દીકરીઓને સંપત્તિમાં હક આપવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આદિવાસીઓમાં કેમ વિરોધ થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Alok Putul
- લેેખક, આલોક પુતુલ
- પદ, બીબીસી માટે, રાયપુરથી
સુપ્રીમ કોર્ટના એક ઐતિહાસિક ચુકાદાએ આદિવાસી સ્ત્રીઓને પૈતૃક સંપત્તિની હકદાર બનાવી દીધી છે.
આ માત્ર એક કાનૂની ચુકાદો નથી.
આ સદીઓ જૂની આદિવાસી પરંપરાના સમુદ્રમાં ફેંકાયેલો એક પથ્થર છે.
આ ચુકાદાના કારણે સર્જાતાં મોજાંઓના પડઘા ઘણી જગ્યા અનુભવાઈ રહ્યા છે.
આ કહાણીની શરૂઆત છત્તીસગઢના સૂરજપુરના માની ગામથી થાય છે.
પાંચ આદિવાસી ભાઈઓની એક બહેન હતી ધઇયા. પિતાની સંપત્તિમાં ધઇયાની હિસ્સેદારીની વાત આવી ત્યારે ભાઈઓએ તેને ભાગ આપવાનો સંપૂર્ણ ઇન્કાર કર્યો હતો.
ભાઈઓનું કહેવું હતું કે આદિવાસીઓમાં દીકરીઓને સંપત્તિમાં હિસ્સો આપવાની પરંપરા નથી.
ધઇયાનાં દીકરા-દીકરીઓએ તેમની માતાના અધિકાર માટે કોર્ટમાં ધા નાખી હતી. આ મામલો સૂરજપુરથી દિલ્હી સુધી પહોંચ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ધઇયાને પણ તેના પિતાની સંપત્તિમાં હક્ક મળવો જોઈએ. જોકે, ધઇયા હવે જીવીત નથી.
બીજી તરફ આદિવાસી સંગઠનો આ ચુકાદાનો વિરોધ કરી રહ્યાં છે.
ધઇયાના પુત્ર રામચરણસિંહ બીબીસીને કહે છે, "નાનાની સંપત્તિમાં હક્ક મળશે કે નહીં તે હું જાણતો નથી. આદિવાસી સમાજ મારી લડાઈની વિરુદ્ધમાં છે, એ પણ હું જાણતો નથી. મને એટલી જ ખબર છે કે મારી માતાના હક્ક માટે મેં 1993માં કાનૂની લડાઈ શરૂ કરી હતી. હું એ લડાઈ 32 વર્ષ સુધી લડ્યો છું. આખરે તેમાં જીત મેળવી છે."
સુપ્રીમ કોર્ટનો નિર્ણય અને આદિવાસી સમુદાયની વસ્તી

ઇમેજ સ્રોત, CG Khabar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2011ની વસ્તી ગણતરી મુજબ, દેશમાં આદિવાસીઓની કુલ જનસંખ્યા 10.42 કરોડની આસપાસ છે.
આદિવાસીઓ દેશની કુલ વસ્તીનો 8.6 ટકા હિસ્સો છે. દેશના મોટાભાગના આદિવાસી સમાજમાં દીકરીઓ પૈતૃક સંપત્તિમાં હિસ્સેદાર નથી.
છત્તીસગઢના સૂરજપુરની એક મામૂલી સંપત્તિ મામલાનો આ અદાલતી ચુકાદો 730 જેટલા અલગ-અલગ સમુદાયોવાળા આદિવાસી સમાજ પર વ્યાપક અસર કરશે, એવું માનવામાં આવે છે.
આ કથાને ટૂંકમાં સમજીએ. સૂરજપુરના માનપુર ગામના ભજ્જુ ગૌડ ઉર્ફે ભજન શોરીને પાંચ દીકરા અને એક દીકરી હતી. દીકરીનું નામ ધઇયા હતું. ધઇયાનાં લગ્ન રગમ સાઈ સાથે કરવામાં આવ્યાં હતાં. લગ્ન બાદ તેઓ સાસરે રહેતાં હતાં.
સંપત્તિમાં ભાગ પાડવાની વાત આવી ત્યારે ભજ્જુ ગૌડે તેમની જમીન દીકરાઓમાં વહેંચી નાખી હતી. ધઇયાના દીકરાઓએ દાવો કર્યો હતો કે એ પૈતૃક સંપત્તિમાં તેમની માતાને પણ બરાબર હિસ્સો મળવો જોઈએ.
ધઇયાના પુત્ર રામચરણ કહે છે, "આદિવાસીઓમાં દીકરીઓને પૈતૃક સંપત્તિમાં હક્ક મળતો નથી, એવું અમને કહેવામાં આવ્યું હતું. અમે અવાજ ઉઠાવ્યો ત્યારે આદિવાસી રીત-રિવાજોનો હવાલો આપીને અમને ચૂપ કરી દેવામાં આવ્યા હતા. એ પછી 1993માં અમે સૂરજપુરની અદાલતમાં કેસ દાખલ કર્યો હતો."
ધઇયાના દીકરાઓની અરજીને પહેલાં સૂરજપુરની સ્થાનિક અદાલતે અને પછી છત્તીસગઢ હાઇકોર્ટે, આદિવાસી પરંપરાઓનો હવાલો આપીને ફગાવી દીધી હતી.
એ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિ સંજય કરોલ અને ન્યાયમૂર્તિ જૉયમાલ્યા બાગચીની ખંડપીઠે ગયા મહિને આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
'રીતિરિવાજોએ સમય સાથે બદલાવું જોઈએ'

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે મહિલાઓને ઉત્તરાધિકારથી વંચિત રાખવી તે અયોગ્ય અને ભેદભાવપૂર્ણ છે.
અદાલતે એમ પણ જણાવ્યું હતું કે હિંદુ ઉત્તરાધિકાર કાયદો અનુસૂચિત જનજાતિઓને લાગુ પડતો નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે આદિવાસી મહિલાઓ વારસાના અધિકારોથી આપમેળે બાકાત રહી જાય.
આદિવાસી સમાજની મહિલાઓને પૈતૃક સંપત્તિમાં હિસ્સેદારીથી વંચિત રાખતો કોઈ પ્રચલિત રિવાજ છે કે નહીં તે જોવું જરૂરી છે.
અદાલતના જણાવ્યા મુજબ, આદિવાસી મહિલાઓને ઉત્તરાધિકારથી વંચિત રાખતો હોય તેવો કોઈ રીત-રિવાજ અસ્તિત્વમાં હોય તેવું આ કેસમાં એકેય પક્ષ સાબિત કરી શક્યો નથી.
અદાલતનું કહેવું હતું કે આવો કોઈ રિવાજ હોય તો પણ તે સમય સાથે વિકસિત થવો જોઈએ.
અદાલતે કહ્યું હતું, "રિવાજ પણ કાયદાની માફક સ્થિર રહી શકે નહીં અને તેની આડમાં અન્યોને તેમના કાયદેસરના અધિકારોથી વંચિત રાખવાની છૂટ કોઈને પણ આપી શકાય નહીં."
ન્યાયાલયના જણાવ્યા મુજબ, લિંગના આધારે ઉત્તરાધિકારનો ઇન્કાર કરવો તે બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે.
ન્યાય તમામ લોકોને સમાનતાનો અધિકાર આપે છે. માત્ર પુરુષો વારસદારોને જ સંપત્તિના અધિકારી માનવાનો કોઈ તર્કસંગત આધાર નથી.

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોના ચુકાદા વિશે પણ ટિપ્પણી કરી હતી.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે જ્યારે કોઈ ચોક્કસ આદિવાસી રિવાજ અથવા સંહિતાબદ્ધ કાયદો સ્ત્રીઓને વારસાનો હક્ક નકારતો હોય ત્યારે કોર્ટે "ન્યાય, સમાનતા અને સદવિવેક"ના સિદ્ધાંતો અપનાવવા જોઈએ.
અદાલતે કહ્યું હતું, "કોઈ મહિલા કે તેના ઉત્તરાધિકારીઓને સંપત્તિના અધિકારથી વંચિત રાખવાનું કૃત્ય લિંગ આધારિત વિભાજન અને ભેદભાવને વધારે ઘેરા બનાવે છે. કાયદાનો હેતુ તેને ખતમ કરવાનો હોવો જોઈએ."
અદાલતે એમ પણ જણાવ્યું હતું કે પૂર્વજોની સંપત્તિમાં માત્ર પુરુષોને જ ઉત્તરાધિકાર આપવા અને મહિલાઓને નહીં આપવા પાછળ કોઈ તર્કસંગત કે યોગ્ય વર્ગીકરણ ન હોય એવું લાગે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું, "અનુચ્છેદ 15(1) જણાવે છે કે રાજ્ય કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ, જાતિ, વંશ, લિંગ કે જન્મસ્થાનને આધારે ભેદભાવ નહીં કરે. તે અનુચ્છેદ 38 અને અનુચ્છેદ 46 સાથે મળીને બંધારણની એ સામૂહિક ભાવનાને દર્શાવે છે, જે મહિલાઓ સાથેના કોઈ પણ પ્રકારના ભેદભાવ પર પૂર્ણવિરામ મૂકવા કટિબદ્ધ છે."
છત્તીસગઢ હાઇકોર્ટનાં વકીલ અને સામાજિક કાર્યકર પ્રિયંકા શુક્લ જણાવે છે કે હિંદુ ઉત્તરાધિકાર કાયદો હિંદુ મહિલાઓને તેમના પિતાની અર્જિત સંપત્તિમાં સમાન અધિકાર આપે છે.
2005ના હિંદુ ઉત્તરાધિકાર (સુધારા) અધિનિયમ હેઠળ હિન્દુ મહિલાઓને પૂર્વજોની મિલકતનો અધિકાર આપવામાં આવ્યો હતો. જોકે, આ કાયદામાંથી આદિવાસી સમુદાયોને બાકાત રાખવામાં આવ્યા છે.
પ્રિયંકા શુક્લ કહે છે, "આ જ કારણસર સંપત્તિના મામલામાં આજે પણ આદિવાસી સમાજમાં પરંપરાગત કાયદો અમલમાં છે. એ કાયદા હેઠળ દીકરીઓને પૈતૃક સંપત્તિમાં હક્ક મળતો નથી."
શું વર્ષો જૂની આદિવાસી પરંપરા તૂટશે?

ઇમેજ સ્રોત, CG Khabar
અલબત, હવે મોટો સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી સદીઓ પુરાણી આદિવાસી પરંપરા તૂટશે?
પૈતૃક મિલકતમાં હિસ્સો મેળવવાનો માર્ગ આદિવાસી દીકરીઓ માટે પણ ખુલશે?
અરજદાર રામચરણના પુત્ર સદન ટેકામ માને છે કે આ ચુકાદાથી આદિવાસી સમાજમાં મોટું પરિવર્તન આવશે.
સદન કહે છે, "આ ચુકાદાથી અમે બધા બહુ ખુશ છીએ. અમે તો માત્ર એટલું જ કહ્યુ હતું કે જે સંપત્તિ પર અમારાં દાદી રહેતાં હતાં, એ તેમને મળવી જોઈએ. પરિવારના લોકો એ માટે પણ તૈયાર થયા ન હતા. હવે અદાલતનો ચુકાદો અમારી તરફેણમાં આવ્યો છે કે દીકરીઓને પણ હક્ક મળવો જોઈએ."
બીજી તરફ છત્તીસગઢના આદિવાસી સમાજનો એક વર્ગ આ ચુકાદાથી નારાજ અને ચિંતિત છે.
બસ્તરમાં 'સર્વ આદિવાસી સમાજ'ના પ્રકાશ ઠાકુરે એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું, "આ ચુકાદાથી આગામી સમયમાં સમગ્ર દેશમાં ઘરેઘરે ગૃહયુદ્ધ છેડાવાની પ્રબળ શંકાને નકારી શકાય નહીં. તેથી માનનીય સુપ્રીમ કોર્ટે તેના આ ચુકાદા બાબતે પુનર્વિચાર કરવો જોઈએ."
પ્રકાશ ઠાકુરના જણાવ્યા મુજબ, ગોંડ આદિવાસી સમાજમાં મહિલાઓને તેમના પતિની સંપત્તિ પર 100 ટકા અધિકાર હોય છે.
પિતાની સંપત્તિમાં દીકરીઓને પરંપરાગત રીતે હિસ્સો આપવામાં આવતો નથી.
કૂળવધુ પ્રથા અનુસાર દીકરીઓને બીજા કૂળની સભ્ય માનવામાં આવે છે. તેમનાં લગ્ન થાય છે ત્યાંની સંપત્તિમાં તેને "માલિકણ"નો દરજ્જો પ્રાપ્ત થાય છે તેનું કારણ આ જ છે.
પ્રકાશ ઠાકુરનું કહેવું છે કે આ મામલામાં આદિવાસી સમાજ વકીલો સાથે ચર્ચા કરી રહ્યો છે.
ઇંદિરા ગાંધી અને નરસિંહ રાવ સરકારમાં કેન્દ્રીય પ્રધાન તરીકે સેવા આપી ચૂકેલા આદિવાસી નેતા અરવિંદ નેતામનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં યોગ્ય રીતે રજૂઆત કરવામાં આવી ન હતી.
તેઓ આ ચુકાદાને આદિવાસીઓના "પરંપરાગત કાયદાથી" વિપરીત ગણાવે છે અને જણાવે છે કે આ ચુકાદાથી આદિવાસી પરિવારમાં વિઘટનની પ્રક્રિયા શરૂ થશે.
અરવિંદ નેતામના જણાવ્યા મુજબ, આદિવાસીની જમીન કોઈ આદિવાસીને જ વેચી શકાય છે. આ કારણસર છેલ્લાં કેટલાંક વર્ષોથી બિન-આદિવાસીઓ આદિવાસી છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યાં હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
તેનો હેતુ મુખ્યત્વે આદિવાસી જમીન ખરીદવાનો જ હોય છે.
અરવિંદ નેતામ કહે છે, "આદિવાસી સમાજમાં મહિલાઓને બરાબરીનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાથી આદિવાસી સમાજનું આખું માળખું તૂટી પડશે. બિન-આદિવાસી લોકો મિલકતના લોભમાં આદિવાસી છોકરીઓ સાથે લગ્ન કરવાનું શરૂ કરશે. આ ચુકાદાનાં દૂરગામી પરિણામોની કલ્પના પણ થઈ શકતી નથી."
યુવાનો અને મહિલાઓ શું કહી રહ્યાં છે?

આ બધાની વચ્ચે અનેક આદિવાસી યુવા અને મહિલાઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખુશ છે.
અભિનવ શોરી બસ્તરના યુવા આદિવાસી સામાજિક કાર્યકર છે. બિન-આદિવાસીઓ દ્વારા આદિવાસી સંપત્તિ કબજે કરવાની આશંકાનો જવાબ તેઓ આપે છે.
તેમનું કહેવું છે કે કોઈ સંભવિત નુકસાનના ડરથી કોઈને તેના મૂળ અધિકારથી વંચિત રાખવાનું બંધારણ અનુસાર યોગ્ય નથી.
અભિનવ કહે છે, "કેટલી આદિવાસી મહિલાઓની જમીન બિન-આદિવાસી પાસે પહોંચી ગઈ છે તેના કોઈ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી. તેથી આંધ્ર પ્રદેશ અનુસૂચિત ક્ષેત્ર લૅન્ડ ટ્રાન્સફર નિયમન અનુસાર કાયદામાં સુધારા કરવા જરૂરી છે. તેમાં આદિવાસી દ્વારા બિન-આદિવાસીને જમીન ટ્રાન્સફર કરવાને ગેરકાયદે ગણવામાં આવે છે. આદિવાસી જમીન ફક્ત આદિવાસીઓને જ વેચી શકાય છે."
કાંકેરનાં આદિવાસી સામાજિક કાર્યકર વંદના કશ્યપનું કહેવું છે કે સમયની સાથે પરિવર્તન થવું જોઈએ. દીકરીઓને પણ તેમના અધિકાર મળવા જોઈએ.
વંદના કહે છે, "આદિવાસી સમાજ ઝડપથી બદલાયો છે. ખાનપાનથી માંડીને વસ્ત્ર પરિધાન સુધીની દરેક બાબતમાં પરિવર્તન થયું છે. અમે પરિવર્તન સ્વીકાર્યું છે ત્યારે પરંપરાના નામે સંપત્તિના અધિકારથી દીકરીઓને વંચિત રાખી શકાય નહીં. આ પરિવર્તનનું પણ આપણે સહર્ષ સ્વાગત કરવું જોઈએ."
છત્તીસગઢમાં મહિલા અધિકારો માટે વર્ષોથી કામ કરતાં આદિવાસી સામાજિક કાર્યકર ઇંદુ નેતામ પણ આ ચુકાદાને ક્રાંતિકારી અને જરૂરી નિર્ણય માને છે.
ઇંદુ નેતામ બીબીસીને કહે છે, "જે અધિકાર દેશની અન્ય મહિલાઓને મળેલો છે તેનાથી આદિવાસી મહિલાઓને શા માટે વંચિત રાખવી જોઈએ? આ ચુકાદો આદિવાસી મહિલાઓના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવનારો મોટો નિર્ણય છે."
આદિવાસી છોકરીઓ માટે પૈતૃક વારસાઈ જમીન મેળવવાનો માર્ગ મોકળો કરતા સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાનો અમલ કેટલી હદ સુધી થશે તે કહેવું મુશ્કેલ છે.
હા, એટલું નક્કી છે કે આ ચુકાદાને પગલે મોટી ચર્ચા જરૂર શરૂ થઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












