રાજકોટ : જંગલેશ્વરમાં દુકાનદારો, ફેરિયાઓએ કહ્યું, "મકાન સાથે અમારી કમ્મર પણ ભાંગી નાખી"

રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન, ગુજરાત

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, મામદભાઈ મસાકપુત્રા અને તેમના પુત્ર તૌસીફ તેમની તૂટેલી દુકાનમાં
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, રાજકોટથી
  • વાંચવાનો સમય: 8 મિનિટ

રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં કથિત દબાણો દૂર કરવા સોમવારે એક મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરી અને 1500થી વધુ બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં.

રાજકોટ શહેરમાં આજી અને ખોખડદડી નદીઓના કાંઠે આવેલી એકતા કૉલોની, જંગલેશ્વર, બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, સૂર્યોદ સોસાયટી અને નાળોદાનગર વગેરે સોસાયટીઓમાં 1509 મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયાં.

રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે આ મકાનો આજી નદીના તટ અને કિનારા પર તેમ જ આ વિસ્તારના વિકાસ માટે 1995માં બનાવાયેલી રાજકોટ ટાઉન પ્લાંનિંગ સ્કીમ નંબર-6 અંતર્ગત આવેલા ટીપી રોડ પરનાં દબાણો હટાવાયાં હતાં.

મહાનગરપાલિકા અનુસાર નદીમાં આવતા પૂરથી લોકોને બચાવવા તેમ જ આ વિસ્તારમાં આવનજાવન સરળ બનાવવા તેમને તોડી પાડવાં જરૂરી હતાં.

ડિમોલિશન બુધવાર સવાર સુધી ચાલ્યું અને તોડવામાં આવેલાં મકાનોમાંથી મોટાભાગનાં રહેણાક મકાનો હતાં. પરંતુ આમાં કેટલીય દુકાનો પણ હતી.

ડિમોલિશન ડ્રાઇવમાં કેટલાય પરિવારોએ મકાન અને દુકાન બંને ગુમાવ્યા છે તો કેટલાકે દુકાન કે મકાન ગુમાવ્યા છે.

વળી રેકડીઓ પર લાદી વિવિધ વસ્તુઓ વેચતા ફેરિયાઓ ફરિયાદ કરે છે કે ડિમોલિશનના કારણે હજારો લોકો આ વિસ્તારમાંથી વિસ્થાપિત થયા છે તેને પરિણામે તેમનો ધંધો પણ ભાંગી ગયો છે.

બારણાં વગરની દુકાનની ચોકીદારી કરતા પિતા-પુત્રને શેની ચિંતા છે?

રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન, ગુજરાત

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રેકડીમાં બટાટા વેચી રહેલાં મુમતાજબહેન

જંગલેશ્વર મેઇન રોડ પર તવક્કલ ચોકમાં બુધવારે પોલીસે બંદોબસ્ત વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાની ટીમો તોડી પાડવામાં આવેલાં મકાનોનો કાટમાળ ઉપાડવા આવી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જેસીબી અને હિટાચી મશીનો, ટ્રૉલી અને ડમ્પર ટ્રકની મદદથી આ કામ પૂરું કરવામાં આવી રહ્યું હતું.

બીજી તરફ કાટમાળ ભરવાની ડમરી વચ્ચે વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયેલા મામદભાઈ મસાકપુત્રા અને તેમના દીકરા તૌસીફ તેમની અડધી કપાઈ ગયેલી દુકાન આગળથી હટવાનું નામ લેતા ન હતા.

શુક્રવાર (21 ફેબ્રુઆરી) સુધી તેમની દુકાન "દાતાર ડેરી" તરીકે ઓળખાતી હતી. ત્યાં દૂધ અને દૂધમાંથી બનાવેલી વસ્તુઓ લેવા માટે ગ્રાહકોની લાઇનો રહેતી.

હવે અહીં રોલર શટર, કેટલાંક વાસણો, ડેરીની મશીનરી એને તેને ઢાંકવા માટે બાંધેલી તાડપત્રી વીંટળાયેલાં પડ્યાં હતાં.

દુકાન સામે જ્યાં ગ્રાહકોની લાઇનો લાગતી હતી ત્યાં હવે દીવાલની ઈંટોના ટુકડા અને છતનું કૉન્ક્રીટ અને સળિયાનો કાટમાળ પડ્યો હતો.

બીબીસીએ મામદભાઈએ કહ્યું, "હું 45 વર્ષથી અહીં ડેરી ચલાવતો હતો. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ શુક્રવારે અમારી ડેરીએ આવ્યા અને અમને કહ્યું કે સોમવારે અમારી દુકાન પાડી નાખવામાં આવશે."

"તે જ દિવસે અધિકારીઓ જંગલેશ્વર શેરી નંબર-29માં આવેલા મારા ઘરે પણ આવ્યા અને જાણ કરી કે તે ઘરને પણ સોમવારે તોડી નાખવામાં આવશે."

"બે દિવસમાં અમે બધું કેમ ફેરવી શકીએ? એક બાજુ રહેવા માટે ભાડાનું ઘર શોધવાનું હતું અને બીજી બાજુ ડેરીનો માલ અને ફ્રિજ મૂકવાની જગ્યા શોધવાની હતી."

"મોટું ફ્રિજ મૂકવા માટે તો એક શેડ ભાડે મળી ગયો પણ આ નાનાં ફ્રિજ અને વાસણ રાખવા માટે ક્યાંય જગ્યા મળી નહીં. તેથી, અમે આ ફ્રિજ અને વાસણને અહીં જ ઢાંકી દીધાં અને જાતે જ અડધી દુકાન પાડી દીધી."

રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન, ગુજરાત

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, પોતાના મકાનનો કાટમાળ બતાવી રહેલા મામદભાઈ મસાકપુત્રા (ડાબેથી ત્રીજા)

તૌસીફે કહ્યું કે ડિમોલિશન ડ્રાઇવમાં તેમનું ઘર પાડી નાખવામાં આવતા તેમને તેમના પરિવાર સાથે રહેવાની જગ્યાની તાતી જરૂર છે પણ તેઓ દુકાન છોડી શકતા નથી.

પાંત્રીસ વર્ષના તૌસીફાએ કહ્યું, "એક મકાન ભાડે રાખીને ત્યાં મારા અને મારા નાના ભાઈના પરિવારને રાખ્યો છે. મારો દીકરો અઢી વર્ષનો છે."

"તે બહુ રડે છે અને કહે છે કે આપણે આપણા ઘરે જવું છે... બીજી બાજુ અહીં દુકાનમાં બધું રામભરોસે છે."

"ભંગાર વીણવાવાળા સતત આમતેમ ફર્યા કરે છે અને મને બીક છે કે અમારી વસ્તુ ચોરાઈ જશે. એટલે અમે ડ્યુટી કરતા હોઈએ તે રીતે વારા ફરતી જાગીએ છીએ અને દુકાનની રખવાળી કરીએ છીએ."

તૌસીફ કહે છે તેમની ચિંતા ત્રેવડી છે.

તેઓ જણાવે છે, "અત્યારે મકાન અને ધંધા વગરના થઈ ગયા છીએ. જે અમારા ગ્રાહકો હતા તેના પણ મકાન ડિમોલિશન ડ્રાઇવમાં પાડી નાખવામાં આવ્યાં છે."

"તેથી તેઓ પણ બીજે જતા રહ્યા છે. સાત સભ્યોનો અમારો પરિવાર છે અને આર્થિક રીતે સાવ ભાંગી ગયા છીએ."

"મકાનભાડાના પૈસા ક્યાંથી આવશે, અમે ખાઈશું શું તેની ચિંતા છે."

ફેરિયાઓની શું સ્થિતિ છે?

તવક્કલ ચોકમાં જ બટાકાં વેચવા નીકળેલાં મુમતાજબહેન નામનાં વિધવા કહે છે કે એક અઠવાડિયાથી તેમનો ધંધો ભાંગી પડ્યો છે.

તેઓ કહે છે, "આ આઠ દિવસથી ચાલુ થયું ત્યારથી જવા નથી દેતા, કોઈને બહાર નીકળવા દેતા નથી."

"આટલું બધું ફરીને આમ મારાથી ન ચલાય. પછી આજે વળી લઈ આવી તે અહીં રાખી દીધું છે."

"એક ગુણી બટાકાં લાવી હતી પણ આજે તેમાંથી બહુ વેચાણ નથી. હવે બપોર બાદ હું રેકડી કાઢી શકીશ નહીં કારણ કે થાકી જવાય છે."

નિઃસંતાન વિધવા એવાં મુમતાજબહેન હાલ તેમનાં બહેન સાથે રહે છે.

પણ તેમને ચિંતા એ વાતની છે કે આટલા મોટા પાયે ડિમોલિશન થતા તે વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યા ઘટશે અને પરિણામે તેમના વેપાર પર અવળી અસર પડશે.

"અમારી કમર ભાંગી નાખી", જંગલેશ્વરના લોકો કેમ આવું બોલ્યા

રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન, ગુજરાત

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, અલીભાઈ માથકીયાની દુકાનની પાછળ આવેલા તેમના મકાનને તોડી પડાયું છે

મુમતાજબહેન જેવી જ લાગણી રાધાકૃષ્ણનગરમાં શેરી નંબર-10માં રહેતા અલીભાઈ માથકીયાએ વ્યક્ત કરી.

અલીભાઈ જંગલેશ્વર મેઇન રોડ પર રાધાકૃણાનગર શેરી નંબર-10ના ખૂણે એક ઠંડા પીણાંની દુકાન ચલાવે છે.

દુકાનના પાછળના ભાગમાં તેમનું મકાન આવેલું હતું. તે મકાન 15 મીટર પહોળા ટીપી રોડ પર દબાણ કરીને ચણાયેલું છે તેવું જાહેર કરીને રાજકોટ મહાનગરપાલિકાએ તેને તોડી પાડ્યું.

તેમની દુકાનના પાછળના ભાગને પણ નુકસાન થયું છે.

બીબીસી સાથે વાત કરતા અલીભાઈએ કહ્યું કે તેમના છ સભ્યનો પરિવારને હાલ એક હિંદુ પરિવારે આશરો આપ્યો છે પણ તેમને ચિંતા એ વાતની છે કે તેમનો ધંધો ભાંગી પડ્યો છે.

તેઓ કહે છે, "અત્યારે પબ્લિક બધી વયી ગઈ (જતી રહી) છે. હવે અમારે ધંધો ક્યાં કરવો? મારું મકાન વયું ગયું ડિમોલિશનમાં."

"મારા એકનું નહીં મારા પાડોશીનાં મકાન પણ વયાં ગયાં. વચમાંથી રોડ કાઢ્યો... દુકાન રહી ગઈ પણ હવે ધંધો ક્યાં રહ્યો?"

"માણસો જ ન રહ્યા તો હવે ધંધો ક્યાં કરવાનો? (અમારા) હાથપગ તો કાપી નાખ્યા!"

"આર્થિક રીતે ભાંગી ગયા. આર્થિક રીતે કમર તોડી નાખી અમારી."

અલીભાઈ જેવી જ દશા રાધાકૃષ્ણનગરમાં રહેતા દીપક મકવાણાની થઈ છે.

તેમની કરિયાણાની દુકાન તો બચી ગઈ પરંતુ તેની પાછળ આવેલું મકાન રાજકોટ મહાગરપાલિકાએ રસ્તા પરના કથિત દબાણો હટાવવાની કામગીરી દરમિયાન તોડી પાડ્યું.

મકાન તૂટી પડતા પરિવારે હાલ દુકાનના સ્ટોરરૂમમાં આશરો લીધો છે અને એક મકાન ભાડે રાખી થોડી ઘરવખરી ત્યાં મૂકી દીધી છે.

દીપક મકવાણા કહે છે, "અત્યારે તો ધંધો સાવ ભાંગી ગયો છે. મકાનેય ગયું અને જેટલા ગ્રાહકો હતા એ પણ જતા રહ્યા અહીંથી બધું ખાલી કરીને."

"દુકાન એક વધી છે તેમાં ઘરનો સામાન ભર્યો છે એટેલ મારી દુકાન પણ હાલ બંધ છે. ધંધો કરું તો રહેવું ક્યાં અને રહેવાનું કરું તો ધંધો ક્યાં કરવો?"

ડિમોલિશન ડ્રાઇવની આર્થિક અસર કેટલા સમય સુધી રહે છે?

રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન, ગુજરાત

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, દીપક મકવાણા (મધ્યમાં)ના દુકાન અને ઘર આગળ પાછળ આવેલાં હતાં

કચ્છ જિલ્લાના જિલ્લા મથક ભુજ ખાતે આવેલા હોમ્સ ઇન ધ સિટી એટલે કે "શહેરમાં ઘર" નામની સંસ્થા શહેરી વિસ્તારોમાં આવાસો વિશે સંશોધનો કરે છે.

આ સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર ડૉ. અસીમ મિશ્રા કહે છે, "ડિમોલિશન ડ્રાઇવ જેવી કાર્યવાહીથી લોકો આંતરિક રીતે વિસ્થાપિત થાય છે ત્યારે તેમના પર આર્થિક અસર તાત્કાલિક ઉપરાંત લાંબા ગાળાની પણ પડે છે."

"રાજકોટમાં આટલી મોટી સંખ્યામાં લોકોનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં છે તેની અસર તે લોકો પર વર્ષો સુધી વર્તાશે."

"વળી, આ વિસ્થાપિતોના પુનર્વસન બાબતે હજુ કોઈ ચર્ચા થઈ નથી રહી. તેથી આ ડ્રાઇવનાં પરિણામ વર્ષો સુધી અનુભવાતાં રહેશે."

ડૉ. મિશ્રાએ સાબરમતી રિવરફ્રન્ટ વિકસાવવા માટે જમીન મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કરાયેલા લોકોના સ્થળાંતરનું ઉદાહરણ ટાંકતા ઉમેર્યું, "સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન પણ મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા હતા."

"તેમના પુનર્વસનના પ્રયાસો છતાં વિસ્થાપિતોના જીવનમાં તેમને નદી કાંઠાની જમીન પરથી ઉચાળા ભરી લેવાની ફરજ પડી તેનાં આર્થિક પરિણામો તે લોકો વર્ષો સુધી ભોગવતા રહ્યા."

જંગલેશ્વરના લોકોને કાનૂની લડતમાં સહકાર આપનાર સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપરિયાએ બીબીસીને જણાવ્યું કે, "જંગલેશ્વરમાં રહેતા મોટા ભાગના લોકો મજૂર વર્ગના છે. સ્થાનિક લોકોએ કહ્યું કે જંગલેશ્વરના લોકો નાની-મોટી દુકાનો કે લારીઓમાં વિવિધ વસ્તુઓ વેચી અથવા તો નદીના સામે કાંઠે આવેલા આજી જીઆડીસીમાં કામ કરી આજીવિકા રળે છે."

રાજકોટમાં ડિમોલિશન બાબતે તેમણે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું.

તેમણે કહ્યું, "રાજકોટ એક પ્રોગ્રેસિવ (સુધારાવાદી) શહેર છે. પ્રધાન મંત્રી આવાસ યોજનાનું અમલીકરણ કરી ગરીબોને મકાનો પૂરાં પાડવા માટે અને રાજકોટ મહાનગરપાલિકાએ ખૂબ જ સારી કામગીરી કરી આખા દેશમાં નામના મેળવી છે."

"પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઝૂપડપટ્ટીવાસીઓને પણ આવાસ આપવાની જોગવાઈ છે. મને આશ્ચર્ય થાય કે જંગલેશ્વરમાં ડિમોલિશન કેમ થયું કારણ કે વડા પ્રધાને તો દેશના દરેક નાગરિકને 2022 સુધીમાં જ મકાન પૂરું પાડવાની હાકલ કરી હતી અને અહીં તો તેમના પોતાના જ રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોનાંં ઘરોને પાડી દેવામાં આવ્યાં છે અને તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી."

2021-22માં હોમ્ઝ ઇન ધ સિટીએ કરેલા એક સંશોધનનાં પરિણામોનો હવાલો આપીને અસીમ મિશ્રાએ ઉમેર્યું, "ગુજરાતમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાથી મધ્યમ વર્ગના લોકોને વધારે ફાયદો થઈ રહ્યો છે."

"તેઓ આ યોજનાના ક્રેડિટ-લિંક્ડ સબસિડી સ્કીમ અને ઍફૉર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ ઘટકોનો લાભ મેળવી મકાનો મેળવી રહ્યાં છે. ઇન-સીટુ સલ્મ રિહેબિલિટેશન ઘટક હેઠળ ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને કેટલેક અંશે લાભ મળ્યા છે."

"આ યોજનાના બેનિફશયરી લૅડ કન્સ્ટ્રક્શન ઘટક હેઠળ લાભાર્થીને તેની જમીન પર મકાનનું બાંધકામ કરવા માટે સરકાર નાણાકીય સહાય આપે છે પરંતુ શહેરની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા બહુ ઓછા લોકોને તેનો લાભ મળ્યો છે કારણ કે આવા લોકો સરકારી જમીનો પર રહેતા હોવાથી તેઓને પાત્ર લાભાર્થી ગણવામાં આવતા નથી."

જંગલેશ્વરના વિસ્થાપિતોને મહાનગરપાલિકા રહેઠાણો આપશે?

રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન, ગુજરાત

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા

જંગલેશ્વરના કેટલાય લોકોના કેસ લડી રહેલા વકીલ રવિશંકર ગોગીયા કહે છે કે જેમનાં મકાનો પાડી નાખવામાં આવ્યાં છે તે પુનર્વસનના હક્કદાર છે.

તેમણે કહ્યું, "ટીપી-6ના જંગલેશ્વર અને નાળોદાનગરમાં આવેલા છથી સાત જેટલા ફાઇનલ પ્લૉટ્સને રાજકોટ મહાનગરપાલિકાએ 2017માં ઝૂંપડપટ્ટી જાહેર કરેલી."

"ત્યાર બાદ કથિત રીતે નદીના તટમાં રહેતા લોકોને વૈકલ્પિક રહેઠાણો આપીને રાજકોટ મહાનગરપાલિકાએ પરોક્ષ રીતે સ્વીકાર્યું છે કે નદીના તટમાં રહેતા લોકો પણ પરવાનગી વગર કોઈની હદમાં પ્રવેશેલા લોકો કે દબાણકારો નહીં પરંતુ ઝૂંપડપટ્ટીવાસી છે."

"15-મીટર પહોળા ટીપી રોડ પર કથિત રીતે જેમનાં ઘર આવેલાં હતાં તે પણ દબાણકર્તા નહીં પરંતુ ઝૂંપડપટ્ટીવાસીઓ છે કારણ કે તે ટીપી રોડ 1995માં બન્યો હતો જયારે લોકો તો ત્યાં ચાલીસ વરસથી રહેતા આવ્યા છે."

રાજકોટ મહાનગરપાલિકાએ કીટીપરા, રૈયાધાર, ભારતનગર-1, ભારતનગર-2 , બિશપ હાઉસ, હિંગળાજનગર-1, હિંગળાજનગર-2 , નટરાજનગર વગેરે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) ધોરણે ત્યાં જ મકાનો બાંધી આપી તેમનું પુનર્વસન કરાવ્યું છે.

પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના હાઉસિંગ એટલે કે મકાન વિભાગનો હવાલો સંભાળતા સિટી ઍન્જિનિયર પરેશ અઢિયાએ બીબીસીને જણાવ્યું, "માત્ર કોઈ વિસ્તારને સત્તાવાર રીતે ઝૂંપડપટ્ટી જાહેર કરવામાં આવે તો તેમાં રહેતા લોકોને પુનઃવસનના અધિકાર નથી મળતા."

"કોઈ વિસ્તારને ઝૂંપડપટ્ટી જાહેર કરવાથી તે વિસ્તારમાં રોડ, પાણીવિતરણ, ભૂગર્ભ ગટર વગેરે જેવી પાયાની સુવિધાઓ વધારવા માટેનાં કામો થઈ શકે છે."

તેમણે ઉમેર્યું કે ઝૂંપડપટ્ટીને ટેનેબલ સલ્મ્સ અને અનટેનેબલ સલ્મ્સ એમ મુખ્ય બે ભાગોમાં વહેંચવામાં આવે છે.

ટેનેબલ સલ્સમાં સુધારા-વધારા કરી તેને અપગ્રેડ કરાય છે જયારે અનટેનેબલ સ્લમ્સનું પુનઃવસન કરવા તેમાં આવેલાં ઝૂંપડાં કે કાચાં મકોનો તોડી પાડી ખુલ્લી થયેલી જમીનના કેટલાક ભાગમાં બહુમાળી મકાનો બનાવીને કે અન્ય જગ્યાએ તેવાં મકાનો બાંધી ઝૂંપડપટ્ટીવાસીઓને સોંપાય છે.

અઢિયાએ કહ્યું, "જંગલેશ્વર માટે હાલ કોઈ આવી ચર્ચાવિચારણાં નથી."

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે લોકોને શું અપીલ કરી?

ડિમોલિશન ડ્રાઇવ પૂરી થયા બાદ બુધવારે એક પત્રકારો પરિષદને સંબોધતા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાએ તે દિવસ સુધીમાં 37,000 એફોર્ડેબલ હાઉસિસ (વ્યાજબી કિંમતે મળતા મકાન) બાંધ્યાં છે અને લાભાર્થીઓએ સોંપી દીધાં છે. તેમાં જંગલેશર વિસ્તારના 873 પરિવારોનો પણ સમાવેશ થાય છે.

તેમણે ઉમેર્યું કે, "જંગલેશ્વરમાં ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન તોડી પડાયેલાં મકાનોમાંથી 750 મકાનો એવાં હતાં કે જેનો બાંધકામનો ખર્ચ પાંચ લાખ રૂપિયાથી વધારે હોય અને 250 મકાનો એવાં હતાં જેનો બાંધકામનો ખર્ચ રૂપિયા 15 થી 20 લાખ હોય."

"રાજકોટ મહાનગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 લાખ રૂપિયામાં લાભાર્થીઓને મકાન આપે છે. તો લોકોએ સરકારી જમીન પર દબાણો કરી શા માટે ગેરકાયદેસર મકાનો ચણવા જોઈએ? "

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન