જલારામ ભગત કોણ હતા જે એક સ્વામીનારાયણ સાધુના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images/Social Media
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
વડતાલ સ્વામીનારાયણ સંપ્રયદાયના સાધુ જ્ઞાનપ્રકાશદાસે ગુજરાતની સંત પરંપરામાં જલારામ બાપાના નામે ઓળખતા વીરપુરના સંત જલારામ વિશે આપેલા નિવેદનને પગલે વિવાદ ઊભો થયો છે. આ વિરોધમાં વીરપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને પરત ખેંચવાની અપીલ પણ કરવામાં આવી.
સાધુ જ્ઞાનપ્રકાશદાસે જાહેર કાર્યક્રમમાં તેમના ભાષણમાં દાવો કર્યો હતો કે જલારામ ભગતે વીરપુરમાં અન્નક્ષેત્ર શરૂ કરતાં પહેલાં ગુણાતીતાનંદ સ્વામી સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
જલારામ બાપાના પરિવારજનોએ પણ આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુના નિવેદનનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે જલારામે ગુણાતીતાનંદ સ્વામી નહીં, પરંતુ અમરેલીના ફતેપુરસ્થિત સંત ભોજલરામના આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું.
સમગ્ર ચર્ચાના કેન્દ્રમાં વીરપુરસ્થિત અન્નક્ષેત્ર છે, જ્યાં છેલ્લાં 205 વર્ષથી દિવસમાં બે વખત કોઈ પણ જાતના જ્ઞાતજાત કે વર્ગના ભેદભાવ વગર નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવે છે. આ સિવાય કોઈ દાન પણ સ્વીકારવામાં આવતું નથી.
આ અન્નક્ષેત્ર પાછળનું પ્રેરકબળ સંત જલારામ હતા, જેઓ લગભગ 225 વર્ષ પહેલાં થઈ ગયા હતા. દેશ-વિદેશમાં વસતા લાખો લોકો જલારામ પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે.
આ અંગે વિવાદ વકરતા સાધુ જ્ઞાનપ્રકાશદાસે વિવાદનું કેન્દ્ર બનેલો વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો અને માફી માગી હતી.

નિવેદન અને વિવાદ

ઇમેજ સ્રોત, Social Media
વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશદાસે જાહેર કાર્યક્રમ દરમિયાન કહ્યું, 'જલારામ બાપાનો ઇતિહાસ સ્વામીનારાયણ સંપ્રદાયના ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે. જલારામ બાપા જૂનાગઢમાં સ્વામીનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. ગુણાતીતાનંદ સ્વામીને તેમની ઉપર ખૂબ હેત હતું.'
'ગુણાતીતાનંદ સ્વામી વીરપુર પધાર્યા, ત્યારે જલારામ ભગત એમને લેવા માટે આવ્યા. સ્વામી જલારામની જગ્યામાં પધાર્યા. જલાભગતે સ્વામીની પાસે આશીર્વાદ માગ્યા કે મારી ઇચ્છા છે કે અહીં કાયમને માટે સદાવ્રત ચાલે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમારો વિચાર ખૂબ જ સારો છે, પરંતુ પહેલાં અમને તો જમાડો. જલારામ ખૂબ જ રાજી થયા અને તેમણે બાટી અને દાળ જમાડ્યાં. સ્વામી ખૂબ રાજી થયા અને કહે કે જલાભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે.'
'આમ ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ દીધા, આજે આપણે બધા એ જગ્યાને જોઈએ છીએ. 200 વર્ષ પહેલાં સ્વામીએ જે આશીર્વાદ આપ્યા, એ આશીર્વાદના ફળરૂપે બહુ જ સારું કાર્ય થઈ રહ્યું છે.'
સાધુ જ્ઞાનપ્રકાશદાસના ઉપરોક્ત નિવેદન બાદ વિવાદ શરૂ થયો હતો અને તેમને સંબંધિત સાહિત્ય સાથે વીરપુર આવવા માટે સ્થાનિક અગ્રણીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જલારામના પરિવારજન ભરતભાઈ ચાંદ્રાણીએ નિવેદન બહાર પાડીને કહ્યું, "જલારામ પોતે રામના ઉપાસક હતા અને ભગવાન રામ જ તેમના ઇષ્ટદેવ હતા. અમરેલી પાસેના ફતેહપુરના ભોજલરામ તેમના ગુરૂ હતા. ફક્ત અને ફક્ત તેમની પ્રેરણાથી અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું."
"205 વર્ષ પહેલાં તેમણે સદાવ્રત અન્નક્ષેત્રની શરૂઆત વીરપુરમાં કરી હતી. આ વાત બાપાને માનનારા લાખો ભક્તો વર્ષોથી જાણે છે અને એ જ સત્ય છે. આ સિવાયની કોઈપણ વાતમાં વર્તમાન ગાદીપતિ રઘુરામ બાપા તથા બાપાના પરિવારનું કોઈ જ સમર્થન નથી."
"બાપા રામ નામનું રટણ કરતા, ભૂખ્યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતા. આજ એમનું જીવન હતું અને આજ સત્ય છે. આ સિવાયની બીજી કોઈપણ વાત સત્યથી દૂર છે."

ઇમેજ સ્રોત, Social Media
આ અંગે વિવાદ વકરતા સુરતના કોસાડના આશ્રમમાં રહેતા સાધુ જ્ઞાનપ્રકાશદાસ ત્યાં હાજર નહોતા. જોકે તેમણે વીડિયો બહાર પાડીને પોતાના નિવેદનનો બચાવ કર્યો હતો.
એ વીડિયોમાં તેઓ એમ કહેતા જણાય છે, 'મેં એક બુક અને મૅગેઝિનમાં એ પ્રસંગ વાચ્યો હતો. જલારામ બાપા વિશે તે મને સારી વાત લાગી હતી, એટલે કહી હતી. આમ છતાં જો કોઈ સમાજ કે વ્યક્તિને ખોટું લાગ્યું હોય તો હું સાચા હૃદયથી માફી માગું છું.'
જલારામ પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા લોકો સૌરાષ્ટ્રથી આફ્રિકા ખંડના અલગ-અલગ દેશોમાં સ્થાયી થયા હતા, જ્યાંથી તેઓ યુરોપમાં સ્થાયી થયા હતા. એટલે આફ્રિકાના અલગ-અલગ દેશો, યુકે અને અમેરિકામાં જલારામનાં મંદિરો કે તેમના નામથી સત્સંગ મંડળો ચાલે છે.
વીરપુરની જગ્યા દ્વારા કોઈ સાર્વજનિક કાર્યક્રમ કરવામાં નથી આવતા, તથા અલગ-અલગ સ્થળોનાં મંદિર, મંડળ તથા કેન્દ્ર 'જલારામના નામ' સાથે જોડાયેલા હોય છે, એટલે તેમના અનુયાયીઓની સંખ્યા અંગે નક્કર આંકડો મળવો મુશ્કેલ છે. જોકે, આ આંકડો લાખોમાં છે તે વાતમાં કોઈ શંકા નથી.
ભક્ત જલારામ કોણ હતા?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
જલારામનો જન્મ વિક્રમ સંવત 1856માં કારતક સુદ સાતમના દિવસે થયો હતો, અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે એ દિવસે તા 14 નવેમ્બર 1799 હતી.
કેશવલાલ ઠક્કરે 'આધુનિક ગુજરાતના સંતો'ના નામથી પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે ગુજરાતના 50થી વધુ સંતોનાં જીવનચરિત્રો આલેખ્યાં છે, જેના અઢારમા પ્રકરણમાં તેમણે જલારામ વિશે લખ્યું છે, જે મુજબ:
'જલારામનો જન્મ વીરપુર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર તથા માતાનું નામ રાજબાઈ હતું. નાનપણથી તેઓ રામનામ અને ભજનમાં વ્યસ્ત રહેતા.'
'યજ્ઞાપવિત સંસ્કાર બાદ જસદણ પાસે આટકોટ નિવાસી વીરબાઈ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. ઇચ્છા ન હોવા છતાં પિતાની સામે લાચાર થઈ તેમણે લગ્ન કર્યાં.'
ઠક્કર લખે છે કે તત્કાલીન વ્યવસ્થા પ્રમાણે, પ્રધાન ઠક્કરે જલારામને પોતાની દુકાને બેસાડ્યા. જલારામ કોઈ જરૂરિયાતમંદ, સંત કે સાધુને ચીજવસ્તુ આપી દેતા. પ્રધાન ઠક્કરને આ વાત 'અપલક્ષણ' જણાયું હતું એટલે તેમણે જલારામને પોતાનાથી અલગ કર્યા.
ગુજરાતી વિશ્વકોશમાં 'જલારામ'ના ચરિત્ર અંગે આપવામાં આવેલા વિવરણ પ્રમાણે, કાકા વાલજી ઠક્કરની દુકાને પણ જલારામે સાધુસંતો પ્રત્યે પરોપકારનો સિલસિલો ચાલુ રાખ્યો હતો.
'એકવાર સાધુસંતોની એક મંડળી જૂનાગઢ-સોમનાથની જાત્રાએ જઈ રહી હતી, ત્યારે એક સાધુએ જલારામ સમક્ષ ટહેલ નાખી. જલારામે એટલો સામાન આપ્યો કે યાચના માટે આવેલો સાધુ એકલાહાથે તે ઉપાડી શક્યો નહીં, એટલે જલારામ તેમની સાથે થયા.'
'પાડોશના એક વેપારીએ આ અંગે કાકાને જાણ કરી. જોકે, કાકાએ તપાસ કરતાં માલસામાન યથાવત્ જણાયો હતો. આ ઘટના પછી જલારામની આધ્યાત્મિક શક્તિનો વીરપુરમાં સ્વીકાર થયો, પરંતુ આ ઘટના પછી જલારામનું હૃદય સંસારમાંથી ઊઠી ગયું.'
ભોજલરામ ભક્ત જલારામના ગુરુ કઈ રીતે બન્યા?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
જલારામના પરિવારજન ભરતભાઈ ચાંદ્રાણીએ તેમના વીડિયો નિવેદનમાં અમરેલીના ફતેપુરાસ્થિત ભોજલરામનો જલારામના ગુરુ તરીકે ઉલ્લેખ કર્યો છે.
'સોરઠના સંત મહંતો' નામના પુસ્તકમાં કાલીદાસ મહારાજે આ વિસ્તારના અમુક ધાર્મિકપુરુષોનું જીવનચરિત્ર આલેખ્યુ છે, જેમાં ભોજલરામનો પણ સમાવેશ થાય છે. તેમાં પેજ નંબર 157-158 ઉપર ભોજલરામ તથા જલારામની પ્રથમ મુલાકાત વિશેનું વિવરણ આલેખ્યું છે. તેઓ લખે છે:
"ભોજલરામની અવસ્થા થવા આવી હતી અને ઘડપણે ઘેરો ઘાલ્યો હતો. છતાં તેઓ થાક્યા વગર લોકહિતનાં કામો કરતાં. એક દિવસ અજાણ્યો યુવાન ભોજલરામને ત્યાં આવી ચઢ્યો અને તેમને પગે લાગ્યો."
"ત્યારે યુવકે પોતાનાનું નામ જલારામ હોવાનું તથા વીરપુરના રહીશ અને જ્ઞાતે લોહાણા હોવાનું જણાવ્યું. જ્યારે ભોજલરામે પૂછ્યું કે તેઓ શું કામ કરે છે? ત્યારે જલારામે કહ્યું, 'બાપુ, પહેલાં દુકાન કરી, પરંતુ ફાવટ આવી નહીં એટલે વીંટાણી મૂકી. કાકાએ રજા આપી. હવે અભ્યાગતોની સેવા કરું છું. ખેતરમાં બેઉ માણસ દાહડી કરીએ છીએ અને જે મળે છે તેમાંથી ટુકડો આપું છું."
આ મુલાકાત દરમિયાન ભોજલરામને ગુરુપદે ધારવાની જલારામે ઇચ્છા વ્યક્ત કરી. ભોજલરામે કહ્યું કે તેઓ કોઈ ઓલિયા નથી અને જલારામ જે કરે છે તે માટે કંઠી બંધાવવાની જરૂર નથી. આમ છતાં જો કંઠી બંધાવવાની ઇચ્છા હોય તો અન્ય નામો સૂચવ્યાં.
છતાં જલારામે વાત પકડી રાખતા ભોજલરામે કંઠી બાંધીને સતનો ઉપદેશ આપ્યો. જલારામ થોડા દિવસ ત્યાં રહ્યા અને વીરપુરમાં પરત આવીને અન્નક્ષેત્ર શરૂ કર્યું.
ભોજલરામ પોતાના જીવનના અંતિમ દિવસો દરમિયાન વીરપુરમાં જલારામને ત્યાં રહ્યા અને તેમનું સમાધિમંદિર વીરપુરમાં હોવાનું કાલીદાસ મહારાજ લખે છે.
દેવેન્દ્રકુમાર પંડિતે 'સૌરાષ્ટ્રના સંતો' નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેઓ લખે છે કે ભોજા ભગતની સૌરાષ્ટ્રના ગામે-ગામમાં પ્રતિષ્ઠા હતી. વાલમરામ અને જલારામ ઉપર ભોજલરામના જીવનની અસર હતી.
જલારામનું અન્નક્ષેત્ર ક્યારથી ચાલે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જલારામના જીવન સાથે જોડાયેલા અનેક કિસ્સા તેમના શ્રદ્ધાળુઓમા પ્રખ્યાત છે. સ્થાન પર રહેલા ધોકો અને ઝોળીને તેમના જીવનમાં બનેલા 'ચમત્કાર' સાથે જોડીને વર્ણવવામાં આવે છે.
આથી, શ્રદ્ધાળુઓ દ્વારા મનોકામના પૂર્ણ થાય તે માટે જલારામની માનતા પણ રાખવામાં આવે છે.
ગુજરાતી વિશ્વકોશના વિવરણ પ્રમાણે વિક્રમ સંવત 1878માં (ઈ.સ. 1822) માત્ર 22 વર્ષની ઉંમરે તેમણે અન્નક્ષેત્ર શરૂ કર્યું. એ વર્ષે દુકાળ પડ્યો, ત્યારે તેઓ 'ભૂખ્યા અને દુખિયા' લોકોનો વિસામો બની રહ્યા. એ પછી 'ભક્ત' તરીકે તેમની કીર્તિ ફેલાઈ અને દાનની સરવાણી વહેવા લાગી.
ગોંડલના રાજવી પરિવારે જલારામનો ફોટો લેવા માટે ફોટોગ્રાફર મોકલ્યા હતા, જેના કારણે તેમની તસવીર સુલભ બની છે.
કેશવલાલ ઠક્કર તેમના પુસ્તકમાં લખે છેકે વિક્રમ સંવત 1937માં મહાવદ દશમના દિવસે (ઈ.સ. 1881) જલારામનું નિધન થયું.
જલારામને સંતાનમાં પુત્રી હતાં, જેમનાં સંતાનોએ જલારામની જગ્યાનો ઉત્તરાધિકાર સંભાળીને સદાવ્રતની પ્રવૃત્તિ અખંડપણે ચાલુ રાખી છે. સ્થાન દ્વારા અન્નક્ષેત્ર ઉપરાંત વિશ્રામગૃહ, લાઇબ્રૅરી જેવી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.
લોકો માનતા ઉતારવા માટે રોકડ, ગોળ, ધાન, ઘી, તેલ વગેરે જેવું સીધું પહોંચાડતા. શ્રદ્ધાળુઓ દ્વારા 'જલારામ બાવની' સ્વરૂપે તેમની જીવનગાથા ગાવામાં આવે છે.
જોકે, નવેમ્બર-2000માં સંસ્થાએ રોકડ કે સીધાંની સહાય સ્વીકારવાનો ઇન્કાર કર્યો. જાન્યુઆરી મહિનામાં આ વાતને 25 વર્ષ પૂર્ણ થયા હતા.
તત્કાલીન ગાદીપતિ તથા તેમના ઉત્તરાધિકારી પણ અનેક વખત સાર્વજનિક રીતે અને ખાનગી મુલાકાતો દરમિયાન શ્રદ્ધાળુઓને જલારામની માનતાની રકમ કે સીધુ તેમની નજીકના જરૂરિયાતમંદને આપવાની વાત કરી ચૂક્યા છે.
હાલ પણ વીરપુરમાં કોઈપણ ધર્મ, જ્ઞાત, જાત કે વર્ગના ભેદભાવ વગર એક જ પંગતમાં સવારે અને સાંજે લોકોને ભોજન પીરસવામાં આવે છે. જેમાં ખીચડી-કઢી, બુંદી, ગાંઠિયા અને શાક જેવું ભોજન હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












