ગીરના સિંહો એકબીજા સાથે વાત કેવી રીતે કરે છે, પેશાબ કરીને અન્ય પ્રાણીઓને શું સંકેત આપે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
તમે સિંહોની ત્રાડ વિશે તો સાંભળ્યું જ હશે અને તમારામાંથી કેટલાકે તો ગીરના જંગલ અથવા કોઈ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વખતે તે પ્રત્યક્ષ સાંભળી પણ હશે.
ત્રાડ પાડવી એ સિંહો માટે સંદેશ આપવાની એક રીત છે. બહુધા આ શ્રાવ્ય માધ્યમથી થતું કૉમ્યુનિકેશન છે. માણસો ઓડિયો-વિઝ્યુઅલ રીતે કૉમ્યુનિકેશન કરે છે. વળી, માણસો અન્ય પ્રાણીઓના હાવભાવ અને અવાજ વડે મળતી પ્રતિક્રિયાથી આવા પ્રાણીઓ સાથે પણ સંવાદ કરી શકે છે.
પરંતુ એક સિંહ અન્ય સિંહો સાથે અને સિંહો સિવાયના અન્ય પ્રાણીઓ સાથે રાસાયણિક સંકેતો દ્વારા પણ કૉમ્યુનિકેશન કરે છે.
અન્ય પ્રાણીઓ સાથે વાત કરવા માટે સિંહો ક્યાં અને કેવી રીતે કેમિકલ્સ છોડે છે, તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મોહન રામની આગેવાની હેઠળ સંશોધકોની એક ટીમે માર્ચ 2022થી એપ્રિલ 2024 એમ બે વર્ષ કરતાં પણ વધારે સમય સુધી આધુનિક ઉપકરણો અને પદ્ધતિથી ગીરના સિંહો ઉપર સંશોધન કર્યું.
અભ્યાસના અંતે ટીમ એવા તરણ પર આવી છે કે ગીરના સિંહોને અમુક પ્રકારના ઝાડ પર કેમિકલ સંકેતો મૂકવા ખાસ ગમે છે અને તે રીતે તેઓ અન્ય સિંહો અને અન્ય પ્રજાતિના પ્રાણીઓ માટે અમુક પ્રકારના સંકેતો છોડી જાય છે
સિંહો અન્ય પ્રાણીઓ સાથે કઈ રીતે વાત કરે છે?

ઇમેજ સ્રોત, Gujarat Forest Department
સિંહ બિલાડી કુળમાં સૌથી ટોચ ઉપર આવતું પ્રાણી ગણાય છે. જોકે વાઘ પણ આ જ કુળનું પ્રાણી છે અને તે પણ કુળમાં સૌથી ઉપરનું પ્રાણી ગણાય છે.
પરંતુ, સિંહો અને વાઘ નૈસર્ગિક વાતાવરણમાં એક જ સાથે વસવાટ કરતા હોય તેવું કોઈ જંગલ કે ઘાસનું મેદાન દુનિયામાં હાલ નથી.
સિંહ ગ્રાસલૅન્ડ (ઘાસના ખુલ્લા મેદાન), સ્ક્રબલૅન્ડ (ઝાડી-ઝાંખરાવાળા જંગલ) કે ગીરના જંગલ જેવા પાંખા અને સૂકા જંગલોમાં રહેવાનું પસંદ કરે છે, જયારે વાઘ ગાઢ જંગલો, સુંદરવન જેવા કાદવ-કીચડવાળા પ્રદેશો અને જ્યાં શિયાળામાં બરફ જામી જાય છે તેવા રશિયાના સાઈબેરિયામાં પણ જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સિંહ પોતાની હદ-સીમા બાંધી અને જીવના જોખમે પણ તે હદ-સીમાની રખેવાળી કરતા ટૅરિટોરિયલ એટલે કે પ્રાંતીય પ્રાણી છે.
સામાન્ય રીતે નર સિંહ આ રીતે નક્કી કરેલ પોતાની હદ-સીમામાં અન્ય નર સિંહોને પેસવા દેતા નથી અને તેના વિસ્તારમાં રહેલ માદાઓ એટલે કે સિંહણો સાથે સંવનન કરી પોતાનો વંશ-વેલો આગળ વધારવા પ્રયાસ કરે છે.
વિવિધ સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જંગલના કોઈ એક વિસ્તાર પર માત્ર તેનો જ એકાધિકાર છે તે દર્શાવવા અને અન્ય સિંહો અને દીપડા જેવા પ્રતિસ્પર્ધીઓને આવા વિસ્તારથી દૂર રહેવાનો સંકેત આપવા તેમ જ સિંહણોને આકર્ષવા માટે સિંહ ત્રાડ પાડે છે.
જો માણસ સહિત અન્ય કોઈ પ્રાણી તેની નજીક આવી જાય તો સિંહ ઘુરકિયાં કરી તેને દૂર રહેવા ચેતવણી આપે છે.
આ ઉપરાંત, સિંહ વૃક્ષો પર ચડી, તેના થડો પર નહોર વડે લિસોટા કરીને, ડોક કે શરીર ઘસીને કે પેશાબ છાંટીને પોતાની ગંધ છોડે છે.
વળી, કેટલીક જગ્યાએ મળત્યાગ કરીને પણ પોતાની ગંધ છોડે છે અને કોઈ ચોક્કસ વિસ્તાર પર તેનું આધિપત્ય હોવાનો સંકેત અન્ય પ્રાણીઓને આપે છે.
સિંહણો પણ કોઈ વૃક્ષો કે ઝાંખરા પર પોતાના નહોરથી લિસોટા કરીને કે શરીર ઘસીને તેની હાજરી છતી કરે છે.

ઇમેજ સ્રોત, Gujarat Forest Department
શરીરમાંથી છોડાતા આ પ્રકારના સેમીઓકેમિકલ્સ તરીકે ઓળખાતા રસાયણો અન્ય સિંહો અને પ્રાણીઓ સૂંઘે છે અને તે રીતે પણ તેમને તે વિસ્તારમાં રહેતા અને આધિપત્ય ધરાવતા સિંહ કે સિંહણોની હાજરીના સંકેત મળે છે.
સંશોધકો કહે છે કે આ રીતે કેમિકલ સિગ્નલ્સ દ્વારા પણ સિંહો અન્ય સિંહો સાથે તેમ જ સિંહ જાતિ સિવાયના પ્રાણીઓ સાથે કૉમ્યુનિકેશન કરે છે.
બીબીસી ગુજરાતી સાથે કરતા ડૉ. મોહન રામે જણાવ્યું, "પોતાની ટૅરિટરીનું પેટ્રોલિંગ (પોતાના વિસ્તારના રક્ષણ કરવા માટે કરવામાં આવતું ફેરણું) કરતી વખતે સિંહ દર પાંચસોથી આઠસો મીટરના અંતરે કોઈ ઝાડ કે છોડ પર પોતાના પેશાબનો છંટકાવ કરે છે."
"આ રીતે તે પોતાના વિસ્તારની બૉર્ડર અંકિત કરે છે. આ રીતે જેના પર પેશાબ છાંટવામાં આવ્યો હોય, તે વૃક્ષ કે છોડ 'બૉર્ડર પોસ્ટ' તરીકે કામ કરે છે."
સિંહોને કયા વૃક્ષ પર લિસોટા કે પેશાબ કરવો ગમે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
મોહન રામ અને તેમની ટીમે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં ફેલાયેલા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યની સરહદ નજીક 36 જગ્યાએ ઇન્ફ્રારેડ મૉશન ડિટેકશન કૅમેરા લગાડ્યા હતા.
આ પ્રકારના કૅમેરા સામાન્ય રીતે બંધ હાલતમાં પડ્યા રહે છે, પરંતુ જો કોઈ પશુ, પક્ષી કે અન્ય જીવ તેની નજીક આવે તો આ કૅમેરા તેમને પ્રોગ્રામ કર્યા મુજબ આપોઆપ ચાલુ થઈ જાય છે.
કૅમેરાને જે પ્રકારે પ્રોગ્રામ કર્યા હોય તે મુજબ ફોટા પાડી લે છે અથવા વીડિયો શૂટિંગ કરી લે છે અને પછી ઑટોમૅટિક રીતે જ બંધ થઈ જાય છે.
સંશોધકોએ કૅમેરાઓ એ રીતે પ્રોગ્રામ કર્યાં કે સિંહ દેખાય એટલે તેનો એક ફોટો પડી જાય અને પછી ત્રીસ સેકન્ડનો વીડિયો શૂટ થઈ જાય. સંશોધકોએ લગાડેલા 36 કૅમેરામાંથી 30 કૅમેરામાં સિંહોની અવરજવર નોંધાઈ હતી.

ઇમેજ સ્રોત, Gujarat forest department
સંશોધકોએ આ કૅમેરા ગીરના જંગલમાં આવેલી વનકેડીઓ નજીક આવેલા સાત પ્રજાતિનાં વૃક્ષો—શિરીષ, સલેડી, ખાખરો (પલાશ), હળદરવો, મોદડ, જાંબુડો અને બહેડા—પર અથવા આવાં વૃક્ષો નજીક લોખંડના ઘોડા પર લગાડ્યા હતા.
36માંથી 11 કૅમેરા ખાખરાના ઝાડ પર કે તેની નજીક લગાડ્યા હતા. તે જ રીતે પાંચ કૅમેરા મોદડ પર, ચાર જાંબુડા નજીક, અન્ય ચાર બહેડા નજીક, ત્રણ સલેડી વૃક્ષ નજીક, બે હળદરવા નજીક અને એક શિરીષ નજીક લગાડ્યા હતા.
કૅમેરાએ કુલ 15,144 ફોટો અને વીડિયો શૂટ કર્યા હતા. તેમાંથી 1,542 ફોટો અને વીડિયોમાં સિંહોની હાજરી દેખાઈ.
આ ફોટો અને વીડિયોનું વિશ્લેષણ કરતા સંશોધકોના ધ્યાને આવ્યું કે સિંહો નહોરથી લિસોટા કરવા અને પેશાબ છાંટવા માટે પાણીના સ્રોતો નજીક આવેલા જાંબુડાના ઝાડ સૌથી વધારે પસંદ કરે છે.
ખાખરાના ઝાડ પર પણ આ રીતે કેમિકલ સિગ્નેચર છોડવાની પ્રવૃત્તિ વધારે નોંધાઈ હતી.
જાંબુડા અને ખાખરા કેમ?

ઇમેજ સ્રોત, Gujarat forest department
સંશોધકોએ નોંધ્યું કે આ બંને વૃક્ષોની છાલ ખરબચડી છતાં નરમ હોય છે અને તેમાં લિસોટા પડતા તેમાંથી એક પ્રકારની સુગંધ આવે છે અને પ્રવાહી ઝરવાનું ચાલુ થઈ જાય છે.
આ રીતે તે સિંહો દ્વારા છોડાયેલા રસાયણોને લાંબા સમય સુધી ટકાવી રાખે છે અને સંદેશ મોકલ્યા કરે છે.
ડૉ. મોહન રામે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આવા ઝાડ પાણીના સ્રોતોની નજીક આવેલા હતા. પાણી નજીકના વિસ્તારોમાં સંસાધનોથી સંપન્ન હોય છે. ત્યાં તૃણભક્ષી પ્રાણીઓ જે સિંહોનો શિકાર થઈ શકે, સંતાવા માટેની જગ્યા, ઠંડુ વાતાવરણ વગેરે વધારે હોય છે."
"તેથી સિંહો પ્રયાસ કરે છે કે આવા વિસ્તારો પર તેમનું આધિપત્ય રહે. આ ઉપરાંત, જાંબુડા અને ખાખરાની છાલ ખરબચડી છતાં નરમ હોય છે, જેના પર છાંટવામાં આવેલા કેમિકલ વધારે સમય સુધી ટકી રહે છે. તેથી, સિંહો જાંબુડા અને ખાખરા પર લિસોટા અને મૂત્રનો છંટકાવ કરવાનું વધારે પસંદ કરતા હશે."

ઇમેજ સ્રોત, Gujarat Forest Department
ગીરના જંગલમાં સાગનાં વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં છે. ડૉ. રામ મોહને કહ્યું, "પરંતુ સાગની છાલ લીસી અને સખત હોય છે અને સિંહો તેના પર જ્વલ્લે જ લિસોટા કરી પોતાની નિશાનીઓ છોડતા જોવા મળ્યા છે. સાગનાં વૃક્ષોનો ઉપયોગ બહુધા તેઓ મૂત્રનો છંટકાવ કરવા માટે કરે છે."
ડૉ. મોહન રામે ઉમેર્યું, "અમારા સંશોધન દરમિયાન ધ્યાન પર આવ્યું છે સિંહો કોઈ એક વૃક્ષને પસંદ કરીને વારંવાર તેના પર જ કેમિકલ છોડવાનું પસંદ કરે છે."
આ સંશોધન પ્રોજેક્ટ તે વખતના ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવ અને ગીર ફોરેસ્ટ જેના ક્ષેત્રમાં સમાવેશ પામે છે તેવા જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળના તત્કાલીન મુખ્ય વનસંરક્ષક આરાધના સાહુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
ટીમમાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના એક સંશોધક પણ સામેલ હતા. આ સંશોધન પ્રોજેક્ટ અને તેના તારણોનો ચિતાર આપતું એક રિસર્ચ પેપર ફ્રન્ટિયર્સ ઇન ઇકૉલૉજી ઍન્ડ ઇવોલ્યૂશન નામના સામયિકમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયું છે.
કેમિકલ સિગ્નલ્સ સિંહ વધારે છોડે કે સિંહણ, અને ક્યારે?

ઇમેજ સ્રોત, Gujarat Forest Department
સંશોધકોના ધ્યાન પર આવ્યું કે સિંહણોની સરખામણીએ સિંહો કેમિકલ સિગ્નલ્સ વધારે છોડે છે. વળી, આ પ્રવૃત્તિ સંધ્યા ટાણે અને ઉષા ટાણે વધારે નોંધાઈ હતી.
સંશોધકોના ધ્યાને આવ્યું કે કેમિકલના માધ્યમથી કૉમ્યુનિકેશન કરવા માટે સિંહો દ્વારા થતી પ્રવૃત્તિઓમાં સૂંઘવાની પ્રવૃત્તિનો 40 ટકા ભાગ હતો.
તે જ રીતે ત્રીસ ટકા પ્રવૃત્તિ લિસોટા કરવા સાથે જોડાયેલી હતી અને 12 ટકા પ્રવૃત્તિમાં મૂત્ર વગેરેનો છંટકાવ કરવા સાથે સંકળાયેલી હતી.
આ પ્રવૃત્તિ જાન્યુઆરીથી જૂન મહિનાઓ દરમિયાન સૌથી વધારે નોંધાઈ હતી. જોકે, વૃક્ષો પર ચડવાનું અને વૃક્ષો સાથે શરીર ઘસવા જેવું વર્તન સિંહણોમાં વધારે ધ્યાન પર આવ્યું હતું.
તે જ રીતે સિંહો અને સિંહણો એમ બંને જાતોમાં સૂંઘવાની અને લિસોટા કરવાની પ્રવૃત્તિ કેમિકલ સિગ્નલ્સથી વાતચીત કરવાના વર્તનમાં સૌથી વધારે નોંધાયેલી પ્રવૃત્તિ હતી.
સિંહો દ્વારા કેમિકલ માર્કિંગ કરવાની પ્રવૃત્તિ સૌથી વધારે ડિસેમ્બર, ફેબ્રુઆરી અને જાન્યુઆરી એમ ઊતરતા ક્રમમાં નોંધાઈ હતી. જાન્યુઆરી, એપ્રિલ અને મે મહિનાઓ દરમિયાન લિસોટા કરવાની પ્રવૃત્તિ સિંહો કરતાં સિંહણોમાં વધારે દેખાઈ હતી.
ડૉ. મોહન રામે કહ્યું, "તેનું એક કારણ એ હોય શકે છે કે શિયાળામાં એશિયાઈ સિંહોનું સંવનન સૌથી વધારે થાય છે અને નર અને માદા એકબીજાને આકર્ષવા અને શોધવા આ પ્રકારનું વર્તન કરતા હોય છે."
"આફ્રિકામાં રહેતા સિંહોમાં લગભગ બધી સિંહણો એક સાથે જ હીટમાં આવે છે અને પ્રજનન માટે તૈયાર થાય છે. ગીરના સિંહોમાં આવું બનતું નથી. ગીરના સિંહોનું પ્રજનન વર્ષ ભર ચાલ્યા કરે છે."
"તે સૌથી વધારે શિયાળાની ઋતુ દરમિયાન થાય છે. આ કદાચ અહીંના વાતાવરણ અને ભૂગોળ સાથેનું અનુકૂલન હોઈ શકે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












