ગુજરાત સરકારની લગ્નનોંધણીમાં સૂચિત નવા સુધારાની જાહેરાત, સામાજિક અને કાયદાકીય રીતે કેટલું શક્ય?

ગુજરાત લગ્નની નોંધણીનો નવો કાયદો શું છે, ગુજરાત હિંદુ મેરેજ એક્ટના નવા કાયદાની જોગવાઈઓ, હર્ષ સંઘવી ગૃહ મંત્રી, લગ્ન અંગે બંધારણની જોગવાઈઓ, ભાગીને લગ્ન, પરિવારથી છૂપાવીને લગ્ન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી
  • વાંચવાનો સમય: 8 મિનિટ

ગુજરાત વિધાનસભામાં ગુજરાતના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા લગ્નનોંધણીના કાયદા અંગે એક જાહેરાત કરાઈ છે, જે અનુસાર ગુજરાત સરકાર 'ગુજરાત રજિસ્ટ્રેશન ઑફ મૅરેજ ઍક્ટ 2006'માં સુધારો કરવા જઈ રહી છે.

જાહેરાત અનુસાર, લગ્નની નોંધણી કરતી વખતે હવે માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે માટે એક અલગથી પોર્ટલ પણ બનાવાશે.

આ નવા નિયમો અંગે રાજ્યના નાગરિકો પાસેથી આગામી 30 દિવસ સુધી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યાં છે. જે બાદ એક કમિટીની રચના કરવામાં આવશે જે બંધારણીય મર્યાદામાં રહીને યોગ્ય સૂચનો ધ્યાને લઈ તેનો અમલ કરશે.

લગ્નનોંધણીમાં કથિત 'છળકપટ' રોકવા લાવવામાં આવેલા આ સુધારાઓ અંગે ઉપમુખ્ય મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, "રાજ્યમાં લગ્નનોંધણી પ્રક્રિયામાં રહેલી કેટલીક 'છટકબારી'ને કારણે તેનો 'દુરુપયોગ' થઈ રહ્યો છે."

હર્ષ સંઘવીએ કહ્યું હતું, "પંચમહાલ જિલ્લામાં અનેક 'બૉગસ લગ્નો નોંધાયાં' હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પંચમહાલના કંકોડાકોઈ અને નાથકૂવા જેવાં ગામોમાં, જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર નથી, ત્યાં તલાટી-કમ-મંત્રી દ્વારા સેંકડો 'નિકાહ' સર્ટિફિકેટ ઇસ્યૂ કરવામાં આવ્યાં છે, જેની અમે ઊંડાણપૂર્વક તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે."

તેમણે કહ્યું કે, "અસામાજિક તત્ત્વો પોતાની સાચી ઓળખ છુપાવી, લાલચ આપી કે છળકપટથી રાજ્યની દીકરીઓને પ્રેમની જાળમાં ફસાવે છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, "લવ-મૅરેજનો વિરોધ નથી, પણ 'છેતરપિંડી' અને 'બળજબરી' સામે સરકાર પગલા લેશે."

આ નવા સૂચિત ફેરફારો બાદ અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. જોકે કાયદાના નિષ્ણાતોનું માનવું છે કે કાયદા આવવાથી 'વ્યક્તિ સ્વતંત્રતા પર જોખમ' રહેલું હોય છે.

લગ્નની નોંધણીમાં શું નવા સુધારા સૂચવાયા છે?

ગુજરાત લગ્નની નોંધણીનો નવો કાયદો શું છે, ગુજરાત હિંદુ મેરેજ એક્ટના નવા કાયદાની જોગવાઈઓ, હર્ષ સંઘવી ગૃહ મંત્રી, લગ્ન અંગે બંધારણની જોગવાઈઓ, ભાગીને લગ્ન, પરિવારથી છૂપાવીને લગ્ન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Harsh Sanghavi/fb

ઇમેજ કૅપ્શન, ગુજરાતના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સરકાર દ્વારા પ્રસ્તાવિત નવી લગ્નનોંધણી પ્રક્રિયાને છ તબક્કાઓ ગોઠવવામાં આવી છે.

લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહી તેમજ અરજી નોટરાઇઝ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપૉર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.

સરકાર દ્વારા દરેક લગ્નનોંધણી જે તે હુકૂમત ધરાવતા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્નનોંધણી અરજીનો નમૂનો-1 (આઇ) મુજબ વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે.

  • વર-વધૂ અને સાક્ષીઓના આધાર કાર્ડ
  • વર-વધુનું જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • લગ્નની કંકોતરી કે આમંત્રણ પત્રિકા
  • વર-વધૂના અલગ-અલગ રીતે બે પાસપૉર્ટ સાઇઝના ફોટો
  • વર-વધૂનો લગ્નવિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટો
  • સાક્ષીઓના તાજેતરના બે પાસપૉર્ટ સાઇઝના ફોટા

અરજી સાથે વર-વધૂએ તેમનાં માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે કેમ તે અંગેનું ડિક્લેરેશન.

તેમજ વર-વધૂએ માતા-પિતાના નીચે દર્શાવેલ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

  • માતા/પિતાનું આધાર કાર્ડ
  • પિતાનું પૂરું નામ
  • પિતાનું રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે
  • પિતાનો મોબાઇલ નંબર
  • માતાનું પૂરું નામ
  • માતાનું રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે
  • માતાનો મોબાઇલ નંબર

તેમજ આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને ખાતરી/સંતોષ થતા દસ કામકાજના દિવસોમાં વર-વધૂનાં માતા-પિતાને જાણ કરાશે અને તે જાણ ઇલેક્ટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારુ રીતે કરવામાં આવશે. (સરકારે નક્કી કરેલા માધ્યમોથી).

આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી મળ્યેથી તે સંબંધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલી આપશે. રજિસ્ટારને ખાતરી થતા પેટાનિયમો (એકથી સાત)માં દર્શાવ્યા મુજબની પૂર્તતા થયા બાદ 30 દિવસ પૂર્ણ થતા લગ્નનોંધણી કરવામાં આવશે.

રજિસ્ટ્રાર દ્વારા આ તમામ વિગતો સરકારે બનાવેલા ઑનલાઇન પોર્ટલ પર મૂકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વૉલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પૂર્ણ થયેથી રજિસ્ટ્રાર દ્વારા લગ્નનોંધણીનું પ્રમાણપત્ર ફૉર્મ-બે મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે કે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે.

વિપક્ષે આ સૂચિત સુધારા અંગે શું કહ્યું?

કૉંગ્રેસનાં સાંસદે ગેનીબહેન ઠાકોરે મીડિયા સમક્ષ આ સૂચિત સુધારાને ટેકો આપતા કહ્યું હતું કે "અસામાજિક તત્ત્વો પ્રેમમાં ફસાવતા દીકરીઓ પાછળથી દુ:ખી થતી હોય છે, તેથી પ્રેમલગ્ન કાયદામાં સાક્ષી તરીકે ગામમાં થાય."

ગેનીબહેન કહે છે, "સહમતી ધરાવતાં પ્રેમલગ્નો સામે કોઈ વાંધો નથી, પણ પ્રેમલગ્નની નોંધણી જે તે ગામમાં જ થાય અને ગામના જ સાક્ષીઓ હોય તે સાથે વહેલામાં વહેલા સરકાર આ બિલનો અમલ કરે તેવી દરખાસ્ત કરી હતી."

આમ આદમી પાર્ટીમાંથી વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મીડિયાને સંબોધતા કહ્યું કે, "આજે સરકારે લોકો પાસેથી વાંધા-સૂચન મંગાવ્યાં છે, તે સારી બાબત છે. આ નોંધણી કાયદામાં સુધારા પહેલાં સૂચન માંગ્યા તે સરાહનીય છે."

ગોપાલ ઇટાલિયાએ એમ પણ કહ્યું હતું કે, "કોઈ સલીમ સુરેશ બનીને છોકરીને ભોળવે તે ખોટું છે તેને સજા થવી જોઈએ, પણ કોઈ વ્યક્તિ સત્તામાં ઓળખાણ બતાવીને દીકરીને છેતરે તે પણ ખોટું છે."

કાયદાના નિષ્ણાતો આ અંગે શું માને છે?

ગુજરાત લગ્નની નોંધણીનો નવો કાયદો શું છે, ગુજરાત હિંદુ મેરેજ એક્ટના નવા કાયદાની જોગવાઈઓ, હર્ષ સંઘવી ગૃહ મંત્રી, લગ્ન અંગે બંધારણની જોગવાઈઓ, ભાગીને લગ્ન, પરિવારથી છૂપાવીને લગ્ન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Wodicka/ullstein bild via Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાક કાયદાકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે પ્રસ્તાવિત કાયદાની જોગવાઈ બંધારણીય જોગવાઈઓ સાથે સુસંગત નહીં

કાયદાના નિષ્ણાતોનું માનવું છે કે આ સુધારાથી જીવનની કેટલીક સ્વતંત્રના અધિકારો જોખમાય છે.

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે આવી બાબતો સમાજને 18મી સદીના રૂઢિચુસ્ત સમાજમાં પાછો લઈ જાય છે.

ગૌરાંગ જાની કહે છે, "આ બાબત લોકશાહીના વિરુદ્ધ છે. દેશના સ્પેશિયલ મૅરેજ ઍક્ટ પ્રમાણે યુગલોમાં 18 વર્ષની છોકરી અને 21 વર્ષનો છોકરો ઇચ્છે ત્યાં લગ્ન કરી શકે છે. રાજ્ય તેમાં દાખલગીરી કરી શકે નહીં. આવા કાયદા આવવાથી વ્યક્તિ સ્વતંત્રતા પર જોખમ ઊભું થાય છે, દુનિયાના લોકશાહી ધરાવતા દેશોમાં ક્યાંય લગ્ન નોંધણીમાં મા-બાપની પરવાનગીની વાત આવતી નથી."

ગૌરાંગ જાની કહે છે, "બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી કે લગ્ન સમયે મા-બાપની પરવાનગી લેવાની હોય. ખરેખરમાં તો આવા કાયદાઓનો વિરોધ માતા-પિતાઓએ પણ કરવો જોઈએ."

ગૌરાંગ જાની કહે છે, "હાલ સમાજ બદલાઈ રહ્યો છે, આંતરજ્ઞાતીય લગ્નો થઈ રહ્યાં છે. તેની સામે રૂઢિચુસ્ત લોકોનો વિરોધ છે, આવા કાયદાઓ આવા રૂઢિચુસ્ત લોકોની માનસિકતાને પ્રોત્સાહન આપવાની વાત છે તે સંપૂર્ણપણે રાજકીય પગલું છે."

ગુજરાત લગ્નની નોંધણીનો નવો કાયદો શું છે, ગુજરાત હિંદુ મેરેજ એક્ટના નવા કાયદાની જોગવાઈઓ, હર્ષ સંઘવી ગૃહ મંત્રી, લગ્ન અંગે બંધારણની જોગવાઈઓ, ભાગીને લગ્ન, પરિવારથી છૂપાવીને લગ્ન, બીબીસી ગુજરાતી

ઉપમુખ્ય મંત્રીના 'સલીમ સુરેશ બનીને રાજ્યની દીકરીને ફસાવશે' જેવા નિવેદન પર ગૌરાંગ જાની કહે છે, "આ સમાજના એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવીને રાજકીય લાભ લેવા જેવી વાત છે. આવા નિવેદનોથી લઘુમતી સમુદાય ભયમાં રહે તેવો માહોલ પણ બનાવવામાં આવે છે."

ફેમિલી કોર્ટના વકીલ ચેતન પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "હજુ આ નિર્ણય સરકાર દ્વારા ફાઇનલ અમલ નથી કરાયો."

ચેતન પંડ્યા કહે છે, "હજુ 30 દિવસ સુધી નાગરિકોના વાંધાઓ માટે ખુલ્લો મુકાયો છે તેથી કોઈ નાગરિક કે અગ્રણીઓને વાંધો હશે તે સરકાર સમક્ષ આ કાયદા અંગે રજૂઆત કરી શકશે. તેથી આ કાયદા અંગે હાલ કોઈ સ્પષ્ટ અમલવારી નથી."

લગ્નનોંધણીના જાણકાર વકીલ પરેશ મોદી બીબીસી ગુજરાતીને જણાવે છે, "લગ્ન બાબતે માતા-પિતાની પરવાનગી જેવી બાબતોને પ્રેક્ટિકલી ભારતીય બંધારણ માન્યતા નથી આપતું. આનાથી જીવન સ્વતંત્રતા જેવા અધિકારો જોખમાય છે. સંતાનો પર સંપૂર્ણ લગામ માતા-પિતાના હાથમાં જતી રહે છે. જે કિસ્સામાં યુગલનાં માતા-પિતા ન હોય તો અથવા માતા-પિતાનું જીવન કોઈ છૂટાછેડા જેવી ગંભીર બાબતોથી પસાર થતું હોય તો આ નિર્ણય કોણ લેશે તે પ્રશ્ન પણ આવે છે."

પરેશ મોદીના મતે, "બંધારણના કોઈ પણ આર્ટિકલ માતા-પિતાની પરવાનગી જેવી બાબતોને આધાર આપતા નથી. અને જો અમલ થાય તો પણ આ કાયદાને હાઇકોર્ટમાં સરળતાથી નાગરિકો ચેલેન્જ કરતા હોય છે."

હિન્દુ મૅરેજ ઍક્ટ પ્રમાણે લગ્નનોંધણી

ગુજરાત લગ્નની નોંધણીનો નવો કાયદો શું છે, ગુજરાત હિંદુ મેરેજ એક્ટના નવા કાયદાની જોગવાઈઓ, હર્ષ સંઘવી ગૃહ મંત્રી, લગ્ન અંગે બંધારણની જોગવાઈઓ, ભાગીને લગ્ન, પરિવારથી છૂપાવીને લગ્ન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAHZAIB AKBER/EPA/Shutterstock

ઇમેજ કૅપ્શન, લગ્નવિધિની પ્રતીકાત્મક તસવીર

પરેશ મોદી કહે છે, "હિન્દુ મૅરેજ ઍક્ટ પ્રમાણે લગ્ન કરાવનાર પંડિતનું સોગંદનામું, વર અને કન્યા જન્મના દાખલા કે શાળા લિવિંગ સર્ટિફિકેટ કે જેનાથી તેમની ઉંમર નક્કી થાય સરનામાનો પુરાવો આપવામાં આવે છે. આ નોંધણી બાદ હિન્દુ મૅરેજ ઍક્ટ હેઠળ કન્ફર્મેશન આપવામાં આવે છે."

ગુજરાત હાઇકોર્ટના સિનિયર વકીલ પીયૂષ જાદુગર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, "હિન્દુ મૅરેજ ઍક્ટ અનુસાર કંકોતરી છપાવી, સપ્તપદીની વિધિ, માંગ પૂરવી અને મંગલસૂત્ર પહેરાવવું, હસ્તમેળા કે ફૂલહાર સાથે યુગલના કોઈ ફોટા સાથે લગ્ન રજિસ્ટ્રેશન ઍક્ટ મુજબ નોંધણી કરવાની આવતી હોય છે. અને જે પંડિત દ્વારા લગ્ન કરવામાં આવ્યાં હોય તેનું સોગંદનામા બાદ લગ્નનોંધણી થઈ જતી હોય છે."

ગુજરાત લગ્નની નોંધણીનો નવો કાયદો શું છે, ગુજરાત હિંદુ મેરેજ એક્ટના નવા કાયદાની જોગવાઈઓ, હર્ષ સંઘવી ગૃહ મંત્રી, લગ્ન અંગે બંધારણની જોગવાઈઓ, ભાગીને લગ્ન, પરિવારથી છૂપાવીને લગ્ન, બીબીસી ગુજરાતી

પીયૂષ જાદુગર કહે છે કે જે લોકો ભાગીને લગ્ન કરતાં હોય તેમના માટે સૌથી ઉપયોગી નીવડતું હોય છે.

સિનિયર વકીલ પીયૂષ જાદુગર કહે છે, "સ્પેશયલ મૅરેજ ઍક્ટ હેઠળ છોકરા અને છોકરી લગ્ન કરવા માગે અને જો તે જિલ્લા કક્ષાએ હોય તો તેઓ મામલતદારને આવેદન કરતાં હોય છે જેમાં 30 દિવસ સુધી રજિસ્ટ્રાર ઑફિસ બહાર વાંધા માટે રાહ જોવામાં આવે છે, જો કોઈને વાંધો ન હોય તો લગ્ન થતાં હોય છે."

"તેમાં પણ ફક્ત તેવા વાંધાઓ લેવામાં આવે છે કે, જેમાં યુગલ કે કોઈ તેમાંથી કોઈ એક સગૌત્ર (ભાઈ-બહેન), સગીર હોય. જો તેવા ન હોય તેવાં લગ્ન થઈ શકે છે."

વકીલ પીયૂષ જાદુગર કહે છે, "તો આ માપદંડ મુજબ સિવાયના વાંધાઓ માટે રજિસ્ટ્રાર (મામલતદાર) લગ્નનોંધણી કરવામાં માટે ના પાડી શકે નહીં. રજિસ્ટ્રારને માત્ર તે જ જોવાનું છે કે છોકરી 18 અને છોકરો 21 વર્ષનો છે, સગૌત્ર નથી. તે સિવાયના મા-બાપની ઇચ્છા નથી તેવા વાંધાઓને ઉપરવટ જઈને પણ લગ્નનોંધણી કરવા રજિસ્ટ્રાર કાયદાની દૃષ્ટિ બંધાયેલા છે."

તો પરેશ મોદી કહે છે કે સ્પેશયલ મૅરેજ ઍક્ટ હેઠળ બે જુદા ધર્મના લોકો દ્વારા જ્યારે લગ્ન કરવામાં આવતા હોય છે જેમાં 30 દિવસ સુધી વાંધો હોય તો તે મંગાવે છે.

'નવા સૂચિત કાયદાઓ દીકરીઓના હકોનું હનન'

ગુજરાત લગ્નની નોંધણીનો નવો કાયદો શું છે, ગુજરાત હિંદુ મેરેજ એક્ટના નવા કાયદાની જોગવાઈઓ, હર્ષ સંઘવી ગૃહ મંત્રી, લગ્ન અંગે બંધારણની જોગવાઈઓ, ભાગીને લગ્ન, પરિવારથી છૂપાવીને લગ્ન, બીબીસી ગુજરાતી

સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રૅક્ટિસ કરતાં વકીલ વિજય મકવાણા બીબીસી ગુજરાતીને જણાવે છે, "યુગલને લગ્ન માટે માતા-પિતાની પરવાનગી લેવાની બંધારણીય જોગવાઈ નથી, કેમ કે મોટાં ભાગનાં લગ્નો સામાજિક રૂઢિથી વિરુદ્ધ જઈને થતાં હોય છે."

"જો પરવાનગી જ લેવાની વાત આવે તો પ્રેમલગ્નનું કોઈ અસ્તિત્વ જ ન રહે, તેથી આ પરવાનગી લેવા જેવી વાત તદ્દન પાયાવિહોણી છે."

વિજય મકવાણા કહે છે, "જો આ કાયદો બને તો પણ પણ બંધારણની દૃષ્ટિએ આ ટકી શકે નહીં, કેમ કે લગ્ન અંગત નિર્ણય હોય છે ત્યારે અન્ય કોઈ પરવાનગી લેવાની જોગવાઈ આવે તો વ્યક્તિગત સ્વતંત્રતાનો અભાવ સર્જાય છે."

વિજય મકવાણા આ સમસ્યાના સમાધાન અંગે જણાવતા કહે છે કે, તેનાથી યુગલો આ રાજ્ય બહાર જઈને પણ લગ્ન કરી શકે છે. તે લગ્ન ભારતના કોઈ પણ ખૂણામાં થઈ શકે છે.

"જો યુગલોને આ રાજ્યમાં રોકવામાં આવે તો તે અન્ય રાજ્યોમાં જઈને સબ રજિસ્ટ્રારની કચેરીએ જઈને લગ્ન કરી લેશે."

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ અનુસાર, રાજસ્થાનમાં આંતરધાર્મિક લગ્ન બાદ એક વ્યક્તિની પુત્રીનાં લગ્નની નોંધણી કરાવનારા અધિકારીઓ સામે એફઆઇઆર નોંધવાની માગ કરવામાં આવી હતી, જેના સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટના આદેશમાં જણાવાયું હતું કે, 'પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર બંધારણની કલમ 21નો અભિન્ન ભાગ છે.'

ગુજરાત હાઇકોર્ટના સિનિયર વકીલ પીયૂષ જાદુગર કહે છે, "આ નવા સૂચિત કાયદાઓ દીકરીઓના હકોનું હનન કરવા માટે અને છોકરીઓમાં બાપનું ધન સમાયેલું છે તે કોઈ ઝૂંટવી ન જાય જેવી રૂઢિવાદી માનસિકતાને પ્રોત્સાહન આપવા નેતાઓ આવી વાતો કરતાં હોય છે."

પીયૂષ જાદુગર કહે છે, "આવા કાયદાઓ દીકરીઓ પર માલિકીનો ભાવ બતાવવા જેવી ભેદભાવવાળી નીતિને પ્રોત્સાહન આપે છે. સ્ત્રીઓને કાબૂમાં રાખવાની વાત છે, રાજકારણીઓ ફક્ત વોટ લેવા માટે મહિલાઓના હકોનો નાશ કરી રહ્યા છે."

તેઓ ઉમેરે છે કે જો આવું ન થયું અને જો બંધન વધી જશે, તો પતિ પત્ની રહેવા કરતાં લોકો લિવ-ઇનમાં રહેવાનું પસંદ કરશે.

વીડિયો કૅપ્શન, ગુજરાત : 'અડધી રાત્રે પણ આવી જઈશું..' હર્ષ સંઘવીના નિવેદનનો ગેનીબહેને શું જવાબ આપ્યો?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન