મનમોહનસિંહ: ઉદારીકરણના નાયકથી લઈને વડા પ્રધાન સુધીની સફર

મનમોહનસિંહ, પૂર્વ વડા પ્રધાન, ભારત, કૉંગ્રેસ, આર્થિક ઉદારીકરણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનમોહનસિંહનો જન્મ 26મી સપ્ટેમ્બર, 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં થયો હતો

1991ના ઐતિહાસિક બજેટ ભાષણના સમાપન વખતે મનમોહનસિંહની વિખ્યાત ટિપ્પણી ઘણાને યાદ હશે.

તેમણે કહ્યું હતું, "આપણે જે લાંબી અને કઠિન સફર પર નીકળ્યા છીએ, તેમાં આવનારી મુશ્કેલીઓને હું ઓછી નથી આંકતો. પરંતુ વિક્ટર હ્યુગોએ એક વખત કહ્યું હતું તેમ, 'જેનો સમય આવી ગયો હોય તે વિચારને પૃથ્વી પરની કોઈ પણ શક્તિ અટકાવી શકતી નથી.' હું આ પ્રતિષ્ઠિત સદનને જણાવું છું કે દુનિયામાં એક મહત્ત્વની આર્થિક શક્તિ તરીકે ભારતનો ઉદય પણ આવો જ એક વિચાર છે. આખી દુનિયાને તે સ્પષ્ટ રીતે સાંભળવા દો. ભારત હવે જાગી ઉઠ્યું છે. આપણે પ્રબળ બનીશું. આપણે જીતીશું."

મનમોહનસિંહ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાનો પૈકી એક હતા. જાણકારોના મત પ્રમાણે તેઓ પોતાની વ્યક્તિગત પ્રામાણિકતા માટે વિખ્યાત હતા.

તેમને દેશમાં ઉદારીકરણ અને આર્થિક સુધારાના ઘડવૈયા ગણવામાં આવે છે. 2004-2014 સુધી વડા પ્રધાન તરીકે અને તેનાથી અગાઉ તેમણે નાણામંત્રી તરીકે આર્થિક સુધારા કર્યા હતા.

પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહનું ગુરુવારે 92 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. આ જાણકારી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એઇમ્સ)એ આપી.

મનમોહનસિંહ વર્ષ 1991માં ભારતના નાણામંત્રી તરીકે ઉભર્યા, એ એવો સમય હતો જ્યારે દેશની આર્થિક હાલત ડામાડોળ હતી.

તેમની નાણામંત્રી તરીકેની નિયુક્તિએ તેમની લાંબી રાજનૈતિક અને સફળ કૅરિયરને નવી ઉંચાઈ પ્રદાન કરી. તેમણે એક શિક્ષાવિદ અને નૌકરશાહ તરીકે તો કામ કર્યું જ હતું, સરકારના આર્થિક સલાહકાર તરીકે પણ યોગદાન આપ્યું હતું. તેઓ ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર પણ રહ્યા.

જવાહરલાલ નહેરુ બાદ મનમોહનસિંહ એવા પ્રથમ વડા પ્રધાન હતા જેઓ પ્રથમ કાર્યકાળની સંપૂર્ણ સેવા બાદ ફરીથી ચૂંટાયા હોય.

તેઓ દેશના સૌથી ઊંચા પદ પર પહોંચનારા પ્રથમ શીખ હતા.

તેમણે 1984ના રમખાણો માટે સંસદમાં જાહેરમાં માફી માંગી હતી જેમાં લગભગ 3,000 શીખો માર્યા ગયા હતા.

પંજાબમાં જન્મ, કૅમ્બ્રિજમાં માસ્ટર્સ

મનમોહનસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા બાદ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં માસ્ટર્સ કરવા ગયા હતા. તેમણે ઑક્સફર્ડથી ડી. ફિલ કર્યું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન તરીકે તેમના બીજા કાર્યકાળમાં ભ્રષ્ટાચારના આરોપો થયા જેના કારણે વહીવટને અસર થઈ હતી. 2014ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર માટે આંશિક રીતે આ કૌભાંડો જવાબદાર હોવાનું ઘણા લોકો કહે છે.

મનમોહનસિંહનો જન્મ 26મી સપ્ટેમ્બર, 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક છેવાડાના ગામમાં થયો હતો, જેમાં પાણી કે વીજળીની સુવિધા ન હતી.

પંજાબ યુનિવર્સિટીમાં ભણ્યા પછી તેણે કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી લીધી અને પછી ઑક્સફર્ડમાં ડી.ફિલ (ડૉક્ટર ઓફ ફિલૉસૉફી) થયા.

કૅમ્બ્રિજમાં અભ્યાસ કરતી વખતે મનમોહનસિંહને પૈસાની અછત રહેતી હતી તેમ તેમના પુત્રી દમનસિંહે પોતાનાં માતાપિતા પરના એક પુસ્તકમાં લખ્યું હતું.

તેમણે લખ્યું છે, "તેમનો ટ્યુશન અને રહેવાનો ખર્ચ વાર્ષિક આશરે 600 પાઉન્ડ જેટલો હતો. પંજાબ યુનિવર્સિટીની સ્કૉલરશિપ તરીકે તેમને લગભગ 160 પાઉન્ડ મળતા હતા. બાકીના માટે તેણે તેમના પિતા પર નિર્ભર રહેવું પડતું હતું. મનમોહનસિંહ ખૂબ કરકસરથી જીવતા હતા. ડાઇનિંગ હૉલમાં સબસિડીવાળું ભોજન લેતા જે તેમને લગભગ બે શિલિંગ અને છ પૅન્સમાં મળતું હતું."

દમનસિંહે પોતાના પિતા વિશે લખ્યું છે કે, "તેમને ઘરકામ ફાવતું ન હતું. તેઓ ઈંડું પણ બાફી શકતા ન હતા અને ટીવી પણ ચાલુ કરી શકતા ન હતા."

સહમતિ બનાવનારા નેતા

મનમોહનસિંહ, કૉંગ્રેસ, પૂર્વ વડા પ્રધાન, ભારત, આર્થિક શક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનમોહનસિંહના પરિવારમાં તેમનાં પત્ની અને ત્રણ પુત્રી છે

1991માં મનમોહનસિંહ ભારતના નાણામંત્રી તરીકે રાજકીય પ્રસિદ્ધિ પામ્યા ત્યારે દેશ નાદાર થવાના આરે હતો.

તેમની અણધારી નિમણૂકના કારણે ઍકેડેમિક અને સનદી અધિકારી તરીકેની કારકિર્દી ત્યાં જ અટકી ગઈ. તેઓ ભારત સરકારના આર્થિક સલાહકાર રહ્યા હતા અને રિઝર્વ બૅન્કના ગવર્નર પણ રહ્યા હતા.

નાણામંત્રી તરીકે પોતાના પ્રથમ ભાષણમાં તેમણે વિક્ટર હ્યુગોને ટાંકીને કહ્યું કે, "જેનો સમય આવી ગયો હોય તેવા વિચારને પૃથ્વી પરની કોઈ શક્તિ રોકી શકતી નથી."

તેની સાથે એક મહત્ત્વાકાંક્ષી અને અભૂતપૂર્વ આર્થિક સુધારણા કાર્યક્રમની શરૂઆત થઈ. તેમણે ટૅક્સમાં ઘટાડો કર્યો, રૂપિયાનું અવમૂલ્યન કર્યું, સરકારી કંપનીઓનું ખાનગીકરણ કર્યું અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપ્યું.

અર્થતંત્ર પુનઃજીવિત થયું, ઉદ્યોગોમાં તેજી આવી, ફુગાવો વધતો અટક્યો અને 1990ના દાયકામાં વિકાસ દર સતત ઊંચો રહ્યો.

'આકસ્મિક વડા પ્રધાન'

મનમોહનસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનમોહનસિંહ 1999માં લોકસભાની ચૂંટણી હાર્યા હતા

મનમોહનસિંહ એવી વ્યક્તિ હતા જેમને ખબર હતી કે તેમની પાસે રાજકીય આધાર ન હતો. એક વખત તેમણે કહ્યું હતું કે, "રાજનેતા બનવું બહુ સારું છે, પરંતુ લોકશાહીમાં રાજનેતા બનવા માટે તમારે પહેલાં ચૂંટણી જીતવી પડે."

તેમણે જ્યારે 1999માં ભારતના નીચલા ગૃહ (લોકસભા)ની ચૂંટણી જીતવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની હાર થઈ હતી. તેના બદલે તેઓ ઉપલા ગૃહ (રાજ્યસભા)માં ચૂંટાયા હતા.

2004માં પણ આવું જ બન્યું હતું. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાં પ્રધાનપદ નકારી કાઢ્યા પછી સિંહને પ્રથમ વખત વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દેખીતી રીતે પોતાના ઇટાલિયન મૂળના કારણે પક્ષને આકરી ટીકાથી બચાવવા સોનિયા ગાંધીએ આવું કર્યું હતું.

જોકે, ટીકાકારોએ એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે વાસ્તવિક સત્તા સોનિયા ગાંધી પાસે હતી અને સિંહ ક્યારેય સાચા અર્થમાં સત્તાધારી નહોતા.

તેમનાં પાંચ વર્ષના પ્રથમ કાર્યકાળ દરમિયાન સૌથી મોટી જીત ત્યારે થઈ જ્યારે ભારતે અમેરિકન પરમાણુ ટૅક્નૉલૉજી મેળવવા માટે મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા.

પરંતુ આ સોદા માટે કિંમત ચૂકવવી પડી. સરકારના સામ્યવાદી સાથીઓએ તેનો વિરોધ કર્યા પછી સમર્થન પાછું ખેંચી લીધું. કૉંગ્રેસે મત ખરીદવાના આરોપો વચ્ચે અન્ય પક્ષોનો સમર્થન મેળવ્યું અને જરૂરી આંકડો જાળવ્યો.

સર્વસહમતિ રચવામાં માનતા સિંહે એવા ગઠબંધનને સંભાળ્યું જેમાં કેટલાક સાથીપક્ષોને સંભાળવા ખરેખર મુશ્કેલ હતા.

આમ છતાં તેમણે પોતાની પ્રામાણિકતા અને બુદ્ધિમતા માટે સન્માન મેળવ્યું હતું. તેઓ નરમ છે અને નિર્ણયશક્તિ નથી ધરાવતા તેવી પણ ટીકા થઈ હતી. કેટલાક ટીકાકારોએ એવો દાવો કર્યો હતો કે સુધારાની ગતિ ધીમી પડી છે અને તેમણે નાણામંત્રી તરીકે જે ગતિ મેળવી હતી તે જ ગતિ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

2009માં કૉંગ્રેસને બીજી વખત નિર્ણાયક જીત મળી ત્યારે મનમોહનસિંહે જાહેરાત કરી કે તેમને પક્ષ "અપેક્ષા મુજબ દેખાવ કરશે".

પરંતુ ટૂંક સમયમાં ચમક ઝાંખી પડવા લાગી.તેમનો બીજો કાર્યકાળ મોટાભાગે તમામ ખરાબ કારણોસર સમાચારમાં રહ્યો. તેમના કૅબિનેટ મંત્રીઓને સંડોવતા કેટલાક કૌભાંડોના આરોપ થયા જેમાં દેશને અબજો ડૉલરનું નુકસાન થયાનો આરોપ મૂકાયો. વિપક્ષોએ સંસદની કાર્યવાહી ખોરવી નાખી, નીતિવિષયક કામગીરી થંભી ગઈ જેનાથી ગંભીર આર્થિક નરમાઈ આવી.

હરીફ પક્ષ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સિંહને ભારતના "સૌથી નબળા વડા પ્રધાન" ગણાવ્યા. સિંહે પોતાના દેખાવનો બચાવ કરતા કહ્યું કે તેમની સરકારે "દેશ અને લોકોના કલ્યાણ માટે અત્યંત પ્રતિબદ્ધતા અને સમર્પણ" સાથે કામ કર્યું છે.

વ્યવહારુ વિદેશ નીતિ

મનમોહનસિંહ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સાથે પૂર્વ પીએમ મનમોહનસિંહ(ફાઇલ ફોટો)

મનમોહનસિંહે પોતાની વિદેશ નીતિમાં પોતાની અગાઉના બે વડા પ્રધાનો દ્વારા અનુસરવામાં આવેલી વ્યવહારુ રાજનીતિ અપનાવી હતી.

તેમણે પાકિસ્તાન સાથે શાંતિ પ્રક્રિયા ચાલુ રાખી. જોકે, 'પાકિસ્તાની ઉગ્રવાદીઓના હુમલાઓ'ના કારણે આ પ્રક્રિયા અટવાઈ હતી. નવેમ્બર 2008માં મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો.

તેમણે ચીન સાથેના સરહદી વિવાદને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો, તિબેટમાં 40 વર્ષથી વધુ સમયથી બંધ રહેલા નાથુ લા પાસને ફરીથી ખોલવા માટેના સમજૂતિ કરી.

મનમોહનસિંહે અફઘાનિસ્તાન માટે નાણાકીય સહાયમાં વધારો કર્યો અને લગભગ 30 વર્ષમાં અફઘાનિસ્તાનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય નેતા બન્યા.

તેમણે ભારતના જૂના સાથી દેશ ઈરાન સાથેના સંબંધોને અંત નજીક લઈ જઈ ઘણા વિપક્ષી રાજકારણીઓને પણ નારાજ કર્યા હતા.

સાદગી પસંદ નેતા

મનમોહનસિંહ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક મહેનતી પૂર્વ શિક્ષક તથા નોકરશાહના રૂપમાં, મનમોહનસિંહ પોતાની વિનમ્રતા અને શાંત સ્વભાવ માટે જાણીતા હતા

તેઓ એક વિદ્વાન ભૂતપૂર્વ ઍકેડેમિક અને બ્યૂરોક્રેટ હતા, તેઓ હંમેશા લો-પ્રોફાઇલ જાળવતા હતા. તેમના ટ્વિટર એકાઉન્ટમાં મોટા ભાગે નીરસ ઍન્ટ્રીઓ જોવા મળતી અને તેમના ફોલોઅર્સની સંખ્યા મર્યાદિત હતી.

ઓછું બોલવા માટે જાણીતા મનમોહનસિંહના શાંત સ્વભાવના કારણે તેમના ઘણા પ્રશંસકો હતા.

કોલસા કૌભાંડમાં અબજો ડૉલરની કિંમતના લાયસન્સની ગેરકાયદેસર ફાળવણીને લગતા સવાલના જવાબમાં, તેમણે પોતાના મૌનનો બચાવ કરતા કહ્યું કે, "હજારો જવાબો કરતાં તે વધુ સારું છે".

2015માં તેમને ગુનાહિત ષડયંત્ર, વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચાર સંબંધિત ગુનાઓના આરોપોના જવાબ આપવા માટે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. નારાજ સિંહે પત્રકારોને કહ્યું કે તેઓ "કાનૂની તપાસનો સામનો કરવા તૈયાર છે" અને "સત્યનો વિજય થશે".

વડા પ્રધાન તરીકેના કાર્યકાળ પછી મનમોહનસિંહ પોતાની મોટી ઉંમરે પણ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા તરીકે રોજબરોજના મુદ્દાઓ સાથે ગાઢ રીતે જોડાયેલા રહ્યા.

ઑગસ્ટ 2020માં તેમણે બીબીસીને એક દુર્લભ મુલાકાતમાં જણાવ્યું કે ભારતે દેશની અર્થવ્યવસ્થાને ફટકો પહોંચાડનાર કોરોના રોગચાળાના આર્થિક નુકસાનને રોકવા માટે "તાત્કાલિક" ત્રણ પગલાં લેવાની જરૂર છે.

તેમણે જણાવ્યું કે સરકારે લોકોને સીધી રોકડ સહાય પૂરી પાડવાની, વ્યવસાય માટે મૂડી ઉપલબ્ધ કરાવવાની અને નાણાકીય ક્ષેત્રને વ્યવસ્થિત કરવાની જરૂર છે.

અંતમાં, ઇતિહાસ મનમોહનસિંહને ભારતને આર્થિક અને પરમાણુ એકલતામાંથી બહાર લાવવા બદલ યાદ કરશે, જોકે કેટલાક ઇતિહાસકારો સૂચવે છે કે તેમણે વહેલું નિવૃત્ત થઈ જવાની જરૂર હતી.

2014માં તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું, "હું પ્રામાણિકપણે માનું છું કે સમકાલીન મીડિયા કે સંસદમાં વિરોધ પક્ષ કરતા ઇતિહાસ મને વધુ ઉદાર નજરે જોશે."

સિંહના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રીઓ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.