ગુજરાત : ગીરના જંગલમાં રહેતા સિંહો કરતાં બહાર રહેતા સાવજોનું જીવન કેટલું અલગ છે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
સિંહ આમ તો ઘાસનાં મેદાનો, ઝાડી-ઝાંખરાવાળા પ્રદેશો કે પાંખી વનરાજી ધરાવતાં જંગલોમાં રહેનાર માંસાહારી પ્રાણી છે.
પૃથ્વી પર હાલ માત્ર બે જ જગ્યાએ સિંહો તેમના નૈસર્ગિક રહેઠાણમાં જોવા મળે છે. એક છે આફ્રિકા ખંડના દેશો અને બીજું છે ગીરનું જંગલ. ગીરમાં વસતા સિંહોને એશિયાઈ સિંહો કહેવાય છે.
ગીરનું જંગલ જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં પથરાયેલું છે. આ જંગલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર વન્યપ્રાણી અભયારણ્ય અને પાણિયા વન્યપ્રાણી અભયારણ્ય—એમ વન્યજીવો માટેના ત્રણ રક્ષિત વિસ્તારોમાં વહેંચાયેલું છે.
એવી જ રીતે અમરેલીમાં આવેલ મિતિયાળા વન્યપ્રાણી અભયારણ્ય તેમજ જૂનાગઢમાં આવેલું ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય પણ એશિયાઈ સિંહોનાં મુખ્ય રહેઠાણો છે. છેલ્લાં બે વર્ષથી સિંહોએ પોરબંદરમાં આવેલા બરડા વન્યપ્રાણી અભયારણ્યને પણ પોતાનું ઘર બનાવી લીધું છે.
પરંતુ વસ્તી વધતા એશિયાઈ સિંહો છેલ્લાં 20-25 વર્ષથી આ અભયારણ્યોની બહારના વિસ્તારોમાં પણ ફેલાવા લાગ્યા છે.
સિંહ હવે ગીરના જંગલ આજુબાજુ આવેલાં નાનાં નાનાં રક્ષિત વનો, આરક્ષિત વનો અને બિનવર્ગીકૃત વનો તેમજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને પોરબંદર જિલ્લાઓમાં આવેલી નદીઓ અને ઝરણાનાં કોતરો, ડૅમોની આજુબાજુ ઝાડીવાળા વિસ્તારો, ખેતી ન થતી હોય તેવી ખાનગી માલિકીની પડતર જમીનો તેમજ સરકારી ખરાબા, ગૌચર અને ખેતી થતી હોય તેવા ખેતરો-વાડીઓને શેઢે-પાળે આવેલાં ઝાડી-ઝાંખરાંમાં પણ વસી ગયા છે. આ વિસ્તારો 'બૃહદ ગીર' તરીકે ઓળખાય છે.
તો વળી, કેટલાક સિંહો પોરબંદરથી શરૂ કરીને ભાવનગરના તળાજા તાલુકા સુધીના દરિયાકાંઠે આવેલ ગાંડા બાવળોની ઝાડીમાં સ્થાયી થઈ ગયા છે.
સવાલ એ છે કે શું ગીરના જંગલની બહાર રહેતા સિંહોનું જીવન જંગલની અંદર રહેતા સિંહો જેવું જ હોય છે? જાણીએ આ અહેવાલમાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અડધોઅડધ સિંહ ગીરના જંગલની બહાર રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
મે, 2025માં ગુજરાતના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે હાથ ધરેલા સિંહ ગણતરીના આંકડા અનુસાર ગુજરાતમાં હવે 891 એશિયાઈ સિંહો છે. 2020માં આ વસ્તી 674 હતી. એટલે કે પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકા વધારો નોંધાયો છે.
2025ની ગણતરીમાં ધ્યાને આવ્યું છે કે, "891 સિંહોમાંથી 497 સિંહ, એટલે કે કુલ વસ્તીમાંથી 55.78 ટકા સિંહ ગીરમાં કે તેની આજુબાજુ આવેલાં અભ્યારણ્યો તેમજ અન્ય રક્ષિત વનોમાં રહેતા હતા. જ્યારે 394 સિંહ (44.2 ટકા) વનવિસ્તારોની બહાર માનવવસ્તીવાળા વિસ્તારોમાં નોંધાયા હતા.
સાદી ભાષામાં કહીએ તો લગભગ અડધોઅડધ સિંહો હવે જંગલથી દૂર માણસોની વચ્ચે રહે છે.
2010માં 74 સિંહ રક્ષિત વિસ્તારોની બહાર રહેતા હતા, જે સંખ્યા વધીને હવે લગભગ 400ની આજુબાજુ થઈ ગઈ છે. એટલે કે છેલ્લાં 15 વર્ષમાં સિંહોનું રહેઠાણ ઘણું બદલાયું છે.
બૃહદ ગીરમાં રહેતા સિહોનાં ઘર ગીરના જંગલમાં રહેતા સિંહો કરતા કેટલા અલગ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણ્યના સુપરિન્ટેન્ડેન્ટ મોહન રામની આગેવાની હેઠળ સંશોધકોની વિવિધ ટીમોએ 29 સિંહને રેડિયો કૉલર પહેરાવી ઉપગ્રહની મદદથી જૂન 2019થી ડિસેમ્બર 2023 સુધી સિંહોના હલનચલન અને ભ્રમણનું અવલોકન કર્યું.
આ સાથે જ સિંહ શું ખાય છે તેનો કયાસ મેળવવા તેમણે 2017થી 2021 દરમિયાન સિંહના મળના 443 નમૂના જંગલની અંદરથી અને 441 નમૂના જંગલની બહારથી મેળવીને કુલ 884 નમૂનાનો અભ્યાસ કર્યો.
આ સંશોધનનાં પરિણામોમાં સંકેતો મળ્યા છે કે જંગલની અંદર રહેતા સિંહો કરતાં જંગલની બહાર રહેતા સિંહોનું જીવન ઘણી રીતે ભિન્ન છે.
ચાર સંશોધન પ્રોજેક્ટમાંથી ચોથા પ્રોજેક્ટનાં પરિણામોની વિગતો આપતું સંશોધનપત્ર તાજેતરમાં પ્રકાશિત થયું છે.
ગીરની બહાર મોટા વિસ્તારોમાં ભ્રમણ કરતા સિંહો વિષે અભ્યાસ કરવા માટે મોહન રામની આગેવાની હેઠળ સંશોધકોની એક ટીમે બૃહદ ગીર વિસ્તારના 6 સિંહ અને 4 સિંહણો એમ કુલ 10 સિંહોને રેડિયો કૉલર પહેરાવી જૂન 2019થી ડિસેમ્બર 2023 સુધી તેમના ભ્રમણ અને હલન-ચલનનો અભ્યાસ કર્યો હતો.
આ સિંહોમાં લટાર મારતાં મારતાં અમરેલીથી છેક સુરેન્દ્રનગરના ચોટીલા પહોંચી ગયેલા બે સિંહોમાંનો એક સિંહ, ભાવનગરના ગારિયાધારનો એક સિંહ, પોરબંદરના રાણાવાવમાં દેખાયેલી એક સિંહણ, ગીર સોમનાથના વેરાવળ નજીક દેખાયેલો એક સિંહ, તુલસીશ્યામ વિસ્તારની એક સિંહણ વગેરેનો સમાવેશ થતો હતો. રેડિયો કૉલરની મદદથી સંશોધકોએ સિંહો કેટલું ચાલ્યા, કેટલી ગતિએ ચાલ્યા, દિવસના કયા સમય દરમિયાન ચાલ્યા વગેરેનો અભ્યાસ કર્યો.
આ સંશોધન અનુસાર જંગલ બહાર રહેતા નર સિંહોની ટેરિટરી (નક્કી કરેલો પોતાનો પ્રદેશ) સરેરાશ 384 વર્ગ કિલોમીટર હોય છે. આ વિસ્તાર જંગલની અંદરના સિંહો કરતાં ઘણો મોટો હતો.
2019માં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના તત્કાલીન ડીન અને પ્રોફેસર યાદવેન્દ્રદેવ ઝાલા અને અન્ય સંશોધકો દ્વારા પ્રકાશિત એક સંશોધનપત્ર અનુસાર ગીરના જંગલની અંદર રહેતા નર સિંહોની ટેરિટરીની સરેરાશ માત્ર 91 વર્ગ કિલોમીટર હોય છે.
ગીરના સિંહો કરતા બૃહદ ગીરના સિંહો કેટલું વધારે ચાલે છે?

ઇમેજ સ્રોત, Getty Images
રેડિયો કૉલરની મદદથી સંશોધકોએ સિંહો કેટલું ચાલ્યા, કેટલી ગતિએ ચાલ્યા, દિવસના કયા સમય દરમિયાન ચાલ્યા વગેરેનો અભ્યાસ કર્યો.
2019માં રેડિયો-કૉલર પહેરાવેલા બૃહદ ગીરના આ 10 સિંહો દરરોજ સરેરાશ 6.68 કિલોમીટર ચાલતા હતા.
આ સિંહો દિવસ દરમિયાન માત્ર 2.28 કિલોમીટર ચાલતા હતા, જ્યારે રાત્રી દરમિયાન 11 કિલોમીટર ચાલતા હતા. આ અંતર ગીરના જંગલની અંદર રહેતા સિંહો કરતાં વધારે હતું.
જૂન 2019થી સપ્ટેમ્બર 2020 દરમિયાન 19 સિંહોને રેડિયો કૉલર પહેરાવી કરાયેલ સંશોધન પ્રમાણે ગીરના જંગલની અંદર રહેતા નર સિંહો દરરોજ માત્ર 2.5 કિલોમીટર જ ચાલતા હતા, જ્યારે જંગલની બહાર રહેતા નર સિંહો દરરોજ સરેરાશ 6.1 કિલોમીટર ચાલતા હતા.
બીબીસી સાથે વાત કરતાં મોહન રામે કહ્યું હતું કે, "સિંહો આમ તો નિશાચર પ્રાણીઓ છે, એટલે રાત્રિ દરમિયાન વધારે સક્રિય રહે છે. સિંહોથી વિપરીત, માણસો દિવસના સમય દરમિયાન વધારે સક્રિય રહે છે. આ કારણે પ્રાથમિક રીતે જ સિંહો અને માણસો વચ્ચે સંપર્ક ઓછો થાય, પરંતુ બૃહદ ગીર વિસ્તારમાં રહેતા સિંહો માણસોની સાથે રહે છે."
"અમને લાગે છે કે બૃહદ ગીરના સિંહો રાત્રે વધારે સક્રિય રહે છે, કારણ કે રાત્રે તેમને માનવોની પ્રવૃત્તિથી ખલેલ પહોંચવાની શક્યતા ઓછી હોય છે."
તેમણે કહ્યું હતું કે, "અમારા સંશોધન દરમિયાન ધ્યાને આવ્યું કે લોકોનાં જ્યાં મકાનો છે તેવાં ગામોમાં રખડતી ગાયો અને આખલા સિંહોને આકર્ષે છે, પરંતુ સિંહો આવાં ગામોમાં દિવસ કરતાં રાત્રે વધારે જાય છે, કારણ કે રાત્રે માણસોની પ્રવૃત્તિ ઘટી ગઈ હોય છે અને તેથી માણસો સાથે સંપર્ક થવાની શક્યતા ઓછી રહે છે."
માનવવસ્તીની વચ્ચે જવાથી સિંહોનો ખોરાક પણ બદલાયો

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધકો અગાઉ પણ કહી ચૂક્યા છે કે કોઈ એક સિંહ કે સિંહ બેલડીનો પ્રદેશ કેવડો હશે તેનો આધાર જે તે વિસ્તારમાં સિંહોનો ખોરાક એવાં તૃણભક્ષી પ્રાણીઓની વસ્તીની ગીચતા, તે સિંહ પરિવારમાં સભ્યોની સંખ્યા અને તે વિસ્તારમાં પાણીની ઉપલબ્ધતા વગેરે પર આધાર રાખે છે.
એશિયાઈ સિંહોના ખોરાકમાં સાબર, ચિતલ, ચિંકારા, ચોશિંગા, કાળિયાર, વાંદરાં, જંગલી ભૂંડ, સસલાં, શાહુડી વગેરે જેવાં જંગલી તૃણાહારી પ્રાણીઓ મુખ્ય છે.
તે ઉપરાંત સિંહો પાલતુ ગાયો-આખલા-બળદ સહિતનાં ગૌવંશ, ભેંસો અને ઘેટાં-બકરાંનો પણ શિકાર કરે છે.
સ્વાભાવિક રીતે, જંગલની બહાર જંગલી તૃણભક્ષીઓની ગીચતા ઓછી હોય તેથી, જંગલ બહાર રહેતા સિંહ પરિવારોએ મોટા વિસ્તારમાં તેમનું સામ્રાજ્ય બનાવવું પડે છે.
સિંહો માંસાહારી હોવાથી વિવિધ પ્રાણીઓ અને ક્યારેક મોર જેવાં પક્ષીઓનો પણ શિકાર કરે છે, પરંતુ સિંહોનું પાચનતંત્ર પ્રાણીઓની રુવાંટીનું વિઘટન કરી શકતું નથી. તેથી રુવાંટી, હાડકાંના ટુકડા વગેરે તેમના મળ સાથે બહાર નીકળી જાય છે. સંશોધકો સિંહોના મળનું લૅબોરેટરીમાં વિશ્લેષણ કરી તેમાં રહેલ રૂંવાટીના આધારે સિંહોએ આરોગેલ પશુઓની ઓળખ કરી લે છે.
મોહન રામની ટીમના સંશોધનના 2023માં પ્રકાશિત થયેલાં પરિણામો મુજબ ગીરના જંગલમાં રહેતા સિંહોના ખોરાકમાં 74 ટકા જંગલી તૃણાહારી અને 26 ટકા પાલતુ પ્રાણીઓ હોય છે.
પરંતુ જંગલની બહાર રહેતા સિંહોના ખોરાકમાં જંગલી તૃણભક્ષીઓનું પ્રમાણ ઓછું એટલે કે 51 ટકા હોય છે જ્યારે પાલતુ પ્રાણીઓનું પ્રમાણ લગભગ બમણું એટલે કે 49 ટકા જેટલું હોય છે.
જંગલની અંદર રહેતા સિંહોના ખોરાકમાં સાબર (35 ટકા) સૌથી વધારે હોય છે. ત્યાર પછી ચિતલ (19%), પાલતુ ભેંસો (13%) અને પાલતુ ગૌવંશ (13%)નો નંબર આવે છે.
જ્યારે જંગલ બહાર માણસોની વચ્ચે રહેતા સિંહોના ખોરાકમાં નીલગાય એટલે કે રોજ સૌથી વધારે (38%) હોય છે. ત્યાર પછી ગૌવંશ (24%) પાલતુ ભેંસ-પાડા(17%), જંગલી ભૂંડ (15%), સાબર (4%), સસલા (3%), ચિતલ (3%), ચિંકારા (2%), પાલતુ બકરીઓ (2%), અને પાલતુ ઘેટાં (0.22%) હોય છે.
આમ, વનવિસ્તારોની બહાર રહેતા સિંહો પાલતુ પશુઓનું મારણ વધારે કરે છે.
પરંતુ મોહન રામ કહે છે કે, "જંગલની બહાર રહેતા સિંહો પણ ખેડૂતોના બહુ સારા મિત્રો છે."
તેમણે બીબીસીને કહ્યું, "નીલગાય અને જંગલી ભૂંડ ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરે છે, પરંતુ સિંહો નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરી તેમની વસ્તી પર નિયંત્રણ રાખે છે. તે ઉપરાંત, જે વાડીની આજુબાજુ સિંહો હોય તેવી વાડીની નજીક તો નીલગાય કે ભૂંડ ફરકતા નથી અને ખેડૂતોના પાક સુરક્ષિત રહે છે."
તેઓ ઉમેરે છે કે, "સિંહોને મોટા પ્રાણીઓનો શિકાર કરવો ગમે છે, કારણ કે એક જ શિકારમાં સફળતા મળે તો વધારે માત્રામાં માંસ મળી જાય છે. જંગલની અંદર સાબરની વસ્તી સારી હોવાથી સાબર સિંહોના ખોરાકનો મોટો ભાગ છે જ્યારે જંગલ બહાર પાલતુ પશુઓ ઉપરાંત નીલગાય મોટું કદ ધરાવતું તૃણાહારી પ્રાણી છે તેથી સિંહો તેને વધારે ટાર્ગેટ કરે છે."
જંગલ બહાર સિંહોને ક્યાં રહેવું ગમે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગીરના જંગલ બહાર સિંહોનાં મુખ્ય રહેઠાણોમાં નાનાં વન, ખરાબા, નદી, તળાવ, ડૅમ જેવા જળસ્ત્રોતો નજીકના વિસ્તારો, ખેડૂતોની વાડીમાં ઊભેલા પાક અને બાંધકામવાળા વિસ્તારો મુખ્ય છે.
ગત મહિને પ્રકાશિત થયેલા સંશોધનનાં પરિણામો અનુસાર ગીરના જંગલ બહાર પોતાનો પ્રદેશ નક્કી કરીને તેમાં સ્થાયી થઈને રહેતા સિંહો તેમનો મોટા ભાગનો સમય નાનાં નાનાં વનો અથવા શેરડી, કપાસ, બાજરી, જુવાર, સોયાબીન કે મગફળીનાં ખેતરોમાં કાઢે છે.
પરંતુ રખડતું-ભટકતું જીવન જીવતા અને ખૂબ લાંબા અંતર સુધી વિચરણ કરતા સિંહો વનો, પાણીકાંઠા અને આંબાના બગીચામાં રહેવાનું વધારે પસંદ કરે છે. તેઓ ખેતરો અને બાંધકામવાળા વિસ્તારોમાં જવાનું ટાળે છે.
સિંહો દિવસ દરમિયાન વનો, ખરાબા, આંબાના બગીચા, ઊભા પાકવાળાં ખેતર અને પાણી કાંઠાના વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે અને બાંધકામવાળા વિસ્તારોથી દૂર રહે છે.
જોકે રાત્રી દરમિયાન સિંહોની પસંદગીમાં ફેરફાર થાય છે. તેમાં વનો બાદ પાણી કાંઠાના વિસ્તારોનો ક્રમ આવે છે અને પછી ખરાબા આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












