એ ભારતીય પરિવાર જે એક સ્ટોરથી શરૂ કરીને અમેરિકામાં 'સૌથી ધનાઢ્યો પૈકી એક' બની ગયો

ઇમેજ સ્રોત, Flickr/East-West Center
- લેેખક, મેરિલ સબેશ્ચિયન
- પદ, બીબીસી ન્યૂઝ, કોચી
ભારતીય મૂળના એક પરિવારે અમેરિકાના હવાઈ રાજ્યમાં બહુ નાના પાયે શરૂઆત કરી હતી, પરંતુ દાયકા વીતવાની સાથે હવે તેમની ગણના હવાઈ ટાપુઓ પર સૌથી ધનાઢ્ય પરિવારોમાં થવા લાગી છે.
ભારતીય ઉદ્યોગસાહસિક જમનાદાસ વાટુમુલ 1915માં 29 વર્ષની ઉંમરે હવાઈના હોનોલુલુ ટાપુ પર આવ્યા હતા. તેમણે પોતાના ભાગીદાર ધરમદાસ સાથે મળીને પોતાના ઇમ્પૉર્ટ બિઝનેસ માટે એક રિટેલ શૉપથી શરૂઆત કરી હતી.
સૌથી પહેલા હોનોલુલુની હોટલ સ્ટ્રીટ પર વાટુમુલ ઍન્ડ ધરમદાસ કંપની રજિસ્ટર કરાવી જ્યાં તેઓ રેશમ, હાથીદાંતની ચીજવસ્તુઓ, તાંબાની વસ્તુઓ અને સહિત બીજી ચીજો વેચતા હતા.
1916માં ધરમદાસનું કૉલેરાથી મૃત્યુ થયું, તેથી જમનાદારસ વાટુમુલે હોનોલુલુસ્થિત સ્ટોર સંભાળવા માટે તેમના ભાઈ ગોવિંદરામને મોકલ્યા અને પોતે ફિલિપાઇન્સના મનિલામાં પોતાનો બિઝનેસ સંભાળતા હતા. ત્યાર બાદ આ બંધુઓએ ઘણી વખત ભારતથી હવાઈ વચ્ચે મુસાફરી કરી અને પોતાનો બિઝનેસ જમાવ્યો.
આજે હોનોલુલુ ટાપુઓ પર વાટુમલનું નામ દરેક જગ્યાએ જોવા મળે છે. ગારમેન્ટ ઉત્પાદનથી લઈને રિયલ એસ્ટેટ અને શિક્ષણથી લઈને આર્ટ્સમાં ધર્માદાકાર્ય સુધી તેઓ છવાયેલા છે. હવે આ પરિવાર હવાઈના સમૃદ્ધ ઇતિહાસનો હિસ્સો બની ગયો છે.
એક સમયે તેઓ ભારતથી અહીં આવેલા સૌપ્રથમ દક્ષિણ એશિયનોમાં ગણાતા હતા, આજે તેઓ અહીંના સૌથી ધનિક પરિવારોમાં સામેલ છે.
જમનાદાસે 1973માં એક સ્થાનિક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, "અમે બધું ધીમે ધીમે કર્યું છે."
જમનાદાસનો જન્મ ભારત આઝાદ થયું તે અગાઉ સિંધ પ્રાંતના હૈદરાબાદમાં થયો હતો, જે આજે પાકિસ્તાનમાં આવે છે. તેમના પિતા ઈંટોનો ભઠ્ઠો ધરાવતા હતા. તેમનો પરિવાર શિક્ષિત હતો, પરંતુ ધનાઢ્ય ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પિતાને એક અકસ્માત નડ્યા પછી જમનાદાસના માતાએ જમનાદાસને ફિલિપાઇન્સ મોકલ્યા જ્યાં તેમણે એક ટેક્સ્ટાઈલ મિલમાં નોકરી શરૂ કરી હતી. 1909માં તેમણે પોતાના ભાગીદાર ધરમદાસ સાથે મળીને મનિલામાં પોતાનો ટ્રેડિંગ બિઝનેસ શરૂ કર્યો.
તેમના પૌત્ર જે ડી વાટુમુલ કહે છે, તે સમયે ફિલિપાઇન્સ પર અમેરિકાનો કબજો હતો. અમેરિકાએ વિદેશી બિઝનેસ પર નિયંત્રણ લાદ્યાં, ત્યાર પછી મનિલામાં બિઝનેસ ઘટી ગયો. તેથી જમનાદાસ અને ધરમદાસ હવાઈ આવી ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
જમનાદાસના ભાઈ ગોવિંદરામે બિઝનેસ સંભાળ્યો ત્યાર પછી હવાઈસ્થિત બિઝનેસનું નામ બદલીને ઇસ્ટ ઇન્ડિયા સ્ટોર કરી નાખવામાં આવ્યું. ત્યાર બાદ તેમનો બિઝનેસ એવો ફૂલ્યો ફાલ્યો કે એશિયામાં બીજી જગ્યાએ પણ તેમના ડિપાર્ટમેન્ટ સ્ટોર શરૂ થઈ ગયા હતા એવું સાઉથ એશિયન અમેરિકન હિસ્ટ્રીના ડિજિટલ આર્કાઇવ એસએએડીએમાં જણાવાયું છે.
1937માં ગોવિંદરામે હોનોલુલુમાં વાટુમુલ બિલ્ડિંગ ઊભી કરી અને તેને કંપનીનું હેડક્વાર્ટર બનાવ્યું. એસએએડીએ મુજબ 1957 સુધીમાં કરોડો ડૉલરનો આ બિઝનેસ હવે દસ સ્ટોર, એક ઍપાર્ટમેન્ટ હાઉસ અને કૉમર્શિયલ ડેવલપમેન્ટ સુધી વિસ્તરી ગયો હતો.
સ્ટાર બુલેટિન અખબાર લખે છે કે સ્ટોરમાં કાપડ, અંતર્વસ્ત્રો, પિત્તળ અને સાગનો સામાન મળતો જેનાથી "દૂરના દેશોનું એક આકર્ષક ચિત્ર" રજૂ થતું હતું.
અલોહા શર્ટ્સ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1930ના દાયકામાં ધનિક પર્યટકો માટે હવાઈ એક લોકપ્રિય સ્થળ તરીકે સામે આવ્યું હતું. તે વખતે ટાપુના રૂપાંકન સાથે એકદમ બોલ્ડ રંગ ધરાવતા અલોહા શર્ટની માગ ખૂબ વધી ગઈ હતી.
હવાઈનાં કપડાં અને પૅટર્નના નિષ્ણાત ડેલ હોપ જણાવે છે કે વાટુમુલનો ઇસ્ટ ઇન્ડિયા સ્ટોર હવાઈની પૅટર્ન સાથે ડિઝાઇન રજૂ કરનાર સૌપ્રથમ સ્ટોર પૈકી એક હતો.
ગોવિંદરામે સૌથી પહેલા 1936માં પોતાનાં આર્ટિસ્ટ સાળી એલ્સી જેન્સન પાસે તેની ડિઝાઇન તૈયાર કરાવી હતી.
હોપે લખ્યું છે કે, "માઉન્ટ ફુજીના બદલે તેઓ ડાયમંડ હેડ રાખતા, ચેરી બ્લૉસમના બદલે તેઓ ગાર્ડેનિયા અને હિબિસ્કસ રજૂ કરતા."
આ બધી ડિઝાઇનો જાપાન મોકલવામાં આવી જ્યાં તેને કાચા રેશમ પર હાથેથી લગાડવામાં આવી હતી તેમ નેન્સી સ્કિફર પોતાના પુસ્તક હવાઈયન શર્ટ ડિઝાઇનમાં લખે છે.
તેઓ કહે છે, "આ સૂક્ષ્મ પુષ્પ પૅટર્ન,, અવધારણામાં આધુનિક અને ગતિશીલ, વ્યાવસાયિક રીતે ઉત્પાદન થનાર પ્રથમ હવાઈયન ડિઝાઇન હતી."
વિલિયમ ડેવેનપૉર્ટ પોતાના પુસ્તક પેરેડાઇઝ ઑફ ધ પેસિફિકમાં કહે છે, "હોડીઓ ભરી ભરીને તે વેચવામાં આવ્યાં અને લંડન સુધી તેનું પ્રદર્શન થયું."
ગોવિંદરામનાં પુત્રી લીલાએ હોપને જણાવ્યું કે વાટુમુલના વાઈકીકી સ્ટોરમાં અમેરિકન ફિલ્મ સ્ટાર લોરેટા યંગ, જેક બેની, લાના ટર્નર અને એડી 'રોકેસ્ટર' ઍન્ડરસન જેવા લોકો શર્ટ ખરીદવા આવતાં હતાં.
ગુલાબ વાટુમુલે 1966માં હોનોલુલુ સ્ટાર-બુલેટિનને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે, "અમને વધુને વધુ જાણવા મળ્યું કે વાટુમુલ એ હવાઈની ફૅશનનો પર્યાય બની ગયું છે."
વાટુમુલે થોડા જ સમયમાં રૉયલ હવાઈયન મૅન્યુફૅક્ચરિંગ કંપની ખરીદી લીધી જ્યાંથી પ્રથમ મેચિંગ ફેમિલી અલોહા પરિધાન બનાવવામાં આવ્યું હતું.
નાગરિકતા માટે લાંબી સફર

ઇમેજ સ્રોત, Getty Images
આટલી સફળતા મળવા છતાં વાટુમુલબંધુઓને જમનાદાસ અને ગોવિંદરામને અમેરિકન નાગરિકત્વ મળવામાં કેટલાય દાયકા લાગી ગયા. હવાઈ બિઝનેસ મૅગેઝિને લખ્યું છે કે દેશમાં શરૂઆતના વર્ષમાં તેમણે ભેદભાવ અને બહુ આકરા ઇમિગ્રેશન કાયદાનો સામનો કરવો પડ્યો હતો.
1922માં ગોવિંદરામે એક અમેરિકન એલેન જેન્સન સાથે લગ્ન કર્યાં જેમની નાગરિકતા કેબલ ઍક્ટ હેઠળ છીનવી લેવામાં આવી હતી, કારણ કે તેમણે અમેરિકન સિટીઝનશિપ માટે યોગ્ય ન હોય તેવાં માઇગ્રન્ટ સાથે લગ્ન કર્યાં હતાં.
જેન્સેને 1931માં કાયદામાં સુધારો કરવા અને નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે મહિલા મતદારોની લીગ સાથે કામ કર્યું હતું.
ભારતીયોને નેચરલાઇઝેશન દ્વારા નાગરિકત્વ આપવાનો કાયદો ઘડવામાં આવ્યો ત્યારે ગોવિંદરામ 1946માં અમેરિકાના નાગરિક બની ગયા હતા.
આ દરમિયાન તેમના ભાઈ જમનાદાસ પોતાનો મોટા ભાગનો સમય ભારત અને હવાઈ વચ્ચે આવવા જવામાં ગાળતા હતા.
એસએએડીએનું કહેવું છે કે 1947માં ભારતનું વિભાજન થયું તે દરમિયાન વાટુમુલ પરિવાર પોતાની મોટા ભાગની સંપત્તિ છોડીને બૉમ્બે (આજનું મુંબઈ) આવી ગયો.
અંતે જમનાદાસના પુત્ર ગુલાબ પરિવારના બિઝનેસમાં જોડાવા માટે હવાઈ આવ્યા અને તેનો કાર્યભાર સંભાળ્યો.
1955માં બંધુઓએ બિઝનેસનું વિભાજન કર્યું જેમાં જમનાદાસ અને ગુલાબે રિટેલ બિઝનેસ પોતાના હાથમાં રાખ્યો, જ્યારે ગોવિંદરામના પરિવારે રિયલ એસ્ટેટનું સેક્શન સંભાળ્યું.
1956માં પોતાનાં પત્ની અને એક પુત્રના મૃત્યુ પછી જમનાદાસ કાયમ માટે હવાઈ જતા રહ્યા અને 1961માં અમેરિકાના નાગરિક બની ગયા.
ભારત સાથે સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષો દરમિયાન આ પરિવારે ભારતમાં જનકલ્યાણ માટે પણ પ્રયાસ કર્યા. ઇલિયન રૉબર્ટ બાર્કને 'મૅકિંગ ઈટ ઈન અમેરિકા'માં લખ્યું છે કે ગોવિંદરામ ભારતની સ્વતંત્રતા સમિતિના એક સક્રિય સભ્ય હતા અને દેશની આઝાદીના મામલે સમર્થન કરવા માટે ઘણી વખત વૉશિંગ્ટન જતા હતા.
સચીન્દ્રનાથ પ્રધાને ઇન્ડિયા ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ પુસ્તકમાં લખ્યું છે, લૉસ ઍન્જલસમાં ગોવિંદરામનું ઘર "ભારતીય સ્વતંત્રતાથી સંબંધિત લોકો માટે મક્કા હતું"
1946માં વાટુમુલ ફાઉન્ડેશને અમેરિકન યુનિવર્સિટીઓમાં ડૉ. એસ રાધાકૃષ્ણનનાં ભાષણોની એક શ્રેણી યોજી હતી. આગળ જતા રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા.
ગોવિંદરામનાં પત્ની એલેને 1959માં દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય પેરન્ટહૂડ કૉન્ફરન્સ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેનાથી દેશમાં પ્રથમ જન્મ નિયંત્રણ ક્લિનિકની સ્થાપના થઈ હતી.
આ પરિવાર દાનકાર્ય સાથે સંકળાયેલો છે જેમાં હવાઈ અને ભારતમાં શૈક્ષણિક સંસ્થાનોના ફંડિંગ, હોનોલુલુસ્થિત કળા કાર્યક્રમોને સહાય અને ભારત-હવાઈ આદાનપ્રદાનનો સમાવેશ થાય છે.
વાટુમુલબંધુનાં ઘણાં પૌત્ર-પૌત્રીઓ હવે હવાઈ અને આસપાસમાં કામ કરે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં પરિવારે રિયલ એસ્ટેટ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમાં 2020માં છેલ્લો વાટુમુલ સ્ટોર બંધ કરવામાં આવ્યો હતો. કંપનીએ "વર્ષોના સારા બિઝનેસ અને સારી સ્મૃતિઓ બદલ" પોતાના ગ્રાહકોનો આભાર માન્યો હતો.
વાટુમુલ પ્રોપર્ટીઝે ગયા વર્ષે હવાઈમાં 19,045 ચોરસ મીટરની માર્કેટ પ્લેસ ખરીદી હતી.
કંપનીના વડા જે ડી વાટુમુલે જણાવ્યું કે, "હવાઈ ટાપુ આજે અને ભવિષ્યમાં પણ અમારા પરિવાર માટે કેન્દ્રમાં રહેશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












