ટ્રમ્પ ગ્રીનલૅન્ડ પર કબજો કરવા કેમ ઇચ્છે છે અને તેનું નિયંત્રણ ખરેખર કોણ કરે છે?

ડોનાલ્ડ ટ્રમ્પ, ગ્રીનલૅન્ડ, અમેરિકા, વૈશ્વિક રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્રીનલૅન્ડની રાજધાની નુકની એક તસવીર અને ડોનાલ્ડ ટ્રમ્પ
    • લેેખક, જેમ્સ ફિટ્ઝગેરાલ્ડ
    • પદ, બીબીસી

વ્હાઇટ હાઉસે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના નિકટના સલાહકાર ગ્રીનલૅન્ડનો કબજો કરવાના વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છે, કેમ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ સતત એવો તર્ક રજૂ કરે છે કે તેનાથી તેમના દેશની સુરક્ષાને લાભ થશે.

તેમની માગોને ટાપુના નેતાઓ અને નાટોના સભ્ય ડેનમાર્ક દ્વારા ફગાવી દેવાઈ છે, જે ગ્રીનલૅન્ડને એક અર્ધ-સ્વાયત્ત ક્ષેત્ર તરીકે નિયંત્રિત કરે છે.

ગ્રીનલૅન્ડ ક્યાં છે અને ટ્રમ્પ માટે મહત્ત્વનું કેમ છે?

ડોનાલ્ડ ટ્રમ્પ, ગ્રીનલૅન્ડ, અમેરિકા, વૈશ્વિક રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

દુનિયાનો સૌથી મોટો ટાપુ, જે એક મહાદ્વીપ છે તે, ગ્રીનલૅન્ડ આર્કટિકમાં આવેલો છે. લગભગ 2.2 સ્ક્વેર કિમી (836,330 સ્ક્વેર માઈલ)માં વિસ્તરેલો આ ટાપુ મોટા ભાગે ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો કે સાઉદી અરબ જેટલો મોટો છે.

તે સૌથી ઓછી વસ્તી ધરાવતું વૈશ્વિક ક્ષેત્ર પણ છે, જેની કુલ વસ્તી લગભગ 56,000 છે, જેમાં મોટા ભાગના ઇન્ડિજિનસ ઇન્યુટ લોકો છે.

ઉત્તર અમેરિકા અને આર્કટિક વચ્ચે આવેલું સ્થાન તેને મિસાઇલ હુમલાની સ્થિતિમાં અર્લી વૉર્નિંગ સિસ્ટમ અને ક્ષેત્રમાં જહાજો પર દેખરેખ રાખવાનું યોગ્ય સ્થળ બનાવે છે.

શીતયુદ્ધની પરાકાષ્ઠા સમયે અમેરિકાએ ટાપુ પર પરમાણુ મિસાઇલોને તહેનાત કરવાની યોજના બનાવી હતી, પરંતુ એન્જિનિયરિંગ સમસ્યાઓ અને ડેનમાર્કના વાંધાના લીધે તેણે આ પરિયોજના છોડી દેવી પડી હતી.

બીજા વિશ્વયુદ્ધ પછીથી અમેરિકા દ્વારા ત્યાં પિટુફિક સ્પેસ બેઝ—જે અગાઉ થુલે ઍરબેઝ નામે જાણીતું હતું—ને સંચાલિત કરવામાં આવે છે અને વર્તમાન સમયે મિસાઇલોની દેખરેખ રાખે છે.

ગ્રીનલૅન્ડનો લગભગ 80 ટકા ભૂભાગ બરફથી ઢંકાયેલો છે, જેનો અર્થ એ કે મોટા ભાગના લોકો રાજધાની ન્યૂકની આસપાસ દક્ષિણ-પશ્ચિમ તટ પર રહે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ, ગ્રીનલૅન્ડ, અમેરિકા, વૈશ્વિક રાજકારણ, બીબીસી ગુજરાતી

ગ્રીનલૅન્ડની અર્થવ્યવસ્થા મુખ્યત્વે મત્સ્યોદ્યોગ પર આધારિત છે અને તેને ડેનિશ સરકાર પાસેથી મોટી સબસિડી મળે છે.

પરંતુ, તાજેતરનાં વરસોમાં ગ્રીનલૅન્ડનાં પ્રાકૃતિક સંસાધનોમાં રસ વધ્યો છે, જેમાં રેર અર્થ મિનરલ્સ, યુરેનિયમ અને લોહ ખનનનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેમાં તેલ અને ગૅસના મહત્ત્વપૂર્ણ ભંડારો પણ હોઈ શકે છે.

આ બધાં સંસાધનો વધારે સુલભ થઈ શકે છે, કેમ કે, ગ્લોબલ વૉર્મિંગના કારણે ટાપુને ઢાંકતું બરફનું વિશાળ આવરણ હવે પીગળી રહ્યું છે.

ટ્રમ્પનું મુખ્ય ફોકસ દુનિયામાં જ્યાં ક્યાંય મૂલ્યવાન ખનીજ સંસાધનો છે તેના પર રહ્યું છે, તેમાં યુક્રેન સાથેના તેમના સોદા પણ સામેલ છે.

જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું છે, "અમારે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલૅન્ડની જરૂર છે, ખનીજોની નહીં."

તેમણે એમ પણ કહ્યું છે કે, ‌"ગ્રીનલૅન્ડ બધી બાજુએ રશિયન અને ચીનનાં જહાજોથી છવાયેલું છે."

ટ્રમ્પના ઘણા સાથી રિપબ્લિકન સાંસદ એ વાત સાથે સંમત છે કે અમેરિકાની સુરક્ષાને આ બંને દેશોથી જોખમ છે.

ગ્રીનલૅન્ડને નિયંત્રિત કરનાર અમેરિકા વિશે ટ્રમ્પે શું કહ્યું?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટ્રમ્પે, અમેરિકાએ તાજેતરમાં વેનેઝુએલા પર સૈન્ય હુમલો કર્યો અને તેના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમનાં પત્નીની ધરપકડ કરીને ન્યૂ યૉર્ક લઈ જવાયાં, તે દરમિયાન ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની અમેરિકાની જૂની માગ દોહરાવી.

ગ્રીનલૅન્ડના વડા પ્રધાન જેન્સ ફ્રેડરિક નીલસને અમેરિકાના નિયંત્રણના વિચારને એક 'કલ્પના' ગણાવીને કહ્યું કે, "બસ હવે બહુ થયું."

પરંતુ ટ્રમ્પ અને તેમના સહયોગીઓએ વારંવાર ધમકીઓ આપી. વ્હાઇટ હાઉસે કહ્યું કે ટાપુના કબજા માટે ઘણા વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે, જેમાં 'અમેરિકાની સેનાનો ઉપયોગ' પણ સામેલ છે.

તેમના શીર્ષ સહયોગીઓમાંના એક સ્ટીફન મિલરે કહ્યું, "ગ્રીનલૅન્ડના ભવિષ્ય માટે અમેરિકા સાથે કોઈ લડશે નહીં."

વિદેશમંત્રી માર્કો રુબિયોએ કથિત રીતે એ જ સમયે સાંસદોને જણાવ્યું કે અમેરિકાની યોજના ટાપુ પર આક્રમણ કરવાના બદલે તેને ખરીદવાની હતી.

રુબિયોના વિદેશ વિભાગના એક પ્રવક્તાએ ઉમેર્યું કે, "સ્થાયી વાણિજ્યિક સંબંધો" સ્થાપવા પર ભાર મુકાયો હતો, અને ભારપૂર્વક કહ્યું કે ડેનમાર્ક અને નાટો સૈન્ય ગઠબંધનના અન્ય સભ્યો સાથે અમેરિકાના "સામાન્ય વિરોધીઓ" હતા.

આની પહેલાં 2019માં પોતાના પહેલા રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ટ્રપે આ ટાપુ ખરીદવાનો પ્રસ્તાવ કર્યો હતો, પરંતુ તેમને જણાવાયું હતું કે તે વેચાણ માટે નથી.

જાન્યુઆરી 2025માં વ્હાઇટ હાઉસમાં પાછા આવ્યા પછી તરત તેમણે ફરીથી પોતાનો રસ દર્શાવ્યો.

ગ્રીનલૅન્ડની વિવાદાસ્પદ ઉચ્ચ સ્તરીય યાત્રાઓ પણ થઈ છે. ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સે માર્ચમાં ત્યાંની યાત્રા કરી અને ડેનમાર્ક પર ક્ષેત્રની સુરક્ષા માટે પૂરતું રોકાણ કરવામાં નિષ્ફળ રહ્યાનો આરોપ કરતું એક ભાષણ કર્યું.

2025ના અંતમાં જ્યારે ટ્રમ્પે ગ્રીનલૅન્ડ માટે એક વિશેષ દૂત જેફ લૅંડ્રીની નિમણૂક કરી, જેમણે ટાપુને અમેરિકાનો ભાગ બનાવવા અંગે સ્પષ્ટ રીતે વાત કરી, ત્યારે અમેરિકાના ઇરાદા વિશે એક નવો વિવાદ શરૂ થયો.

ડેનમાર્ક અને અન્ય નાટો સહયોગીઓએ શું કહ્યું?

ગ્રીનલૅન્ડની તેની પોતાની સ્વતંત્ર સેના નથી અને તે નાટોનું સભ્ય પણ નથી, પરંતુ ડેનમાર્કના માધ્યમથી ગઠબંધનનો ભાગ છે.

ટાપુના ભવિષ્ય માટેના ટ્રમ્પના વલણથી કોપનહેગનને ઝટકો લાગ્યો છે, જે પારંપરિક રીતે વૉશિંગ્ટનની સાથે ગાઢ સંબંધોનો આનંદ માણે છે.

ડેનમાર્કનાં વડાં પ્રધાન મેટે ફ્રેડરિક્સને ચેતવણી આપી છે કે ગ્રીનલૅન્ડ પર કબજો કરવાનો પ્રયાસ લાંબા સમયથી અસ્તિત્વ ધરાવતા ટ્રાન્સાટલાંટિક ગઠબંધનના અંતનું કારણ બનશે.

તેમણે અને તેમના યુકે સમકક્ષ સર કીર સ્ટાર્મરે સાથી નાટો સભ્યો ફ્રાન્સ, જર્મની, ઇટલી, પોલૅન્ડ અને સ્પેનના નેતાઓની સાથે એક નિવેદન પર હસ્તાક્ષર કર્યા, જેમાં કહેવાયું હતું, "ગ્રીનલૅન્ડ ત્યાંના લોકોનું છે અને માત્ર ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડ જ પોતાના સંબંધો સંબંધિત બાબતોમાં નિર્ણયો લઈ શકે છે."

ગ્રીનલૅન્ડ પર ડેનમાર્કનું નિયંત્રણ કેમ છે?

જોકે ઉત્તર અમેરિકા ખંડના એક ભાગ ગ્રીનલૅન્ડને, લગભગ 3,000 કિલોમીટર (1,860 માઈલ) દૂર આવેલા ડેનમાર્કે લગભગ 300 વર્ષ સુધી નિયંત્રિત કર્યું છે.

પરંતુ ગ્રીનલૅન્ડમાં અમેરિકાનાં સુરક્ષા હિતો પણ ઘણાં જૂનાં છે, અને ટ્રમ્પની પહેલાં બે અમેરિકન વહીવટી તંત્રએ તેને પ્રાપ્ત કરવાના પ્રયાસો કર્યા હતા, જેમાં તે નિષ્ફળ રહ્યાં.

આ ટાપુ 20મી સદીના મધ્ય સુધી એક સંસ્થાન તરીકે શાસિત હતો. તે ગાળાના મોટા ભાગના સમયે તે એકલો-અટૂલો – સંપર્ક વિહોણો અને ગરીબ રહ્યો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મની દ્વારા મુખ્ય ભૂમિ ડેનમાર્ક પર કબજો કરી લેવાયા પછી અમેરિકાએ ટાપુ પર આક્રમણ કર્યું અને સૈન્ય તથા રેડિયો સ્ટેશનોની સ્થાપના કરી.

યુદ્ધ પૂરું થયા પછી પણ અમેરિકાની સેના ગ્રીનલૅન્ડમાં જ રહી.

1951માં ડેનમાર્ક સાથે થયેલી એક સુરક્ષા સમજૂતીમાં અમેરિકાને ક્ષેત્રની સુરક્ષા માટે એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા મળી, જેમાં સૈન્ય થાણાંનાં નિર્માણ અને તેની જાળવણીનો અધિકાર પણ સામેલ હતો.

1953માં ટાપુને ડેનમાર્ક સામ્રાજ્યનો ભાગ બનાવી દેવાયો અને ગ્રીનલૅન્ડર્સ ડેનિશ નાગરિક બની ગયા.

1979માં હોમ રૂલ માટેના એક જનમત સંગ્રહમાં ગ્રીનલૅન્ડને ક્ષેત્રની અંદર મોટા ભાગની નીતિઓનું નિયંત્રણ મળ્યું, જેમાં ડેનમાર્કે વિદેશી બાબતો અને સુરક્ષા પણ નિયંત્રણ જાળવી રાખ્યું.

ગ્રીનલૅન્ડમાં ડેનિશની સાથોસાથ અમેરિકન મિલિટરી પણ છે.

ગ્રીનલૅન્ડના લોકો ટ્રમ્પ અને તેમની ધમકીઓ વિશે શું વિચારે છે?

ડોનાલ્ડ ટ્રમ્પ, ગ્રીનલૅન્ડ, અમેરિકા, વૈશ્વિક રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માછીમારી કરતાં લોકોનાં ઘર, ગ્રીનલૅન્ડ

2026ની શરૂઆતમાં ટ્રમ્પની ધમકીઓના જવાબમાં ગ્રીનલૅન્ડના વડા પ્રધાન નીલસને કહ્યું, "હવે કોઈ જ દબાણ નહીં. બીજો કોઈ સંકેત નહીં. વિલયની બીજી કોઈ કલ્પના નહીં."

તેમણે કહ્યું, "અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ, પરંતુ તે યોગ્ય ચૅનલ્સના માધ્યમથી અને આંતરરાષ્ટ્રીય કાયદાના સન્માન સાથે થવી જોઈએ."

2025માં બીબીસીના સંવાદદાતા ફર્ગલ કીનેએ જ્યારે ટાપુની મુસાફરી કરી, ત્યારે તેમને વારંવાર એક જ વાક્ય સાંભળવા મળ્યું, "ગ્રીનલૅન્ડ ગ્રીનલૅન્ડર્સનું છે. તેથી ટ્રમ્પ મુલાકાત લઈ શકે છે; પરંતુ એટલું જ."

તે વર્ષે ક્ષેત્રની સામાન્ય ચૂંટણી દરમિયાન આ મુદ્દો કેન્દ્રીય સ્થાને રહ્યો.

મતદાન દર્શાવે છે કે મોટા ભાગના ગ્રીનલૅન્ડવાસીઓ ડેનમાર્કથી સ્વતંત્રતા ઇચ્છે છે, પરંતુ તેમાંથી મોટા ભાગના લોકો અમેરિકાનો ભાગ બનવાના વિચારને પણ નકારે છે.

2019માં જ્યારે ટ્રમ્પે પહેલી વાર ગ્રીનલૅન્ડ ખરીદવાનો વિચાર પ્રકટ કર્યો હતો, ત્યારે ઘણા સ્થાનિક લોકોએ કહ્યું કે તેઓ આ પ્રસ્તાવનો વિરોધ કરે છે.

એક ટૂર ઑપરેટર ડાઇન્સ મિકેલસને કહ્યું, "આ ખૂબ જ ખતરનાક વિચાર છે."

ગ્રીનલૅન્ડનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન એલેક્સા હૅમંડે કહ્યું, "તેઓ અમારી સાથે વસ્તુની જેમ વર્તે છે, જાણે તેઓ ખરીદી શકે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન