ગોંડલ : લોહિયાળ રાજકીય ઇતિહાસ ધરાવતો આ વિસ્તાર પાટીદાર અને ક્ષત્રિયોની 'રણભૂમિ' કઈ રીતે બન્યો?

પોલીસ બંદોબસ્તની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસ બંદોબસ્તની પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સૌરાષ્ટ્રની ગોંડલ બેઠક કાયમથી જ્ઞાતિ-જાતિનાં સમીકરણ તથા હિંસા મામલે ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર રહે છે. ચૂંટણી સમયે કાયમ ચર્ચામાં રહેતી સૌરાષ્ટ્રની ગોંડલ બેઠક પર ક્ષત્રિય અને પાટીદાર ઉમેદવારો વચ્ચે પરંપરાગત જંગ જામતો રહે છે.

ગત વિધાનસભાની ચૂંટણી વખતે અહીં બાહુબલિ નેતા જયરાજસિંહ જાડેજાનાં પત્ની ગીતાબા ભાજપની બેઠક પરથી જીત્યાં હતાં.

પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે હિંસક અથડામણોનો ઇતિહાસ ધરાવતી ગોંડલની બેઠક પરથી ભાજપના જ અન્ય એક બાહુબલિ ક્ષત્રિય નેતા અનિરુદ્ધસિંહ જાડેજાએ પોતાના પુત્રને ટિકિટ મળે તે માટે પ્રયાસ પણ કર્યા હતા, પરંતુ તેમાં સફળતા સાંપડી ન હતી.

આ અહેવાલમાં જાણીએ કે ગોંડલ બેઠકનો ઇતિહાસ કેવો રહ્યો છે અને અત્યાર સુધીમાં કેવા રાજકીય કાવાદાવા થયા છે.

ઇતિહાસની આરસીમાં ક્ષત્રિય વિ. પાટીદાર

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

આઝાદી પહેલાં લગભગ 222 રજવાડાં ધરાવતા સૌરાષ્ટ્રમાં જમીન રાજ્યની માલિકીની ગણાતી હતી. રાજા ઇચ્છે તો ગમે ત્યારે ગણોતિયા જેવા ખેડૂત પાસેથી જમીન છીનવી લે.

15 એપ્રિલ, 1948ના રોજ કાઠિયાવાડનાં બધાં રાજ્યોની સોંપણી પૂરી થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રનો રાજ્યવહીવટ એકતંત્રી રાજ્ય તરીકે ચાલુ થયો કે તેના પ્રથમ કાર્ય તરીકે રાજ્યે એક ક્રાંતિકારી ઉદ્ઘોષણા દ્વારા બધા ખાલસા જમીનના ખેડૂતોને જમીન કબજા હક્કની બક્ષિસ આપી.

તા. પહેલી સપ્ટેમ્બર 1951થી સૌરાષ્ટ્ર જમીન સુધારણા ધારો અને સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી ધારો અને ફેબ્રુઆરી-1952થી સૌરાષ્ટ્ર જાગીર પ્રાપ્તિ ધારો અમલમાં આવ્યા.

જમીનવિહોણા પાટીદાર, કોળી, સતવારા તથા અન્ય સમુદાયના હજારો ખેડૂતોને લાખો વીઘા જમીનના માલિકી અને ભોગવટાના અધિકાર મળ્યા હતા. તેઓ રાજવીઓ-જાગીરદારોના મનસ્વી વલણ તથા અન્યાયી કરભારણથી મુક્ત બન્યા હતા.

પહેલા બે કાયદા અમલી બન્યા, ત્યારે ઑક્ટોબર-1951માં જવાહરલાલ નેહરુએ તેનો મુખ્ય મંત્રીઓને મોકલતા પાક્ષિક પત્રમાં તેનો ઉલ્લેખ કરીને અન્ય રાજ્યો પણ તેનો અમલ કરે તેવું સૂચન કર્યું હતું.

વર્ષો પછી જ્યારે સામંતશાહીને કારણે પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્ર પ્રદેશમાં (હાલના તેલંગણા સહિત) જમીનદારો અને ગણોતિયાઓ વચ્ચે સશસ્ત્ર અથડામણો થઈ, ત્યારે ઢેબરભાઈની જહેમતને કારણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેની અસર જોવા મળી ન હતી.

આ અરસામાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં બહારવટિયાના નામે ડાકુઓએ હાહાકાર મચાવ્યો. ઢેબરભાઈ તથા આ અભિયાનમાં જોડાયેલા અન્ય મંત્રીઓ-અધિકારીઓની હત્યાના પણ પ્રયાસ થયા હતા.

આ બધાની પાછળ કેટલાક પૂર્વ રાજવી પરિવારોનો હાથ હોવાની આશંકા હતી, જેઓ જમીનના ભોગવટાના હક્ક જવાથી નારાજ હતા. આઝાદી પહેલાં ગોંડલ રાજ્યે ખેડૂતોને જમીનના સંપૂર્ણ કબજા હક આપેલા છતાં ક્ષત્રિયો અને પાટીદારો વચ્ચેની અથડામણનું એક કેન્દ્ર આ વિસ્તાર બન્યો હતો.

ચીમનભાઈએ ચાંપી ચિનગારી

 કેશુભાઈ, ચીમનભાઈ તથા વચ્ચે નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેશુભાઈ, ચીમનભાઈ તથા વચ્ચે નરેન્દ્ર મોદી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતની સ્થાપના પછી અન્ય વિસ્તારોની જેમ સૌરાષ્ટ્રમાં શરૂઆતની ચૂંટણીઓમાં કૉંગ્રેસનો દબદબો રહ્યો. તેના ઉમેદવાર નાગર બ્રાહ્મણ, બ્રાહ્મણ, વણિક, પાટીદાર, ક્ષત્રિય એમ અલગ-અલગ સમુદાયના હતા. મહદંશે આઝાદીની ચળવળમાંથી આવેલા આ નેતા હતા.

1972માં વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં કૉંગ્રેસના ફંડ મૅનેજર ચીમનભાઈ પટેલે કેન્દ્રમાં ઇંદિરા ગાંધીને પુષ્કળ મદદ કરી હતી. આથી, પટેલને આશા હતી કે તેમને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે. પરંતુ પરિણામો પછી ચીમનભાઈ, રતુભાઈ અદાણી અને કાંતિલાલ ઘિયા જેવા દાવેદારોની વચ્ચેના સંઘર્ષને ટાળવા માટે ઘનશ્યામ ઓઝાને બેસાડવામાં આવ્યા.

ચીમનભાઈ પોતાનું કદ વધારવા માટે 'પટેલકાર્ડ' ઊતર્યા હતા. તેઓ મુખ્ય મંત્રી તો બન્યા, પરંતુ માંડ સાતેક મહિના આ પદ પર રહી શક્યા. યુદ્ધને પગલે ફાટી નીકળેલી મોંઘવારીમાં બાંગ્લાદેશને ટેકો આપવાની જવાબદારીએ સ્થિતિને કપરી બનાવી દીધી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલના ભાવ વધી ગયા હતા, જેના કારણે અન્ય ચીજવસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા હતા. આવામાં વિદ્યાર્થીઓએ 'નવનિર્માણનું આંદોલન' હાથ ધર્યું હતું. ઇંદિરા ગાંધીને પોતાની મરજી વિરુદ્ધ મુખ્ય મંત્રી બનેલા ચીમનભાઈ સામે કાર્યવાહી કરવાની તક મળી અને તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા.

પોતાની રાજકીય તાકત દેખાડવા માટે ચીમનભાઈએ 'કિસાન મજદૂર લોક પક્ષ' (કિમલોપ)ની સ્થાપના કરી. જેમાં મજદૂર નામમાત્ર હતા અને પાર્ટીના મોટા ભાગના નેતા સંપન્ન ખેડૂત કે ઉદ્યોગપતિ હતા.

બેઠકનું બૅકગ્રાઉન્ડ

1962ની પહેલી વિધાનસભા ચૂંટણીથી જ આ બેઠક પર પાટીદારોની હાજરી રહી હતી. એ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર પોપટભાઈ પટેલ બીજા ક્રમે રહ્યા હતા. 1967માં કૉંગ્રેસના બીએચ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે 1972માં ઇંદિરા ગાંધીની કૉંગ્રેસ તથા સંસ્થા કૉંગ્રેસ વચ્ચે જંગ જામ્યો ત્યારે બંને ઉમેદવાર પાટીદાર જ હતા.

1975ની ચૂંટણીમાં કિમલોપના પોપટભાઈ સોરઠિયાએ કૉંગ્રેસના વિઠ્ઠલભાઈ સોજિત્રાને પરાજય આપ્યો હતો.

KHAM સમીકરણના સંદર્ભમાં 1985ના 149ના આંકડાની ચર્ચા કરવામાં આવે છે, પરંતુ તેના પાંચ વર્ષ પહેલાં જ કૉંગ્રેસે 'પાટીદારવિહીન' આ સમીકરણનો અમલ શરૂ કરી દીધો હતો. પાર્ટીને જાન્યુઆરી-1980ની લોકસભા ચૂંટણીમાં 26માંથી 25 અને મે-1980માં 182માંથી 141 બેઠક મળી હતી.

1980ની વિધાસભા ચૂંટણીમાં વલ્લભભાઈ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા અને વિજેતા પણ બન્યા. 10 વર્ષ અગાઉ કિમલોપના ઉમેદવાર તરીકે વિજેતા થયેલા પોપટભાઈ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા.

સત્તાનાં નવાં સમીકરણમાં ક્ષત્રિયોનું કદ વધ્યું હતું અને પાટીદારોનું કદ ઘટ્યું હતું, જેની સીધી અસર જ્ઞાતિ-જાતિનાં સમીકરણોથી ગ્રસ્ત સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. અહીં પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી.

આ અરસામાં જામનગર જિલ્લાની કાલાવડ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ભીમજીભાઈ પટેલની એસટી બસ-સ્ટેશન ખાતે સરાજાહેર છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી અને તેમાં એક ક્ષત્રિય યુવક દોષિત ઠર્યો હતો. આ ઘટનાને કારણે જ્ઞાતિવાદી સમીકરણોને હવા મળી.

લગભગ સાડા ત્રણ દાયકાથી સૌરાષ્ટ્રના રાજકારણને નજીકથી જોનારા રાજકોટસ્થિત પત્રકાર જગદીશ આચાર્યના કહેવા પ્રમાણે, "ભાવનગર જિલ્લાના ચૌમલ ગામ ખાતે પટેલોના હાથે ત્રણ ગરાસિયાની હત્યા થઈ હતી, જેનું વેર વાળવા લૌકિકક્રિયામાંથી પરત ફરી રહેલા પાટીદારોના ટ્રેક્ટરને માનગઢ (ભાવનગર) ખાતે નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં 11 પાટીદારોની લોથ ઢળી ગઈ હતી. જેના કારણે પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચેની ખાઈ પહોળી થઈ હતી."

એ પછી તા. 15 ઑગસ્ટ, 1988ના રોજ ગોંડલની સંગ્રામસિંહ હાઇસ્કૂલમાં સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે 22 વર્ષના ક્ષત્રિય યુવક અનિરુદ્ધસિંહ જાડેજાએ (રીબડાવાળા) પૉઇન્ટ-બ્લૅન્ક રેન્જથી કૉંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની સરાજાહેર હત્યા કરી નાખી હતી.

વર્તમાન ધારાસભ્યની હત્યા થઈ જવાને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

ધરપકડ બાદ અનિરુદ્ધસિંહનો આરોપ હતો કે પાટીદાર નેતા દ્વારા તેમના પિતા અને ગોંડલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહીપતસિંહ માટે મુશ્કેલીઓ ઊભી કરાતી હતી. સોરઠિયાની હત્યાનો આ પહેલો પ્રયાસ ન હતો અને અગાઉ પણ નિષ્ફળ હુમલા થયા હતા.

ગોંડલ જ નહીં સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાટીદાર નેતાનું કદ ધરાવતા પોપટભાઈ સોરઠિયા (59 વર્ષ) ઉપર સાર્વજનિક રીતે પટેલવાદના આરોપ લાગતા હતા. પોપટભાઈ તેને ટીકા તરીકે નહીં, પરંતુ સિદ્ધિ તરીકે લેતા હતા.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જયરાજસિંહ જાડેજા (વચ્ચે) અને પોરબંદરના સાંસદ રમેશ ધડૂક

ઇમેજ સ્રોત, Jayrajsinh Jadeja fb

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જયરાજસિંહ જાડેજા (વચ્ચે) અને પોરબંદરના વર્તમાન સાંસદ રમેશ ધડૂક. 2024ની લોકસભામાં પોરબંદરથી હવે મનસુખ માંડવિયા ચૂંટણી લડી રહ્યા છે

ગોંડલ બેઠક પરના હિંસક ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા આચાર્ય ઉમેરે છે, "સોરઠિયાની હત્યાના એક વર્ષ બાદ તા. 26 નવેમ્બર, 1989ના દિવસે દિગ્ગજ પાટીદાર નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની પડધરીના હડમતિયા ગામ ખાતે હત્યા કરી દેવામાં આવી હતી. યોગાનુયોગ જેની ઉપર હત્યાના આરોપ લાગ્યા તે યુવકનું નામ પણ અનિરુદ્ધસિંહ હતું. એ પછી 15મી એપ્રિલ, 1995ના દિવસે આશાપુરા ડૅમ પાસથી જેન્તીભાઈ વાડોદરિયાની હત્યા કરી દેવાયેલી લાશ મળી આવી હતી. તેઓ યુવા અને આશાસ્પદ પાટીદાર નેતા હતા. બીજા દિવસે ધૂળેટી હોવા છતાં ગોંડલમાં સન્નાટો રહ્યો હતો અને રંગોના પર્વની રંગેચંગે ઉજવણી નહોતી થઈ."

એ યોગાનુયોગ ન હતો કે જે-જે બેઠક પર પાટીદાર ધારાસભ્યની હત્યા થઈ તે કાલાવડ, ગોંડલ અને ટંકારા બેઠક પરથી ચૂંટણી લડીને કેશુભાઈએ પોતાને પાટીદાર નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા અને મુખ્ય મંત્રીપદે પણ પહોંચ્યા. વલ્લભભાઈનું હત્યાસ્થળ પડધરી ટંકારા વિધાનસભા હેઠળ આવે છે.

આ પછી અનિરુદ્ધસિંહના પિતા મહીપતસિંહે 1990 અને 1995માં ગોંડલની બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી અને જીતી. એ પછી આ બેઠક પર એક અપવાદને બાદ કરતા રાજપૂત ઉમેદવારોનો દબદબો રહ્યો છે.

1998, 2002 અને 2012માં જયરાજસિંહ જાડેજાએ આ બેઠક જીતી હતી. પોતાની પ્રથમ ચૂંટણીમાં તેમણે મહીપતસિંહને પરાજય આપ્યો હતો. 2012માં કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ગોરધન ઝડફિયા આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને બીજા ક્રમે રહ્યા હતા.

આગળ જતાં અનિરુદ્ધસિંહ દોષિત ઠર્યા અને સજા પણ થઈ તથા ભાજપનું સભ્યપદ ધરાવે છે અને પોતાના પુત્રોને રાજકારણમાં લાવવા માટે પ્રયત્નશીલ છે. અનિરુદ્ધસિંહના કદનું અનુમાન એ વાત પરથી લગાવી શકાય છે કે ગુનેગાર ઠર્યા પછી વર્ષો સુધી તે સૌરાષ્ટ્ર અને અમદાવાદ છૂટથી હરતાંફરતાં હોવા છતાં તેમની ધરપકડ કરવામાં નહોતી આવી અને સુપ્રીમ કોર્ટની દખલ બાદ 2000ની સાલમાં તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા.

ગોંડલનું ગણિત

એક અનુમાન પ્રમાણે, આ બેઠક પર સવા લાખ જેટલા ક્ષત્રિયના મત છે, જેમાંથી લગભગ 30 હજાર મતો પર રીબડાવાળા જાડેજા જૂથનું પ્રભુત્વ છે. જ્યારે 80 હજાર જેટલા પાટીદારોના મત છે, જેમાંથી મોટા ભાગના લેઉઆ પાટીદાર છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ તથા સહકારક્ષેત્રમાં જયરાજસિંહના નજીકના લોકોમાં પાટીદારો છે. ઉમેદવારોનાં નામોની જાહેરાત થઈ તે પહેલાં જયરાજસિંહે બાહુબલિના આરોપોનો સામનો કરી રહેલા અનિરુદ્ધસિંહ પર અપ્રત્યક્ષ રીતે નિશાન સાધતા પાટીદારોના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'ક્યાં ટકવું, ક્યાં અટકવું તથા ક્યાંથી છટકવું તે સમજવું જોઈએ. અહીં (પાટીદારો પાસે) ટકવાનું હોય.'

યાર્ડમાં ચોક્કસ સમાજના ટ્રેક્ટર આવે એટલે અન્ય તમામ ટ્રેક્ટરને કોરાણે આગળ મૂકીને નીકળી જાય એવી રીતને બંધ કરાવવાનું શ્રેય જયરાજસિંહને આપવામાં આવે છે. સરાજાહેર ગુના નથી થતા, પરંતુ જ્ઞાતિવાદી સમીકરણોના આધારે રાજકીય દબાણ ઊભું કરવાના પ્રયાસ થતાં રહે છે.

ત્રણ વખત ભાજપની ટિકિટ ઉપર આ બેઠક પરથી ધારાસભ્ય બનેલા જયરાજસિંહ પોતે હત્યાના કેસમાં ગુનેગાર ઠર્યા છે. ભાજપના પાટીદાર નેતા તથા તેમના પટેલ સાથીની હત્યાના કેસમાં તેમની સંડોવણી બહાર આવી હતી. આની પાછળ આંતરિક જમીનવિવાદ કારણભૂત હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.