આદિવાસીઓના 'ભગવાન' ગણાતા બિરસા મુંડાએ ભારતમાં કયો 'અલગ ધર્મ' સ્થાપ્યો હતો?

બિરસા મુંડા, આદિવાસી સમાજ, આદિવાસીઓના જનનાયક, ભારતમાં આદિવાસી આંદોલન, ધર્મ, બીબીસી ગુજરાતી, બ્રિટિશ રાજ, અંગ્રેજોનું ભારતમાં શાસન, ભારતીય સંસદ ભવન, ઝારખંડ

ઇમેજ સ્રોત, RAJYASABHA.NIC.IN

    • લેેખક, આનંદ દત્ત
    • પદ, રાંચીથી બીબીસી ગુજરાતી માટે

બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશશાસન સામે પણ બાથ ભીડી હતી.

આદિવાસીઓના ભગવાન કહેવાતા બિરસા મુંડાએ આપેલા યોગદાનને કારણે જ તેમની તસવીરને ભારતીય સંસદના સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ સન્માન આદિવાસી સમુદાયમાં માત્ર બિરસા મુંડાને જ મળ્યું છે.

બિરસા મુંડાનો જન્મ ઝારખંડના ખૂંટી જિલ્લામાં થયો હતો. તેમના જન્મવર્ષ અને તારીખ બાબતે વિવિધ માહિતી ઉપલબ્ધ છે. ઘણાં ઠેકાણે તેમની જન્મતારીખ 15 નવેમ્બર, 1875 હોવાનો ઉલ્લેખ છે.

ભારતીય વહીવટી સેવાના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા કુમાર સુરેશસિંહે બિરસા મુંડા વિશે સંશોધન પર આધારિત એક પુસ્તક લખ્યું છે. તે પુસ્તકનું શીર્ષક છેઃ બિરસા મુંડા ઔર ઉસકા આંદોલન.

કુમાર સુરેશસિંહ છોટાનાગપુરના કમિશનર હતા અને તેમણે આદિવાસી સમાજનું વિગતવાર અધ્યયન કર્યું હતું. તેમનું 15 વર્ષ પહેલાં અવસાન થયું હતું, પણ તેમણે લખેલા બિરસા મુંડા વિશેના પુસ્તકની ગણતરી પ્રમાણિક પુસ્તકોમાં થાય છે.

કુમાર સુરેશસિંહે લખેલા પુસ્તકમાં બિરસા મુંડાનું જન્મવર્ષ 1872 હોવાનું જણાવવામાં આવ્યું છે. એ સિવાયની ઘણી રસપ્રદ માહિતી પણ પુસ્તકમાં છે.

આ પુસ્તકમાં વિવિધ સ્રોતોના માધ્યમથી એવું જણાવવામાં આવ્યું છે કે બિરસા મુંડાના પરિવારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.

બિરસા મુંડાના મોટા કાકા કાનુ પોલૂસ ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરી ચૂક્યા હતા. તેમના પિતા સુગના અને તેમના નાનાભાઈએ પણ એવું કર્યું હતું.

બિરસા મુંડાના પિતા તો ખ્રિસ્તી ધર્મના પ્રચારક સુધ્ધાં બન્યા હતા. ધર્મપરિવર્તન બાદ બિરસાનું નામ દાઉદ મુંડા અને તેમના પિતાનું નામ મસીહદાસ રાખવામાં આવ્યું હતું.

ખ્રિસ્તી ધર્મ સાથેનો સંબંધ તોડ્યો

બિરસા મુંડા, આદિવાસી સમાજ, આદિવાસીઓના જનનાયક, ભારતમાં આદિવાસી આંદોલન, ધર્મ, બીબીસી ગુજરાતી, બ્રિટિશ રાજ, અંગ્રેજોનું ભારતમાં શાસન, ભારતીય સંસદ ભવન, ઝારખંડ

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કુમાર સુરેશસિંહના પુસ્તકમાં જણાવ્યા મુજબ, બિરસા મુંડાનાં માસી જોની તેમને બહુ પ્રેમ કરતાં હતાં.

જોની તેમનાં લગ્ન પછી બિરસાને તેમની સાથે તેમના સાસરી ખટંગા ગામે લઈ ગયા હતાં. ત્યાં તેમનો સંપર્ક એક ખ્રિસ્તી ધર્મપ્રચારક સાથે થયો હતો. એ પ્રચારક તેમના પ્રવચનમાં મુંડા સમુદાયની જૂની વ્યવસ્થાની ટીકા કરતા હતા. એ બિરસા મુંડાને જરાય ગમતું ન હતું.

એ જ કારણસર બિરસા મુંડાએ મિશનરી સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી પોતાના આદિવાસી રીતરિવાજ ભણી પાછા ફર્યા હતા.

જોકે, 1894માં આદિવાસીઓની જમીન તથા વનસંબંધી અધિકારોના માગ વિશેના સરદાર આંદોલનમાં સામેલ થયા બાદ બિરસા મુંડાના જીવનમાં નોંધપાત્ર વળાંક આવ્યો હતો.

એ સમયે તેમને સમજાયું હતું કે આદિવાસી કે ખ્રિસ્તી ધર્મ એ બેમાંથી કોઈ આ આદિવાસી આંદોલનને પ્રાધાન્ય આપતું નથી.

એ પછી બિરસા મુંડાએ અલગ ધાર્મિક પદ્ધતિની વ્યાખ્યા કરી હતી.

એ ધાર્મિક પદ્ધતિનું અનુસરણ આજે પણ ઘણા લોકો કરે છે અને એમને 'બિરસાઈત' કહેવામાં આવે છે.

કુમાર સુરેશસિંહે તેમના પુસ્તકમાં લખ્યું છે, "બિરસા મુંડાએ તેમના ધર્મના પ્રચાર માટે 1895માં 12 શિષ્યોની નિમણૂક કરી હતી. જલમઈ (ચાઈબાસા)ના રહેવાસી સોમા મુંડાને પ્રમુખ શિષ્ય જાહેર કર્યા હતા અને તેમને ધર્મ-પુસ્તક સોંપ્યું હતું."

આ સંદર્ભમાં વિચારીએ તો બિરસા મુંડાએ તેમના ધર્મની સ્થાપના 1894-95ની વચ્ચે કરી હશે.

બિરસા મુંડાને લાખો લોકો ભગવાન માને છે, પરંતુ તેમણે સ્થાપેલા ધર્મનું અનુસરણ ખૂંટી, સિમડેગા અને ચાઈબાસા જિલ્લાના કેટલાક હજાર લોકો જ કરે છે. આવું કેમ?

બિરસાઈત ધર્મનું પાલન કરવું કેટલું મુશ્કેલ?

બિરસા મુંડા, આદિવાસી સમાજ, આદિવાસીઓના જનનાયક, ભારતમાં આદિવાસી આંદોલન, ધર્મ, બીબીસી ગુજરાતી, બ્રિટિશ રાજ, અંગ્રેજોનું ભારતમાં શાસન, ભારતીય સંસદ ભવન, ઝારખંડ

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC

ઇમેજ કૅપ્શન, બિરસાઈત ધર્મનું પાલન કરતા લોકો

રાંચીથી 45 કિલોમીટર દૂર આવેલા ખૂંટી જિલ્લાના ચારિદ ગામના 65 વર્ષીય જગાય આબા કહે છે, "બિરસાઈત ધર્મનું પાલન કરવું બહુ મુશ્કેલ છે. અમે માંસ, મદિરા, તમાકુ કે બીડીને કોઈ પણ કિંમતે હાથ લગાવતા નથી."

"બજારમાં મળતી ખાવાની ચીજો ખાતા નથી. બીજાના ઘરનું ભોજન પણ ખાતા નથી. ગુરુવારે ફૂલ, પાંદડાં કે દાતણ તોડતાં નથી. એટલું જ નહીં ખેતી માટે હળ પણ ચલાવતા નથી. માત્ર ઊજળા રંગના સુતરાઉ કપડાં જ પહેરીએ છીએ."

જગાયના 24 વર્ષીય પુત્ર હંસરાજ કહે છે, "અમારા ધર્મમાં પૂજા માટે ફૂલ, પ્રસાદ, દક્ષિણા, અગરબત્તી અને ફાળ જેવી ચીજોનો ઉપયોગ વર્જ્ય છે. અમે માત્ર પ્રકૃતિના પૂજા કરીએ છીએ, ગીતો ગાઈએ છીએ અને જનોઈ પહેરીએ છીએ."

હંસરાજનાં પત્ની પેલોંગ મુંડાઈન કહે છે, "પુરુષ હોય કે સ્ત્રી, અમે વાળ કપાવતા નથી."

ખૂંટી કૉલેજમાં મુંડારી ભાષાના પ્રોફેસર બીરેન્દ્રકુમાર સોય મુંડા કહે છે, "બહારની કોઈ વ્યક્તિ તેમના ઘરે જાય તો તેઓ તેમને ભોજન રાંધી આપતા નથી, પણ મહેમાન માટે અનાજ, લાકડાં અને ભોજન બનાવવા માટેની જગ્યાની વ્યવસ્થા કરી આપે છે."

પ્રોફેસર બીરેન્દ્રકુમાર સોય મુંડા ઉમેરે છે, "અન્ય જ્ઞાતિની છોકરીનાં લગ્ન બિરસા સમાજના છોકરા જોડે થાય તો છોકરીએ બિરસાઈતનું પાલન કરવું પડે છે, પરંતુ બિરસાઈત ધર્મનો છોકરો બીજી જ્ઞાતિ કે ધર્મની છોકરી સાથે લગ્ન કરે તો તેને સામાજિક સ્વીકૃતિ મળવી બહુ મુશ્કેલ બને છે."

"બિરસાઈતનું પાલન કરનારા લોકોની ઓછી સંખ્યાનું એક મોટું કારણ આ છે."

1901માં બિરસા મુંડાનું અવસાન થયું હતું અને તેમણે શરૂ કરેલા આંદોલનનો પ્રભાવ આજે દેશભરના તમામ આદિવાસીઓ પર જોવા મળે છે, પરંતુ તેમણે શરૂ કરેલા ધર્મનું પાલન કરતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. વળી એ ધર્મમાં પણ અનેક પંથ છે.

સિમડેગા જિલ્લામાં રહેતા બિરસા મુંડા નામના એક અન્ય બિરસાઈત કહે છે, "આમાં પણ ત્રણ પંથના લોકો છે. એક પંથના લોકો બુધવારે પૂજા કરે છે. બીજા પંથના લોકો ગુરુવારે અને ત્રીજા પંથના લોકો રવિવારે પૂજા કરે છે. એ ત્રણેયમાં રવિવારે પૂજા કરતા લોકોની સંખ્યા સૌથી વધારે છે."

"આ ત્રણેય પંથના લોકો પોતાના ચડિયાતા બિરસાઈત માને છે. ગુરુવારે પૂજા કરતા લોકો તેમના ઘરની બહાર ઝંડો લગાવે છે, જ્યારે બુધવાર અને રવિવારવાળા પંથના અનુયાયીઓ તુલસીની પૂજા કરે છે."

અલગ-અલગ પંથ

બિરસા મુંડા, આદિવાસી સમાજ, આદિવાસીઓના જનનાયક, ભારતમાં આદિવાસી આંદોલન, ધર્મ, બીબીસી ગુજરાતી, બ્રિટિશ રાજ, અંગ્રેજોનું ભારતમાં શાસન, ભારતીય સંસદ ભવન, ઝારખંડ

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC

ઇમેજ કૅપ્શન, ખૂંટી જિલ્લાના ચારિદ ગામના 65 વર્ષના જગાય આબા

પોતાના ધર્મની વિશિષ્ટતા બાબતે તેઓ કહે છે, "અમે ભૂત-પ્રેત, ભૂવા-ડાકણ વગેરેમાં જરાય માનતા નથી. વર્ષમાં બે વખત ત્રણેય પંથના લોકોનું ધાર્મિક સંમેલન સિમડેગા જિલ્લામાં યોજવામાં આવે છે. પહેલું સંમેલન 30 જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી સુધી અને બીજું સંમેલન 15થી 18 મે સુધી યોજવામાં આવે છે."

લેખક અને સામાજિક કાર્યકર સંજય બસુ મલ્લિક કહે છે, "બિરસાઈત લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તેઓ પરંપરાગત રીતે એટલે કે બળદ અને હળ વડે ખેતી કરે છે. તેઓ પોતાનું ભરણપોષણ જંગલમાં ઉપલબ્ધ સામગ્રીથી જ કરે છે."

બિરસાઈત ધર્મનું પાલન કરતા લોકોની ઓછી સંખ્યાનું કારણ જણાવતાં સંજય બસુ મલ્લિક કહે છે, "70ના દાયકા સુધી બહુ ઓછા લોકો અહીં બિરસાને જાણતા હતા. જે ખૂંટી જિલ્લામાં બિરસા મુંડાનું ઘર આવેલું છે ત્યાંના લોકો તો એવું કહેતા હતા કે બિરસાએ તેમના આંદોલન દરમિયાન અહીંના અનેક લોકોની હત્યા કરાવી હતી."

"રાંચીમાં 1981માં પહેલી વાર બિરસા મુંડા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી."

બિરસાઈત ધર્મમાં આસ્થા ધરાવતા લોકો વિશે સંજય બસુ મલ્લિક કહે છે, "આ લોકોના ઘરમાં જરૂરિયાતનો ઓછામાં ઓછો સામાન હોય છે. પોતાનું ભરણપોષણ કરી શકાય એટલી જ જમીન તેમની પાસે હોય છે."

ઝારખંડ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના સેન્ટર ફૉર એન્ડેજર્ડ લૅંગ્વેજિસમાં આસિસ્ટંટ પ્રોફેસર તરીકે કાર્યરત્ ગુંજલ ઈકિર મુંડા કહે છે, "બિરસાઈત ધર્મમાં શિક્ષિત લોકોનું પ્રમાણ ઓછું છે એ વાત સાચી છે, પરંતુ હવે અમે અમારાં સંતાનોને હિન્દી તથા અંગ્રેજી ઉપરાંત મુંડારી ભાષા પણ ભણાવી રહ્યા છીએ."

"નવી પેઢીનાં બાળકો સરકારી નોકરી કરવા ઇચ્છે છે. કેટલાક લોકોને એવી નોકરી મળી ચૂકી છે. અમે આ ધર્મ અપનાવવાનો આગ્રહ કોઈને કરતા નથી. લોકો આ ધર્મ સ્વેચ્છાએ અપનાવે છે. તેથી આ ધર્મના અનુયાયીઓની સંખ્યા ઓછી છે."

ધર્મનું રાજકારણ અને આદિવાસી સમાજ

બિરસા મુંડા, આદિવાસી સમાજ, આદિવાસીઓના જનનાયક, ભારતમાં આદિવાસી આંદોલન, ધર્મ, બીબીસી ગુજરાતી, બ્રિટિશ રાજ, અંગ્રેજોનું ભારતમાં શાસન, ભારતીય સંસદ ભવન, ઝારખંડ

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC

ઇમેજ કૅપ્શન, જગાયના પુત્ર હંસરાજ મુંડાનાં પત્ની પેલોંગ મુંડાઈન કહે છે, "પુરુષ હોય કે સ્ત્રી, અમે ક્યારેય વાળ કપાવતા નથી."

2011ની વસતીગણતરી મુજબ, દેશમાં આદિવાસીઓની કુલ સંખ્યા 10,42,81,034 છે. ગૃહ મંત્રાલય પાસેથે મળેલી માહિતી અનુસાર, ઝારખંડમાં 86 લાખથી વધુ આદિવાસીઓ વસે છે. તેમાં સરના ધર્મનું પાલન કરતા લોકોની સંખ્યા 40,12,622 છે.

32,45,856 આદિવાસીઓ હિન્દુ ધર્મનું પાલન કરે છે, જ્યારે ખ્રિસ્તી ધર્મનું પાલન કરતા આદિવાસીઓની સંખ્યા 13,38,175 છે.

રાંચીનાં વકીલ દીપ્તી હોરોએ 2018માં આરટીઆઈના માધ્યમ વડે આ માહિતી મેળવી હતી.

ઝારખંડ વિધાનસભાએ ગત વર્ષે 11 નવેમ્બરે સરના આદિવાસી ધર્મકોડ ખરડો પસાર કર્યો હતો અને તેને મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હતો.

ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન અગાઉ કહી ચૂક્યા છે કે "આદિવાસીઓ ક્યારેય હિન્દુ નહોતા અને અત્યારે પણ નથી. એ બાબતે કોઈ ગૂંચવાડો નથી. અમારું બધું અલગ છે."

બિરસા મુંડા, આદિવાસી સમાજ, આદિવાસીઓના જનનાયક, ભારતમાં આદિવાસી આંદોલન, ધર્મ, બીબીસી ગુજરાતી, બ્રિટિશ રાજ, અંગ્રેજોનું ભારતમાં શાસન, ભારતીય સંસદ ભવન, ઝારખંડ

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC

ઇમેજ કૅપ્શન, જગાય આબા અને તેમનો પરિવાર

ઑલ ઇન્ડિયા હો લૅંગ્વેજ ઍક્શન કમિટીના જનરલ સેક્રેટરી તરીકે કાર્ય કરી ચૂકેલા ઓડિશાના મયૂરભંજના રહેવાસી લક્ષ્મીધરસિંહ કહે છે, "અમારી માગની પાયાની વાત એ છે કે અમે બધાથી અલગ છીએ. અમે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ કે જૈન ધર્મથી અલગ છીએ. અમારી પરંપરા અન્ય ધર્મોથી અલગ છે."

"અંગ્રેજોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો અને અમારી વસતીગણતરી એક અલગ સમુદાય તરીકે કરી હતી. દેશ આઝાદ થયો એ પછીની પહેલી વસતીગણતરીમાં અમને હિન્દુધર્મી ગણાવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા."

લક્ષ્મીધરસિંહ દાવો કરે છે, "2011ની વસતીગણતરીમાં જેમણે અધર્સ લખ્યું હતું એમાંના મોટા ભાગના સરના આદિવાસીઓ છે. તેમની કુલ સંખ્યા 49 લાખ છે, જ્યારે જૈનધર્મીઓની કુલ સંખ્યા 43 લાખ છે."

"આ સંજોગોમાં અમને અલગ ઓળખ શા માટે ન મળવી જોઈએ? આદિવાસીઓ એક ઑર્ગેનાઇઝ્ડ ધાર્મિક ઓળખવાળા નથી, પરંતુ પ્રકૃતિ સાથે જોડાયેલા બધા એક જ છે."

બિરસા મુંડા, આદિવાસી સમાજ, આદિવાસીઓના જનનાયક, ભારતમાં આદિવાસી આંદોલન, ધર્મ, બીબીસી ગુજરાતી, બ્રિટિશ રાજ, અંગ્રેજોનું ભારતમાં શાસન, ભારતીય સંસદ ભવન, ઝારખંડ

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC

ઇમેજ કૅપ્શન, આરટીઆઈ હેઠળની અરજીનો ભારત સરકારે આપેલો જવાબ

જેએનયુના વિદ્યાર્થી બલભદ્ર બિરુઆએ 2013માં એક આરટીઆઈ મારફત કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સવાલ કર્યો હતો કે વસતી ગણતરીમાં સરનાને મુખ્ય ધર્મોની કૅટેગરીમાં શા માટે સામેલ કરવામાં આવ્યો નથી?

એ અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું, "ગણતરી આસાન બને એટલા માટે ધર્મકોડ આપવામાં આવતો હોય છે. કોડ મળવાથી કોઈ ધર્મ કે પંથને કોઈ વિશેષાધિકાર મળી જતો નથી. 2011ની વસતીગણતરી મુજબ, સરના ધર્મનું પાલન કરતા લોકોની વસતી ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તેમનું પ્રમાણ એટલું મોટું નથી."

બિરસા મુંડા, આદિવાસી સમાજ, આદિવાસીઓના જનનાયક, ભારતમાં આદિવાસી આંદોલન, ધર્મ, બીબીસી ગુજરાતી, બ્રિટિશ રાજ, અંગ્રેજોનું ભારતમાં શાસન, ભારતીય સંસદ ભવન, ઝારખંડ

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC

ઇમેજ કૅપ્શન, આરટીઆઈ હેઠળની અજીનો ભારત સરકારે આપેલો જવાબ

"એ વર્ષની વસતીગણતરીમાં આદિવાસીઓએ પોતાની ગણતરી 100થી વધુ ધર્મો-પંથો સાથે જોડાયેલી વ્યક્તિઓ તરીકે કરાવી હતી. તેમાં લોકોએ મુખ્યત્વે ઝારખંડના સરના, મણિપુરમાં સના માહી, અરુણાચલમાં ડોની કોલો ધર્મના લોકો તરીકે પોતાની ગણતરી કરાવી હતી. એ સિવાય સંથાલ, મુંડા, ઉરાંવ, ગોંડ, ભીલ તથા અન્ય ધર્મના માનતા લોકો પણ હતા."

"ઝારખંડમાં સરના સહિત 50 અન્ય ધર્મો-પંથોની નોંધણી કરવામાં આવી હતી. તેમાં મુંડા, ઉરાંવ, ગોંડ, ભીલ વગેરે જેવા 20 ધર્મો આદિવાસીઓના નામે જ છે. આ કારણસર વસતીગણતરીમાં બધા ધર્મો માટે અલગ-અલગ કૉલમ આપવાનું વ્યવહારુ નથી. તેથી તેમની ગણતરી અન્ય કૅટેગરીમાં કરવામાં આવે છે."

એ દેખીતું છે કે આદિવાસીઓના ધર્મ સાથે જોડાયેલા રાજકારણના નાયક બિરસા મુંડાએ જે ધર્મની શરૂઆત કરી હતી તેનું વર્તમાન સમયમાં કોઈ મહત્ત્વ જણાતું નથી કે તેને રાજકારણના સંદર્ભમાં પણ ધ્યાનમાં લેવાતો નથી.

(આ અહેવાલ 9 ઑગસ્ટ, 2021માં પ્રકાશિત થયો હતો)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.