ગુજરાત : સિંહોના સંરક્ષણ માટે PM મોદીએ શરૂ કરાવેલો 'પ્રોજેક્ટ લાયન' શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જૂનાગઢ જિલ્લાના ગીર જંગલમાં આવેલ સાસણ ખાતે નૅશનલ બોર્ડ ફૉર વાઇલ્ડલાઇફની સાતમી મિટિંગની અધ્યક્ષતા કરી.
આ બોર્ડ દેશ્માં વન્ય જીવોના સંરક્ષણ વિશેના નિર્ણય કરનારી સર્વોચ્ચ સંસ્થા છે અને હોદ્દાની રૂએ વડા પ્રધાન તેના અધ્યક્ષ હોય છે. ઇતિહાસમાં આ માત્ર એવી બીજી ઘટના હતી કે વન્ય જીવ બોર્ડની મિટિંગ દિલ્હીની બહાર યોજાઈ.
ગુજરાતના અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન જયપાલસિંહે જણાવ્યું કે આ મિટિંગ ખાસ એટલા માટે બની રહી કારણ કે આ સાથે 'પ્રોજેક્ટ લાયન'ની એક પ્રકારે વિધિવત્ શરૂઆત થઈ હતી.
જયપાલસિંહે ઉમેર્યું હતું કે 'પ્રોજેક્ટ લાયન' અંતર્ગત સિંહોના રક્ષણ-સંવર્ધનના પ્રયાસોને વધુ વેગ અપાશે અને આગામી દસ વર્ષમાં તેના માટે 2,927 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પ્રોજેક્ટ લાયન શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં કેટલીક દુર્લભ કે વિલુપ્ત થતી વન્ય જીવોની પ્રજાતિઓનું સંવર્ધન કરી તેની વસ્તીને વધારવા માટે પ્રોજેક્ટ મોડ પર કામ ધરાઈ રહ્યું છે.
જેમ કે, વાઘના સંવર્ધન માટે પ્રોજેક્ટ ટાઇગર, હાથીના સંવર્ધન માટે પ્રોજેક્ટ ઍલિફન્ટ, હિમાલયમાં જોવા મળતા હિમ-દીપડાના સંવર્ધન માટે પ્રોજેક્ટ સ્નૉ લૅપર્ડ વગેરે. એ જ રીતે ગુજરાતના ગીર જંગલ અને તેની આસપાસ વસતા સિંહોના રક્ષણ-સંવર્ધન માટે પ્રોજેક્ટ લાયનની શરૂઆત કરવામાં આવી છે.
આમ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાકાળ દરમિયાન વર્ષ 2020માં 15 ઑગસ્ટે આ પરિયોજનાની જાહેરાત કરી હતી. 2 નવેમ્બર 2022ના રોજ કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે તેને બહાલી આપી હતી.
જયપાલસિંહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "સાસણની મિટિંગથી પ્રોજેક્ટ લાયનની એક પ્રકારે વિધિવત્ શરૂઆત થઈ છે અને તે 2025થી 2035 સુધી ચાલશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રોજેક્ટ લાયનની જરૂર કેમ પડી?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આજે દુનિયામાં આફ્રિકા ખંડ સિવાય જો અન્ય કોઈ પણ જગ્યાએ સિંહો તેમના કુદરતી રહેઠાણમાં મુક્ત રીતે વિચરણ કરતા જોવા મળતા હોય તો તે ગુજરાતના ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારો છે.
એક સમયે એશિયાટિક સિંહો ઈરાનથી માંડીને ભારતના ઘણા ભાગોમાં જોવા મળતા હતા, પરંતુ તેના શિકાર અને રહેઠાણોના નાશના કારણે 19મી સદીના અંત સુધીમાં સિંહોની વસ્તી માત્ર ગીરના જંગલ પૂરતી જ સીમિત થઈ ગઈ હતી. તે વખતે માત્ર અમુક ડઝન જેટલા જ સિંહો જીવતા બચ્યા હતા.
તે વખતના જૂનાગઢના નવાબ અને પછી સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લેવાયેલાં પગલાંને કારણે સિંહોની વસ્તીમાં ધીમેધીમે વધારો નોંધાયો.
જોકે, એશિયાટિક સિંહોની પ્રજાતિના લગભગ તમામ સિંહો માત્ર ગીરનાં જંગલો અને તેની આસપાસના વિસ્તારોમાં જ રહેતા હોવાથી બીમારી કે દાવાનળ ફાટી નીકળવાની સ્થિતિમાં આ સંપૂર્ણ પ્રજાતિનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે એવો ભય વ્યક્ત કરાય છે. જેના કારણે દુનિયામાં પ્રકૃતિના સંરક્ષણ માટે કામ કરતી ઇન્ટરનૅશનલ યુનિયન ફૉર કન્ઝર્વૅશન ઑફ નેચર(આઇયુસીએન) નામની સંસ્થાએ 2000ની સાલમાં એશિયાટિક સિંહોને અતિ ભયજનક સ્થિતિમાં રહેલા પ્રાણીઓની યાદીમાં મૂક્યા હતા.
2001માં ગીરમાં થયેલ વસ્તીગણતરી દરમિયાન એશિયાટિક સિંહોની વસ્તી 351 હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. 2005ની સાલમાં તે વધીને 411 થઈ હતી.
આ પ્રયાસોને પગલે વર્ષ 2008ના રિપોર્ટમાં આઇયુસીએને ગીરના સિંહોને 'અતિ જોખમગ્રસ્ત પ્રજાતિ'ની યાદીમાંથી બહાર કાઢીને 'જોખમગ્રસ્ત પ્રજાતિ'ની યાદીમાં મૂક્યા.
ગીરના સિંહો નાના વિસ્તારમાં એક જ વસ્તીમાં રહેતા હોવાથી તેના અસ્તિત્વ સામે રહેલ ભયને ખાળવા સિંહોને ગીરથી દૂર અલગ પ્રદેશમાં પણ વસાવવા સંબંધની એક અરજી ભારતની સુપ્રીમ કોર્ટે 2013માં માન્ય રાખી હતી અને ગીરના સિંહોને મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવ અભયારણ્યમાં વસાવવાનો હુકમ કર્યો હતો.
જોકે, કુનો ઉદ્યાન સિંહોના વસવાટ માટે તૈયાર ન હોવાનું જણાવી ગુજરાતે કોઈ સિંહ ત્યાં મોકલ્યા ન હતા.
સિંહો અને માણસો વચ્ચે ઘર્ષણ કેમ થાય છે?

ઇમેજ સ્રોત, PIB
વર્ષ 2020 સુધીમાં ગુજરાતમાં સિંહોની વસ્તી 674 પર પહોંચી જતા; અને સિંહો ગીરના જંગલની બહાર નીકળી કુલ 30 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં હરતાં-ફરતાં થતાં આઇયુસીએને 2024માં ગીરના સિંહોને 'જોખમગ્રસ્ત પ્રજાતિ'ની યાદીમાંથી બહાર કાઢીને 'સંવેદનશીલ પ્રજાતિ'ની યાદીમાં મૂક્યા હતા.
પરંતુ, સિંહો ટૅરિટોરિયલ એટલે કે પોતાની હદ-સીમા બાંધી તેમાં રહેતાં પ્રાણી છે. તેથી, 1990ના દાયકાથી ગીરના જંગલમાં સિંહોની વસ્તી વધતાં તેઓ જંગલ બહાર નીકળી માનવવસ્તીવાળા વિસ્તારોમાં સ્થાયી થઈ રહ્યા છે.
2020માં લગભગ અડધોઅડધ સિંહો રક્ષિત વનવિસ્તારોની બહાર રહેતા હોવાનું માલૂમ પડ્યું હતું. નોંધનીય છે કે મહેસૂલી વિસ્તારોમાં વન્ય જીવોના રક્ષણનું તંત્ર રાષ્ટ્રીય ઉદ્યાનો કે વન્ય જીવ અભ્યારણ્યો જેવા રક્ષિત વિસ્તારોમાં હોય તેટલું મજબૂત હોતું નથી.
આવા સંજોગોમાં સિંહો અને માણસો વચ્ચે ઘર્ષણના બનાવો વધારે બનવાની શક્યતા રહે છે. વળી, કુદરતી સંસાધનોના ઉપયોગ બાબતે પણ વન્ય પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે સ્પર્ધા થાય છે.
આવા સંજોગોમાં સિંહોનું રક્ષણ-સંવર્ધનના હેતુસર 'પ્રોજેક્ટ લાયન' શરૂ કરાયો છે. ગુજરાત સરકારની એક પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ :
"આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એશિયાટિક સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન સુનિશ્ચિત કરવાનો છે, જેમની કુલ વસ્તી, વર્ષ 2020ના વસ્તી ગણતરી મુજબ લગભગ 674ની છે. હાલમાં, રાજ્યના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં કુલ 30 હજાર ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી જોવા મળે છે."
પ્રોજેક્ટ લાયનમાં શું શું સમાવિષ્ટ છે?

ઇમેજ સ્રોત, PIB
'પ્રોજેક્ટ લાયન'માં 21 જેટલી મુખ્ય બાબતોને આવરી લેવાઈ છે અને તેના માટે કુલ રૂ. બે હજાર 927 કરોડની ફાળવણીનું આયોજન કરાયું છે.
ગીરના સિંહો હાલ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં ફેલાયેલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવ અભયારણ્ય, ગિરનાર વન્ય જીવ અભયારણ્ય, પાણીયા વન્ય જીવ અભયારણ્ય, મિતિયાળા વન્ય જીવ અભયારણ્ય વગેરે જેવા રક્ષિત વન વિસ્તારો તેમજ આ અભયારણ્યોની આસપાસના વિસ્તારો તેમજ ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના કાંઠાળ વિસ્તારોમાં જોવા મળે છે.
આ સિવાય કેટલાક સિંહોએ પોરબંદર નજીક આવેલા બરડા વન્ય જીવ અભયારણ્યને પણ ગત એક-બે વર્ષથી તેમનું ઘર બનાવી લીધું છે.
તે ઉપરાંત, સિંહો અમરેલીના બાબરા તાલુકાને અડીને આવેલ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં, રાજકોટના જેતપુર અને ગોંડલ તાલુકામાં, જામનગરના કાલાવડ તાલુકા વગેરેમાં પણ સ્થાયી થયા છે.
તાજેતરનાં વર્ષોમાં સિંહો એ છેક સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુધી પણ દેખા દીધા છે.
ગુજરાતના વનવિભાગના અધિકારીઓના કહેવા અનુસાર 'પ્રોજેક્ટ લાયન' વિવિધ અભ્યારણ્યો અને જિલ્લાઓમાં વહેંચાયેલ સિંહોના વસવાટનાં ક્ષેત્રો અલગ અલગ ન જોતાં તેને એક જ 'લાયન લૅન્ડસ્કૅપ' એટલે 'સિંહભૂમિ' તરીકે જોઈ તેના વિકાસ અને મૅનેજમેન્ટ પર ભાર મૂકે છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત પ્રેસ વિજ્ઞપ્તિ પ્રમાણે, "પ્રોજેક્ટ લાયનમાં સિંહના નિવાસસ્થાન અને વસ્તી પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પર્યટન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન, તાલીમ, ઇકૉ ડેવલપમૅન્ટ તેમજ જૈવવિવિધતા સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવાઈ છે."
કઈ પ્રવૃત્તિ માટે કેટલાં નાણાં ફાળવાયાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
'પ્રોજેક્ટ લાયન'માં સિંહોનાં રહેઠાણ-રક્ષણ અને સંઘર્ષનિવારણ-સહજીવન એમ બે મુખ્ય ભાગોમાં નાણાંની ફાળવણી કરવામાં આવી છે. રહેઠાણ સુધારણા, રક્ષણ અને સંવર્ધન માટે 15 પ્રકારની પ્રવૃત્તિ માટે 2,025 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
તેમાં રક્ષિત વનોના નેટવર્ક બહાર આવેલ સિંહોના આવાસોને સુધારવા લગભગ 760 કરોડ રૂપિયા વપરાશે.
બરડાના જંગલમાં સ્થપાયેલા જીનપુલ સેન્ટરમાં પહેલાંથી જ કેટલાક સિંહો બંધનાવસ્થામાં હતા, પરંતુ જાન્યુઆરી 2023માં એક સિંહ બરડા જંગલમાં પહોંચી ગયો હતો અને તે રીતે પોરબંદરના આ જંગલમાં 143 વર્ષ પછી સિંહોનું કુદરતી રીતે પુનરાગમન થયું હતું.
હાલ બરડામાં હાલ છ પુખ્ત વયના સિંહો અને 11 બચ્ચાં સહિત 17 સિંહો હોવાનું જણાવાઈ રહ્યું છે. એટલે જ 'પ્રોજેક્ટ લાયન' હેઠળ બરડાને સિંહોના 'સેકન્ડ હોમ' તરીકે વિકસિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિંહો ઉપર સંકટ અને રેફરલ સેન્ટર

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્ય સરકારની યાદી અનુસાર, નૅશનલ રેફરલ સેન્ટર ફૉર વાઇલ્ડ લાઇફની સ્થાપના કરવામાં આવશે. જે વન્ય જીવોમાં થતી બીમારીઓ તથા અન્ય બાબતો અંગે સંશોધન કરશે.
ગુજરાત સરકારે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ગામ ખાતે 20 હેક્ટર જેટલી જમીન ફાળવવામાં આવી છે. જયપાલસિંહના જણાવ્યા પ્રમાણે, આ સેન્ટર પાછળ રૂ. 71 કરોડનો ખર્ચ થશે.
2018માં ગીરમાં સિંહોમાં 'કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ' નામક રોગ ફેલાતાં 30 કરતાં વધુ સિંહોના અમુક અઠવાડિયાંમાં જ મોત થઈ ગયાં હતાં. પરિણામે, વનવિભાગે ડઝનબંધ સિંહોનું રસીકરણ કર્યું હતું અને બૃહદ ગીર વિસ્તારમાં અનેક શ્વાનોને પકડીને તેમનું પણ રસીકરણ કરવામાં આવ્યું હતું .
તેવી જ રીતે, 2020માં ઇતરડીથી ફેલાતા 'બબેસીઓસીસ' રોગથી વીસેક સિંહોનાં મૃત્યુ થયાં હતાં અને વનવિભાગે બૃહદ ગીર વિસ્તારનાં પશુઓમાંથી ઇતરડી દૂર કરવાનું અભિયાન ચલાવ્યું હતું.
આ પ્રોજેક્ટ સામે પડકારો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સિંહોની સારવાર માટે જૂનાગઢમાં અને સાસણ ખાતે કેન્દ્રો બન્યાં છે. ગુજરાતમાં ગાંધીનગર ખાતે ગુજરાત બાયૉટેકનૉલૉજી રિસર્ચ સેન્ટર ખાતે રોગ નિદાનની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ સિવાય પુણે (મહારાષ્ટ્ર), ભોપાલ (મધ્ય પ્રદેશ) અને બરેલી (ઉત્તર પ્રદેશ) ખાતે વન્ય જીવોને થતી બીમારી કે વાઇરસ અંગે સંશોધન થાય છે. ત્યારે આ નવા કેન્દ્રની શું જરૂર છે?
આ પ્રશ્નના જવાબમાં જયપાલસિંહે જણાવ્યું, "દેશમાં માત્ર વન્ય જીવોના રોગો અને તેના ફેલાવા પર નિયંત્રણ રાખવા પર સંશોધન કરતી સંસ્થા હાલ નથી. વાઇલ્ડલાઇફ રેફરલ સેન્ટર આ ઘટની પૂરશે. આ એક મોટી સંસ્થા હશે જ્યાં વન્ય જીવોને અસર કરતી જાણીતી બીમારીઓ કે નવી થઈ રહેલી બીમારીઓ વિશે સંશોધન થશે."

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધક મીના વેંકટરામને ગીરના સિંહોના સામાજિક વર્તન ઉપર પીએચ. ડી. કર્યું છે અને લાંબા સમયથી એશિયાટિક સિંહો વિશે સંશોધન કરતાં રહ્યાં છે. તેઓ સરકારની દસ વર્ષની યોજના અને નાણાકીય ફાળવણીના પગલાને આવકારે છે, સાથે જ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે :
" આ પ્રોજેક્ટનું અમલીકરણ જ આ પ્રોજેક્ટની સાચી કસોટી પુરવાર થશે. અમલીકરણ માટે વિગતવાર યોજનાઓ બનાવવી પડશે. હું આશા રાખું છું કે આવી યોજનાઓ બનાવતી વખતે ભિન્નભિન્ન મંતવ્યોને ધ્યાને લેવાશે, કારણ કે આપણે એ સ્વીકારવું પડશે કે એક તરફ મનુષ્યો જંગલ તરફ આગળ વધતા જાય છે અને બીજી તરફ વન્ય પ્રાણીઓ જંગલમાંથી બહાર નીકળી માનવવસ્તીવાળા વિસ્તારો તરફ આવી રહ્યાં છે."
વેંકટરમન ઉમેરે છે, "ઇકૉટુરિઝમ ભલે સ્થાનિક લોકોના વિકાસ માટે હોય, પરંતુ તે હાનિકારક પુરવાર થઇ શકે છે.સામે પક્ષે લોકો પાસેથી જમીનો ખરીદીને તેને જંગલમાં ફેરવવાની પણ જરૂર નથી.લોકો તેમના ખેતરને ફાર્મહાઉસમાં ન ફેરવે તે પણ મોટી સેવા ગણાશે."
ગુજરાત રાજ્ય વન્ય જીવ બોર્ડના પૂર્વ સભ્ય અને ગીર અને એશિયાટિક સિંહોના અભ્યાસુ એવા ભૂષણ પંડ્યાએ બીબીસી ગુજરાતીનેને જણાવ્યું કે 'પ્રોજેક્ટ લાયન'માં ટેકનૉલૉજીના ઉપયોગને સ્થાન છે, પણ કેટલીક કાયમી સમસ્યાઓનો ઉકેલ આવે તે પણ જરૂરી છે.
ભૂષણ પંડ્યા કહે છે, "સિંહોના રક્ષણ માટે વનવિભાગના સ્ટાફ દ્વારા પગે ચાલીને પેટ્રોલિંગ થાય તે અનિવાર્ય છે. ટેકનૉલૉજીની મદદથી સિંહ ક્યાં છે તે જાણી શકાશે, પણ તે સિંહ તંદુરસ્ત છે કે બીમાર તેની ખબર તો પગે ચાલીને પેટ્રોલિંગ કરતાં બીટગાર્ડ કે લાયન ટ્રૅકરને જ પડશે."
ભૂષણ પંડ્યાએ ઉમેર્યું, "એ વાતનો ખેદ છે કે સિંહોના વિસ્તારોમાં સ્ટાફની 50 ટકા જગ્યાઓ ખાલી પડી છે અને નવી ભરતી કરવાની પ્રક્રિયા ખૂબ ધીમી ચાલે છે. હવે આશા રાખીએ કે આ ખાલી જગ્યાઓ ભરાશે. આવી જ રીતે સિંહોના વિસ્તારમાં પશુ ડૉક્ટરોની પણ કાયમી ભરતી થતી નથી અને કૉન્ટ્રેક્ટથી કામ ચલાવાય છે."
"હું એ પણ આશા રાખું છે કે આ પ્રોજેક્ટમાં પ્રકૃતિશિક્ષણને યોગ્ય મહત્ત્વ મળશે, કારણ કે સિંહોનું ભાવિ આપણી આવનારી પેઢીઓ સાથે પણ જોડાયેલું છે અને જો એ પેઢીઓને પ્રકૃતિની યોગ્ય સમાજ નહીં હોય તો તો સિંહોનું સંવર્ધન એક દુષ્કર કાર્ય સાબિત થશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













