લતીફથી લૉરેન્સ : ખૂંખાર કેદીઓને જ્યાં રાખવામાં આવ્યા એ સાબરમતી જેલની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
‘ડાળના લીંબડા, હો ભાઈ! ઊંચી ઊંચી ડાળના હો લીંબડા! મારે તું વિના ન કોઈની સગાઈ રે, જેલનાં જીવન એવાં રે.’
ઝવેરચંદ મેઘાણીએ 1930-31ના સમયગાળામાં અમદાવાદની સાબરમતી જેલમાં પોતાના જેલવાસ દરમિયાન આ જેલ માટે આમ લખ્યું હતું.
મેઘાણીએ લગભગ 11 મહિના માટે સાબરમતી જેલમાં જેલવાસ ભોગવ્યો હતો, અને ત્યારબાદ 1934માં તેમણે સાબરમતી જેલમાં વીતાવેલા દિવસોના સંદર્ભમાં ‘જેલ ઑફિસની બારી’ નામનું પુસ્તક લખ્યું હતું.
આઝાદીની લડત દરમિયાન સાબરમતી જેલમાં મેઘાણી ઉપરાંત મહાત્મા ગાંધી, કસ્તુરબા ગાંધી, બાળ ગંગાધર ટિળક, મહાદેવભાઈ દેસાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોકો જેલવાસ ભોગવી ચૂક્યા છે.
જ્યારે આઝાદી બાદ અંડરવર્લ્ડ ડૉન અબ્દુલ લતીફ, અતીક અહેમદ, 2008માં દેશભરમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટના આરોપીઓથી માંડીને ચર્ચાસ્પદ રહેલા ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ જેવા અનેક લોકો અહીં રહી ચૂકેલા છે.
સાબરમતી જેલ કોણે બનાવી?

ઇમેજ સ્રોત, Getty Images
સાબરમતી જેલના બાંધકામની શરૂઆત વર્ષ 1891માં થઈ હતી અને તે 1894માં બનીને તૈયાર થઈ ગઈ હતી.
અંગ્રેજ સરકાર દ્વારા આ જેલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આઝાદીની ચળવળમાં સામેલ લોકોને રાખવાનો હતો.
ભારતમાં અંગ્રેજોએ બનાવેલી પ્રથમ ચાર જેલોમાંથી એક સાબરમતી જેલ હતી. એ સિવાય બીજી જેલો પુણે, દિલ્હી અને મુંબઈમાં બનાવવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ જ સાબરમતી જેલમાં વધારે કેદીઓ સમાવવા માટે નવી જેલની શરૂઆત 2010માં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.
મહાત્મા ગાંધી ભારતમાં આવ્યા ત્યારપછી તેમનો પ્રથમ જેલવાસ સાબરમતી જેલમાં હતો. ‘યંગ ઇન્ડિયા’માં પ્રકાશિત થયેલા તેમના લેખ પછી દેશદ્રોહના ગુના માટે તેમની ધરપકડ બાદ તેમને 11મી માર્ચ 1922થી 20મી માર્ચ, 1922 સુધી આ જેલમાં રાખવામાં આવ્યા હતા.
આ 10 દિવસ દરમિયાન તેમણે આ જેલ વિશે પોતાના સાથીઓને પત્ર દ્વારા જાણ કરી હતી. ગાંધીજીને ત્યારબાદ પુણેની યરવડા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કલ્ચર પ્રમાણે, નવજીવનના પ્રકાશક ઇન્દુલાલ યાજ્ઞિકે તેમની મુલાકાત 11મી માર્ચ, 1922ના રોજ લીધી હતી. ત્યારે મહાત્મા ગાંધીએ જેલમાંથી એક શબ્દનો સંદેશો આપ્યો હતો- ‘ખદ્દર’ એટલે કે ખાદી.
મહાત્મા ગાંધીનો સાબરમતી જેલનો અનુભવ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇતિહાસકાર રિઝવાન કાદરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, “મહાત્મા ગાંધીને અહીં 10 દિવસ માટે રાખવામાં આવ્યા હતા. કસ્તુરબા ગાંધીને અહીં 17મી માર્ચ 1932થી 21મી સપ્ટેમ્બર, 1932 સુધી રાખવામાં આવ્યાં હતાં. જોકે, તેમના પહેલાં બાળગંગાધર ટિળકને જુલાઈ 23, 1908થી સપ્ટેમ્બર 13, 1908 સુધી રાખવામાં આવ્યાં હતાં."
મિનિસ્ટ્રી ઑફ કલ્ચરના આર્કાઇવ્ઝ પ્રમાણે સાબરમતી જેલમાંથી માર્ચ 13, 1922ના રોજ મહાત્મા ગાંધીએ તેમના મિત્ર સી. એફ. ઍન્ડ્રુવ્સને લખેલા એક પત્રમાં લખ્યું હતું કે, “છેવટે હું શાંત સમય પસાર કરી રહ્યો છું. અહીં આવવાનું બંધાયેલું જ હતું.”
મૌલાના અબ્દુલ બરીને લખેલા એક પત્રમાં તેઓ લખે છે કે, “હું મારા આ આઝાદીના ઘરમાં આનંદ માણી રહ્યો છું.”
તેમના એક મિત્ર મથુરદાસ ત્રિકમજીને તેઓ જેલમાંથી લખે છે કે, “અહીં મને ઘર જેવું જ લાગી રહ્યું છે. હજી સુધી મને એવું નથી લાગી રહ્યું કે હું જેલમાં છું. મારા માટે કોઇએ દુ:ખ કરવાની જરૂર નથી.”
અહીંથી મહાદેવભાઈ દેસાઈને ગાંધીજી લખે છે કે, “મારી વાસ્તવિક સેવા અહીંથી શરૂ થાય છે. હું જેલના નિયમોનું મારા સંપૂર્ણ અસ્તિત્વ સાથે પાલન કરવા માટે, પસંદ અને નાપસંદને દૂર કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરીશ, અને જો હું જેલમાં વધુને વધુ શુદ્ધ બનીશ, તો તેની અસર બહાર પણ થશે. આજે મારી માનસિક શાંતિની ઉચ્ચતમ સ્તરે છે."
દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા બાદ મહાત્મા ગાંધીનો આ પ્રથમ કારાવાસ હતો, જેની શરૂઆત સાબરમતી જેલથી થઈ હતી.
જેલ વિભાગમાં કામ કરી ચૂકેલા એક ઉચ્ચ અધિકારી અને હાલમાં નિવૃત્ત જીવન વ્યતીત કરી રહેલા એક આઇપીએસ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “આજે પણ સરદાર ખોલી, તિલક ખોલી, કસ્તુરબા કુટિર જેવી ઇમારતો જેલમાં સંભાળીને રાખવામાં આવી છે. તે સાબરમતી જેલ અને આઝાદીની લડાઈના વારસા સમાન છે.”
કેવી છે સાબરમતી જેલ?

ઇમેજ સ્રોત, Getty Images
લગભગ 71 એકરમાં ફેલાયેલી સાબરમતી જેલમાં જૂની અને નવી એમ બે પ્રકારની જેલ છે. જેને પાર્ટ-1 અને પાર્ટ-2 જેલ તરીકે ઓળખાય છે. જેલની દીવાલની બહારના વિસ્તારમાં સ્ટાફ ક્વાર્ટર્સ, ખેતી વગેરેની જમીનનો સમાવેશ થાય છે.
કુલ 71 એકરમાંથી 39 એકર જમીનના ફરતે આશરે 6.25 મીટર ઉંચી, 310 મીટર લાંબી અને 510 મીટર પહોળી દિવાલ બનાવવામાં આવેલી છે. જ્યારે બાકીના 32 એકરમાં સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવામાં આવેલા છે.
કેદીઓને રાખવામાં આવે છે તે મુખ્ય જેલ બિલ્ડીંગ લગભગ 6.43 એકરના વિસ્તારમાં બનાવવામાં આવેલી છે. આ વિસ્તારમાં છોટા ચક્કર, બડા ચક્કર જેવા વિભાગો આવેલા છે. ત્યાં ચોવીસ કલાક જેલ સ્ટાફ તેમજ સ્પેશિયલ રિઝર્વ્ડ પોલીસ (SRP)દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.
જે કેદીઓને કોર્ટ દ્વારા સજા થઇ ચૂકી હોય તેવા પાકા કામના કેદીઓ અને જેમને હજી સજા ન થઈ હોય તેવા કાચા કામના કેદીઓને અલગ અલગ રાખવામાં આવે છે. મહિલા કેદીઓ માટે અલગ જેલ બનાવવામાં આવેલી છે.
સાબરમતી જેલ વિશે વર્ષોથી રીપોર્ટિંગ કરી રહેલા પત્રકાર પ્રશાંત દયાળ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, “અંગ્રેજોએ જ્યારે આ જેલની રચના કરી ત્યારે તેમના માનસમાં હતું કે જેલ રેલવે સ્ટેશનની બાજુમાં હોવી જોઇએ, એટલા માટે આ જેલ બનાવવા માટે સાબરમતી જેલની બાજુની આ જગ્યા પસંદ કરવામાં આવી હતી, કારણ કે દેશદ્રોહના કેદીઓને એક જેલથી બીજી જેલમાં મોકલવા માટે સહેલું થઈ જતું હતું. જેમ કે મહાત્મા ગાંધીને જ્યારે અમદાવાદની કોર્ટે સજા કરી, તો તેમને પુણે જેલમાં મોકલવામાં આવ્યા અને બાળ ગંગાધર ટિળકને પુણેમાં સજા થઈ તો તેમને અહીં મોકલવામાં આવ્યા હતા.”
સાબરમતી જેલ કેવી રીતે બની?

ઇમેજ સ્રોત, Getty Images
એ અતીક અહેમદ હોય, લોરેન્સ બિશ્નોઈ હોય, અબ્દુલ લતીફ હોય કે અબ્દુલ વહાબ હોય – ગુજરાતમાં મોટાભાગના હાઈ પ્રોફાઈલ કેદીઓને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે.
1980ના દાયકામાં અમદાવાદમાં જ્યારે અબ્દુલ લતીફ ગૅંગની બોલબાલા હતી, ત્યારે તેમની ગૅંગના અનેક લોકોને આ જેલમાં રાખવામાં આવતા હતા અને ત્યારથી આ જેલ એક હાઈપ્રોફાઇલ જેલ બની ગઈ હતી.
બિશ્નોઈ ઉપરાંત જો હાઇપ્રોફાઈલ કેદીઓની વાત કરવામાં આવે તો હાલમાં આ જેલમાં 47 કેદીઓ સિરિયલ બ્લાસ્ટના ગુનામાં પકડાયેલા છે. આ તમામ કેદીઓ પર સાબરમતી જેલમાં લગભગ 213 ફૂટ લાંબી સુરંગ ખોદી દેવાનો આરોપ પણ લાગ્યો છે.
એક ઉચ્ચ પોલીસ અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું એ પ્રમાણે, “આ એકમાત્ર એવી જેલ છે, જ્યાં આતંકવાદ માટે પકડાયેલા હોય, તેવા સૌથી વધુ ગુનેગારો રાખવામાં આવે છે, માટે તેમની સુરક્ષામાં કોઈ કચાશ ન ચાલે.”
આ લોકો ઉપરાંત આ જેલમાં હાલમાં બિશ્નોઇ જેવા આરોપીઓને હાર્ડ-કૉર સેલ તેમજ હાઇ-સિક્યુરીટી સેલમાં રાખવામાં આવે છે.
બીબીસી ગુજરાતીએ સાબરમતી જેલ વિશે વધુ વાત કરવા માટે જેલ વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ ડૉ. કે. એલ. એન. રાવ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












