મુંબઈનું અન્ડરવર્લ્ડ : માફિયા ડૉનનો આતંક કેવો હતો અને ગૅંગસ્ટરોને એક પછી એક કોણે ઠાર કર્યા?

ઇમેજ સ્રોત, PTI
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિંદી
એક કિસ્સો જાણીતો છે કે એક વાર માફિયા ડૉન દાઉદ ઇબ્રાહીમનો જમણો હાથ ગણાતા છોટા શકીલે સાદિક જલાવારને કહ્યું, "તારા બનેવીને મારી નાખ, તો હું સમજીશ કે તારામાં કંઈક ખાસ વાત છે." આ સાંભળતાં જ સાદિકના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો, તેનો ચહેરો પીળો પડી ગયો અને તેના હાથ ધ્રૂજવા લાગ્યા.
સાદિક પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેના પતિનું નામ ઝુલ્ફીકાર હતું. છોટા શકીલે સાદિકને કહ્યું કે તે તેને ત્યારે જ ફોન કરે, જ્યારે તેના બનેવી ઝુલ્ફીકાર આ દુનિયામાં ન હોય.
સાદિકે ટેબલ પરના ગ્લાસમાંથી એક ઘૂંટ પાણી પીધું અને શકીલને કહ્યું કે, કામ થઈ જશે, પરંતુ શકીલ સાદિકની પૂરી પરીક્ષા કરવા માગતો હતો અને તેને કશી છૂટ આપવા નહોતો માગતો.
એસ હુસૈન ઝૈદીએ પોતાના પુસ્તક 'ધ ડેન્ઝરસ ડઝન, હિટમૅન ઑફ મુંબઈ અન્ડરવર્લ્ડ'માં લખ્યું છે, "શકીલે સાદિકને કહ્યું, 'હું નથી ઇચ્છતો કે તું આમાં ગનનો ઉપયોગ કરે.'"
સાદિકે થોડાક સમય પહેલાં જ અરુણ ગવળીની ગૅંગ છોડી હતી અને કોઈ પણ કિંમતે છોટા શકીલનો વિશ્વાસ જીતવા માગતો હતો, ભલે ને તેણે તેની કિંમત પોતાની બહેનને વિધવા બનાવીને જ કેમ ન ચૂકવવી પડે! એક દિવસ તે ઝુલ્ફીકારને એક હાથે ભેટ્યો અને પોતાનો બીજો હાથ પોતાની પીઠ પાછળ રાખ્યો.
તેણે કહ્યું, "ભાઈજાન, મને માફ કરી દેજો." અને ઝુલ્ફીકારને ચાકુના પાંચ ઘા માર્યા. તેણે પોતાની બહેનના ઘર તરફ છેલ્લી વાર જોયું. પોતાની મોટરસાઇકલ ચાલુ કરી અને ત્યાંથી જતો રહ્યો. પછી તેણે શકીલને ફોન કરીને કહ્યું કે કામ થઈ ગયું છે.
આ સાંભળીને શકીલ સ્તબ્ધ થઈ ગયો. તેને એવી અપેક્ષા હતી કે સાદિક તેને ફોન કરીને કહેશે કે આ તેના ગજા બહારની વાત છે અને તેને કોઈ બીજું કામ આપવામાં આવે. એ દિવસથી સાદિક જલાવાર 'સાદિક કાલિયા' નામે ઓળખવા લાગ્યો. આ ઘટના પછી છોટા શકીલે તેને મળવા માટે દુબઈ બોલાવ્યો.
સાદિક કાલિયાનું એન્કાઉન્ટર

ઇમેજ સ્રોત, Simon & Schuster
છોટા શકીલે સાદિકની મુલાકાત બીજા એક ગૅંગસ્ટર સલીમ ચીકના સાથે કરાવી. ચીકના મોટરસાઇકલ ચલાવવાનો માસ્ટર હતો. એ બંનેએ મળીને 1990ના દાયકાના મધ્યમાં મુંબઈમાં છોટા રાજનની ગૅંગ માટે જીવવું હરામ કરી દીધું હતું. મુંબઈ પોલીસેનું માનવું છે કે આ બંનેએ શકીલના કહેવાથી વીસથી વધારે લોકોને માર્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ તે છોટા શકીલે આપેલું કામ પૂરું ન કરી શક્યા. એ કામ હતું, જૂના ડૉન અરુણ ગવળીની હત્યા, જેણે રાજકારણમાં નસીબ અજમાવવાનું શરૂ કર્યું હતું.
હુસૈન ઝૈદીએ લખ્યું છે, "સાદિકને ખબર હતી કે ગવળી પુણેથી મુંબઈ આવીને એક જનસભાને સંબોધવાનો છે. તે એ સભામાં જઈને તેના સમર્થકોની સામે તેને ગોળી મારવાનો હતો, પરંતુ ગવળીને તેના સંકેત મળી ગયા અને તેણે એ સભા રદ કરી દીધી."
સાદિક કાલિયાએ કલાકો સુધી તેની રાહ જોઈ, પણ ગવળી ત્યાં ન પહોંચ્યો. પોલીસવર્તુળોમાં સાદિકનું નામ 'ભૂત' રખાયું હતું, કેમ કે, તેનામાં ભૂતની જેમ ગાયબ થઈ જવાની આવડત હતી. બીજું કે, તેનો રંગ શ્યામ હોવાના કારણે તેને અંધારામાં સંતાઈ જવામાં મદદ મળતી હતી.
પોલીસ કાલિયાને તો ન પકડી શકી, પરંતુ કોઈક રીતે તેનો પેજર નંબર પોલીસના હાથમાં આવી ગયો. આ નંબરની મદદથી પોલીસે પહેલાં સલીમ ચીકનાને પકડ્યો અને પછી તેની મદદથી 12 ડિસેમ્બર 1997એ દાદરના ફૂલબજારમાં સાદિક કાલિયાને ઘેરી લીધો. પોલીસ તરફથી છોડાયેલી સેંકડો ગોળીઓની સામે કાલિયા માટે કશી તક નહોતી.
પછીથી સબ-ઇન્સ્પેક્ટર દયા નાયકે 'મૅન્સ વર્લ્ડ'નાં મંજુલા સેનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "મેં છોટા શકીલના બેસ્ટ શૂટર્સમાંના એક સાદિક કાલિયાને માર્યો, તે મારી સૌથી મોટી સફળતા હતી. અમે તેને દાદર ફૂલ માર્કેટમાં ઘેરી લીધો. તેણે મારી તરફ છ ગોળી છોડી. મારી ડાબી જાંઘમાં ગોળી વાગી, પણ અમે તેને ન્યૂટ્રલાઇઝ કરવામાં સફળ થઈ ગયા."
રેડ્ડીનું ફેવરિટ ડ્રિંક

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવે એક બીજા હિટમૅન વેંકટેશ બગ્ગા રેડ્ડી ઉર્ફે બાબા રેડ્ડીની વાત કરીએ. એક વાર બાબા રેડ્ડીની ધરપકડ કર્યા પછી અને ખાસ્સી વાર સુધી થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ આપ્યા પછી પણ પોલીસ તેની પાસેથી કશું ઓકાવી ન શકી. ત્યારે, એક કૉન્સ્ટેબલે બહાર આવીને પોતાના અધિકારીને પૂછ્યું, "સાહેબ, તે કહે છે કે જો તેને તેના ફેવરિટ ડ્રિંકની એક બાટલી આપવામાં આવે તો તે આપણા સવાલોના જવાબ આપવાનું શરૂ કરશે."
અધિકારીએ ઝાટકીને કહ્યું, "શું તમે પાગલ થઈ ગયા છો? આપણે તેને જેલમાં દારૂ કઈ રીતે આપી શકીએ?"
કૉન્સ્ટેબલનો જવાબ સાંભળીને અધિકારી સ્તબ્ધ થઈ ગયા, "સાહેબ, તે દારૂ નહીં, લોહીની એક બૉટલ માગી રહ્યો છે."
કૉન્સ્ટેબલે નજીકના કતલખાનેથી બકરાના લોહીની બૉટલ લાવીને જેવી તેને આપી, તે દરેક સવાલના જવાબ આપવા લાગ્યો.
હુસૈન ઝૈદીએ લખ્યું છે, "28 વર્ષની ઉંમરે બગ્ગા મુંબઈ અંડરવર્લ્ડના ઇતિહાસનું સૌથી રહસ્યમય પાત્ર હતો. બીજી એક ખાસ વાત એ હતી કે તે માત્ર બિન-હિંદુઓને જ પોતાના શિકાર બનાવતો હતો. હૈદરાબાદની નજીક મુશીરાબાદના રહેવાસી બગ્ગાએ નવમા ધોરણ પછી ભણવાનું છોડી દીધું હતું."
"વર્ષ 1989માં બગ્ગા મુંબઈ આવી ગયો હતો અને તેણે એક બારમાં બાઉન્સર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પછી તેણે છોટા રાજન ગૅંગ માટે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એ લોકો એ વાતથી પ્રભાવિત હતા કે તેનામાં પોતાના જેવા એક ડઝન લોકોને એકસાથે પીટવાની ક્ષમતા હતી. ટૂંક સમયમાં જ તે મોટી ફી લઈને હત્યા કરવા લાગ્યો હતો."
એ જમાનામાં તેને આ કામ માટે 30થી 50 હજાર રૂપિયા અપાતા હતા. બગ્ગા રેડ્ડીને એક મહિલા સાથે પ્રેમ થઈ ગયો હતો.
ઝૈદીએ તેના એક પ્રેમપ્રસંગ વિશે લખ્યું છે, "બગ્ગાને ખબર પડી કે તે મહિલાનું નામ શહનાઝ છે અને તે મુસલમાન છે. તેણે એ મહિલા સાથે લગ્ન કરવાની ઇચ્છા પ્રકટ કરી, પરંતુ મહિલાએ એક શરત રાખી કે લગ્ન પહેલાં તેણે ઇસ્લામ ધર્મ અપનાવવો પડશે. મુસલમાનોને નફરત કરનાર બગ્ગા એ મહિલાના પ્રેમમાં એટલો પાગલ હતો કે તે મુસલમાન બનવા તૈયાર થઈ ગયો અને તેણે પોતાનું નવું નામ અઝીઝ રેડ્ડી રાખી લીધું. શાદી થતાં જ બગ્ગાની ક્રૂરતા ઘટવા લાગી. 26 જુલાઈ 1998એ એક ટિપ ઑફ પર મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી."
જામીન પર છૂટ્યા પછી તે એક નકલી પાસપૉર્ટના આધારે મલેશિયા જતો રહ્યો, જ્યાં તેની મુલાકાત છોટા રાજન સાથે થઈ.
બગ્ગા રેડ્ડીનો અંત

ઇમેજ સ્રોત, Men's World
પછી તે ઇન્ડોનેશિયા જતો રહ્યો, જ્યાં રાજને તેને ડ્રગ્સ બનાવતા એકમનો ઇન્ચાર્જ બનાવી દીધો. બગ્ગા ડિસેમ્બર 2002માં ભારત પાછો આવ્યો. તેને ખબર હતી કે દાઉદ ઇબ્રાહીમના માણસો તેને મારવાની તાકમાં છે. પહેલાં તેણે બનારસને પોતાનો અડ્ડો બનાવ્યો અને પછી તે હૈદરાબાદ જતો રહ્યો. હૈદરાબાદમાં તે હથિયાર સપ્લાયર બની ગયો અને અપરાધી ગૅંગ્સને ગેરકાયદે હથિયાર સપ્લાય કરવા લાગ્યો.
દક્ષિણ ભારતમાં નલગોંડા જિલ્લામાં તેની 40 એકર જમીન હતી. બગ્ગાની ખાસ વાત એ હતી કે તે અપહરણની ખંડણી ચેકથી વસૂલતો હતો. મે 2008માં પોલીસને માહિતી મળી કે બગ્ગા જુબિલી હિલમાં આવવાનો છે. ટાસ્ક ફોર્સના કમાન્ડોઝે તેના આવતાં પહેલાં જ પોઝિશન લઈ લીધી. રસ્તા ખુલ્લા કરાવી દીધા અને કોઈ વાહનને ત્યાં ઘૂસવા ન દેવાયાં. જ્યારે બગ્ગા એક કારમાં ત્યાં પહોંચ્યો ત્યારે પોલીસે કારને ઘેરી લીધી.
પછીથી હૈદરાબાદના પોલીસ કમિશનર બી પ્રસાદ રાવે એક પ્રેસ કૉન્ફરન્સનાં જણાવ્યું, "અમને જાણવા મળ્યું હતું કે બગ્ગા પોતાના બે સાથીઓ સાથે જુબિલી હિલમાં પૈસાની વસૂલી કરવા આવવાનો છે. અમે બે કલાક સુધી એ વિસ્તારમાં ચાંપતી નજર રાખી. રાત્રે સવા અગિયાર વાગ્યે અમે તેની કારને બીએન રેડ્ડી નગર જતા રોડ નંબર 46 પર ઇન્ટરસેપ્ટ કરી."
જ્યારે પોલીસની ટીમ તેની તરફ આગળ વધી ત્યારે એ લોકોએ ભાગવાની કોશિશ કરી. જ્યારે પોલીસે તેમને આત્મસમર્પણ કરવાનું કહ્યું, તો રેડ્ડીએ 9 એમએમની પિસ્ટલ કાઢી અને પોલીસ પર ફાયર કરવા લાગ્યો. પોલીસે ફાયરિંગનો જવાબ ફાયરિંગથી આપ્યો. રેડ્ડીને ગોળીઓ વાગી અને તે ત્યાં જ ઢળી પડ્યો. તેના બંને સાથી ત્યાંથી ભાગી જવામાં સફળ થયા.
જ્યારે ડીસીપીની આંખે પટ્ટી બાંધવામાં આવી

ઇમેજ સ્રોત, Roli Books
25 ઑગસ્ટ 1994એ લગભગ 10 વાગ્યે બાંદ્રાના વ્યસ્ત હિલ રોડની એક હાઉસિંગ સોસાયટીમાંથી સફેદ રંગની ઍમ્બેસેડર કાર બહાર નીકળી. અચાનક કોણ જાણે ક્યાંથી બે લોકો પ્રગટ થયા અને તેમણે એકે-56 રાઇફલથી કાર પર ગોળીઓનો વરસાદ કરી દીધો. આગળની સીટમાં બેઠેલા પોલીસ ગાર્ડે પોતાની સ્ટેન ગનથી ગોળીઓનો જવાબ આપ્યો, પરંતુ હુમલાખોરોએ તેમને પણ નિશાનમાં લઈને નિષ્ક્રિય કરી દીધા.
પાછળની સીટ પર બેઠેલા ભાજપના નગર અધ્યક્ષ રામદાસ નાયકનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. આખા મુંબઈની પોલીસ હત્યારાને શોધવા લાગી. એવામાં મુંબઈ પોલીસના ડીસીપી રાકેશ મારિયાને એક ફોન આવ્યો.
રાકેશ મારિયાએ પોતાની આત્મકથા 'લેટ મી સે ઇટ નાઉ'માં લખ્યું છે, "ફોન કરનારે મને પૂછ્યું, 'સાહેબ, શું તમે રામદાસ નાયક હત્યા કેસ વિશે માહિતી મેળવવા માગો છો?' મેં તરત જ કહ્યું, 'હા.' તેણે કહ્યું, 'તેના માટે તમારે મને મળવા બહાર આવવું પડશે.' મેં પૂછ્યું, 'ક્યાં?' તેણે કહ્યું, 'તમને લેવા માટે હું કાર મોકલીશ.' પહેલાં મને લાગ્યું કે આ એક ચાલ હોઈ શકે છે. એ વ્યક્તિએ કહ્યું કે બરાબર બે વાગ્યે મારી ઑફિસની સામે એક કાર મને પિક કરશે. થોડી વારમાં કાળા કાચવાળી સફેદ મારુતિ વૅન મારી સામે આવીને ઊભી રહી. તેની નંબરપ્લેટ પર કાદવ લાગેલો હતો."
મારિયાએ લખ્યું છે, "જેવો હું કારમાં બેઠો, કારમાં બેઠેલા લોકોએ મારી આંખો પર પટ્ટી બાંધી દીધી. પંદર મિનિટ ડ્રાઇવ કર્યા પછી કાર એક જગ્યાએ જઈને અટકી ગઈ. હું એક એરકંડિશન્ડ રૂમમાં દાખલ થયો. મેં એ અવાજ ફરી સાંભળ્યો જેણે ફોન પર મારી સાથે વાત કરી હતી. તેણે કહ્યું, 'સાહેબ, તમને આ રીતે અહીં લાવવા બદલ હું માફી માગું છું.' મેં કહ્યું, 'એની કોઈ જરૂર નથી. મને જણાવો કે તમે શું જાણો છો?' તેણે કહ્યું, 'શું તમે ફિરોઝ કોંકણીનું નામ સાંભળ્યું છે?' મેં કહ્યું, 'ના. એ કોણ છે?' તેણે કહ્યું, 'યંગ, હિંમતવાળો છોકરો છે. તેણે આ કામ કર્યું છે.' ત્યાર પછી કારે મને એ જ જગ્યાએ ઉતાર્યો જ્યાંથી તેણે મને પિક કર્યો હતો."
ફિરોઝ કોંકણીની ધરપકડ

ઇમેજ સ્રોત, Telangana Police
19 ઑક્ટોબર 1994એ મારિયાને ફરી એ જ વ્યક્તિનો ફોન આવ્યો. તેણે કહ્યું, "શું તમને ફિરોઝ કોંકણી જોઈએ છે?" મારિયાએ જવાબ આપ્યો, "બિલકુલ." તેણે જણાવ્યું, "અત્યારે તે બૅંગલોરમાં છે. તેને પકડવા માટે તમારે પોતે જવું પડશે." પરંતુ મારિયાના સીનિયર અધિકારીઓએ તેમને બૅંગલોર જવાની મંજૂરી ન આપી. તેમની જગ્યાએ તેમની ટીમ બૅંગલોર પહોંચી. એ વ્યક્તિએ મારિયાને ફોન કરીને કહ્યું કે કોંકણી આજે એક ફિલ્મ જોવા જશે. તમારે ત્યાં જ તેની ધરપકડ કરી લેવી પડશે. જ્યારે બધી તૈયારીઓ થઈ ગઈ ત્યારે ફરી તેનો ફોન આવ્યો કે કોંકણીએ ફિલ્મ જોવાનો આઇડિયા બદલી નાખ્યો છે. હવે તે હોટલમાં જ રોકાઈને પોતાના સાથીઓની સાથે બિયર પીશે."
રાકેશ મારિયાએ લખ્યું છે, "હોટલનું નામ હતું, 'બ્લૂ ડાયમંડ' અને ફિરોઝ રૂમ નંબર 206માં રોકાયો હતો. અમે હોટલના મૅનેજરને વિશ્વાસમાં લીધા. સાડા સાત વાગ્યે રૂમ સર્વિસને રૂમ નંબર 206માં ચિકન લૉલિપૉપનો ઑર્ડર મળ્યો. ટીમે નક્કી કર્યું કે તેઓ ટ્રૉલીમાં ખાવાનું લઈને રૂમમાં જશે. સબ-ઇન્સ્પેક્ટર વાર્પેને વેઇટર બનાવવામાં આવ્યા. તેમણે ટ્રૉલીમાં પોતાની રિવૉલ્વર સંતાડી દીધી. રૂમની અંદર વાર્પે પ્લેટ કાઢવા માટે નમ્યા અને તેમણે રિવૉલ્વર કાઢીને ફિરોઝ કોંકણી સામે તાકી દીધી. પછી અમારા બીજા સાથી પણ રૂમમાં ઘૂસી ગયા અને તેમણે કોંકણીની ધરપકડ કરી લીધી."
કોંકણીને વિમાનમાં મુંબઈ લવાયો. કોંકણીએ સ્વીકાર્યું કે તેણે કુલ 21 હત્યા કરી છે. પરંતુ ચાર વર્ષ પછી 6 મે 1998એ ફિરોઝ કોંકણી મુંબઈ પોલીસની કસ્ટડીમાંથી ભાગી જવામાં સફળ થઈ ગયો. તેણે નેપાળની સીમા પસાર કરી અને દુબઈ પહોંચી ગયો. પછીથી જાણવા મળ્યું કે વર્ષ 2003માં દાઉદના માણસોએ તેની હત્યા કરી દીધી.
હુસૈન ઝૈદીનું માનવું છે કે કોઈએ તેની વાતચીત ટેપ કરી લીધી હતી, જેમાં તે દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહીમને ગાળો આપતો હતો. આ ભૂલ તેના માટે જીવલેણ સાબિત થઈ.
રાકેશ મારિયાએ લખ્યું છે, "અંડરવર્લ્ડમાં કોંકણીને 'ડાર્લિંગ' કહીને બોલાવાતો હતો. જેલના ગાર્ડે મને તેના વિશે એક વિચિત્ર વાત જણાવી હતી, જેને હું ક્યારેય ભૂલી નથી શક્યો. જેલમાં તેની ઓરડીમાં જ્યારે કાળી કીડીઓ આવી જતી હતી ત્યારે તે તેને પોતાની આંગળીઓથી પકડીને એક એક કરીને તેના પગ તોડી નાખતો હતો અને તેમના પગ વગરનાં શરીરને જમીન પર આળોટતાં જોતો રહેતો હતો."
મોહમ્મદ શેખ 'ઉસ્તરા'ની કહાણી

ઇમેજ સ્રોત, Westland
આવી જ કહાણી મોહમ્મદ હુસૈન શેખની છે, જે 'ઉસ્તરા'ના નામથી ઓળખાતો હતો. ઉસ્તરાને દાઉદ ઇબ્રાહીમના જમણા હાથ છોટા શકીલ માટે નફરત હતી. જોકે, તેણે બંદૂક ચલાવવામાં મહારત હાંસલ કરી હતી, પરંતુ તેનું નામ 'ઉસ્તરા' પડ્યું રેઝર બ્લેડના ઉપયોગના કારણે.
પોલીસ તેની પાછળ એટલા માટે નહોતી પડી, કેમ કે તે પોલીસને અન્ડરવર્લ્ડની માહિતી આપવાનું કામ પણ કરતો હતો.
હુસૈન ઝૈદીએ લખ્યું છે, "ઉસ્તરાએ મને પોતાની બાંયમાં છુપાવેલી બ્લેડ બતાવી. તે શેખી મારતો હતો કે ત્રણ સેકન્ડથી પણ ઓછા સમયમાં તે એક પિસ્ટલ એસેમ્બલ કરી શકતો હતો. તેનું મનપસંદ હથિયાર હતું 1914માં બનેલું માઉજર. ઉસ્તરાના નજીકના લોકોમાં છ લોકો હતા. તેમાંના દરેકમાં શારીરિક રીતે કોઈ ને કોઈ વિચિત્રતા હતી. કોઈને એકાદ વધારાનું અંગ હતું, કોઈની આંખોનો રંગ અલગ હતો, તો કોઈનો એક કાન મોટો હતો. ઉસ્તરાનું માનવું હતું કે શારીરિક વિચિત્રતાવાળા વ્યક્તિ અમારી જેમ કામ કરવામાં સિદ્ધહસ્ત હોય છે.
સ્ત્રી ઉસ્તરાની નબળાઈ હતી. પરિણીત અને ઘણાં બાળકોનો પિતા હોવા છતાં તેને અનેક મહિલાઓ સાથે સંબંધ હતા. દાઉદ ઇબ્રાહીમને તેની જાણ હતી, તેથી તેણે ઉસ્તરાના જીવનમાં એક મહિલા પ્લાન્ટ કરાવી દીધી.
હુસૈન ઝૈદીએ લખ્યું છે, "એક વખત એ મહિલાએ ઉસ્તરાને એકલા, અંગરક્ષકો વગર મળવાની વિનંતી કરી. ઉસ્તરાએ તેની વાત માની લીધી. વર્ષ 1998ની એક સવારે ઉસ્તરા એ મહિલાને મળીને જેવો બહાર નીકળ્યો, છોટા શકીલે મોકલેલા છ લોકોએ તેને ઘેરી લીધો."
ત્રણ સેકન્ડમાં પિસ્ટલ જોડનાર ઉસ્તરા પર ચારેબાજુથી ફાયર થયા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે તેને કુલ 27 ગોળીઓ વાગી હતી.
તે કહ્યા કરતો હતો, "મેં ઘણા લોકોની કબર ખોદાવી છે, એક દિવસ કોઈ મારો 'ખાડો' પણ ખોદશે." તેની આ વાત સાચી સાબિત થઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












