'હું મહિલા કિન્નર છું, પણ મારો જીવનસાથી સામાન્ય પુરુષ છે'

ઇમેજ સ્રોત, DANIELLA MCDONALD
- લેેખક, .
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
ડેનિયાલા મેકડોનલ્ડ ટ્રાન્સજેન્ડર મહિલા છે અને પુરુષોનું આકર્ષણ તેઓ અનુભવે છે.
કૅલિફોર્નિયામાં મેડિકલનું ભણતાં ડેનિયાલા કહે છે કે પ્રારંભમાં સામાન્ય પુરુષને ડેટિંગ કરવાની વાતથી "ભારે ગરબડ" પેદા થતી હતી.
આમ છતાં છેલ્લા અઢી વર્ષથી હવે તેમને પ્રેમી મળી ગયો છે. તેમને હવે લાગે છે કે સામાન્ય પુરુષો પણ ધીમે ધીમે સ્ત્રી કિન્નરને પ્રેમ કરવાનું સ્વીકારતા થઈ શકે છે.
બીબીસીના જેન્ડર અને આઇડેન્ટિટી સંવાદદાતા મેઘા મોહન સાથે ડેનિયાલા મેકડોનલ્ડે વાતચીત કરી હતી.
સરોવરમાં હૂક નાખ્યો તેના છપાક અવાજથી જોશનું ધ્યાન ગયું અને મારી સામે તેણે જોયું. અમારી આંખો મળી. તેની બાજુમાં જ મારા પિતા ઊભા હતા, પણ તેમનું ધ્યાન માછીમારી પર જ હતું.
મારો પરિવાર કૅલિફોર્નિયાના સિએરા નેવેડા મેમથ લેક્સ પર ફરવા ગયો હતો. પ્રવાસીઓને મજા પડે એવી જગ્યા છેઃ એક તરફ સ્વચ્છ સરોવર, દૂર પહાડો અને ખુલ્લું આકાશ.
જોશે મારી તરફ હાસ્ય સાથે જોયું. મારા પરિવારને ફરવાનું ગમતું હતું અને તેને પણ ફરવાનું ગમે છે તે જાણીને આનંદ થયો. તમારા બૉયફ્રેન્ડને તમારા પરિવાર સાથે ફાવી જાય તેનાથી વધારે સારું શું.
મારા જીવનના બે પુરુષોને સાથે ઊભેલા જોઈને મને બહુ શાંતિ મળી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ટ્રાન્સજેન્ડર મહિલાની કહાણી

ઇમેજ સ્રોત, DANIELLA MCDONALD
આવું થશે તેની મને કલ્પના પણ નહોતી. જોશ પહેલાં મારા માટે ડેટિંગનો અનુભવ બહુ જ ભયાનક રહેતો હતો.
મારી ઉંમરના ઘણા કરે છે તે રીતે હું પણ ડેટિંગ ઍપ્સનો ઉપયોગ કરતી હતી.
રૉમેન્ટિક સંબંધો એટલે શું તે બાબતમાં હું જુનવાણી છું: એક જ પ્રેમી, સાથ નિભાવે, સવારે નાસ્તો બનાવવામાં સાથ આપે, સાન ડિયેગોની કૅલિફોર્નિયા યુનિવર્સિટીમાં મેડિકલ સ્ટુડન્ટ તરીકે કલાકો ભણવાનું હોય તેમાં સાથ મળે. એટલે જે મેં ઍપ્સમાં મારી પ્રોફાઇલ લખી હતી તે સામાન્ય પ્રકારની જ હતી. ફક્ત છેલ્લે બે શબ્દો મેં લખ્યા હતા: "ટ્રાન્સજેન્ડર વુમન."
હું મારી જાતિને છુપાવતી નથી. 26 વર્ષની ઉંમરે મેં શારીરિક ફેરફારો કર્યા હતા, પણ હું હંમેશાં ડેનિયાલા તરીકે જ જીવતી રહી હતી.
સ્ત્રી તરીકે જીવન સ્વીકાર્યું હતું એટલે મને મીડિયામાં ટ્રાન્સજેન્ડરની ચર્ચા આવે તેમાં રસ પડતો નહોતો.
હું અને મારા જેવા ટ્રાન્સ લોકો સ્ત્રીના કે પુરુષના કયા બાથરૂમમાં જવું તેની ચર્ચામાં પણ પડતા નહોતા. અમે બસ યુવાઓની જેમ સંબંધોની જ વાતો કરતા.
મને સ્ત્રી તરીકે પુરુષોનું આકર્ષણ થતું હતું અને સ્ત્રીને પસંદ કરનારા પુરુષો સાથે રહેવાનું મને મન થતું હતું.
જોકે કેટલાક પુરુષોએ ઍપ્સ પર જે પ્રતિસાદ આપેલો તે ડેનિયાલા માટે સ્વીકાર્ય નહોતો. મોટા ભાગની પ્રપોઝલ બહુ ચોંકાવનારી રીતે આવતી હતી.
મને ટોણાં મારતાં મૅસેજ મળતા. તું પુરુષ છે એવું લોકો કહેતા અને કેટલાક તેને મારી નાખવાની ધમકી પણ આપતા.
એવી પણ રિક્વેસ્ટ આવતી જેમાં કેટલાક પુરુષોને સ્ત્રી કિન્નરોમાં રસ પડતો હોય. તે લોકોને હું કંઈ જોરદાર ચીજ લાગતી અને તે લોકો સારી રીતે વાત કરતા નહોતા. મને એવું જ પુછાતું કે તારા ગુપ્તાંગ કેવાં છે અને કેવી રીતે સેક્સ કરીશું.
કેટલાક પુરુષો સારા પણ હતા, પરંતુ તેમની સાથેય ડેટિંગમાં મુશ્કેલીઓ હતી. ખાનગીમાં મને માન આપતા પણ જાહેરમાં તે સ્ત્રી કિન્નર સાથે દેખાવા માગતા નહોતા.
આ પુરુષો મને તેમના મિત્રો કે કુટુંબ સાથે મળાવતા નહોતા. કેટલાક કહેતા કે સ્ત્રી કિન્નર સાથે તેના સંબંધો છે એવી ખબર પડશે તો તેમની નોકરી જતી રહેશે.
તે લોકો મારો એક સ્ત્રી તરીકે વિચાર કરી શકતા નહોતા. તેમને બીજા લોકો સજાતીય સમજી લે એવું પણ તે લોકો ઇચ્છતા નહોતા. તેમની સાથે સંબંધોના અનુભવ મારા માટે બહુ મુશ્કેલ રહ્યા હતા.

નવી શરૂઆત

ઇમેજ સ્રોત, DANIELLA MCDONALD
મેકી ગિન્ગોયોન ફિલિપાઇન્સમાં રહે છે અને તેના જીવનસાથી સિરિલ મઝૂર સાથે મળીને માય ટ્રાન્સજેન્ડર ડેટ નામની વેબસાઇટ ચલાવે છે.
મેકી કહે છે કે તેમણે 2013માં સાઇટ શરૂ કરી ત્યારે 15 લાખ લોકોએ પ્રોફાઇલ બનાવી હતી, પણ બહુ ઓછા લોકો ઍક્ટિવ રહેતા હતા.
છેલ્લાં આઠ વર્ષમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને અને હવે ઍક્ટિવ સભ્યોની સંખ્યા વધીને સવા લાખ જેટલી થઈ ગઈ છે.
હવે ઘણા એવા પુરુષો હોય છે, જે ટ્રાન્સજેન્ડર લોકો સાથે પણ સંબંધો રાખવા માગે છે અને તેમની સાથેની તસવીરો પણ પોસ્ટ મૂકે છે. વીસી અને ત્રીસીમાં રહેલા યુવાનો વધારે સભ્યો બન્યા છે અને સરેરાશ ઉંમર પણ નીચી આવી છે.
મેકી કહે છે, "સામાન્ય પુરુષ અને સ્ત્રી કિન્નરો સારી રીતે મળી શકે અને રૉમેન્ટિક સંબંધો રાખી શકે તે માટે અમે 2013માં સાઇટ શરૂ કરી હતી."
"ટ્રાન્સજેન્ડર માટે ડેટિંગ મોટી સમસ્યા બને છે. ઇન્ટરનેટ પર બહુ અણગમતી બાબતો હોય છે. ઇન્ટરનેટ પર સ્થાન અને સહભાગી લોકો મળે છે, પણ ત્યાં અપમાન પણ બહુ થતું હોય છે. જોકે હવે સ્થિતિ બદલાઈ રહી છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આવા સંબંધોમાં રહેલા જોડાંની સંખ્યા વધી રહી છે."

ટ્રાન્સજેન્ડર મહિલાની મહત્ત્વાકાંક્ષા શું હોય છે?

ઇમેજ સ્રોત, DANIELLA MCDONALD
મને યાદ છે કે મારી સાથે તે ફિલ્મ જોવા આવ્યો હતો. હું ખૂબ ઉત્સાહમાં હતી અને મને થયું કે, "વાઉ, આ પુરુષો મજાનો છે અને અમારી સરસ ડેટ ચાલી રહી છે."
જોકે થિયેટરમાં લાઇટો બંધ થઈ અને ટ્રેઇલર ચાલુ થયું એટલે તેણે મને કહ્યું કે, "મારાથી આ નહીં થઈ શકે." તે ઊભો થયો અને જતો રહ્યો.
હું તેની પાછળ પાછળ ગઈ, પણ તેણે ટિકિટોનું રિફંડ લીધું અને મને એકલી છોડીને જતો રહ્યો. મને બહુ આઘાત લાગ્યો. આવી જ રીતે અપમાનિત થવું પડતું હતું. મને લાગ્યું કે મારા જ કંઈક ખામી છે.
પણ તે પછી મારી મુલાકાત જોશ સાથે થઈ. ડેટિંગ ઍપ પર તેનો મૅસેજ મળ્યો હતો અને તેમાં જ તે કંઈક જુદો લાગ્યો હતો.
જોશ મારા કરતાં પાંચ વર્ષ નાનો છે અને અમેરિકાની સેનામાં કામ કરે છે. તેનો ફિલિપિનો અમેરિકન પરિવાર વિશાળ અને પ્રેમાળ છે. તેણે પોતાના પરિવારને મારા વિશે બધી જ વાત કરી દીધી છે.
તેમનો દીકરો સ્ત્રી કિન્નર સાથે સંબંધ રાખે છે તેની તેમને થોડી નવાઈ લાગી હતી. હું પહેલાં જોશની બહેનને મળી હતી. મારો પરિચય કરાવ્યો ત્યારે તે ખુશ થઈ હતી અને અમારી દોસ્તી તરત થઈ ગઈ હતી.
તે પછીના મહિનાઓમાં હું ધીમે ધીમે જોશના પરિવારના બીજા લોકોને પણ મળતી રહી. જોશના દાદાને હું મળી ત્યારે તેમણે તરત જ કહેલું કે, "જોશ, આ તો બહુ રૂપાળી છે."
મેં એક વાર જોશને પૂછ્યું પણ હતું કે તું આટલો ખુલ્લા દિલનો કેમ છે અને બીજા કરતાં કેવી રીતે જુદો છે. તેણે કહ્યું કે તેના મિત્રવર્તુળમાં સ્ત્રી કિન્નરો હતી અને તે જાતિની રીતે નહીં, પણ મિત્ર તરીકે જ તેમને જુએ છે.
કિન્નરો સાથેની મુલાકાતને કારણે તેનો અભિગમ બદલાયો હતો. તે અન્ય સ્ત્રી અને મારામાં ભેદ કરતો નહોતો. તે કહે છે કે આપણો પ્રેમ નૉર્મલ છે.
આ અઢી વર્ષ પહેલાંની વાત છે અને અમે ત્યારથી સાથે જ છીએ. જોશ અને મારી સામે પડકારો જોકે સરખા જ છે. ભવિષ્યમાં દંપતી તરીકે અમે કેવા હોઈશું તેનો પડકાર છે. મારા ઘણા કિન્નર મિત્રો છે જે દરેક પ્રકારના સંબંધો સ્વીકારે છે. પણ હું કહીશ કે અમારા સંબંધો તો બહુ પરંપરાગત પ્રકારના છે.
કરિયરને કારણે અમારે કેટલોક સમય દૂર રહેવું પડશે તે વાત સૌથી વધારે સતાવી રહી છે. જોશે મહિનાઓ સુધી સેનામાં તાલીમ માટે જવાનું હોય છે, જ્યારે મારે મેડિકલનું ભણવા દિવસના 12 કલાક આપવા પડતા હોય છે.
મારી બીજી પણ એક મહત્ત્વાકાંક્ષા છે. હું મારી ફ્રેન્ડ ઍવી મેનુલેન્ગ સાથે મળીને ડેટિંગ ઍપ શરૂ કરવા માગું છું. ઍવી ટ્રાન્સ નર્સ છે અને તેની સાથે મળીને હું ટ્રાન્સ લોકો સાથે સંબંધ રાખવા માગતા નૉનટ્રાન્સ લોકો માટે ઍપ બનાવવા માગું છે.
સ્ત્રી કિન્નરે વધારે જાતીય હિંસાનો ભોગ બનવું પડતું હોય છે એટલે અમે સુરક્ષા બાબતનો પણ વિચાર કરી રહ્યા છીએ. દરેકને ડિગ્નિટી સાથે જીવવાનો અને પ્રેમ કરવાનો અધિકાર હોવો જોઈએ.
મને ભવિષ્ય માટે આશા છે. હું મોટી થતી હતી ત્યારે ટીવી પર ટ્રાન્સ લોકોની મજાક થતી જોતી હતી. પણ હવે યુવા અભિનેતા અને અભિનેત્રીઓ પોતાની જાતીયતા વિશે ખુલ્લીને વાત કરે છે. પોતાની ઓળખ વિશે એક મોકળાશ આવી છે, જે હું નાની હતી ત્યારે નહોતી.
લોકો પણ જુદી જુદી જાતીયતા ધરાવતા લોકોને મળતા હોય છે. મને લાગે છે કે માનસિકતા બદલાશે અને મારા અને જોશ વચ્ચે છે તેવા વધારે સંબંધો જોવા મળશે.
સૌએ કિન્નરો સાથે સંબંધો રાખવા વિચારવું જોઈએ એવું હું નથી કહેતી. હું બિલકુલ એવું કહેવા માગતી નથી. પણ જુદી જુદી જાતીયતા છતાં બે જણ સાથે રહી શકે તે વાતને સ્વીકારવાની વાત કરી રહી છું.
અમારા સંબંધો અત્યારે રાબેતા મુજબના નહીં, પણ અપવાદરૂપ છે, પણ મને લાગે છે કે સ્થિતિ સુધરી રહી છે. ખાસ કરીને નવી પેઢી વધારે મોકળાશ સાથે જીવે છે.
અમને ટિકટૉક પર #cistranscouple હેશટેગ પર 37 લાખ વ્યૂઝ મળેલા છે અને હું બહુ ઉત્સાહમાં છું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

















