રેલવે સ્ટેશન પર ખૂલ્યો ટ્રાન્સજેન્ડર ટી-સ્ટૉલ, ચલાવનારા બોલ્યા- 'આ સન્માનની લડાઈ'

ટ્રાન્સજેન્ડર ટી સ્ટૉલ

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC

    • લેેખક, દિલીપકુમાર શર્મા
    • પદ, બીબીસી હિંદી માટે, ગુવાહાટીથી

ગુવાહાટી રેલવે સ્ટેશન પર 10 માર્ચે મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર આવી પહોંચ્યા હતા. કારણ હતું એક ટી-સ્ટૉલ એટલે કે ચાની દુકાનનું ઉદ્ઘાટન.

ટ્રેન પકડવાની ઉતાવળમાં પહોંચી રહેલા મુસાફરો પણ રોકાઈને 'ટ્રાન્સ ટી સ્ટૉલ' નામક આ દુકાનને જોવા ઊભા રહી જાય છે, કારણ કે જે ટ્રાન્સજેન્ડર્સ સામાન્ય રીતે ટ્રેનના ડબ્બામાં તાળીઓ પાડીને પૈસા માગતા જોવા મળે છે, એ લોકો હવે અહીં ચા વેચતા જોવા મળી રહ્યા છે.

એવો દાવો કરાઈ રહ્યો છે કે આસામની રાજધાની ગુવાહાટી ભારતીય રેલવેનું પ્રથમ સ્ટેશન બન્યું છે જ્યાં ટ્રાન્સજેન્ડર્સ ચા વેચતા નજરે પડી રહ્યા છે.

જ્યારે મહાપ્રબંધક અંશુલ ગુપ્તા આ 'ટ્રાન્સ ટી-સ્ટૉલ'નું ઉદ્ઘાટન કરી રહ્યા હતા ત્યારે આસપાસમાં ઉભેલા ટ્રાન્સજેન્ડર્સના ચહેરા પર ખુશી હતી. જાણે કે તેમણે પોતાનો અધિકાર મેળવી લીધો હોય.

ગ્રે લાઇન

'બસમાં અમારી આસપાસ પણ કોઈ બેસતું નથી'

ટ્રાન્સજેન્ડર ટી સ્ટૉલ

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC

27 વર્ષીય ટ્રાન્સજેન્ડર રાણી છેલ્લા ઘણા દિવસથી આ ચાની દુકાન પર આરામ કર્યા વગર કામ કરે છે.

તેઓ કહે છે, "લોકો ઘણા અનાદર સાથે અમારી જોડે વાત કરે છે. અમને છેડે છે અને અપશબ્દો કહે છે. પણ અહીં લોકો ઘણા માન સાથે બાઇદો (અસમિયા ભાષામાં મોટી બહેન) કહીને બોલાવે છે. લોકો અમારી પાસેથી ચા ખરીદે છે. અમારો આખો સમાજ આ પ્રકારનું સન્માન ઇચ્છે છે."

તેઓ કહે છે, "બસની સીટો પર મહિલા-પુરુષ એમ લખેલું હોય છે પણ અમારા માટે અલગ સીટ હોતી નથી. અમે લોકો મોટા ભાગે મહિલાવાળી સીટ પર બેસીએ છીએ. પણ જ્યારે એ સીટો ભરેલી હોય તો પુરુષવાળી સીટ પર પણ બેસી જઈએ છીએ. જોકે, અમારી બાજુવાળી સીટ ખાલી હોવા છતા લોકો ત્યાં બેસતા નથી."

રાણી કહે છે, "અમને કોઈ નોકરી પર રાખતું નથી. અમે સારા મકાનમાં રહેવા માગીએ છીએ પણ અમને કોઈ ઘર સુધ્ધાં ભાડે આપતું નથી."

"અમને દરેક જગ્યાએથી ભગાડી દેવામાં આવે છે. એટલે અમારે મોટા ભાગે ગંદકીવાળા વિસ્તારોમાં રહેવું પડે છે. અમારે આ અધિકારો માટે લાંબી લડાઈ લડવી પડશે."

ઑલ આસામ ટ્રાન્સજેન્ડર ઍસોસિયેશનના પ્રયાસથી ગુવાહાટી રેલવે સ્ટેશન પર આ ટી-સ્ટૉલ ખોલવામાં આવ્યો છે. ઍસોસિયેશને રાણી સહિત કેટલાક ટ્રાન્સજેન્ડર્સને આ સ્ટૉલ સંભાળવાની જવાબદારી સોંપી છે.

આસામ ટ્રાન્સજેન્ડર ઍસોસિયેશન અંતર્ગત અંદાજે 25 હજાર સભ્યો છે અને તેમાંથી મોટા ભાગના લોકો ટ્રેનો, બસો અને દુકાનોમાં જઈને ભીખ માગે છે.

ગ્રે લાઇન

'સરકાર મદદ કરશે તો ગુજરાન ચલાવી લઈશું'

વીડિયો કૅપ્શન, સેક્સવર્કર અલીશા કેવી રીતે બન્યા ટ્રાન્સજેન્ડરોનાં હેલ્થવર્કર

આવા જ એક પ્રશ્નનો જવાબ આપતા રાણી કહે છે, "ભીખ માગવી કોને ગમે? જે રીતે રેલવેએ ટી-સ્ટૉલ ખોલવામાં મદદ કરી છે, જો સરકાર પણ અમારા સમુદાયની મદદ કરે તો અમે સૌ કામ કરીને અમારું ગુજરાન ચલાવી શકીએ છીએ."

"અમારામાંથી મોટા ભાગના લોકો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી, કારણ કે સમાજના ડરથી અમારા પરિવારે અમારો સાથ છોડી દીધો છે. અમારામાંથી મોટા ભાગના લોકોએ નાની ઉંમરમાં જ ઘર છોડી દીધું હતું."

"મેં ખુદ 10 વર્ષની ઉંમરે ઘર છોડ્યું. એ પછી એક જ રસ્તો બચ્યો હતો. સમાજનો એક મોટો વર્ગ એમ જ માને છે કે કિન્નરો તાળી વગાડીને ખાશે. આપણા દેશમાં પુરુષો અને મહિલાઓને જે અધિકાર મળ્યા છે, શું એ ટ્રાન્સજેન્ડર્સને ન મળવા જોઈએ? અમારા સમુદાયમાં વૃદ્ધો પણ છે જે ભીખ માગવા જઈ શકે તેમ નથી. અમને સમાજ અને સરકાર બંનેની મદદની જરૂર છે."

રેલવે પ્લૅટફૉર્મ પર ચાની દુકાન ચલાવીને રાણી ખુશ છે, કારણ કે તેમને આટલું સન્માન પહેલાં ક્યારેય મળ્યું નથી.

રાણીના કહેવા પ્રમાણે તેમનો ટી-સ્ટૉલ સારી રીતે ચાલી રહ્યો છે અને લોકો તેમની પાસેથી ચા કે ખાવાપીવાનો અન્ય સામાન ખરીદતી વખતે જરા પણ ખચકાટ અનુભવતા નથી.

ટ્રાન્સજેન્ડર ટી-સ્ટૉલ

'અન્ય રેલવે સ્ટેશનો પર પણ કરાશે શરૂઆત'

ટ્રાન્સજેન્ડર ટી સ્ટૉલ

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, સબ્યસાંચી ડે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પૂર્વોત્તર સીમાંત રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સબ્યસાંચી ડે ટ્રાન્સજેન્ડર સમુદાયને ટી-સ્ટૉલ ચલાવવા માટે આપવામાં આવેલી સુવિધાને તેમના સશક્તીકરણ માટે ઉઠાવવામાં આવેલું પગલું ગણાવે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "અમે લાંબા સયથી આ પ્રકારના ઉપેક્ષિત સમુદાયની મદદ કરવાની યોજના પર વિચાર કરી રહ્યા હતા. આ વચ્ચે અમારી મુલાકાત ઑલ આસામ ટ્રાન્સજેન્ડર ઍસોસિયેશનના લોકો સાથે થઈ. તેમણે અમારી સમક્ષ ટી-સ્ટૉલ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. અમને પણ લાગ્યું કે આ દિશામાં કંઈક કરવુ જોઈએ."

તેમણે આગળ કહ્યું, "આ સિવાય ભારત સરકારે ટ્રાન્સજેન્ડર્સ માટે 'સપોર્ટ ફૉર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ ફૉર લાઇવલીહૂડ ઍન્ડ ઍન્ટરપ્રાઇઝિસ' નામથી એક વ્યાપક પરિયોજનાને મંજૂરી આપી છે. જેમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોના કલ્યાણ માટે વ્યાપક પુનર્વસનની યોજના પણ છે."

રેલવે અધિકારી સબ્યસાંચી ડેની વાત માનીએ તો ભારતીય રેલવેમાં આ પ્રકારનું પ્રથમ પગલું છે અને તેઓ અન્ય રેલવે સ્ટેશનો પર પણ આમ કરવા માગે છે.

આ વચ્ચે આસામના ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડના સહાયક ઉપાધ્યક્ષ સ્વાતિ બિધાન બરૂઆએ જણાવ્યું કે ગુવાહાટી રેલવે સ્ટેશન પર ખોલવામાં આવેલા ટ્રાન્સ ટી-સ્ટૉલથી જે પણ કમાણી થશે તેનો મોટો ભાગ ટ્રાન્સજેન્ડર્સના કલ્યાણ પાછળ ખર્ચાશે.

ટ્રાન્સજેન્ડર ટી-સ્ટૉલ

સારા જીવનની આશામાં ટ્રાન્સજેન્ડર સમુદાય

ટ્રાન્સજેન્ડર ટી સ્ટૉલ

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC

ઘણા મોટા સમુદાયના કલ્યાણનું કામ એક ચાની દુકાનથી શક્ય છે?

આ પ્રશ્નનો જવાબ આપતા સ્વાતિ બિધાન બરુઆ કહે છે, "આ શક્ય નથી કે એક ટી-સ્ટૉલથી એમ થઈ શકે. આ શરૂ કરવાનો અર્થ એ છે કે તેનાથી અન્ય ક્ષેત્રોમાં પણ ટ્રાન્સજેન્ડર્સ માટે આજીવિકાનો વિકલ્પ શોધવાનો પ્રયત્ન થઈ શકે."

તેઓ અંતે જણાવે છે, "તેનાથી અન્ય એક કામ પણ થશે. જે લોકો રેલવે સ્ટેશન પર આવશે અને ટ્રાન્સજેન્ડર્સને કામ કરતા જોશે. તેમનો અમારા સમુદાય પ્રત્યે દૃષ્ટિકોણ બદલાશે. અમે સરકાર પાસેથી પણ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ (અધિકારોના સંરક્ષણ) અધિનિયમ, 2019 અંતર્ગત સારા જીવનની આશા રાખીએ છીએ."

રેડ લાઇન
રેડ લાઇન