનોજ અને રશ્મિ ભાગી ગયાં. નજીકના રેલવે સ્ટેશન પરની પહેલી ટ્રેનમાં ચઢી ગયાં પણ પરિવારે તેમને શોધીને પરત લાવીને ખૂબ જ માર માર્યો.
રશ્મિ યાદ કરે છે, “મનોજ પર દબાણ કરાયું કે તે મારા મોત માટે જવાબદાર ગણાવતી એક સ્યૂસાઇડ નોટ પર સહી કરી દે.”
મનોજે ઇન્કાર કરતા તેમને ફરીથી એક ખૂણામાં બંધ કરી દીધા અને મોબાઇલ ફોન પણ છીનવી લીધો.
આખરે મનોજ પોતાનાં માતાપિતાના ઘરેથી ત્યારે નીકળી ગયા, જ્યારે રશ્મિએ એક ક્વિયર નારીવાદી સંગઠનનો સંપર્ક કર્યો અને સ્થાનિક પોલીસના મહિલા સેલની મદદ લીધી.
કેટલાક સમય માટે તેઓ ટ્રાન્સજેન્ડર લોકો માટે બનેલા સરકારી શેલ્ટરમાં રહ્યાં, પરંતુ જલદી જ ત્યાંથી નીકળવું પડ્યું, કેમ કે રશ્મિ ટ્રાન્સજેન્ટર નથી.

ભાગવું અને ફરી જીવન વસાવવું

મનોજ છૂટાછેડા લેવામાં પણ સફળ રહ્યા, પણ પરિવારોની હિંસાથી બચીને નીકળવામાં અને નવું જીવન બનાવવામાં મદદ કરનારા ઓછા છે.
કોયલ ઘોષ પૂર્વ ભારતના પ્રથમ લેસ્બિયન-બાયસેક્સ્યુઅલ-ટ્રાન્સમસ્ક્યુલિન પીપલ રાઇટ્સ કલેક્ટિવ – ‘સૈફો ફૉર ઇક્વાલિટી’ના મૅનેજિંગ ટ્રસ્ટી છે.
સૈફો 20 વર્ષથી વધુ સમયથી ક્વિયર સમુદાયની સાથે કામ કરી રહ્યા છે.
કોયલને હજુ પણ 2020નો એ દિવસ યાદ છે જ્યારે સૈફોની હેલ્પલાઇન પર તેમને એક ક્વિયર યુગલનો કૉલ આવ્યો. આ યુગલ ભાગીને કોલકાતા આવ્યું હતું, રહેવા માટે કોઈ ઠેકાણું નહોતું એટલે સાત રાત્રી તેમણે ફૂટપાથ પર વિતાવી પડી હતી.
કોયલે કહ્યું, “અમે એક જગ્યા ભાડે લીધી અને તેમને અસ્થાયી રીતે ત્રણ મહિના માટે ત્યાં લઈ ગયા. કેમ કે ઘર હોય, રહેવાની વ્યવસ્થા હોય તો જ તેઓ નવા શહેરમાં નોકરી શોધવા અને જિંદગી વસાવવા માટે કંઈક કરી શકે.”
સમાજમાં હીન નજરથી જોવાવું, પરિવારો દ્વારા થતી હિંસા વેઠવી, અભ્યાસ પૂરો ન કરી શકવો અને બળજબરીથી લગ્ન ઉપરાંત ઘણા ટ્રાન્સજેન્ડર લોકોને સ્થાયી રોજગાર નથી મળી શકતો.
ભારતની ગત વસ્તીગણતરી અનુસાર તેમની સાક્ષરતાનો દર (49.76 ટકા) દેશની સરેરાશ (74.04 ટકા)થી ઘણો ઓછો છે.
વર્ષ 2017માં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 900 ટ્રાન્સજેન્ડર લોકો સાથે કરેલા સર્વેમાં જાણ્યું કે 96 ટકાને નોકરી ન અપાઈ અથવા ભીખ માગવા અથવા સેક્સ વર્ક કરવા માટે મજબૂર થવું પડ્યું.
સૈફોએ નક્કી કર્યુ કે તે ઘરથી ભાગવા મજબૂર યુગલ માટે એક શેલ્ટર બનાવશે. છેલ્લાં બે વર્ષમાં એ શેલ્ટરમાં 35 યુગલને રહેવાની જગ્યા અપાઈ છે.
કામ મુશ્કેલ છે. કોયલને રોજના ત્રણથી પાંચ ફોન કૉલ આવે છે અને તેઓ અલગઅલગ પડકારો માટે સતત વકીલોના સંપર્ક કરે છે.
કોયલે કહ્યું, “મને જાનથી મારવાની ધમકી મળી છે, ગામોમાં ગુસ્સે થયેલી ભીડ પાછળ પડી છે, પોલીસ સ્ટેશનમાં પણ લોકો અસહજ થઈ જાય છે, કેમ કે અમે અમારી ક્વિયર આઈડેન્ટિટી છુપાવતા નથી અને એ તેમનાથી સહન થતું નથી.”
જ્યારે ટ્રાન્સમૅન "આસિફ" અને તેમની ગર્લફ્રેન્ડ "સમીના"એ કોયલનો સંપર્ક કર્યો ત્યારે તેઓ પશ્ચિમ બંગાળના એક ગામના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હતા.
સમીનાનો આરોપ છે કે કૉન્સ્ટેબલ તેમને હીજડો બોલીને એમ કહેતા હતા કે એ બંનેએ દુનિયાને પોતાના સંબંધો અંગે જણાવવા કરતા મરી જવું જોઈએ.
પ્રેમમાં પરિણમેલી તેમની બાળપણની મિત્રતાને બચાવવા માટે તેઓ બે વખત પોતાના પરિવારોને છોડીને ભાગવાની નિષ્ફળ કોશિશ કરી ચૂક્યા હતા.
જીવ બચાવવાની આ છેલ્લી તક હતી અને તેમને મદદ જોઈતી હતી.
સમીનાએ કહ્યું, “જ્યારે કોયલ આવી અને પોલીસ અધિકારી સાથે વાત કરી ત્યારે કૉન્સ્ટેબલનો વર્તાવ સારો થયો અને અધિકારીએ તેમને ઠપકો આપ્યો કે પોલીસ થઈને તે અદાલતના નિર્ણયો અને કાયદાથી અજાણ રહીને આવી વાતો કઈ રીતે કરી શકે.”
આસિફ અને સમીના હવે એક મોટા શહેરમાં સુરક્ષિત રહે છે. આ મનોજ અને રશ્મિ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશનકર્તા પણ છે.
આસિફે કહ્યું, “હવે અમે ખુશ છીએ. પરંતુ અમને એ કાગળનો ટુકડો જોઈએ, એ લગ્નનું પ્રમાણપત્ર જે અમારા પરિવારોના મનમાં પોલીસ અને કાયદાના ઉલ્લંઘનનો ડર પેદા કરે.”
આવા ટ્રાન્સમૅન માટે આ ઘણો મહત્ત્વનો અને મુશ્કેલ સમય છે.
આસિફે કહ્યું, “જો સુપ્રીમ કોર્ટ અમારી મદદ નહીં કરે તો અમારે મરવાનો વારો આવી શકે છે. અમે જેવા છીએ તેવા જ અમને સ્વીકારવામાં નહીં આવે, હંમેશાં ભાગતા રહીશું અને અલગ થવાનો ડર યથાવત્ રહેશે.”
(સુરક્ષાના કારણસર ઓળખ ગુપ્ત રાખવા માટે લોકોનાં નામ બદલેલાં છે.)














