ઋતુ બદલાય ત્યારે લોકો કેમ બીમાર પડે છે?

સિઝનલ બીમારી, શરદી ઉધરસ તાવ, હેલ્થ, સ્વાસ્થ્ય, બીમારી, ઋતુપલટો, સિઝન બદલાઈ ત્યારે બીમારી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઋતુપલટા દરમિયાનના આ સમયગાળામાં આવી જાતભાતની સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ અંગે ફરિયાદ કરતા તમે ઘણાને સાંભળ્યા હશે (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઠંડી ગઈ અને સમગ્ર દેશના મોટા ભાગના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે.

ઋતુપલટા દરમિયાનના આ ગાળામાં ઘણા લોકો સ્વાસ્થ્યસંબધી સમસ્યાઓનો સામનો કરતા હોય છે.

કોઈને ઉનાળાની શરૂઆતમાંય શરદી થઈ જાય છે તો કોઈને આ સમયગાળામાં ગળા સંબંધી સમસ્યા થઈ જાય છે.

ઋતુપલટા દરમિયાનના આ સમયગાળામાં આવી જાતભાતની સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ અંગે ફરિયાદ કરતા તમે ઘણાને સાંભળ્યા હશે.

એટલું જ નહી ઘણા પ્રકારના વાઇરલ ઇન્ફેકશન પણ આ જ સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં ફેલાતા જોવા મળે છે.

સિઝનલ બીમારી, શરદી ઉધરસ તાવ, હેલ્થ, સ્વાસ્થ્ય, બીમારી, ઋતુપલટો, સિઝન બદલાઈ ત્યારે બીમારી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઘણી વાર તમારા મનમાં ઋતુઓના સંધિકાળ સમયે જ આ પ્રકારની બીમારીઓ કે માંદગીનાં લક્ષણો કેમ દેખાવા લાગે છે એવો સવાલ પણ થયો હશે.

શરીરમાં એવા તો શું ફેરફાર થાય છે જેના કારણે બદલાતી ઋતુ વખતે વાઇરલ ઇન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે? અને તેનાથી બચવા માટે શું કરવું?

મોટા દવાખાને જાઓ કે પછી નાના ક્લિનિકમાં, લગભગ બધે બીમાર લોકોની લાઇન જોવા મળે છે.

અને આવું લગભગ દરેક ઋતુ-સંધિકાળમાં બનતું હોય છે.

બીબીસી ગુજરાતીએ ઉપરના બધા પ્રશ્નોનો જવાબ જાણવા માટે કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

ઋતુ બદલવાની રોગપ્રતિકારક શક્તિ ઉપર કેવી અસર થાય, સિઝનલ બીમારી, શરદી ઉધરસ તાવ, હેલ્થ, સ્વાસ્થ્ય, બીમારી, ઋતુપલટો, સિઝન બદલાઈ ત્યારે બીમારી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ (આઇઆઇપીએચજી)માં કમ્યુનિકેબલ ડિસીઝના ઍક્સપર્ટ ડૉ. હર્ષ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે, "વસંત ઋતુમાં ઠંડી ઘટીને ગરમીની શરૂઆત થતી હોય છે.જેથી આપણા શરીરમાં પણ કેટલાક ફેરફાર જોવા મળે છે. આપણું શરીર વાતાવરણ સાથે સાનુકૂલન સાધવાના પ્રયત્ન કરતું હોય છે."

ડૉ. હર્ષ વધુમાં જણાવે છે કે આ સિઝનમાં બપોરે ગરમી અને સવાર-સાંજ ઠંડી હોય છે. આ ડબલ સિઝનમાં વાઇરસ ઍક્ટિવ થઈ જાય છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ બીમાર પડી જાય છે. તેની સામે જે લોકો નિયમિત કસરત કરતા હોય પૌષ્ટિક ખોરક લેતા હોય તેમનીની રોગ પ્રતિકારક શક્તિ વાઇરસ સામે લડે છે.જેથી તેઓ જલદી બીમાર પડતા નથી.

ડૉ. હર્ષ ઋતુપલટા દરમિયાન કઈ કઈ વ્યક્તિઓના બીમાર પડી જોવાનું વધુ જોખમ રહેલું છે એ અંગે વાત કરતાં કહે છે કે, " જેમને બલ્ડ પ્રેશર, ડાયબિટીઝ કે અન્ય બીમારી હોય એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે.આ સિવાય તેમજ વૃદ્ધો, બાળકોની ઇમ્યુનિટી પણ ઓછી હોય છે. જેથી આ લોકો આવા સમયગાળામાં જલદી બીમાર પડે છે."

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઇન્ચાર્જ મેડિકલ ઑફિસર ડૉ. ભાવિન સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાત કરતાં જણાવ્યું કે "ડબલ સિઝનમાં વાઇરલ ઇન્ફૅક્શનમાં ઝડપી વધારો જોવા મળે છે.આ સિઝનમાં શરદી, તાવ, શરીરમાં કળતર, ઝાડા થવા આ પ્રકારના કેસ વધારે જોવા મળે છે."

તેઓ કહે છે કે જોકે, આ વખતે ગરમી થોડી વહેલા શરૂ થઈ હોવાથી ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયાથી આ પ્રકારના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. હવે ધીમે ધીમે આ કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.

એમડી ફિઝિશિયન ડૉ. આશા શાહ અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાંથી નિવૃત્ત થયાં છે અને હાલ ખાનગી મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હૉસ્પિટલમાં પ્રૅક્ટિસ કરે છે.

ડૉ. આશા શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ઋતુના સંધિકાળમાં રોગચાળામાં થતા વધારાનાં કારણો જણાવતાં કહ્યું હતું કે, "ડબલ સિઝનમાં કે સિઝન બદલાતી હોય તેવા સમયે વાઇરસની વૃદ્ધિની તેમજ તેના ફેલાવાની ક્ષમતા વધી જતી હોય છે.જેથી તમે જોશો કે આ સિઝનમાં ઘરમાં કોઈ એક બીમાર પડે અને ધ્યાન ન રાખવામાં આવે તો બીજા પણ બીમાર પડી શકે છે."

ડૉ. આશા શાહ જણાવે છે કે છેલ્લા બે મહિનાથી દર્દીઓમાં વધારો જોવા મળ્યો હતો. જોકે, હવે સવારે પણ ગરમી શરૂ થઈ ગઈ છે.હવે ગરમી વધશે તેમ વાઇરસના કેસ ઘટી જશે.

વસંત ઋતુમાં લોકો કેમ બીમાર પડે છે, સિઝનલ બીમારી, શરદી ઉધરસ તાવ, હેલ્થ, સ્વાસ્થ્ય, બીમારી, ઋતુપલટો, સિઝન બદલાઈ ત્યારે બીમારી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ડૉ. હર્ષ શાહ આ સમયગાળા દરમિયાન બીમારી વકરવાનાં કારણો અંગે વિસ્તૃત માહિતી આપતાં કહે છે કે, "ખાસ કરીને વસંત ઋતુમાં હવામાં પરાગરજ પણ હોય છે, તેના કારણે પણ શ્વસનતંત્રને લગતા ઇન્ફૅક્શન થવાની સંભાવના વધે છે. ઉપરાંત પરાગરજની સાથે હવા વાઇરસના કણો તો હોય જ છે. તેથી ઍલર્જી થવાની શક્યતાની સાથોસાથ વાઇરલ ચેપ લાગવાની પણ શક્યતા રહે છે."

તેઓ કહે છે કે આ સિઝનમાં અસ્થમા, શરદી, ઉધરસ, કન્જેક્ટિવાઇટિસ વગેરે જેવી બીમારી વધુ જોવા મળે છે.

તેઓ કહે છે કે સામાન્ય રીતે શિયાળામાં ઠંડી હોવાને કારણે લોકો ઘરની બહાર વધારે નીકળતા નથી. તેમને તડકો મળતો નથી.

ડૉ. હર્ષ જણાવે છે, "શિયાળામાં લોકો ઘરમાં રહે છે જેથી તેમને તડકો ન મળવાને કારણે વિટામિન-ડી ની ઊણપ પણ જોવા મળે છે. જેને કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી જોવા મળે છે."

સિઝનલ બીમારી, શરદી ઉધરસ તાવ, હેલ્થ, સ્વાસ્થ્ય, બીમારી, ઋતુપલટો, સિઝન બદલાઈ ત્યારે બીમારી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ડૉ. આશા શાહ પ્રમાણે આનાથી બચવા માટે ડૉક્ટરની સલાહ મુજબ વિટામિન સપ્લિમેન્ટ્સ પણ લેવા જોઈએ.

ડૉક્ટોરોનું માનીએ તો હાલની સિઝનમાં કુંભમેળામાં જઈ પરત ફરેલા લોકોમાં પણ વાઇરલ ઇન્ફૅક્શનના કેસો જોવા મળી રહ્યા છે.

ડૉ. આશા શાહ જણાવે છે કે, "હમણાં અમારી પાસે કેટલાક એવા દર્દીઓ આવી રહ્યા છે જે કુંભમેળામાં જઈને આવેલા છે. આ દર્દીઓમાં શરદી-ખાંસીની બીમારી જોવા મળી રહી છે.ત્યા ભીડભાડને કારણે વાઇરસના કેસોમાં વધવાની શક્યતા વધી હતી. કુંભમેળામાંથી પરત ફરેલા લોકોમાં ઇન્ફ્લ્યુએન્ઝા પણ જોવા મળ્યો છે."

સિંઝનલ બીમારી ન થાય તે માટે શું ધ્યાન રાખવું, સિઝનલ બીમારી, શરદી ઉધરસ તાવ, હેલ્થ, સ્વાસ્થ્ય, બીમારી, ઋતુપલટો, સિઝન બદલાઈ ત્યારે બીમારી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ડૉ. હર્ષ શાહ આ સમયગાળામાં બીમારીઓથી બચવા માટે નીચે મુજબની સલાહો આપે છે.

  • આ સમયગાળામાં બીમારીઓથી બચવા માટે ભીડભાડમાં જવાનું ટાળવું જોઈએ.
  • સવારનો તડકો લેવો જોઈએ. જેથી વિટામિન-ડીની ઊણપ ન થાય.
  • ઘરમાં કોઈ બીમાર હોય તો તેણે માસ્ક પહેરવું જોઈએ.
  • શારીરિક કસરત કરવી જોઈએ.પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. પાણી પીતા રહેવું જોઈએ.
  • શરીરમાં બીમારી લાગે તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ.

ડૉ. આશા શાહ જણાવે છે કે બીમારીથી બચવા વારંવાર હાથ ધોવા જોઈએ. તેમજ આંખ, નાક કે મોઢા પર વારંવાર હાથ ન અડાડવા જોઈએ. શરદી, ખાંસી કે તાવનાં લક્ષણો હોય તો તરત જ ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ.

સિઝનલ બીમારી, શરદી ઉધરસ તાવ, હેલ્થ, સ્વાસ્થ્ય, બીમારી, ઋતુપલટો, સિઝન બદલાઈ ત્યારે બીમારી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.