'છોકરીને પ્રેમ કરું છું એટલે તેનાથી દૂર રાખવા માતા-પિતા મારી સારવાર કરાવતાં' : સાથે રહેવા માટે કોર્ટના શરણે ગયેલી બે યુવતીઓ

- લેેખક, એસ. મહેશ
- પદ, બીબીસી તામિલ માટે

અફિફા અને સુમૈયા કહે છે, "અમે બન્ને એકમેકને સારી રીતે સમજીએ છીએ. અમારી વચ્ચે ગાઢ સમજદારી છે અને લિંગના આધારે જીવનસાથી પસંદ ન કરવાનો નિર્ણય અમે કર્યો છે."
21 વર્ષીય સુમૈયા શીરિન તથા 21 વર્ષીય અફિફા લેસ્બિયન કપલ (સમલિંગી યુગલ) છે અને તેઓ કેરળના મલ્લાપુરમ જિલ્લાના કોન્ડોટીમાં રહે છે.
માતા-પિતાના વિરોધ વચ્ચે અદાલતના હસ્તક્ષેપ પછી આ સમલિંગી યુગલ હવે સાથે રહે છે. તેમણે તેમની અગ્નિપરીક્ષા બાબતે બીબીસી સાથે વાત કરી હતી.
બારમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે તેમની વચ્ચે મૈત્રી થઈ હતી અને કોરોના લૉકડાઉન દરમિયાન તેમણે સમલિંગી યુગલ તરીકે સાથે રહેવાનું શરૂ કર્યું હતું.
અફિફા કહે છે, "હું કંઈ કહું તે પહેલાં સુમૈયા મારા મનની વાત સમજી જાય છે અને મારું પણ એવું જ છે. અમારા વચ્ચેની આ સમજણને લીધે અમે એકમેકના પ્રેમમાં પડ્યાં હતાં. સાથે રહેવાનો નિર્ણય કરતી વખતે અમે અમારી જાતિને ધ્યાનમાં લીધી ન હતી, કારણ કે અમારી વચ્ચે સમાન સમજ છે."
અફિફાના સુમૈયા સાથેના સંબંધ વિશે શંકા પડી પછી તેમનાં માતા-પિતાએ, તે 2023ની 27 જાન્યુઆરીએ ઘરેથી નીકળી ગઈ હોવાની ફરિયાદ મલાપુરમ કોન્ડોટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
અફિફા અને સુમૈયા 29 જાન્યુઆરીએ મલપુરમ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયાં હતાં તથા સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કોર્ટે તેમની વિનંતી સ્વીકારી હતી અને તેમને સાથે રહેવાની છૂટ આપી હતી.

એક યુગલ, જે ફરીથી અલગ થયું

એર્નાકુલમમાં એક કંપનીમાં કામ કરતાં આ યુગલે શહેરમાં રહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ અફિફાનાં માતા-પિતા 30, મેએ દીકરીની ઑફિસે ગયાં હતાં અને બળજબરીથી તેને સુમૈયાથી અલગ કરીને પોતાની સાથે લઈ ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુમૈયાએ એર્નાકુલમ બુધનકુરુસુ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. તેથી સુમૈયાએ પાંચમી જૂને કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
અદાલતે અફિફાને હાજર કરવાનો આદેશ તારીખ નવ જૂને આપ્યો હતો, પરંતુ તેમને હાજર કરવામાં આવ્યાં ન હતાં. આખરે 19 જૂને અફિફાને તેમનાં માતા-પિતાએ કોર્ટમાં હાજર કરી હતી, પરંતુ અફિફાએ કોર્ટને એમ જણાવ્યું હતું કે તેઓ સુમૈયા સાથે નહીં, પરંતુ પોતાનાં માતા-પિતા સાથે રહેવા ઇચ્છે છે.

બળજબરી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
થોડા દિવસ પછી અફિફાએ સુમૈયાને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે મારા હેટરોસેક્સ્યુઅલ (વિષમલિંગી) દૃષ્ટિકોણને બદલવા માટે મને કન્વર્ઝન થૅરપી નામની તબીબી સારવાર આપવામાં આવી હતી. તેને કારણે હું કોર્ટમાં મારા મનની વાત કરી શકી ન હતી.
એ પછી વનાજા કલેક્ટિવ નામની સંસ્થાએ પોલીસની મદદથી અફિફાને તેમના ઘરમાંથી ઉગારવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ અફિફાનાં માતા-પિતા અને ગામલોકોએ તેમનો જોરદાર વિરોધ કર્યો હતો. આખરે ભારે જહેમત બાદ પોલીસની મદદથી અફિફાને ઉગારવામાં આવ્યાં હતાં.
અફિફાનાં માતા-પિતાએ તેમની ‘કન્વર્ઝન ટુ ફિક્સ હેટરોસેક્સ્યુઅલ ઍટ્રેક્શન’ નામની તબીબી સારવાર કરાવી હતી. બાદમાં તેમને અદાલતમાં રજૂ કર્યાં હતાં.
અફિફા કહે છે, "તેઓ મને બળજબરીથી કોઝિકોડની એક ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને મને બ્લડ ટેસ્ટના બહાને ઍનેસ્થેસિયા આપ્યો હતો. હું બે દિવસ સુધી બેભાન રહી હતી. એ પછી મેં ડૉક્ટરને મારી રિલેશનશિપ બાબતે વાત કરી કરી હતી અને જણાવ્યું હતું કે હું સુમૈયા પાસે જવા ઇચ્છું છું."
અફિફાના કહેવા મુજબ, "મને હોમોસેક્સ્યુઆલિટીની બીમારી છે. બે સ્ત્રીઓ વચ્ચેનો સંબંધ અપ્રાકૃતિક છે, પરંતુ તેનો ઉપચાર આસાન છે, એવું કહીને ડૉક્ટર અને કાઉન્સેલરે મારી સારવાર કરી હતી."
અફિફાએ જણાવ્યું હતું કે તેમણે સુમૈયા સાથે રહેવાની ઇચ્છા કોર્ટમાં જતા પહેલાં વ્યક્ત કરી હતી. તેનાથી ડૉક્ટર ગુસ્સે થયા હતા અને તેમણે ઍનેસ્થેસિયાનો ઍકસ્ટ્રા ડોઝ તેમને આપ્યો હતો.
તેમના પરિણામે અફિફાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં ત્યારે તેઓ "લગભગ બેભાન અવસ્થામાં હતી. તેનું શરીર ઢીલું પડી ગયું હતું. તેને એમ લાગતું હતું કે તે ચાલશે તો પડી જશે અને તે યોગ્ય રીતે વિચારી કે બોલી શકશે નહીં."

ઇમેજ સ્રોત, Empics
માતા-પિતાએ અફિફાને ધમકી આપી હતી કે "તું મરી જઈશ તો પણ અમે તને સુમૈયા સાથે ફરી રહેવા દઈશું નહીં. અમે સુમૈયાની હત્યા કરીશું."
અફિફાના જણાવ્યા મુજબ, પોતે કંઈ કહેશે તો સુમૈયાના જીવ પર જોખમ સર્જાશે એવા ડરથી તેમણે કોર્ટને હકીકત જણાવી ન હતી.
સુમૈયા અને અફિફા દાવો કરે છે કે તેમની વચ્ચેના પ્રેમને સમાજ સ્વીકારતો નથી. સુમૈયા તથા અફિફાના કહેવા મુજબ, અમે માત્ર શરીરસુખ માટે ભેગાં રહીએ છીએ એવું કહીને સમાજ અમારી ટીકા કરે છે.
તેઓ કહે છે, "બે મહિલાઓ સાથે રહે તેને જાતીય સમાગમ જ ગણવામાં આવે છે. એવા લોકો સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. તેમને સમજાવવાનું શક્ય નથી."
સુમૈયા ગળગળા અવાજમાં કહે છે, "ડૉક્ટર્સ પોતે અમારા સંબંધને સમજી શક્યા નથી તો પછી અમારાં માતા-પિતા અને અન્ય લોકો કેવી રીતે સમજી શકે? તેમની પાસેથી શું અપેક્ષા રાખી શકાય?"
ઘણા લોકો સોશિયલ મીડિયા પરના ફેક ઍકાઉન્ટ મારફત અમારી ટીકા કરે છે, તેવો દાવો કરતાં તેઓ કહે છે, "અમારા સંબંધનું એકમાત્ર કારણ વાસના હોવાનું તેઓ કહે છે, પરંતુ એ લોકોમાં તેમના અસલી એકાઉન્ટમાંથી અમારી ટીકા કરવાની હિંમત નથી."
ભારતમાં સમલૈંગિક યુગલો કાયદેસર લગ્ન કરી શકે તેવી વ્યવસ્થાના અભાવ બાબતે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.
સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની માગણી કરતા કેસ બાબતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપવો બાકી છે ત્યારે અફિફા અને સુમૈયા કહે છે, "સુપ્રીમ કોર્ટે આવા યુગલોની લાગણી સમજવી જોઈએ, સમલૈંગિક લગ્નની તેમજ આવા લોકોને કાયદેસર સાથે રહેવાની મંજૂરી આપવી જોઈએ."

પોલીસ દ્વારા રક્ષણની માગણી
અફિફા અને સુમૈયાએ ફરીથી કેરળ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમને અફિફાનાં માતા-પિતા તેમજ અન્ય વર્ગ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે તથા તેઓ તેમને ફરી વાર બળજબરીથી અલગ કરવાના પ્રયાસ કરી શકે છે.
કેરળ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કુંકી ક્રિષ્નને તેમની અરજીની સુનાવણી પાંચમી જુલાઈએ હાથ ધરી હતી અને અફિફા તથા સુમૈયાને પૂરતું પોલીસ રક્ષણ આપવાનો આદેશ રાજ્યના પોલીસવડા તથા એર્નાકુલમના પોલીસ કમિશનરને આપ્યો હતો.
આ કેસની આગામી સુનાવણી 21 જુલાઈએ હાથ ધરવામાં આવશે.














