ગુજરાતમાં સિંહનાં આકસ્મિક મૃત્યુ કેમ અટકાવી શકાતાં નથી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
પાછલા કેટલાક સમયથી ગુજરાતના વર્તમાનપત્રોમાં સિંહનાં મૃત્યુના સમાચારો સતત દેખાય છે.
આ જ મતલબનો એક આંકડો ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં રજૂ થયો હતો.
વિધાનસભાના ચાલુ સત્રમાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે પાછલાં બે વર્ષમાં 286 સિંહનાં મૃત્યુ થયાં છે, તેમાંથી 58 મોત અકુદરતી કારણોને લીધે થયાં છે.
આ આંકડા અનુસાર વર્ષ 2023માં કુલ 121 અને 2024માં 165 સિંહોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 2023માં 225 દીપડા અને 2024માં 231 દીપડાનાં મૃત્યુ થયાં છે.
ઉપરાંત લોકસભાના વર્ષ 2024ના આંકડા પ્રમાણે 2022માં 110, 2021માં 105, 2020માં 124 અને 2019માં 113 સિંહોનાં મૃત્યુ થયાં હતાં.
સિંહોને બચાવવા માટે સરકારની વિવિધ યોજનાઓ અને સતર્કતાના દાવા વચ્ચે પણ સિંહોનાં અકુદરતી મોત થઈ રહ્યાં છે જેને પર્યાવરણવિદો ચિંતાનો વિષય ગણાવી રહ્યા છે.
જેમ કે, આ બે વર્ષ દરમિયાન અકુદરતી રીતે મૃત્યુ પામેલા કુલ સિંહમાંથી 41 પુખ્ત વયના અને 17 બાળ સિંહ એમ કુલ 58 સિંહોનાં મોત થયાં છે.
નોંધનીય છે કે સિંહોની છેલ્લી ગણતરી પ્રમાણે રાજ્યમાં હાલ 674 સિંહ છે, જેમાંથી મોટા ભાગના સિંહ ગીર જંગલની બહાર રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિષ્ણાતોના મતાનુસાર સિંહોની સંખ્યા વધે તો તેમને વધુ જગ્યા જોઈએ. આ જ કારણોસર સિંહોએ વર્ષો પહેલાં ગીરના જંગલથી બહાર આવીને આસપાસનાં ગામડાંની સીમમાં પોતાનું નવું ઘર બનાવ્યું છે. આ વિસ્તાર હવે બૃહૃદ ગીર તરીકે પણ ઓળખાય છે.
નિષ્ણાતોના મતે પાછલાં અમુક વર્ષના આંકડાની વાત કરીએ તો સિંહોનાં કુદરતી અને અકુદરતી મોત ચિંતા જન્માવે છે. સિંહોનાં મૃત્યુનાં કારણો અંગે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાત કરીને આ અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતમાં સિંહ કેવા કેવા ખતરાનો સામનો કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોના મતે જંગલની બહાર સિંહને મુખ્યત્વે ત્રણ પ્રકારના જોખમ હોય છે.
પહેલું કારણ સુરેન્દ્રનગર-પીપાવાવની રેલવે લાઇન છે જ્યાં અકસ્માતને કારણે તેમના જીવ પર સતત જોખમ હોય છે. બીજું, ખેડૂતો પોતાના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ખેતર ફરતે વીજળીના તારનું ઇલેક્ટ્રિક ફેન્સિંગ કરે છે; અને ત્રીજું કારણ છે દીવાલ વગરના કૂવા જેમાં સિંહ પડી જતા હોય છે.
આ ત્રણ મુખ્ય કારણોને લીધે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન પર સુનાવણી ચાલી રહી છે. આ પિટિશનની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે પોતાના સોગંદનામામાં સિંહના રક્ષણ માટે અને તેમની સુરક્ષા માટે તમામ પગલાં લેવાની બાંહેધરી આપી છે.
જોકે, ઘણા વાઇલ્ડલાઇફ ઍક્ટિવિસ્ટનું માનવું છે કે આ બધું થવા છતાં પણ હજી સુધી સિંહનાં અકસ્માત અટકતા નથી.
જુલાઈ 2023થી જાન્યુઆરી 2024 સુધી કુલ સાત સિંહ રેલવે ટ્રેક પર મૃત્યુ પામ્યા છે.
વનવિભાગ પ્રમાણે તેમાં બે સિંહણ, ત્રણ અર્ધ વયસ્ક સિંહ, એક યુવાન સિંહ, અને એક બાળ સિંહનો સમાવેશ થાય છે.
સિંહનું સંવર્ધન કર્યું, પણ અકુદરતી મૃત્યુ અટકતા નથી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાલમાં જ વનવિભાગના ઉચ્ચ હોદ્દેથી નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ, શ્યામ ટીકાદરે સિંહની સંખ્યામાં થયેલા વધારાને કારણે આગામી સમયમાં માનવ-સિંહ સંઘર્ષમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "જેમ દરેક પ્રજાતિની સંખ્યા વધી રહી છે, તેવી જ રીતે સિંહની સંખ્યા પણ હવે વધી રહી છે. આવનારા દિવસો સિંહ માટે અને તેમની આસપાસ રહેનારા લોકો માટે સારા નથી. કારણ કે જે રીતે સિંહનું સંવર્ધન થયું છે, તેનાથી જંગલની બહારના મોટા વિસ્તારમાં તે જોવા મળે છે. પરિણામે માનવી અને સિંહનો વારંવાર આમનોસામનો થાય છે, અને તેમાં આખરે સિંહનું મૃત્યુ થાય છે."
તેઓ કહે છે કે, "રાજ્ય સરકારે અવારનવાર અનેક યોજનાઓ થકી સિંહોના સંવર્ધન માટે કામ કર્યું છે, પરિણામે આજે 650થી વધુ સિંહ રાજ્યમાં છે. પરંતુ હવે આગળ શું? તેના પર વિચાર કરવાની જરૂર છે."
શ્યામ ટીકાદર કહે છે, "હવે એ સમય પાકી ગયો છે કે સરકાર નક્કી કરે કે તેને શું જોઈએ છે, સિંહના સંવર્ધનનું ભવિષ્ય શું છે, જો આવું નહીં થાય તો માનવવસાહતમાં માણસ અને સિંહ વચ્ચેના સંઘર્ષમાં સિંહનું આકસ્મિક મૃત્યુ થતું રહેશે."
વન્ય જીવસંરક્ષકો અને કાર્યકરો નોંધપાત્ર સંખ્યામાં સિંહોના અકુદરતી મૃત્યુ માટે સરકારના પ્રયાસોમાં ગંભીરતાની ઊણપને જવાબદાર માને છે.
ગીરમાં એશિયાટિક સિંહોની વધતી સંખ્યાને જોતાં ગીર નૅશનલ પાર્કથી 100 કિમી દૂર બરડા વાઇલ્ડલાઇફ અભયારણ્યમાં 17 સિંહોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં પાંચ સિંહણ અને એક સિંહ તેમજ 11 સિંહ બાળનો સમાવેશ થાય છે.
અગાઉ સુપ્રીમ કોર્ટે ગીરના સિંહોનું મધ્ય પ્રદેશમાં સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ગુજરાત સરકારે તેની સામે ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી. આ ઉપરાંત સ્થાનિક સ્તરે અકુદરતી મૃત્યુનાં કારણોથી સિંહોને બચાવવા માટે સરકારી યોજનાઓ લાવવામાં આવી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગુજરાતના અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડન જયપાલસિંહે સિંહોને અન્ય રાજ્યોમાં ન મોકલવાના નિર્ણય પાછળનાં કારણો જણાવ્યાં હતાં, "ગુજરાત સિવાયની બીજી જગ્યાની આબોહવા હવે એશિયાટિક સિંહોને યોગ્ય નહીં લાગે. આ પહેલાં પણ ઉત્તર પ્રદેશમાં સિંહોને મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે ત્યાં જીવી શક્યા નહોતા. બીજી મહત્ત્વની વાત એ છે કે સિંહો સાથે સુમેળથી જીવન જીવવાની પદ્ધતિ જે ગુજરાતના લોકોમાં છે, તે બીજે ક્યાંય મળી ન શકે."

ઇમેજ સ્રોત, Getty Images
સિંહોના અકુદરતી મૃત્યુ પાછળનાં કારણો અંગે વાત કરતાં વાઇલ્ડલાઇફ ઍક્ટિવિસ્ટ રાજન જોશી બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે, "દરેક નીતિનિયમ કાગળ ઉપર ખૂબ જ સારી રીતે બનાવવામાં આવેલો છે, પરંતુ તેનું પાલન કેટલું અને કેવી રીતે થાય છે તે વિશે કોઈ મૉનિટરિંગ સિસ્ટમ નથી."
તેમણે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે જંગલવિસ્તારમાં ટ્રેનની વધુમાં વધુ ઝડપ 40 કિમી પ્રતિ કલાકની હોવી જોઈએ, પરંતુ એવાં અનેક ઉદાહરણો છે કે જેમાં ટ્રેનની ઝડપ વધારે હોય.
હાલમાં લિલિયા, સાવરકુંડલા, રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં સિંહની નોંધપાત્ર સંખ્યા છે.
સરકારી આંકડા પ્રમાણે આ વિસ્તારમાં 100 જેટલા સિંહો વસવાટ કરે છે. સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી રેલવે લાઇન પણ આ વિસ્તારમાંથી જ પસાર થાય છે.
રાજન જોશી કહે છે કે, "અમે અવારનવાર રજૂઆતો કરી છે કે રેલવે અને ફૉરેસ્ટ વચ્ચે કો-ઑર્ડિનેશનની જરૂર છે, જે થવાથી રેલવેને સિંહની હિલચાલની ખબર રહે અને જો સિંહ નજીક હોય તો સ્પીડ બિલકુલ ઓછી કરી શકાય, પરંતુ હજી સુધી તે દિશામાં કામ થયું નથી."
સિંહના સંવર્ધન માટે સરકાર શું પગલાં લઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ગુજરાતીએ ઉપરોક્ત સમસ્યા સંદર્ભે જૂનાગઢ રેન્જનાં ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ આરાધના સાહુ સાથે વાત કરી હતી.
તેમણે સિંહોના અકસ્માત ઘટાડવા માટે સરકાર દ્વારા કરાઈ રહેલા પ્રયાસો અંગે વાત કરતાં કહ્યું કે, "હાલમાં અમે વધારાના 45 રેલવે ટ્રેકર તેમજ બીજા 16 લોકોને માત્ર રેલવે ટ્રેકની આસપાસ મૂક્યા છે. જોકે, તે ઉપરાંત વિવિધ કામગીરી થકી અમે લોકોમાં સિંહ માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છીએ. તેમજ આ સિવાય કૂવાની ફરતે દીવાલો બનાવવાનું કામ પણ સતત ચાલુ છે."
વિધાનસભામાં રજૂ કરાયેલા જવાબ પ્રમાણે સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓને બીમારી કે અકસ્માત વખતે તત્કાળ સારવાર માટે વેટરનરી ઑફિસરની નિમણૂક કરવામાં આવેલી છે.
તેની સાથે સાથે અદ્યતન લાયન ઍમ્બુલન્સ પણ વસાવવામાં આવી છે.
આ ઉપરાંત રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેકની આજુબાજુ ચેઈનલિંક ફેન્સિંગ કરીને તેમજ સિંહોને રેડિયો કૉલર લગાવીને તેમનું મોનિટરિંગ કરાય છે.
ગુજરાતમાં એશિયાટિક સિંહનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં એક સમયે સિંહોની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ પછી જૂનાગઢના નવાબોએ સિંહના સંરક્ષણનું કામ કર્યું હતું.
વર્ષ 1965માં સિંહોના સંવર્ધનની પ્રવૃત્તિએ જોર પકડ્યું હતું. તે સમયથી આજ સુધી ગુજરાતમાં સિંહની સંખ્યામાં સતત વધારો થયો છે.
વર્ષ 2015માં સિંહની ગણતરી થઈ હતી અને તે સમયે 27 ટકાનો વધારો નોંધાયો હતો.
વર્ષ 2015ની ગણતરી પ્રમાણે ગુજરાતના આઠ જિલ્લામાં 523 સિંહનો વસવાટ હોવાનું નોંધાયું હતું. જ્યારે હાલમાં સિંહની સંખ્યા 650ને પાર પહોંચી છે.
વરિષ્ઠ આઇએફએસ ઑફિસર ઓ. પી. સિંઘે એશિયાટિક સિંહો પર 'ધ એશિયાટિક લાયન : 50 યર્સ જર્ની ફૉર કન્ઝર્વેશન ઑફ એન ઍન્ડેન્જર્ડ કાર્નિવોર ઍન્ડ ઇટ્સ હેબિટાટ ઇન ગીર પ્રોટેક્ટેટ એરિયા' નામે એક સંશોધનપત્ર તૈયાર કર્યું છે.
તેમાં તેમણે નોંધ્યું છે કે એશિયાટિક સિંહો એક સમયે સમગ્ર એશિયામાં મોટી સંખ્યામાં જોવા મળતા હતા. જેમાં મેસોપોટેમિયા, પર્સિયા અને ભારતીય ઉપમહાદ્વીપનો સમાવેશ થતો હતો.
ગુજરાતની બહાર છેલ્લો એશિયાટિક સિંહ વર્ષ 1884માં જોવા મળ્યો હતો. એ વખતે ગુજરાતના ધ્રાંગધ્રા, જસદણ, ચોટીલા, બરડો, ગિરનાર અને ગીરના જંગલમાં સિંહો વિચરતા હતા.
હાલમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર અને જામનગર સુધી સિંહ જોવા મળે છે.
નોંધનીય છે કે અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પણ સિંહ જોવા મળ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












