ઈરાનમાં અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરી તો તેની શી અસર થશે? ચાર મુદ્દામાં સમજો

ઈરાન, અમેરિકા, આંતરરાષ્ટ્રીય સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લીસ ડુસેટ
    • પદ, મુખ્ય આંતરરાષ્ટ્રીય સંવાદદાતા

ઈરાનના શાસકો 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી અત્યાર સુધીના સૌથી ગંભીર પડકારનો સામનો કરી રહ્યા છે.

પરંતુ આ વખતે દેશની સરકારે જે જવાબ આપ્યો છે તે અભૂતપૂર્વ છે.

પ્રદર્શન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને ઇન્ટરનેટ લગભગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે.

આની પહેલાંની કોઈ પણ કટોકટી વખતે સુરક્ષાની આવી વ્યવસ્થા ક્યારેય જોવા નથી મળી.

જે રસ્તાઓ ક્યારેક શાસન વિરુદ્ધ ગુસ્સાના નાદથી ભરેલા રહેતા હતા, તે હવે ધીમે ધીમે શાંત થતા જાય છે.

તહેરાનમાં રહેતા એક વ્યક્તિએ બીબીસી ફારસીને કહ્યું, "શુક્રવારે પરિસ્થિતિ વધુ વણસેલી હતી. અકલ્પનીય ભીડ હતી અને ઘણા વધારે ગોળીબાર થયા. પરંતુ શનિવારે રાત સુધીમાં બધું શાંત થઈ ગયું."

એક ઈરાની પત્રકારે કહ્યું, "હવે જો તમારી મરવાની ઇચ્છા હોય, તો તમે બહાર નીકળી શકો છો."

બીબીસી ગુજરાતી

ઈરાનમાં આંતરિક ઊથલપાથલની સાથે બહારનો ખતરો કેમ છે?

ઈરાન, અમેરિકા, આંતરરાષ્ટ્રીય સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

આ વખતે આંતરિક ઊથલપાથલની સાથોસાથ બાહ્ય જોખમ પણ ઉમેરાયું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહીની વારંવાર ચેતવણીઓ આપી છે; જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 12 દિવસ ચાલેલા યુદ્ધના સાત મહિના પછી અપાઈ છે.

આ યુદ્ધમાં અમેરિકાએ ઈરાનનાં મહત્ત્વનાં પરમાણુ મથકો પર હુમલા કર્યા હતા, જેથી ઈરાનનું શાસન નબળું પડ્યું હતું.

હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાને વાતચીત માટે સંપર્ક કર્યો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે કોઈ પણ બેઠક પહેલાં તેમણે કોઈ કાર્યવાહી કરવાની જરૂર પડી શકે છે.

વાતચીત, અસંતોષની આ આગને સંપૂર્ણપણે ઠારી નહીં શકે. સાથે જ અમેરિકાની સામે ઈરાન નમશે નહીં.

આ માગોમાં ઝીરો ન્યૂક્લિયર ઍનરિચમેન્ટની માગ સામેલ છે, જે આ ધાર્મિક શાસનની રાજકીય વિચારસરણીના પાયામાં 'રેડ લાઇન' પસાર કરી દે છે.

વર્તમાન દબાણ ગમે તેટલું હોય, એવા કોઈ સંકેત નથી કે ઈરાનના નેતા પોતાનો માર્ગ બદલી રહ્યા છે.

જૉન્સ હૉપકિન્સ સ્કૂલ ઑફ એડ્‌વાન્સ્ડ ઇન્ટરનૅશનલ સ્ટડીઝના પ્રોફેસર અને 'ઈરાન ગ્રાન્ડ સ્ટ્રેટેજી' પુસ્તકના લેખક વલી નસરે કહ્યું, "તેમની (ઈરાની શાસનની) પ્રવૃત્તિ એ જ છે કે કડક હાથે ડામી દેવામાં આવે. કોઈક રીતે આ મુશ્કેલીના સમયથી બચી શકાય અને પછી આગળનો માર્ગ નક્કી કરવામાં આવે."

તેમણે કહ્યું, ‌"પરંતુ અમેરિકા, ઇઝરાયલ અને પ્રતિબંધોની સાથે જે પરિસ્થિતિમાં તેઓ ફસાયેલા છે, તેમાં જો આ પ્રદર્શન ડામી પણ દેવામાં આવે તોપણ, ઈરાનની પાસે સામાન્ય લોકોના જીવનને સુધારવા માટેના વધુ વિકલ્પ નથી."

આ અઠવાડિયું આ સમગ્ર ઘટનાક્રમની દિશા નક્કી કરી શકે છે.

સવાલ એ છે કે શું ઈરાન અને આખો વિસ્તાર ફરીથી સૈન્ય હુમલાના કાળખંડમાં ધકેલી દેવાશે; કે પછી બળપ્રયોગથી આ પ્રદર્શનોને સંપૂર્ણ ડામી દેવામાં આવશે, જેવું અગાઉ થઈ ચૂક્યું છે?

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ તહેરાનમાં રાજદ્વારીઓને કહ્યું કે "સ્થિતિ હવે સંપૂર્ણ કાબૂમાં છે."

બહાર દિવસના અજવાળામાં તહેરાનના રસ્તા પર એ જ ભીડ જોવા મળી, જેને સરકારે એમ કહીને આહ્વાન કર્યું હતું કે તેઓ પ્રદર્શનકારો પાસેથી 'રસ્તા છીનવી' લે.

બીબીસી ગુજરાતી

ઈરાન સરકારનું વલણ કઠોર કેમ છે?

ઈરાન, અમેરિકા, આંતરરાષ્ટ્રીય સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

સંદેશાવ્યવહાર સંપૂર્ણ બંધ કર્યાના પાંચ દિવસ પછી પણ દુનિયા સુધી એક ડરામણી તસવીર પહોંચી રહી છે.

આ તસવીર સ્ટારલિંક સેટેલાઇટ ટર્મિનલ્સ, ઇરાની તકનીકી કૌશલ અને લોકોના સાહસ દ્વારા બહાર આવી રહી છે.

ડૉક્ટરોનું કહેવું છે કે હૉસ્પિટલો ઘાયલોથી ભરેલી છે.

ખુલ્લાં મેદાનોમાં કામચલાઉ શબઘરોના વીડિયો સામે આવ્યા છે, જ્યાં કાળી બૉડી બૅગ (મૃતદેહને રાખવા માટે ઉપયોગમાં લેવાતી)ની લાંબી લાઇનો જોવા મળે છે.

બીબીસી ફારસી સેવાને મોકલવામાં આવેલી વૉઇસ નોટ્સમાં લોકો આઘાત અને ડરની વાતો કરી રહ્યા છે.

માનવ અધિકાર જૂથો અનુસાર 2022 અને 2023માં છ મહિનાથી વધુ ચાલેલાં વિરોધપ્રદર્શનો અને ધમાલ દરમિયાન 500 લોકો મૃત્યુ પામ્યા હતા. આ પ્રદર્શનોમાં 20 હજાર કરતાં વધારે લોકોની ધરપકડ થઈ હતી.

પરંતુ રિપોર્ટ્સ અનુસાર, આ વખતે થોડાંક જ અઠવાડિયાંમાં મૃત્યુઆંક તેનાથી ઘણો વધી ગયો છે. અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોને કસ્ટડીમાં લેવાયા છે.

સરકાર હિંસક બનાવોનો ઇનકાર નથી કરતી.

સરકારી ટીવી પણ કામચલાઉ શબઘરોની તસવીરો બતાવી રહી છે અને એવું માની રહી છે કે થોડા પ્રદર્શનકારો મૃત્યુ પામ્યા છે.

ઈરાનના રસ્તા આગથી ભભૂકી રહ્યા છે. ગુસ્સામાં સરકારી ઇમારતોને આગ ચાંપી દેવાઈ.

આ વ્યવસ્થાનું પ્રતીક છે. સરકાર સાર્વજનિક સંપત્તિ પરના હુમલાને "આંતકીઓ અને તોફાનીઓ"નાં કારસ્તાન ગણાવીને નિંદા કરી રહી છે.

આ દરમિયાન કાયદાની ભાષા પણ વધુ કડક થઈ ગઈ છે.

"તોડફોડ કરનારાઓ" પર "અલ્લાહ વિરુદ્ધ યુદ્ધ કર્યા"નો આરોપ કરવામાં આવશે, જેની સજા મૃત્યુ પણ હોઈ શકે છે.

આ આંતરિક અસંતોષ માટે સરકાર મુખ્યત્વે વિદેશી શત્રુઓને જવાબદાર ગણાવી રહી છે; એટલે કે ઇઝરાયલ અને અમેરિકાને.

આ વખતે આરોપોને એટલા માટે પણ બળ મળ્યું છે કેમ કે, ગયા વર્ષે થયેલા 12 દિવસના યુદ્ધ દરમિયાન ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદની ઊંડી હાજરી સ્પષ્ટ રીતે જોવા મળી હતી.

બીબીસી ગુજરાતી

ઈરાનમાં આ વખતનો વિરોધ કે અલગ છે?

ઈરાન, અમેરિકા, આંતરરાષ્ટ્રીય સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાનમાં દરેક નવા વિરોધની સાથે એ જ સવાલ ફરી ઊભા થાય છે – આ પ્રદર્શન કેટલાં દૂર અને વ્યાપક છે, કયા લોકો સડકો અને ચોગાનોમાં ઊતરી રહ્યા છે અને આ વખતે સત્તા તેને કઈ રીતે જવાબ આપશે?

હાલના તાજા વિરોધની લહેર ઘણા અર્થોમાં જુદી છે.

તેની શરૂઆત ખૂબ જ સામાન્ય રીતે થઈ.

28 ડિસેમ્બરે તહેરાનમાં આયાત કરાયેલો ઇલેક્ટ્રૉનિક સામાન વેચનાર વેપારીઓ અચાનક ઈરાની કરન્સી ઝડપથી ઘટી જવાથી હચમચી ગયા.

તેમણે પોતાની દુકાનો બંધ કરી દીધી, હડતાલ શરૂ કરી અને બજારના બીજા વેપારીઓને પણ પોતાની સાથે આવવાની અપીલ કરી.

સરકારની શરૂઆતની પ્રતિક્રિયા ઝડપી અને સમાધાનકારી હતી.

રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને વાતચીતનો વાયદો કર્યો અને "ન્યાયી માગો"ને મંજૂર કરી દીધી.

આવું એવા દેશમાં કહેવાયું જ્યાં મોઘવારી લગભગ 50 ટકા સુધી પહોંચી ગઈ છે. કરન્સીમાં સતત ઘટાડો સામાન્ય લોકોના પહેલાંથી કઠિન જીવનને અતિકઠિન કરી દે છે.

મોઘવારીનું દુઃખ ઓછું કરવા માટે ટૂંક સમયમાં જ દેશના દરેક નાગરિકના બૅંક ખાતામાં લગભગ સાત ડૉલરની એક નવી માસિક સહાયતા રકમ જમા કરી દેવાઈ.

પરંતુ કિંમતો વધુ વધી ગઈ. અસંતોષની લહેર વધુ ફેલાતી ગઈ.

ત્રણ અઠવાડિયાં પણ નહોતાં વીત્યાં, ત્યાં ઈરાનીઓએ દરેક જગ્યાએ રેલી શરૂ કરી દીધી.

નાના, ગરીબ પ્રાંતીય કસ્બાથી લઈને મોટાં શહેરોમાં પણ લોકો સડકો પર ઊતરી પડ્યા. આર્થિક અને રાજકીય પરિવર્તનના સૂત્રોચ્ચાર થવા લાગ્યા.

હવે કોઈ આસાન કે ત્વરિત સમાધાન બચ્યું નથી. હવે સમગ્ર ઈરાની વ્યવસ્થા સામે લોકો સવાલ કરી રહ્યા છે.

ઈરાન વર્ષોથી કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, ગેરવહીવટ અને ભ્રષ્ટાચારથી બરબાદ થઈ ગયું છે.

સામાજિક આઝાદી પરના પ્રતિબંધો સામે ખૂબ જ ગુસ્સો છે અને પશ્ચિમની સાથે લાંબા સંઘર્ષની કિંમત સામાન્ય લોકો અપાર વેદનારૂપે ચૂકવી રહ્યા છે.

તોપણ, સત્તાનું કેન્દ્ર સ્થિર હોય તેવું લાગે છે.

વૉશિંગ્ટન-સ્થિત કાર્નેગી એન્ડૉઉમેન્ટના સીનિયર ફેલો કરીમ સદજાદપોરે કહ્યું, "સત્તાનું સંપૂર્ણ પતન થાય તે પહેલાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત હજુ બાકી છે. તે એ કે દમનકારી શક્તિઓએ એ સિદ્ધ નથી કર્યું કે તેમને આ શાસનથી કશો લાભ નથી થતો અને તેના માટે લોકોને હવે નહીં મારે."

આ સંકટની પહેલાં જ, ઈરાનના શાસનતંત્રના સૌથી શક્તિશાળી લોકો મહત્ત્વપૂર્ણ મુદ્દાની બાબતમાં મતભેદ ધરાવતા હતા.

જેમ કે, અમેરિકા સાથે નવી પરમાણુ સમજૂતી અંગે ફરીથી વાતચીત શરૂ કરવામાં આવે કે નહીં અને ગાઝા યુદ્ધ દરમિયાન પોતાના સહયોગીઓ અને રાજકીય ભાગીદારોને લાગેલા ઝટકા પછી વ્યૂહાત્મક સંતુલન કઈ રીતે પુનઃસ્થાપિત કરવામાં આવે.

પરંતુ, સૌથી મહત્ત્વની એક જ વાત છે અને તે છે સિસ્ટમ સચવાઈ રહે. એટલે કે તેમની સિસ્ટમ.

અંતિમ સત્તા હજુ પણ બીમાર અને 86 વર્ષીય સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના હાથમાં છે.

તેમની ચારેબાજુ તેમના સૌથી વફાદાર સમર્થકો ઊભા છે, જેમાં ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કોર પણ સામેલ છે. ઈરાનની અર્થવ્યવસ્થા, રાજકારણ અને સુરક્ષા પર તેનો ઘેરો પ્રભાવ છે.

બીબીસી ગુજરાતી

ઈરાનની સત્તાને બહારથી હસ્તક્ષેપનો ડર કેમ છે

ઈરાન, અમેરિકા, આંતરરાષ્ટ્રીય સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લગભગ દરરોજ અપાતી ધમકીઓએ શીર્ષ નેતૃત્વને વધારે સાવધ કરી દીધા છે.

સાથે જ કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપની અસર બાબતે વ્યાપક અટકળો પણ વધી ગઈ છે.

સૈન્ય કાર્યવાહી પ્રદર્શનકારોને શક્તિ આપી શકે છે, પરંતુ તેની અવળી અસર પણ થઈ શકે છે.

લંડન-સ્થિત થિંક ટૅન્ક ચૅટહમ હાઉસમાં મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકા કાર્યક્રમનાં ડાયરેક્ટર સનમ વકીલે કહ્યું, "આની સૌથી મોટી અસર એ થશે કે સત્તામાં એકતા મજબૂત થશે અને આ નાજુક સમયે શાસનમાંની ફાટફૂટ દબાઈ જશે."

રાષ્ટ્રપતિ ટ્રમ્પના હસ્તક્ષેપની માગણી કરનાર સૌથી મુખર અવાજોમાંનો એક દેશનિકાલ કરાયેલા પૂર્વ યુવરાજ રઝા પહેલવીનો છે.

તેમના પિતા ઈરાનના શાહ હતા, પરંતુ 1979ની ઇસ્લામી ક્રાંતિમાં તેમને સત્તા પરથી હટાવી દેવાયા હતા.

પરંતુ તેમની આ અપીલ અને ઇઝરાયલ સાથેના નિકટ સંબંધો વિવાદાસ્પદ મનાય છે.

તેનાથી વિપરીત, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદી (જે આજે પણ ઈરાનમાં જેલમાં છે)થી લઈને ફિલ્મકાર ઝાફર પનાહીનું કહેવું છે કે પરિવર્તન શાંતિપૂર્ણ હોવું જોઈએ અને તે દેશની અંદરથી જ આવવું જોઈએ.

વર્તમાન અશાંતિમાં પહેલવીએ એ દેખાડ્યું છે કે તેઓ આ ઊભરાને એક દિશા આપવાની અને લોકોને સંગઠિત કરવાની ક્ષમતા ધરાવે છે.

ગયા અઠવાડિયાની શરૂઆતમાં તેમના આહ્વાનથી કડકડતી ઠંડી હોવા છતાં મોટા ભાગના લોકો સડકો પર ઊતરતા જોવા મળ્યા.

એ જાણી શકવું અશક્ય છે કે તેમને કેટલું વ્યાપક સમર્થન પ્રાપ્ત છે અને શું પરિવર્તનની આ તીવ્ર ઇચ્છા કેટલાક લોકોને કોઈ પરિચિત ચિહ્ન સાથે જોડેલા રાખે છે?

ક્રાંતિ પહેલાંનો ઈરાની ઝંડો, જેમાં સિંહ અને સૂર્યનાં પ્રતીક છે, ફરી એક વાર લહેરાવાઈ રહ્યો છે.

પહેલવી ભારપૂર્વક કહે છે કે તેઓ રાજાશાહી પાછી લાવવાના પ્રયાસ નથી કરતા, પરંતુ લોકશાહી પરિવર્તનનું નેતૃત્વ કરવા માગે છે.

પરંતુ આની પહેલાં તેઓ એ વહેંચાઈ ગયેલા ઈરાની પ્રવાસી સમુદાયને એકજૂથ કરનાર વ્યક્તિત્વ નથી રહ્યા.

દેશમાં ભાગલા અને અરાજકતાનો ડર, આર્થિક પરેશાનીઓ અને અન્ય ચિંતાઓ એવા ઈરાનીઓના મનમાં પણ છે, જેઓ હજુ પણ સત્તારૂઢ ધર્મગુરુઓનું સમર્થન કરે છે.

કેટલાક લોકોનાં મનમાં ક્રાંતિ નહીં પરંતુ સુધારાનો વિચાર છે.

ઇતિહાસ દર્શાવે છે કે જ્યારે સડકો પર જુસ્સો અને શક્તિ સામેસામે આવે છે ત્યારે પરિવર્તન ઉપરથી પણ આવી શકે છે અને નીચેથી પણ.

પરંતુ, તેનું પરિણામ હંમેશાં અનિશ્ચિત હોય છે, અને ઘણી વાર ખતરનાક પણ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન