'હું છોકરો હતો અને મને માસિક આવવાનું શરૂ થયું'

ઇમેજ સ્રોત, IRYNA KUZEMKO, LIA AND OLGA OPINKO
- લેેખક, ઝાન્ના બેઝ્પ્યાચૂક
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
ઈર્યાના કુઝેમ્કો કહે છે, "હું ઇન્ટરસેક્સ (મધ્યલિંગી) વ્યક્તિ છું તેની ખબર મને 22 વર્ષની વયે પડી હતી. એ પછી મારા જીવનનો પ્રત્યેક દિવસ અગાઉ કરતાં વધારે ખુશાલીભર્યો બની રહ્યો છે."
ઈર્યાનાનો સમાવેશ વિશ્વમાંની એવી અનેક વ્યક્તિઓમાં થાય છે કે જેમની જાતિ તેઓ બાળક હોય ત્યારે જ વિવાદાસ્પદ સર્જરી મારફત 'બદલવામાં' આવેલી હોય છે.
ઇન્ટરસેક્સ શબ્દનો ઉપયોગ સ્ત્રી અને પુરુષની લૈંગિક લાક્ષણિકતાઓના 40થી વધુ સ્વરૂપોને સમજાવવા માટે કરવામાં આવે છે. એ પૈકીનાં કેટલાંક હોર્મોનલ હોય છે, જ્યારે અન્ય શારીરિક સ્વરૂપમાં જોવા મળે છે, જેમ કે કેટલાક લોકોના શરીરમાં પ્રજનન પ્રણાલી એક જાતિની હોય છે, પણ બહારી જનનાંગ બીજી જાતિનાં હોય છે.
કર્મશીલો માને છે કે પોતાનું સંતાન સ્ત્રી છે કે પુરુષ તેનો નિર્ણય માતાપિતા અને ડૉક્ટરોએ લેવો જોઈએ નહીં.
અહીં ત્રણ ઇન્ટરસેક્સ મહિલાઓ તેમની આત્મસ્વીકૃતિની યાત્રાનું વર્ણન કરતાં તેમની કહાણી કહે છે.

ઈર્યાના કુઝેમ્કો, વય 27 વર્ષ, ઇન્ટરસેક્સ કર્મશીલ
"હું કિશોરાવસ્થામાં પહોંચી ત્યાં સુધી એક છોકરી સ્વરૂપે ઊછરી હતી. મારી સહેલીઓ યુવા અવસ્થામાં પહોંચી ગઈ હતી, પણ મને માસિક આવતું ન હતું. સમય જતાં એવું થયું કે હું મારા ક્લાસમાં સ્તન વિનાની એકમાત્ર છોકરી હતી.
એક દિવસ અમારા ક્લાસને, છોકરીઓમાં તરુણાવસ્થા કઈ રીતે આવે છે એ વિશેની ફિલ્મ દેખાડવામાં આવી હતી. એ અત્યંત પીડાદાયક અનુભવ હતો. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું તેમ બધાની માફક મારો શારીરિક વિકાસ કેમ થતો નથી એ હું સમજી શકી ન હતી.

ઇમેજ સ્રોત, IRYNA KUZEMKO
મારો શારીરિક વિકાસ બીજી છોકરીઓ જેવો થતો ન હતો તેની મારી મમ્મી અને દાદીને ચિંતા ન હતી. તેઓ કહેતા કે ચિંતા નહીં કરવાની. બધું ઠીક થઈ જશે. હું 14 વર્ષની થઈ ત્યારે મને સ્ત્રી રોગોના નિષ્ણાત પાસે લઈ જવા મેં તેમને સમજાવીને તૈયાર કર્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટરે કહ્યું કે મારું અંડાશય કામ કરતું થાય એ જરૂરી છે. તેમણે અંડાશયને સક્રીય કરવા માટે કેટલીક સલાહ આપી હતી. મેં અનેક મહિનાઓ સુધી તેમની સલાહનું પાલન કર્યું હતું, પણ તેનાથી કોઈ ફરક પડ્યો ન હતો. તેથી હું વધારે નિરાશ થઈ ગઈ હતી.
હું 15 વર્ષની થઈ ત્યારે મારા પિતા મને મૉસ્કોમાં કેટલાક ડૉક્ટર પાસે લઈ ગયા હતા. તેમણે કેવી ફટાફટ તપાસ કરી હતી એ મને યાદ છે. તેમણે મને તો કશું જણાવ્યું ન હતું, પણ મારા પિતાને ઑફિસમાં બોલાવ્યા હતા.
મારા પિતાએ કહ્યું હતું કે મારા પર એક કે કદાચ બે નાનાં ઓપરેશન કરવાં પડશે. તેઓ મારી સાથે શું કરવાના છે એ હું જાણતી ન હતી. સ્કૂલમાં મારી બહેનપણીઓએ પણ પૂછ્યું હતું, પરંતુ મને તેનો કોઈ ખ્યાલ ન હતો.

ઇમેજ સ્રોત, IRYNA KUZEMKO
બાદમાં મેં મારા પિતાને જણાવ્યું હતું કે મારી અંદરનું બધું કાઢી નાખશો તો સારું થશે. તેના જવાબમાં પપ્પાએ કહ્યું હતું કે તારી અંદરનું બધું તો કાઢી જ નાખ્યું છે. એમની આ વાત સાંભળીને મને આઘાત લાગ્યો હતો. મારાં અંડાશય કાઢી નાખવામાં આવ્યાની ખબર મને એ રીતે પડી હતી.
એક વિદ્યાર્થિની તરીકે હું મારી જાતને વધુ ધિક્કારવા લાગી હતી અને ઊંડા આત્મરોષમાં સરી પડી હતી.
મને ઇન્ટરનેટ પર ઇન્ટરસેક્સ લોકો વિશેનો એક વીડિયો જોવા મળ્યો હતો. મેં જોયું કે એ લોકોમાં અને મારામાં ઘણી સમાનતા હતી.
મેં મારા તમામ મેડિકલ પેપર્સ ખોળી કાઢ્યાં હતાં અને મૉસ્કોના ડૉક્ટરને ફોન કર્યો હતો. મારી માતા સતત મારા પડખે હતી. હું ડરી ગઈ હતી.
આમ 22 વર્ષની વયે મને જાણવા મળ્યું હતું કે મારાં શરીરમાંથી સાત વર્ષ પહેલાં અંડકોશ અને અંડાશયનાં તત્ત્વો ધરાવતા કોષો કાઢી નાખવામાં આવ્યા હતા. ત્યારથી હું હોર્મોન્સની દવા લેતી હતી.
મને એ પણ જાણવા મળ્યું હતું કે મારામાં સ્ત્રી તથા પુરુષ બન્નેનાં રંગસૂત્રો છે અને મારા શરીરમાં ગર્ભાશય પણ છે.
એ પછી મેં મારા પિતા સાથે ગંભીર વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે તારી શારીરિક અવસ્થાની વાત તારી સાથે નહીં કરવાની સલાહ મને બે બાળ મનોચિકિત્સકોએ આપી હતી.
મારા પિતાએ તેમની ભૂલ સ્વીકારી ન હતી. તેમણે મને એ સમયે જ સચ્ચાઈ જણાવી દીધી હોત તો મારું જીવન અલગ જ હોત.
એ પછી મેં મારા પિતા સાથે ક્યારેય વાત કરી નથી.
હકીકતની જાણ થયાના થોડા દિવસ પછી હું બહુ હતાશ થઈ ગઈ હતી. આગળ કઈ રીતે જીવવું એ મને સમજાતું ન હતું, પણ મેં મારી જાતને સ્વીકારી લીધી હતી. મારા શારીરિક વિકાસના સ્વરૂપને દર્શાવવા માટે હવે મારી પાસે એક શબ્દ છેઃ ઇન્ટરસેક્સ. અગાઉ હું અનિશ્ચિતતામાં જકડાયેલી રહી હતી.
મને જાણવા મળ્યું હતું કે અન્ય લોકો ઇન્ટરસેક્સ ભિન્નતા સાથે શાંતિથી જીવતા હોય છે. તેમણે દુઃખી થવું જરૂરી નથી. મારા આત્મગૌરવમાં નોંધપાત્ર વધારો થયો છે.
મેં જે માનસિક પીડા ભોગવી એવી પીડા બીજાં બાળકો કે તરુણ-તરુણીઓએ ભોગવવી ન પડે એટલે તેમની મદદ માટે સદા સક્રીય રહેવાનો નિર્ણય પણ મેં કર્યો છે."

લિઆ(નામ બદલ્યું છે)ની કથા
"મારી કથાની શરૂઆત મૅટરનિટી હૉસ્પિટલમાં થઈ હતી. ડૉકટરોએ મારી મમ્મીને કહ્યું હતું કે મારું ગુપ્તાંગ અવિકસિત છે. એ પુરુષનું કે સ્ત્રીનું હોય તેવું લાગતું નથી.
તેમણે મારી મમ્મીને સવાલ કર્યો હતો કે તમે દીકરીને જન્મ આપ્યો છે કે દીકરાને?

ઇમેજ સ્રોત, PICKPIK.COM
મારી મમ્મીએ મારું નામ દીકરી તરીકે નોંધાવ્યું હતું. એ ડૉક્ટરોએ કરેલી પહેલી ભૂલ હતી. તેમણે બધી જવાબદારી મારી મમ્મીના માથે ઢોળી દેવાની જરૂર ન હતી.
પ્રારંભે હું એક છોકરી તરીકે મોટી થઈ હતી અને મારી મમ્મીએ બીજાં બાળકની માફક મને ધરપત આપી હતી.
મેં સ્કૂલે જવાનું શરૂ કર્યું એ પહેલાં મારી મમ્મી મને તબીબી તપાસ માટે લઈ ગઈ હતી. ચિલ્ડ્રન્સ ક્લિનિકમાંના ડૉક્ટરે મારી મમ્મીને કહ્યું હતું કે આ તમારી દીકરી નહીં, દીકરો છે.
હું છોકરો હોવાના તારણને અન્ય ડૉક્ટરોએ પણ સમર્થન આપ્યું હતું. મારા દસ્તાવેજો તથા નામમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા.
હું પ્રાથમિક શાળામાં એક છોકરા તરીકે ગઈ હતી, પણ ત્યાં મારા બાળમંદિરના કેટલાક છોકરાં હતા અને કિન્ટરગાર્ટનમાં મને બધા છોકરી તરીકે જાણતા હતા. મારી મમ્મીએ મને ત્યાંથી ઉઠાડીને બીજી સ્કૂલમાં ભણવા બેસાડવી પડી હતી.
એ ઘટના સુધી, મારી સાથે શું થઈ રહ્યું છે તેની મને ચિંતા ન હતી, પણ બીજા તરુણોને ચિંતા કરતા નિહાળીને હું પણ ચિંતા કરવા અને મારી જાત વિશે માનસિક દબાણ અનુભવવા લાગી હતી.
મેં મારા લાંબા વાળ કપાવવાનો ઇનકાર કર્યો હતો, પણ પેન્ટ્સ તથા પહોળાં વસ્ત્રો પહેરતી રહી હતી. આજે મને સમજાય છે કે તેમણે મને મારી જાતિની પસંદગી કરવાનું ટાળવાની છૂટ આપી હતી. એટલે હું શાંત રહી શકી હતી.
એ લૂક મેં આજે પણ જાળવી રાખ્યો છે.
હું 13 વર્ષની હતી ત્યારે મને અકસ્માત નડ્યો હતો. હું ઘોડા પરથી પડી ગઈ હતી. મને કરોડરજ્જૂમાં ફ્રેક્ચર થયું હતું.
મારા શરીરમાં કેથેટર ઘુસાડવામાં આવ્યું હતું. તેથી નર્સીસે મારા ગુપ્તાંગો જોયાં હતાં. એ મારી મશ્કરી કરતી હતી કે હું છોકરો છું કે છોકરી તેની ખબર પડતી નથી.
તૂટેલી કરોડરજ્જૂ સાથે પથારીમાં પડ્યા રહીને આવું સાંભળવાનું કેટલું પીડાદાયક હશે તેની કલ્પના કરો.
હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી એક વર્ષ સુધી મારે મારા ઘરના એક ઓરડામાં ગોંધાઈ રહેવું પડ્યું હતું. એ રૂમમાં એક પલંગ, એક ખુરશી અને એક ભોજન તથા એક ટૉઇલેટ માટે એમ બે બાઉલ હતાં.
મારા મમ્મી, દાદી તથા બહેન આખો દિવસ કામ કરતાં હતાં અને મારા પપ્પા અમને છોડી ગયા હતા. તેથી મારી સંભાળ રાખવાવાળું કોઈ ન હતું.

ઇમેજ સ્રોત, LIA
એક દિવસ મને જોરદાર પીડા થતી હતી અને મેં મારી જાતને કાતર વડે ઈજા પહોંચાડી હતી. જાતને જાતે આપેલી પીડા એ રીતે મારી જીવનમાં પ્રવેશી હતી. મારી મમ્મીના ધ્યાનમાં કશું આવ્યું ન હતું.
હું ફરી મારા પગ પર ઊભી થઈ શકીશ એવી ડૉક્ટરોને ખાતરી ન હતી, પણ મેં કસરત શરૂ કરી અને એક દિવસ કોઈ ખાસ સાધન વિના હું પથારીમાંથી બેઠી થઈ ગઈ હતી.
હું સૌપ્રથમ સ્કૂલે જવા ઈચ્છતી હતી. એ મારા ઘરથી માત્ર 20 મિનિટના અંતરે આવેલી હતી, પણ બીમારી પછી સ્કૂલે પહોંચતાં મને બે કલાક લાગ્યા હતા.
સ્કૂલમાં બીજાં બાળકો મને દમદાટી આપતાં હતાં અને મારી બૅગને ટૉઇલેટમાં ફેંકી દેતાં હતાં. હું તેમની પાછળ દોડી શકવાની નથી એ તેઓ જાણતાં હતાં.
હું 16 વર્ષની થઈ પછી એક સવારે ઊઠી ત્યારે મારા ગાદલામાં લોહીનું મોટું ધાબું જોવા મળ્યું હતું.
મને હૉસ્પિટલે લઈ જવામાં આવી હતી. એક ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ દ્વારા મારી તપાસણી કરી હતી. તેણે અચાનક બૂમ પાડીને કહ્યું હતું કે અહીં તો ગર્ભાશય છે. હું એ વાત સાંભળી શકતી હતી, પણ ડૉકટરે એ હકીકતની સદંતર અવગણના કરી હતી.
મારા શરીરમાં સ્ત્રીનાં જનનાંગો હોવાની, એક છોકરાને માસિક આવતું થયાની ખબર મને આ રીતે પડી હતી.
મારા શરીરમાંના એ હિસ્સાને હું જોઈ શકતી ન હતી અને તેને કઢાવી નાખવા ઇચ્છતી હતી
જોકે, આંતરિક અંગોને યથાવત રાખવા જોઈએ, કારણ કે એ સંપૂર્ણપણે કાર્યરત છે અને એ ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે, એવી વાત અમને સમજાવવામાં ડૉક્ટર્સ સફળ થયા હતા.
એ પછીનાં બે વર્ષમાં મારા પર ચાર સર્જરી કરવામાં આવી હતી અને હું છોકરી બની હતી."

બાળરોગ નિષ્ણાત ડો. જુલિયા સાયદોરોવા શું કહે છે?
"બાળકના જીવન પર જોખમ હોય ત્યારે સર્જરી અને કહેવાતી કૉસ્મેટિક સર્જરી વચ્ચે ભેદ પાડવો જરૂરી છે. નાનાં બાળકો પર કૉસ્મેટિક સર્જરી કરવામાં આવે છે અને તેમના બહારી જનનાંગોને એક ચોક્કસ આકાર આપવામાં આવે છે.
દાખલા તરીકે, કોઈ કન્યાબાળ પુરુષ જેવું બાહરી જનનાંગ ધરાવતું હોઈ શકે છે. ક્લિટોરલ હાઇપરટ્રોફી પણ હોઈ શકે છે. તેને નારી જનનાંગનો આકાર આપવા માટે શસ્ત્રક્રિયા કરવામાં આવે છે.
આ અવસ્થા જીવલેણ હોતી નથી, પણ સામાજિક ચિંતાનું કારણ જરૂર હોય છે. આવી શારીરિક અવસ્થા ધરાવતા બાળક પ્રત્યે બાલમંદિર કે પ્રાથમિક શાળામાં શંકાની નજર જોવામાં આવે એ શક્ય છે.
કેટલાક કિસ્સામાં આવી ઇન્ટરસેક્સ ભિન્નતા પેશાબમાં નડતરરૂપ બનતી હોય છે. એવા કિસ્સામાં સર્જરી કરવામાં આવે તે એકદમ યોગ્ય છે.
પોતાના શરીર તથા જાતિ વિશે નિર્ણય લેવાની તક દરેક બાળકને મળવી જોઈએ. તેઓ મોટાં થાય ત્યારે સભાનપણે નિર્ણય લઈ શકે છે. મૂત્રમાર્ગ બંધ હોય અને એ કારણે ટૉઇલેટ જવાનું અશક્ય બનતું હોય એવા ચોક્કસ કિસ્સામાં બાળકને મદદની જરૂર હોય છે.
સર્જરીને કારણે સંવેદનહિનતા, વ્યંધત્વ અને તીવ્ર પીડા જેવી આડઅસર થતી હોય છે. હોર્મોન થેરપીથી કૅન્સરનું જોખમ વધી જાય છે. નિયમિત પરીક્ષણ જરૂરી છે.
ઇન્ટરસેક્સ ભિન્નતા અને જાતીય અભિગમ વચ્ચેના ફરકને સમજી લેવો જરૂરી છે. આપણા પૈકીના મોટાભાગના વિજાતીય આકર્ષણ ધરાવતા હોય છે. કેટલાક સજાતીય આકર્ષણ ધરાવતા હોય છે.
ઇન્ટરસેક્સ ભિન્નતા ધરાવતા લોકોને પરિવાર અને બાળકો હોય છે, પણ કેટલાકને તેમની ઇન્ટરસેક્સ ભિન્નતાની ખબર તેઓ ગર્ભધારણ કરી નથી શકતા ત્યારે પડતી હોય છે.
તેની સાથે દરેકની કથા અલગ હોય છે. મિશ્ર જાતિય વિશેષતાઓ જન્મ સમયે જ નજરે પડતી હોય છે, પણ અન્ય લોકોનો દેખાવ ટીપિકલ હોય છે અને તેમનામાંની ઇન્ટરસેક્સ ભિન્નતાની ખબર તેઓ તરુણાવસ્થામાં પહોંચે ત્યારે પડે છે.
આજે મારા ઘણા સહાધ્યાયીઓ, શિક્ષકો અને દોસ્તો મને ટેકો આપે છે. મને લોકો તરફથી પારાવાર પ્રેમ મળે છે. મેં મારી જાતને સમજી છે, સ્વીકારી છે. તેથી મારું જીવન વર્ષોવર્ષ ઉત્તરોતર ખુશહાલ થતું જાય છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કહે છે, "ઇન્ટરસેક્સ ભિન્નતાનો સામનો ડૉક્ટરોએ ભાગ્યે જ કરવો પડે છે.
પોતાના શરીરમાં સ્ત્રીના અંગો હોવાની ખબર 14 વર્ષના બાળકને પડે અને એ વાત તેને તોછડાઈથી જણાવવામાં આવે ત્યારે એ શું અનુભવતું હશે તેની કલ્પના કરો.
આ પ્રકારનાં બાળકોનાં માતાપિતા જોરદાર દબાણનો સામનો કરતાં હોય છે. પતિ-પત્નીને એવું પૂછવામાં આવતું હોય છે કે તમે નજીકનાં સગાં છો? તમારાં પત્નીએ ગર્ભાવસ્થામાં ક્યારેય ધુમ્રપાન કે મદિરાપાન કર્યું હતું?
જોકે, પોતાને ત્યાં ઇન્ટરસેક્સ બાળકનો જન્મ નહીં થાય એવું કોઈ છાતી ઠોકીને કહી શકતું નથી. એ ઉપરાંત સગાસંબંધીમાં ઇન્ટરસેક્સ લોકો હોવાની શક્યતા પણ વધારે હોય છે.
(સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા મુજબ, કુલ વસતીના 1.7 ટકા લોકો 40 પ્રકારની ઇન્ટરસેક્સ ભિન્નતા પૈકીની એક ધરાવતા હોય એવી શક્યતા છે. જોકે, આ પ્રમાણ ઓછું હોવાનું ડૉક્ટરો જણાવે છે.)
હું એક દીકરો અને એક દીકરી એમ બે સંતાનોની માતા છું.
હું 20 વર્ષની હતી ત્યારે દીકરાને જન્મ આપ્યો હતો. મને તેના પ્રત્યે માતૃત્વની લાગણી ન હતી, પણ મારા અને દીકરા વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ છે.
દીકરી મારી સાથે રહેતી નથી. એક દિવસ હું દીકરીને બાલમંદિરે મૂકી આવી હતી અને મારા પતિ તેને ત્યાંથી ઉઠાવીને બીજા શહેરમાં લઈ ગયા હતા. તેમણે મારી દીકરીનું અપહરણ કર્યું હતું.
હું જીવનમાં ઘણા પુરુષો તથા સ્ત્રીઓને મળી છું. મહિલાઓ પ્રત્યે હું આકર્ષાઈ છું, પણ પુરુષો સાથે ભાવનાત્મક સંપર્ક ક્યારેય થયો જ નથી.
પુરુષોએ મારામાં રોલ મૉડેલ તરીકે જ રસ લીધો છે. તેમણે પથારીમાં કેવું વર્તન કર્યું છે એ મેં જોયું છે. મારે પણ એવું વર્તન કરવું પડ્યું હતું.
મેં ચાર લગ્ન કર્યાં છે અને પાંચમાની તૈયારી કરી રહી છું. અમે ચર્ચમાં પરણવાના છીએ. હું જેને પ્રેમ કરું છું એ ટ્રાન્સજેન્ડર પુરુષ છે. તેનો જન્મ સ્ત્રીના શરીરમાં થયો હતો, પણ તેની જાતીય ઓળખ પુરુષ તરીકેની છે.
ડૉક્ટરોની સલાહને અવગણી હોત તો મારી જિંદગી કેટલી અલગ હોત એ કોને ખબર છે. મારી ઓળખ શોધમાં ચાર લગ્ન અને બાળકોની સમસ્યાઓ વગેરેનો સામનો કદાચ ન કરવો પડ્યો હોત.
બીજી તરફ મારાં બાળકો, આ પાંચમા લગ્ન એ બધું મારી માતાને આભારી છે. મારી યોગ્ય જાતિ પસંદ કરી હતી કે નહીં એવા વિચારમાં તેઓ આટલાં વર્ષો અપરાધની લાગણી સાથે જીવ્યાં છે.
હવે અપરાધની એ લાગણીને ફગાવી દેવાનો સમય આવ્યો છે."

ઓલ્ગા ઓનિપ્કો, વય 35 વર્ષ, ઇન્ટરસેક્સ કર્મશીલ
"હું હંમેશાં છોકરી જેવી લાગતી હતી અને મારી શરીરની આંતરિક વ્યવસ્થા પણ સ્ત્રી જેવી જ છે.
હું તરુણાવસ્થામાં હતી ત્યારે મારું વજન વધવા લાગ્યું હતું. મારી મશ્કરી થવા લાગી હતી. વજન ઘટાડવા હું દિવસ-રાત દોડતી હતી અને ડાયટિંગ કરતી હતી, પણ મારું વજન ઘટવાને બદલે વધતું હતું.
24 વર્ષની વયે મેં હોર્મોન્સનું પરીક્ષણ કરાવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે મારા શરીરના તંત્રમાં જોરદાર ગડબડ થયેલી છે, પણ હું ઇન્ટરસેક્સ વ્યક્તિ છું તેની ખબર પડી ન હતી.

ઇમેજ સ્રોત, OLGA OPINKO
હોર્મોનના સંતુલન માટે એન્ડોક્રાયનૉલૉજિસ્ટે દવાઓ લખી આપી, પણ થોડા સમય પછી મારા ઉપલા હોઠ અને ગળા પર વાળ ઊગવા લાગ્યા હતા. બહાર જઈને દોસ્તોને હળવામળવા ઇચ્છતી 25 વર્ષની યુવતીની એ પરિસ્થિતિમાં કેવી દશા થાય તેની કલ્પના કરો.
મેં હોર્મોન્સની દવા લેવાનું બંધ કરી દીધું હતું, પણ મારી પાસે પૈસા અને ઉત્સાહ હોય ત્યારે વધુ ડૉક્ટરોની સલાહ લેવાનું ચાલુ રાખ્યું હતું.
એક ડૉક્ટરે મારા રંગસૂત્રોનું વિશ્લેષણ કરવાની સલાહ આપી હતી. તેને કારણે મને ચાર વર્ષ પહેલાં ખબર પડી હતી કે હું પુરુષના રંગસૂત્રો ધરાવું છું. તેનો અર્થ એ કે હું ઇન્ટરસેક્સ વ્યક્તિ છું.
24 વર્ષની વયે મને એમ લાગતું હતું કે હું લેસ્બિયન છું.
યુવાવસ્થામાં હું એવું વિચારતી રહી હતી કે મારું શરીર પાતળું નથી. પછી મને એવું લાગ્યું કે હું હોમોસેક્સ્યુઅલ છું અને હવે એ વિચારું છું કે હું સ્ત્રી છું કે નહીં? હું ખરેખર કોણ છું?
હું ઇન્ટરસેક્સ વ્યક્તિ છું તેમાં મારા ભાઈને રસ પડ્યો. મારી મોટી બહેન વધુ ચિંતિત છે. મારાં માતાપિતાએ મારો સ્વીકાર કર્યો છે. તેઓ મને પ્રેમ કરે છે, પણ તેઓ એ વિશે વાત કરતા નથી.
મારી પાર્ટનર નોન-બાયનરી વ્યક્તિ છે એ સ્વીકારવું તેમના માટે મુશ્કેલ છે. મારી પાર્ટનર છોકરી સ્વરૂપે જન્મી છે, પણ પોતે સ્ત્રી કે પુરુષ હોવાનું માનતી નથી.
મારા માટે ઇન્ટરસેક્સ લોકોની સમસ્યા સમાજમાં વૈવિધ્ય પ્રત્યેની અસહિષ્ણુતાની પરાકાષ્ઠા છે.
ઇન્ટરસેક્સ લોકોની વાત સાંભળવી જોઈએ. તેઓ કહે છે કે બાળપણમાં કરાયેલી શસ્ત્રક્રિયાઓએ તેમને ભાંગી નાખ્યા છે. તેમની ખરી ઓળખ ડૉક્ટરોએ નક્કી કરેલી ઓળખ કરતાં અલગ હોવાનું તેઓ માને છે.
મિશ્ર જાતીય લક્ષણો ધરાવતાં બાળકોને ડૉક્ટરો તથા માતાપિતા પુરુષ અથવા સ્ત્રી એમ બે પૈકીના એક ખાનામાં દબાવી દેવાના પ્રયાસ કરે છે. આ લોકોને સમજી શકાય તેવા બનાવવાની જરૂર છે એવું સમાજ અનુભવે છે.
અનિશ્ચતતા કે અસાધારણપણાથી ભયભીત લોકો ઇન્ટરસેક્સ વ્યક્તિઓને ડરાવતા-ધમકાવતા રહે છે.
ઇન્ટરસેક્સ લોકો જન્મતા રહે એ શક્ય છે. કુદરત દ્વિજાતીય રચનાને હંમેશાં અનુસરતી નથી."

સેર્હિવ કાયરાલુક, સાઇકિયાટ્રિસ્ટ અને સાઇકૉથૅરાપીના અસોસિએટ પ્રોફેસર
"હું સાઇકૉથૅરાપિસ્ટ છું અને મારે ત્યાં આવા દર્દીઓ આવે છે.
ઇન્ટરસેક્સ લોકોને બાળપણમાં તેમના પર કરવામાં આવેલી શસ્ત્રક્રિયા બાબતે જાણ થાય છે ત્યારે તેઓ બહુ રોષે ભરાય છે.
મુખ્ય વાત એ છે કે તે રોષને આત્માના ઉંડાણમાં સંઘરી રાખવાનો નથી. વ્યક્તિએ પરિસ્થિતિનો સ્વીકાર કરીને જીવવાનું છે.
ઇન્ટરસેક્સ લોકો ખુદની વાસ્તવિકતાનો સ્વીકાર કરે અને પોતાની અનન્યતાને સમજી લે ત્યારે અત્યંત સુંદર બની જાય છે. તેમના ચહેરા ચમકવા લાગે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













