પૉલીમાર્કેટ : એ પ્લૅટફૉર્મ જેના પર માદુરોને પકડવાની 'આગાહી' કરવાનો સટ્ટો રમી એક યુઝરે કરોડો રૂપિયા કમાયા

પોલી માર્કેટ, માદુરોને પકડવાની આગાહી કરનારું પ્લેટફોર્મ, સટ્ટા અને આગાહીનું પ્લેટફોર્મ, સટ્ટા અને જુગાર કરોડો રૂપિયાની કમાણી ,બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

શનિવારે વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસને 'પકડવા'ના સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયા અને સોશિયલ મીડિયા ઉપર મિનિટોમાં છવાઈ ગયા હતા.

આ ઘોંઘાટ એટલે મોટો હતો કે તેની વચ્ચે એક સમાચાર દબાઈ ગયા. એક સટ્ટોડિયાએ નિકોલસને 'પકડી' લેવામાં આવશે, એવી આગાહી કરી હતી, જેના આધારે તેણે લગભગ રૂ. ત્રણ કરોડ 93 લાખની (ચાર લાખ 36 હજાર ડૉલર) કમાણી કરી.

આ યુઝર ગયા મહિને પૉલીમાર્કેટ ઉપર જોડાયો હતો અને તેણે ચાર પૉઝિશન લીધી હતી. યુઝરે કુલ રૂ. 29 લાખ 36 હજાર જેટલો (32 હજાર 537 ડૉલર) દાવ લગાવ્યો હતો.

આ દાવ કોણે લગાડ્યો હતો, તે અસ્પષ્ટ છે, પરંતુ બ્લૉકચેઇનમાં તેની ઓળખ 'અક્ષર અને આંકડા'માં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માદુરો તથા તેમનાં પત્ની સિલિયાને 'પકડવા'માં આવ્યાં છે, તેવી સત્તાવાર જાહેરાત કરી, એ પછીથી ચર્ચા થઈ રહી છે કે કોઈકને અમેરિકાના ઑપરેશન વિશે 'અંદરની માહિતી' હતી અને તેણે પૈસા બનાવ્યા છે.

આ અંગે બીબીસીએ પૉલીમાર્કેટનો સંપર્ક કરીને તેનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જો કે, આ સમાચારને કારણે પૉલીમાર્કેટ પ્લૅટફૉર્મ ચર્ચામાં આવી ગયું છે.

શું છે પૉલીમાર્કેટ?

પોલી માર્કેટ, માદુરોને પકડવાની આગાહી કરનારું પ્લેટફોર્મ, સટ્ટા અને આગાહીનું પ્લેટફોર્મ, સટ્ટા અને જુગાર કરોડો રૂપિયાની કમાણી ,બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Truth Social/BBC

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માદુરોને પકડવામાં આવ્યા હોવાની તસવીર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપર મૂકી હતી

પૉલીમાર્કેટએ સટ્ટોડિયાઓ માટેનું મોટું પ્લૅટફૉર્મ છે.

પૉલીમાર્કેટ પર ક્રિપ્ટૉ-કરન્સીમાં કોઈપણ બાબતો 'સટ્ટો' કે 'શરત' લગાડવાની છુટ આપે છે. પ્લૅટફૉર્મની પોતાની બ્લૉકચેઇન છે.

જેમ કે 'વેનેઝુએલામાં માદુરોનું પતન થશે કે નહીં?' તેના ઉપર લોકો દાવ લગાવી રહ્યા હતા. અમેરિકાએ ઑપરેશન શરૂ કર્યું, તેના એક દિવસ અગાઉ શુક્રવારે બપોરે (યુએસ સમય મુજબ) તેની શક્યતા 6.5 % જેટલી હતી.

અડધી રાત થતા સુધીમાં આ ટકાવારી 11% ઉપર પહોંચી ગઈ અને તા. ત્રીજી જાન્યુઆરીના વહેલી સવારે (જ્યારે ઑપરેશન ચાલી રહ્યું હતું), અચાનક જ પૉઝિશન્સ બદલાઈ ગઈ હતી.

એ પછી ગણતરીના કલાકોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ ઉપર જાહેરાત કરી હતી કે માદુરો તથા તેમનાં પત્ની અમેરિકાના કસ્ટડીમાં છે.

ઉપરોક્ત યુઝર સિવાય પણ અન્ય કેટલાક વપરાશકર્તાએ 'માદુરોને પકડી લેવામાં આવશે' ઉપર દાવ લગાડીને હજારો ડૉલરની કમાણી કરી છે.

પોલી માર્કેટ, માદુરોને પકડવાની આગાહી કરનારું પ્લેટફોર્મ, સટ્ટા અને આગાહીનું પ્લેટફોર્મ, સટ્ટા અને જુગાર કરોડો રૂપિયાની કમાણી ,બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હાલ પણ 'માદુરોનો જેલનાં કપડાંવાળો ફોટો ક્યાર સુધીમાં બહાર આવશે?', 'ટ્રમ્પ ક્યાર સુધીમાં ગ્રીનલૅન્ડ ઉપર કબજો કરશે?', 'ક્યાર સુધીમાં અમેરિકા વેનેઝુએલા ઉપર બીજો હુમલો કરશે?' , 'ઇઝરાયલ ક્યાર સુધીમાં ઈરાન ઉપર હુમલો કરશે?' વગેરે જેવી બાબતો ઉપર સટ્ટો લાગી રહ્યો છે.

આવા અલગ-અલગ મુદ્દા ઉપર હજારોથી માંડીને લાખો ડૉલરના દાવ લાગેલા છે.

નાણાકીય ક્ષેત્રે સુધાર ઇચ્છતી સંસ્થા બૅટર માર્કેટ્સના ડેનિલ કેલેહરે બીબીસીના યુએસ પાર્ટનર સીબીએસને કહ્યું : "અંદરની માહિતીના આધારે દાવ લગાડવામાં આવ્યો હોય, તેવાં લક્ષણો જોવા મળે છે."

છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન અમેરિકામાં 'આગાહી' કે 'સટ્ટા' માટેનાં 'પૉલીમાર્કેટ' અને 'કલસી' જેવાં પ્લૅટફૉર્મ પ્રચલિત બન્યાં છે. જેની ઉપર વ્યક્તિ ખેલથી માંડીને હવામાન, રાજકારણ અને આંતરરાષ્ટ્રીય બાબતો ઉપર દાવ લગાવી શકાય છે.

વર્ષ 2024માં અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણી દરમિયાન આ પ્લૅટફૉર્મ ઉપર લોકોએ લાખો-કરોડો ડૉલરના દાવ લગાવ્યા હતા. ત્યારે પણ ટ્રમ્પની તરફેણમાં લાવવામાં આવેલા કેટલાક દાવ ઉપર મીડિયામાં વ્યાપક ચર્ચા થઈ હતી.

બાઇડન સરકારના કાર્યકાળ દરમિયાન આ ક્ષેત્ર ઉપર નિયામકોની 'ચાંપતી નજર' હતી, પરંતુ ટ્રમ્પ સરકારના કાર્યકાળ દરમિયાન તેને 'પ્રોત્સાહન' મળ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પના દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર કલસી તથા પૉલીમાર્કેટ એમ બંને અગ્રણી સટ્ટા પ્લૅટફૉર્મના સલાહકાર છે.

શૅરબજારમાં 'અંદરની માહિતી'ના આધારે સોદા પાડવા ગેરકાયદેસર છે, જોકે, આ પ્રકારના 'આગાહી બજારો' ઉપર બહુ થોડાં નિયંત્રણો હોય છે.

કલસીના પ્રવક્તાએ કહ્યું કે તેમની પ્રિડિક્સન સાઇટ ઉપર "સરકારના નિર્ણયો ઉપર સરકારી કર્મચારી ટ્રેડ ન કરી શકે, સહિત કોઈપણ સ્વરૂપે ઇનસાઇડર ટ્રેડિંગ ઉપર નિષેધ છે."

સંસદસભ્યોએ પણ પૉલીમાર્કેટ ઉપર જે સટ્ટો લાગ્યો, તેની નોંધ લીધી છે.

ન્યૂ યૉર્કમાંથી ડેમૉક્રેટિક પાર્ટીના સંસદસભ્ય રિચી ટોરેસનું કહેવું છે કે "સાર્વજનિક ન હોય, તેવી માહિતીના આધારે" સરકારી કર્મચારીઓ કોઈપણ સરકારી નીતિ ઉપર દાવ ન રમી શકે, તેવા સંબંધનું બિલ રજૂ કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન