ગીરના માલધારીઓની માફક આફ્રિકામાં સિંહો સાથે રહેતા મસાઈ લોકો કોણ છે?

મસાઈ

ઇમેજ સ્રોત, Phillip J Briggs/Lion Guardians

ઇમેજ કૅપ્શન, સિંહ અને મસાઈના શાંતિપૂર્ણ સહજીવનના સંરક્ષક
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગીર અભયારણ્ય અને આસપાસમાં રહેતા માલધારીઓ વનરાજો સાથે સુમેળભરી જિંદગી જીવે છે. સિંહો દ્વારા તેમના ઢોરનો શિકાર કરવામાં આવે તો પણ તેઓ મહદંશે આ રાની પશુઓ સામે દુર્ભાવ નથી રાખતા.

બીજી બાજુ, આફ્રિકાના મસાઈ લોકો એશિયાઈ સિંહોના પિત્રાઈ એવા આફ્રિકાના વનરાજો સાથે જીવવાનું શીખી રહ્યા છે અને તેનાં સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યાં છે.

સદીઓથી મસાઈ અને આફ્રિકાના સિંહોની વચ્ચે ટક્કર રહેવા પામી હતી. બંને પોતપોતાને તાકતવર અને ખૂંખાર માનતા અને કદાચ આ બાબત જ તેમના વચ્ચે સંઘર્ષનું કારણ હતી, પરંતુ તાજેતરનાં વર્ષો દરમિયાન આ સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. સમયની સાથે તે મસાઈ પરંપરાનો ભાગ બની ગઈ. અનેક રિવાજોએ સમાજમાં સ્થાન લીધું અને તેમાંથી અમુકને તિલાંજલિ પણ આપી દેવામાં આવી.

સિંહોના શિકારની પરંપરા

મસાઈ

ઇમેજ સ્રોત, Hadynyah/Getty Images

મસાઈ લોકો માને છે કે એક હજાર વર્ષ પહેલાં તેઓ પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યા હતા અને વિશ્વમાં ગમે ત્યાં ગાયો હોય, તેનું રક્ષણ કરવાની તેમની જવાબદારી છે.

મસાઈ અર્ધવિચરતી જાતિ છે. ગાયોની શોધમાં સમુદાયના પુરુષો વર્ષો સુધી ઘરથી દૂર રહેતા. મહિલાઓ સમૂહમં રહેતી અને ઘર બાંધતી. જ્યારે પુરુષ પરત આવે ત્યારે તે કેટલો ઊંચો કૂદકો મારી શકે છે અને તેની પાસે કેટલી ગાયો છે, તેના આધારે યુવતીઓ તેના ભાવિ ભરથારને પસંદ કરતી.

વર્ષ 1977થી કેન્યામાં સિંહના શિકાર ઉપર પ્રતિબંધ છે. આમ છતાં મસાઈ યુવક એક સિંહનો શિકાર કરે પછી જ તેને પુખ્ત થયેલો માનવામાં આવતો. આ બાબત બહાદુરીનું પ્રતીક હતી.

મેત્તરંગા સાંઈતોતીના પિતા અને તેમના ભાઈઓએ મળીને પંદર જેટલા સિંહોનો શિકાર કર્યો હતો.

બાળક નાનું હોય ત્યારથી જ સિંહના શિકાર કે તેની સાથે થયેલા મુકાબલા વિશેની દિલધડક અને રસપ્રદ કહાણીઓ સમુદાયના વડીલો અને પરિવારજનો પાસેથી સાંભળી હોય એટલે તેના મનમાં પણ સિંહના શિકારની ભાવના જન્મે.

સાંઈતોતીએ 19 વર્ષની ઉંમરે પહેલા સિંહનો શિકાર કર્યો હતો. સિંહ અને સાંઈતોતી વચ્ચે ટક્કર થઈ, જેમાં સિંહણ અને બે સિંહબાળ જંગલમાં નાસી છૂટ્યાં. આગળ જતાં તેમણે આ સિંહણનો પણ શિકાર કર્યો.

લડવૈયા સિંહનો શિકાર કરે એટલે તેમને નવું નામ મળે. સાંઈતોતીને મેત્તરંગા એવું નામ મળ્યું, જેનો મતલબ 'અવ્વલ' એવો થાય. આગળ જતાં સાંઈતોતી વધુ ચાર સિંહનો શિકાર કરવાના હતા. મસાઈ દ્વારા સિંહનો શિકારએ બે બળિયા વચ્ચેની ટક્કર હતી. આનાથી વિપરીત ટ્રૉફી હંટિંગમાં સિંહના માટે છટકું ગોઠવવામાં આવે છે. શિકારી છુપાઈ જાય છે અને વનરાજ દેખાયે રાયફલથી તેનો શિકાર કરે છે. એટલે મસાઈએ બાહુબળ અને ભાલાથી સિંહનો શિકાર કરવાનો રહેતો, જેમાં બળાબળનાં પારખાં થતાં. જેના કારણે સિંહોની સંખ્યા ઉપર સરવાળે મોટો ફેર નહોતો પડતો.

મસાઈ યુવકોના વાળ લાલરંગથી રંગવામાં આવે છે અને માતા માથા તેનું મૂંડન કરે છે. એ પછી તે મસાઈ-લડવૈયા બને છે. જ્યારે પિતાને વડીલવર્ગમાં સ્થાન મળે છે.

ખાલી પેટ, ભરાયેલું દિલ

મસાઈ

ઇમેજ સ્રોત, Adogslifephoto/Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મસાઈ લોકો સામુદાયિક ખેતી કરે છે. અંબોસલી નેશનલ પાર્ક અને મસાઈઓના ખેતવિસ્તારની વચ્ચે કોઈ વાડબંધી નથી, એટલે સિંહ, દીપડા કે અન્ય પશુઓ પ્રાણીઓનો શિકાર કરે છે.

વર્ષ 2006માં લગભગ 20 લાખ ઢોરઢાંખર, 100 જેટલા સિંહ અને 35 હજાર મસાઈ પાસપાસ રહેતાં. સિંહોના માટે બહુ થોડી જગ્યા વધી, જેના કારણે તેમણે ઢોરઢાંખરનો શિકાર કરવાનું શરૂ કરી દીધું. પરિણામસ્વરૂપે મસાઈ લોકોએ માત્ર યુવાન થવા માટેની પરંપરાનું પાલન કરવા માટે નહીં, પરંતુ વેર વાળવા માટે સિંહોનો શિકાર કરવાનું શરૂ કર્યું.

બાહુબળ ઉપરાંત ઝેર આપીને સિંહોને મારી નાખવામાં આવ્યા અને જોતજોતામાં 42 સિંહ સાફ થઈ ગયા. અંબોસલીમાં સિંહોનાં અસ્તિત્વ ઉપર જોખમ ઊભું થયું હતું.

આ અરસામાં સાંઈતોતીએ ચોથા સિંહનો શિકાર કર્યો. તેમને 75 હજાર શિલિંગનો દંડ કરવામાં આવ્યો. સાંઈતોતી જેલમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમની ગાયો ગુમ હતી. તેમને ખાતરી હતી કે આ કામ સિંહોએ કર્યું હતું. સાંઈતોતીએ પગલાંના આધારે બે સિંહોનું પગેરું દાબવાનું શરૂ કર્યું. કલાકોની મહેનત પછી સાંઈતોતી જંગલમાં એક સિંહ સુધી પહોંચ્યા. લગભગ એક કે બે મીટરના અંતરેથી સાંઈતોતીએ ભાલાનો પ્રહાર કર્યો, જે સિંહની છાતી સોંસરવો ઊતરી ગયો.

આ સિંહે જ ગાયોનો શિકાર કર્યો છે એ વાતની ખાતરી કરવા માટે તેમણે સિંહનું પેટ ચીરી નાખ્યું, પરંતુ તે ખાલી હતું. સિંહનું ખાલી પેટ જોઈને તેને મારવાનો સાંઈતોતીને ખૂબ જ અફસોસ થયો. તેમણે સાથી મસાઈ યુવકોને સિંહના શિકારનો ઉત્સવ નહીં ઉજવવાની વાત કહી.

મસાઈ લડવૈયાઓમાં સિંહની કેશવાળી અને પૂંછડીને સન્માનના પ્રતીક તરીકે જોવામાં આવે છે, એટલે સિંહના શિકાર પછી તેને કાપી લેવામાં આવતાં. જોકે, સાંઈતોતીએ એ દિવસે એવું કશું ન કર્યું અને મૃતદેહને જંગલમાં ફેંકી દીધો.

તેઓ ચૂપચાપ ઘરે આવી ગયા. એ પછી સાંઈતોતી મહિનાઓ સુધી ગુમસૂમ અને એકલવાયા રહેતા. તેઓ યુવા લડવૈયાઓ સાથે સિંહનો શિકાર કરવા જવાનું ટાળવા લાગ્યા. આથી, સાથીઓ તેમને કાયર જેવા ટોણા મારવા લાગ્યા. આ બધી વાતો સાંઈતોતીને ખૂબ જ ડંખતી. આમ છતાં તેઓ સિંહનો શિકાર નહીં કરવાના નિર્ણય પર અફર રહ્યા. અહીંથી તેમનું જીવન બદલાવાનું હતું.

મારક બન્યો સંરક્ષક

આ અરસામાં સાંઈતોતીને જાણવા મળ્યું કે આ વિસ્તારમાં સિંહોના સંરક્ષણ માટે 'લાયન ગાર્ડિયન' કાર્યક્રમ ચાલે છે. શિકારી જ સિંહો અને સમુદાયનું સંરક્ષણ કરે એ તેની મૂળ વિભાવના છે.

મૂળ અમેરિકન સંરક્ષકોને લાગ્યું કે જો સાંઈતોતી જેવા મસાઈ સમુદાયના પ્રતિષ્ઠિત શિકારીને પોતાની સાથે લેશે તો સમાજમાં તેની મોટી અસર ઊભી થશે. તેમને તરત જ સમાવિષ્ટ કરી લેવામાં આવ્યા.

અગાઉ સાંઈતોતી તથા તેમના સાથીઓ શિકાર કરવા માટે સિંહોનું પગેરું દાબતા પણ હવે હવે ગાયોને શોધવા માટે કે જંગલમાં ભૂલાં પડી ગયેલા બાળકોને શોધવા માટે કૌશલ્યનો ઉપયોગ કરે છે.

કયા વિસ્તારમાં જવું અને સિંહની હાજરીને કારણે ક્યાં ન જવું, તેના વિશે તે સમાજના લોકોને જાગૃત કરે છે. જે યુવાનો પહેલાં સિંહનો શિકાર કરીને તેમની બહાદુરી દેખાડતા, તેઓ હવે વનરાજોનું સંરક્ષણ કરીને તેમની વીરતા બતાવે છે. સાંઈતોતીના કહેવા પ્રમાણે સિંહોનો શિકાર કરવા કરતાં તેમનું સંરક્ષણ કરવું મુશ્કેલ છે.

19 વર્ષની ઉંમરે સાંઈતોતીના પહેલા શિકાર સમયે જે સિંહબાળ હતી, તે આજે સિંહણ બની ગઈ છે અને તેને 'નોસેકી' નામ આપવામાં આવ્યું. તેના ગળામાં કૉલર બાંધવામાં આવ્યો છે, જેથી કરીને તેમની હરફર પર નજર રાખી શકાય.

અગાઉ સિંહનો શિકાર કરે તેની સાથે નામ મળતું. હવે મસાઈ યુવક જે સિંહનું પગેરું દાબતો હોય, તેના સાથે નામ જોડાઈ જાય છે. એટલે જ જ્યારે સિંહનું મોત થાય, ત્યારે મસાઈમાં શોકનું વાતાવરણ ફેલાઈ જાય છે, કારણ કે જે-તે વનરાજ સાથે કોઈ કહાણી જોડાયેલી હોય છે.

વર્ષ 2007માં પાંચ સિંહસંરક્ષક હતા, જેની સંખ્યા વધીને 40 ઉપર પહોંચી ગઈ છે. સિંહોની સંખ્યા ત્રણ ગણી વધી છે. કેન્યા અને તંઝાનિયાના અનેક વન્યવિસ્તારોની સરખામણીમાં લાયન ગાર્ડિયનના વિસ્તારોમાં સિંહોના શિકારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તથા અમુક વર્ષો દરમિયાન એક પણ સિંહનું મારણ ન થયું હોય.

સાંઈતોતી અર્ધનિવૃત્ત જીવન જીવે છે. તેઓ ધણની સંભાળ રાખે છે અને પોતાનું જ્ઞાન નવી પેઢીના લડવૈયાઓને મળે તે માટે પ્રયાસ કરે છે. જેમાં મસાઈ સમુદાયના પ્રાચીન સાંસ્કૃતિક રિવાજો અને પરંપરા પ્રત્યે સન્માન તથા સિંહ સંરક્ષણની પદ્ધતિઓનો પણ સમાવેશ થાય છે.

પરિવર્તન જ સનાતન

મસાઈ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મસાઈ ઑલિમ્પિકમાં યુવાનોના શારીરિક ક્ષમતાની કસોટી થાય છે

તાજેતરનાં વર્ષોમાં મસાઈ મારા નેશનલ પાર્કની પાસે રહેતાં અમુક મસાઈ લોકો સફારી દ્વારા આવક રળે છે.

સમાજના વડીલો, પર્યાવરણવાદીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ મસાઈ યુવાનોમાં સાહસની ભાવના જળવાય રહે તે માટે 'મસાઈ ઑલિમ્પિક'નું આયોજન પણ કરે છે. એમાં ભાલાફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ અને દોડ જેવી શિકાર માટે જરૂરી શારીરિક ક્ષમતાઓને ચકાસવામાં આવે છે. મસાઈ યુવતીઓ પણ રંગબેરંગી કપડાં અને આભૂષણો પહેરીને આ કાર્યક્રમમાં સામેલ થાય છે.

મસાઈ બાળકીઓમાં લિંગછેદન કરવામાં આવતું અને એ પછી બાળકીને લગ્ન માટે પાત્ર ગણવામાં આવતી. લગ્ન પછી તેનું ભણવાનું છૂટી જતું. જોકે, વર્ષ 2011થી કેન્યામાં આ વિધિ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં આ પરંપરા ચાલુ છે અને સમાજની એક યુવતીએ તેની સામે ચળવળ ચલાવી છે.

કિલિમાંજારો પર્વત ઉપર તાન્ઝાનિયા અને કેન્યાના મસાઈના આગેવાનોની બેઠક મળે છે. નાઇસ લેંગતે તેમને સંબોધિત કરનારાં પ્રથમ મહિલા બન્યાં અને તેમણે વડીલો અને યુવાનોને બાળકીઓમાં લિંગછેદનથી થતાં નુકસાનથી તેમને વાકેફ કર્યાં.

એ પછી હજારો બાળકીઓને લિંગછેદનમાંથી મુક્તિ મળી છે, જોકે બીજાં બધાં રિવાજ, ઉત્સવ અને પરંપરાનું પાલન કરવામાં આવે છે.

જળવાયુ પરિવર્તનને કારણે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન આફ્રિકા ખંડમાં ભયાનક દુકાળ પડ્યા છે અને કેન્યા પણ તેનાથી બાકાત નથી. કૃષિ અને પશુ પર આધાર રાખતા મસાઈ સમુદાય માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી મુશ્કેલ થઈ જાય છે.

આના માટે તેઓ વેરાન જમીન ઉપર અર્ધચંદ્રાકાર ખાડા બનાવે છે, જેમાં પાણી ભરાય છે અને ગાયો માટે ચારાની વ્યવસ્થા થાય છે.

સાંઈતોતી કહે છે કે સિંહોની ગર્જનાએ જંગલમાં ખુશાલી અને સારા નસીબની નિશાની છે. સિંહો વગરની મસાઈઓની ભૂમિની અમે કલ્પના પણ નથી કરી શકતા તથા એવી ધરતી ઉપર રહેવા પણ નથી માગતા.

(આ લેખ માટે ઍન્થની હામે બીબીસી ટ્રાવેલ માટે લખેલા અહેવાલનો આધાર લેવામાં આવ્યો છે. અંગ્રેજીમાં મૂળ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો. https://www.bbc.com/travel/article/20210913-where-people-live-in-harmony-with-lions)