વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો પણ સત્ય સાંઈ બાબાના ભક્ત હતા, તસવીરો શું કહે છે?

નિકોલસ માદુરો, વેનેઝુએલા, સત્ય સાંઈબાબા, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, satyasai.org

ઇમેજ કૅપ્શન, 2005માં માદુરોએ સત્ય સાંઈ બાબાની મુલાકાત લીધી ત્યારની તસવીર
    • લેેખક, તુલસીપ્રસાદ રેડ્ડી
    • પદ, બીબીસી તેલુગુ માટે

"હા, માદુરો એ સત્ય સાંઈના ભક્ત હતા. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને સિલિયા ફ્લોરેસે સત્ય સાંઈ આશ્રમની પુટ્ટપર્તીમાં મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા."

શ્રી સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ, પુટ્ટપર્તીના મૅનેજિંગ ટ્રસ્ટી આરજે રત્નાકારે બીબીસી તેલુગુને માદુરોની મુલાકાત વિશે માહિતી આપતાં આમ કહ્યું હતું.

તાજેતરમાં ત્રીજી જાન્યુઆરીના રોજ અમેરિકાનાં સુરક્ષાદળોએ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ઘૂસીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેમનાં પત્નીને પકડી લીધાં હતાં.

ત્યારબાદ માદુરોએ ભૂતકાળમાં પુટ્ટપર્તીની લીધેલી મુલાકાતની તસવીરોથી આ વિષય ચર્ચામાં આવ્યો છે.

રત્નાકરે બીબીસી તેલુગુને જણાવ્યું હતું કે, "એ વાત સાચી છે કે નિકોલસ માદુરોએ પુટ્ટપર્તીમાં સત્ય સાંઈ બાબાની મુલાકાત લીધી હતી."

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, "આ મુલાકાત તેમણે 2005માં લીધી હતી અને બાબાના આશીર્વાદ લીધા હતા. ઘણા વિદેશી મુલાકાતીઓ અહીં આવે છે. ઘણીવાર તેઓ જ્યાં સુધી કહે નહીં ત્યાં સુધી અમને ખબર હોતી નથી કે તેઓ કોણ છે?"

"જ્યારે માદુરો આવ્યા ત્યારે અહીં મોટો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તેઓ અંદર ગયા હતા અને બાબાને મળ્યા હતા. વિનંતી કરીને તેમની સાથે તસવીર પણ ખેંચાવી હતી. એ એક જ ફોટો અમારી પાસે છે. વેનેઝુએલામાં પણ સત્ય સાંઈ બાબાના અનેક કાર્યક્રમો થયેલા છે. માત્ર ત્યાંજ નહીં વિશ્વના અનેક દેશોમાં તેમના આશ્રમો આ આવેલા છે અને ત્યાં કાર્યક્રમો થાય છે."

"તેઓ સત્ય સાંઈ બાબાના ભક્ત હતા. તેમણે તેમના આપેલા શિક્ષણને અનુસર્યું છે. અમને એ પણ જાણવા મળ્યું હતું કે માદુરોએ તેમના બિલ્ડિંગમાં સત્ય સાંઈ બાબાની તસવીર રાખી છે."

વચગાળાના રાષ્ટ્રપતિ પણ...

નિકોલસ માદુરો, વેનેઝુએલા, સત્ય સાંઈબાબા, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SATYASAI.ORG

ઇમેજ કૅપ્શન, રૉડ્રિગ્ઝની 2023 અને 2024ની તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રત્નાકરે બીબીસી તેલુગુને જણાવ્યું હતું કે હાલમાં વચગાળાના રાષ્ટ્રપતિ બનેલાં ડેલ્સી રૉડ્રિગ્સ પણ સત્ય સાંઈનાં ભક્ત છે. તેમણે પણ કહ્યું છે કે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતાં ત્યારે પણ તેમણે પુટ્ટપર્તી અને સત્ય સાંઈ બાબાની મહાસમાધિની મુલાકાત લીધી હતી.

હાલમાં તેઓ સત્ય સાંઈ બાબાની સમાધિની મુલાકાત લઈ રહ્યાં હોય તેવી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

શ્રી સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટની વેબસાઇટ અને ફેસબુક મુકાયેલી આ તસવીરો અને માહિતી પરથી એ ખ્યાલ આવે છે કે ઑગસ્ટ 2023માં અને ઑક્ટોબર 2024માં તેમણે સત્ય સાંઈ સમાધિ મંદિરની મુલાકાત લીધી હતી.

સત્ય સાંઈ ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, રૉડ્રિગ્સ એ સમયે (26 ઑક્ટોબર, 2024) વેનેઝુએલાના ઍક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હતાં. તેમની સાથે વેનેઝુએલાનાં ભારત ખાતેનાં રાજદૂત કપાયા રૉડ્રિગ્ઝ ગોન્ઝાલેસ પણ હતાં.

તેમને આરજે રત્નાકર દ્વારા જ મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વર્ષ 2023માં ડેલ્સી રૉડ્રિગ્ઝ જી20 ડેલિગેશનનાં સભ્ય તરીકે ભારત આવ્યાં હતાં અને પછી તેમણે પુટ્ટપર્તીની મુલાકાતને તેમની અંગત મુલાકાત ગણાવી હતી.

અરૂણ પુદુર નામના એક યુઝરે તેમના ઍક્સ એકાઉન્ટ પર અમુક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં માદુરોને સત્ય સાંઈના ભક્ત તરીકે દર્શાવવામાં આવ્યા છે. એક આમંત્રણ પત્રિકાની તસવીર પોસ્ટ કરીને કહેવાયું છે કે વેનેઝુએલાના નૅશનલ ડેની ઉજવણીમાં પણ 'ઓમ' પ્રતીક છે. જોકે, બીબીસી આ દાવાની સ્વતંત્રપણે પુષ્ટિ કરી શક્યું નથી.

અમેરિકાએ માદુરોને કેમ પકડ્યા?

નિકોલસ માદુરો, વેનેઝુએલા, સત્ય સાંઈબાબા, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, satyasai.org

વેનેઝુએલાના ડાબેરી રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝ પછી નિકોલસ માદુરો સત્તાસ્થાને આવ્યા હતા. તેમનો ઉદય યુનાઇટેડ સોશિયલિસ્ટ પાર્ટી ઑફ વેનેઝુએલા હેઠળ થયો હતો.

તેઓ બસ ડ્રાઇવર હતા અને યુનિયન લીડર હતા. 2013માં તેઓ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બન્યા હતા.

2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ માદુરોએ જીત મેળવી હતી. જોકે, વિપક્ષોનો એવો દાવો રહ્યો છે કે ઍડમંડો ગોન્ઝાલેઝ ઉરુશિયા મોટી બહુમતીથી ચૂંટણી જીત્યા હતા.

ટ્રમ્પનો એવો દાવો રહ્યો છે કે વેનેઝુએલાથી અમેરિકા આવતા ગેરકાયદેસર પ્રવાસીઓ માટે માદુરો જવાબદાર છે. તેમના ઉપર અમેરિકાએ ડ્રગ્સ કાર્ટેલ ચલાવતા લોકોને સહયોગ કરવાનો આરોપ પણ મૂક્યો છે.

ત્યારબાદ અમેરિકાએ એક ઑપરેશન ચલાવીને માદુરો તથા તેમનાં પત્નીને પકડી લીધાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન