એક હિન્દુ અને એક મુસ્લિમ, બંને છોકરીની પ્રેમકહાણી કેવી રીતે શરૂ થઈ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, DEBAJYOTI CHAKRABORTY/NURPHOTO VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

"એ હિંદુ છે અને હું મુસ્લિમ, પરંતુ તેનાથી અમને બંનેને કોઈ ફરક પડતો નથી. અમે માત્ર એક જ વસ્તુ જાણીએ છીએ કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને સાથે રહીને જીવનના તમામ જંગ જીતી લઈશું. એકબીજાના ધર્મ સાથે અમારે કોઈ લેવાદેવા નથી."

આ કહેવું છે માલતી અને રૂબીનાનું.

(ઓળખ છુપાવવા માટે બંને નામ બદલવામાં આવ્યાં છે.)

પશ્ચિમ બંગાળના એક નાનકડા ગામમાંથી ભાગીને માલતી અને રૂબીના કોલકાતા આવ્યાં છે.

આ બંનેની કહાણી સ્કૂલમાં શરૂ થઈ, જ્યારે માલતીની નજર રૂબીના પર પડી.

આ બંને 11મા ધોરણમાં એકસાથે ભણતાં હતાં અને જ્યારે પણ માલતી રૂબીનાને જોતા તો તેઓ હતાશ જ દેખાતાં હતાં.

માલતી કહે છે, "મને હંમેશાંથી છોકરીઓ જ પસંદ આવતી હતી, પરંતુ એ ખબર નહોતી પડતી કે શું હું ખરેખર છોકરીઓથી જ આકર્ષિત થાઉં છું કે કેમ. રૂબીનાને પણ મેં જ અપ્રોચ કર્યું હતું. મને એ સારી લાગતી હતી. અમારા બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી વાતચીતનો સિલસિલો આગળ વધ્યો."

તેઓ કહે છે, "રૂબીના ચૂપચાપ રહેતી હતી. હું તેમને પૂછતી પણ કે તેઓ વાત કેમ નથી કરતાં, પરંતુ ધીરેધીરે તેઓ ખૂલીને વાત કરતાં થયાં."

રૂબીના જણાવે છે કે આ વચ્ચે તેમની એક છોકરા સાથે મિત્રતા થઈ હતી અને તેણે સંબંધ બાંધવા માટે દબાણ કર્યું.

રૂબીનાએ ના પાડી દીધી અને એ મિત્રતાનો અંત આવી ગયો, પરંતુ તેમના પરિવારને છોકરા સાથેની મિત્રતાના અણસાર આવી ગયા.

ત્યારપછી તેમના પર દુખોનો પહાડ તૂટી પડ્યો.

રૂબીના ગળે ડૂમો ભરતાં કહે છે, "મને ઘણાં ટોણાં મારવામાં આવતાં, ગાળો પડતી, માર પડતો હતો. મને કંઈ ખાવાનું પણ આપતા નહોતા. આ દરમિયાન માલતી મારા જીવનમાં આવ્યાં. મારા જીવનમાં તેઓ પહેલી એવી વ્યક્તિ હતી, જેમને જાણવું હતું કે હું આટલી ચૂપ અને દુખી કેમ છું. બસ, પછી અમારી વચ્ચે વાત શરૂ થઈ, મિત્રતા થઈ અને પછી પ્રેમ."

23 વર્ષીય રૂબીના બી.એ. (હિસ્ટ્રી ઑનર્સ) અને 22 વર્ષીય માલતી બી.એ. (બાંગ્લા) કરે છે.

માલતી એનસીસી કૅડેટ રહી ચૂક્યાં છે અને પોલીસ ભરતીની તૈયારી કરે છે, જ્યાં રૂબીના શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવાની તૈયારી કરી રહ્યાં છે.

ગ્રે લાઇન

મિત્રતાથી પ્રેમ સુધી

સમલૈંગિક લગ્નોને માન્યતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માલતીને રૂબીના સાથે પ્રથમ નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો.

રૂબીનાએ ધીરેધીરે પોતાના દિલના દરવાજા ખોલ્યા અને પોતાનું દુખ વહેંચવાનું શરૂ કર્યું.

તેઓ માલતીની એ વાત પર ફિદા થઈ ગયાં હતાં કે માલતી તેમનું ઘણી સારી રીતે ધ્યાન રાખતાં હતાં.

બંને સ્કૂલમાં ઘણી વાતો કરતાં, એકબીજાના ઘરે આવનજાવન શરૂ થયું. મુલાકાતો વચ્ચેનું અંતર ઘટતું ગયું અને મિત્રતા પ્રેમમાં પરિણમી.

રૂબીના જણાવે છે, "પહેલાં મારા પરિવારને લાગતું હતું કે માલતી મને બીજા કોઈ છોકરા સાથે વાત કરાવવા તેમજ મળાવવામાં મદદ કરી રહી છે, પરંતુ બાદમાં તેમને એ ખબર પડી કે હું અને માલતી એકબીજાની નજીક છીએ."

"તેમને આભાસ થઈ ગયો હતો કે અમારા વચ્ચે કંઈક ચાલી રહ્યું છે અને મારા પર હિંસા શરૂ થઈ. મને જમવાનું નહોતા આપતા અને લગ્ન માટે દબાણ કરતા હતા. અમારા સમાજમાં એમ પણ છોકરી 21 વર્ષની થાય ત્યાં સુધીમાં તેના લગ્ન કરાવી દેવાતા હોય છે."

તેઓ જણાવે છે, "મારા પિતાએ લગ્ન માટે દબાણ ન ઊભું કર્યું, પરંતુ તેઓ મારતા હતા. મારી મા મારા પર શારીરિક અને માનસિક યાતનાઓ ગુજારતી. એટલું જ નહીં, મારી માતાના પરિવારજનો પણ ગાળો, હિંસા, મહેણાં ચાલુ રહેતાં હતાં."

રૂબીનાનું કહેવું હતું, "તેઓ મને પૂછતા હતા કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. સાથે જ એમ કહેતા હતા કે તેઓ અમને બંનેને સાથે રહેવા દેશે જો અમે તેમને કહીશું કે અમારા બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. હું એ વાત સમજી ગઈ હતી કે જો હું તેમને ખૂલીને કંઈક કહીશ તો તેઓ મને ક્યાંક દૂર મોકલી દેશે."

આ વચ્ચે અમે સોશિયલ મીડિયા પર અમારા જેવા લોકોની કહાણીઓ જોઈ અને નિર્ણય લીધો કે અમે પણ અમારી મરજીથી જીવીશું. પણ ગામમાં એ શક્ય બને એમ નહોતું અને ગામમાં આમ સંતાઈને જીવવામાં જ આખી જિંદગી જતી રહેશે.

સમલૈંગિક લગ્નોને માન્યતા

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી

  • વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી હઠાવ્યો હતો.
  • સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યતા આપવા અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
  • આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચ કરી રહી છે.
  • કેન્દ્ર સરકારે પોતાની ઍફિડેવિટમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવા અંગેની અરજીઓનો વિરોધ કર્યો છે.
  • જજોના એક સમૂહે પણ વિરોધ કર્યો, તો ધાર્મિક સંગઠનોએ સમલૈંગિક લગ્નોને 'અપ્રાકૃતિક' ગણાવ્યું.
  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ પર્સનલ લૉના ક્ષેત્રમાં ગયા વગર જોશે કે શું વિશેષ કાયદા દ્વારા સમલૈંગિકોને અધિકાર આપી શકાય કે કેમ.
  • ત્યાં જ કોર્ટે એમ પણ કહ્યું હતું કે અધિકારો, તેની સાથે જોડાયેલી જટિલતાઓ અને સામાજિક અસરને જોતા આ કેસને નક્કી કરવાનો નિર્ણય સંસદ પર છોડી દેવામાં આવે.
  • ત્રણ મેના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે LGBTQIA+ કપલ્સને પડતી તકલીફોના મુદ્દે કૅબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક કમિટી ગઠિત કરવામાં આવશે.
સમલૈંગિક લગ્નોની માન્યતા

ઘરેથી ભાગવાની યોજના

સમલૈંગિક લગ્નોને માન્યતા

ઇમેજ સ્રોત, MANJUNATH KIRAN

પોતાની કહાણીને આગળ વધારતા માલતી કહે છે કે તેમને ગામમાંથી શહેરમાં ભાગવાનો નિર્ણય લીધો અને તમામ દસ્તાવેજો એકઠાં કરવાના શરૂ કર્યા, કારણ કે તેમને ખબર હતી કે નોકરી માટે સર્ટિફિકેટ અને દસ્તાવેજોની જરૂર પડશે.

માલતી જણાવે છે, "અમે વર્ષ 2021માં સ્કૉલરશિપના પૈસા એકઠા કરવાના શરૂ કર્યા અને ત્યાં એક ટ્રાન્સમૅન પાસેથી મદદ માગી. ત્યારપછી એ વ્યક્તિએ અમારો સંપર્ક સેફો ફૉર ઇક્વાલિટી નામની સંસ્થા સાથે કરાવ્યો. જ્યાં અમને મદદ માટે આશ્વાસન મળ્યું અને એ રીતે અમારો રસ્તો સાફ થયો."

સેફો ફૉર ઇક્વાલિટી નામની સંસ્થા LGBTQIA+ સમુદાયના અધિકારો માટે કામ કરે છે.

હવે માલતી અને રૂબીના આ સંસ્થા સાથે સંકળાયેલાં છે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવાની દિશામાં કામ કરે છે.

સમલૈંગિક લગ્નોને માન્યતા

ઇમેજ સ્રોત, Getty Images

ઘરની યાદ

સમલૈંગિક લગ્નોને માન્યતા

ઇમેજ સ્રોત, NURPHOTO

શું તમને ઘરની યાદ આવે છે? શું માતાપિતાની યાદ આવે છે?

આ પ્રશ્નના જવાબમાં માલતી કહે છે કે તેઓ પોતાના પરિવારના સંપર્કમાં છે અને તેમણે ઘર છોડ્યું ત્યારપછી રૂબીનાના પરિવારના સભ્યો તેમના ઘરે પણ આવ્યા હતા.

માલતી રડમસ અવાજમાં કહે છે, "મારી માતા કદાચ અમારા બંને વચ્ચેના સંબંધોને સ્વીકારવા તૈયાર પણ થાય, પરંતુ મારા પરિવારના અન્ય સભ્ય મારી માતાને પરેશાન કરી મૂકશે. મારી માતાએ મને કહ્યું હતું કે પાછી ત્યારે જ આવજે જ્યારે રૂબીનાના પરિવારજનોને સંબંધ માટે સહમત થાય. બાકી તો એવા આરોપ લાગશે કે હું રૂબીનાને ભગાડીને લઈ ગઈ હતી અને પછી આખો મામલો બે સમુદાય વચ્ચેનો મામલો બની જશે."

તેઓ કહે છે, "મને મારા ઘરનું ખાવાનું બહુ યાદ આવે છે. મને મારી માતા સાથે મજાક કરવાની યાદ આવે છે. ઘણી વખત તેમનો ચહેરો મારી આંખોની સામે ફરતો દેખાય છે. પરંતુ હું રૂબીના વગર ઘરે નહીં જાય."

માલતી કહે છે કે તેમના પરિવારજનોને આ સંબંધને સમજી જ નહીં શકે.

તેમણે કહ્યું, "જ્યારે મેં કહ્યું કે અમે બંને એક સાથે રહેવા માગીએ છીએ, તો તેમણે કહ્યું કે સાથે કેમ રહેવા માગો છો? એ તેમની સમજની બહાર છે અને અમારા સમજાવવાની બહાર છે, કારણ કે એવી કોઈ ભાષા નથી કે જેમનાથી તેમને સમજાવી શકાય."

સમલૈંગિક લગ્નોને માન્યતા

ઇમેજ સ્રોત, Getty Images

રૂબીના કહે છે, "મારા પિતા સાથે સંબંધ સારા નથી, પણ હું તેમની મોટી પુત્રી છું અને મેં એ અનુભવ્યું છે કે તેઓ જ્યારે પણ બહારથી આવતા હતા તો સૌથી પહેલા આવીને મારો ચહેરો જોતા હતા. તેઓ મને માર મારતા હતા, પરંતુ પ્રેમ પણ કરતા હતા."

"મેં જ્યારે મારી બહેન સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી તો ખબર પડી કે તેઓ આજે પણ મારા જૂના ફોન-નંબર પર મને ટ્રાય કરે છે. જોકે, મેં એ સીમકાર્ડ ફેંકી દીધું છે. મારી બહેને મને જાણાવ્યું કે તેઓ અને હું બંને રડીએ છીએ."

આ સમયે સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવા અંગેની અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે.

માલતી અને રૂબીના કહે છે કે જો સમુદાયના લોકોને લગ્ન કરવાનો અધિકાર મળે તો ઘણું સારું રહેશે.

માલતી કહે છે, "અમારાં લગ્નમાં પણ તમામ પરિવારજનો આવવા જોઈએ. અમે ચોક્કસપણે લગ્ન કરવા માગીએ છીએ પણ તેમની સહમતિ વગર કેવી રીતે કરી શકીશું?"

તેનો જવાબ આપતા રૂબીના કહે છે કે જો માલતીના ઘરવાળા માની જશે તો તેઓ લગ્ન કરી લેશે અને તેમના માટે ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ માત્ર એકબીજાથી પ્રેમ કરીએ છીએ.

હાલ માલતી અને રૂબીના સેફો ફૉર ઇક્વાલિટી સંસ્થાના શૅલ્ટર હોમમાં રહે છે અને એ સંસ્થા બંનેનાં સપનાં અને ધ્યેયને પૂર્ણ કરવામાં મદદ કરી રહી છે.

રેડ લાઇન
રેડ લાઇન