મોઝામ્બિકમાં રાજકીય અંધાધૂંધીથી અનેકનાં મોત, ગુજરાતીઓ સાથે લૂંટફાટ

બીબીસી ગુજરાતી મોઝામ્બિક હિંસા ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોઝામ્બિકની રાજધાની માપુટોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ ચાલે છે

આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં હાલમાં રાજકીય અંધાધૂંધી ચાલી રહી છે જેમાં સેંકડો લોકો માર્યા ગયાના અહેવાલ છે. તો મોઝામ્બિકમાં વસતા મૂળ ગુજરાતીઓ અને બીજા ભારતીયો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

ઘણા વિસ્તારોમાં બેફામ લૂંટફાટ ચાલે છે તેનો ભોગ ગુજરાતીઓ તથા બીજા દેશના લોકો પણ બન્યા છે. હાલની હિંસાનો ફાયદો લઈને 1500થી વધુ કેદીઓ જેલ તોડીને ભાગી ગયા છે.

મોઝામ્બિકની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં ચુકાદો આપ્યો હતો કે 1975થી સત્તા પર રહેલી સત્તાધારી ફ્રેલિમો પાર્ટી ઑક્ટોબરમાં યોજાયેલી ચૂંટણીમાં જીતી ગઈ છે. ત્યાર પછી સોમવારથી મોટા પાયે વિરોધપ્રદર્શન શરૂ થયાં છે.

પોલીસવડાએ જણાવ્યું કે સરકાર વિરોધી પ્રદર્શન કરતા લોકોનું ટોળું બુધવારે રાજધાની માપુટોની જેલ તરફ આવ્યું હતું. કેદીઓએ આ સ્થિતિને લાભ ઉઠાવ્યો અને દીવાલ તોડીને ભાગી ગયા.

પોલીસવડા બર્નાન્ડીનો રાફેલે જણાવ્યું કે સુરક્ષા કર્મચારીઓ સાથેની અથડામણમાં 33 લોકો માર્યા ગયેલા છે અને 15 લોકોને ઈજા થઈ છે.

તેમણે કહ્યું કે જેલમાંથી ભાગી ગયેલા પૈકી 150થી વધુ કેદીઓને ફરી પકડી લેવાયા છે.

રાષ્ટ્રપતિપદની ચૂંટણીનાં પરિણામો પછી ભયંકર હિંસા

બીબીસી ગુજરાતી મોઝામ્બિક ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોઝામ્બિકમાં રાજકીય કારણોથી હિંસા ચાલે છે, ઘણી જગ્યાએ દુકાનો લૂંટવામાં આવી છે

ઑક્ટોબરમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાઈ ત્યારથી મોઝામ્બિકમાં અશાંતિ પ્રવર્તે છે. સત્તાવાર પરિણામોએ દર્શાવ્યું કે સત્તાધારી ફ્રેલિમોના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડેનિયલ ચાપો જીતી ગયા છે.

બંધારણીય અદાલતે સોમવારે ચુકાદો આપ્યો કે ચાપો વિજેતા છે, ત્યાર પછી ફરીથી વિરોધપ્રદર્શન શરૂ થયાં હતાં. જોકે કોર્ટે જીતના માર્જિનમાં ઘટાડો કર્યો હતો.

ઑક્ટોબરમાં પ્રારંભિક પરિણામોમાં એવું જણાવાયું હતું કે ડેનિયલ ચાપોએ કુલ મતમાંથી 71 ટકા મત મેળવ્યા હતા જ્યારે તેમના મુખ્ય હરીફ વેનાન્સિયો મોન્ડલેનને 20 ટકરા મત મળ્યા હતા.

હવે કોર્ટે જણાવ્યું કે ચાપોને 65 ટકા મત મળ્યા હતા જ્યારે મોન્ડલેનને 24 ટકા વોટ મળ્યા હતા.

વિરોધપ્રદર્શનોમાં 150થી વધુનાં મોત

બીબીસી મોઝામ્બિક હિંસા લૂંટફાટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1975માં ફ્રેલિમો પહેલી વખત સત્તા પર આવી ત્યાર બાદ અત્યારે સૌથી ભયંકર અશાંતિનો માહોલ છે

બીબીસીના એક રિપોર્ટરના જણાવ્યા મુજબ ક્રિસમસની પૂર્વસંધ્યાએ માપુટો એક ભૂતિયા શહેર જેવું હતું. લગભગ તમામ વેપાર-ધંધા બંધ હતા અને તોફાનોમાં સપડાવાના બદલે લોકોએ ઘરે રહેવાનું પસંદ કર્યું હતું. 1975માં ફ્રેલિમો પહેલી વખત સત્તા પર આવી ત્યાર બાદ અત્યારે સૌથી ભયંકર અશાંતિનો માહોલ છે.

દેશભરમાં ફ્રેલિમોની કચેરીઓ, પોલીસ સ્ટેશનો, બૅન્કો અને ફૅક્ટરીઓ લૂંટી લેવાયાં છે, તોડફોડ કરાઈ છે અને તેમાં આગ ચાંપી દેવાઈ છે. સોમવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 21 લોકો તોફાનોમાં માર્યા ગયા છે તેમ ગૃહમંત્રીએ મંગળવારે જણાવ્યું હતું.

દરમિયાન મોન્ડલેન મોઝામ્બિક છોડીને ભાગી ગયા છે અને તેમણે પોતાના ટેકેદારોને આ ચૂંટણી પરિણામો સામે વિરોધ કરવા હાકલ કરી છે, કારણ કે તેમના મતે ચૂંટણીમાં ગરબડ થઈ છે.

સોશિયલ મીડિયા પર એક સંદેશમાં તેમણે જણાવ્યું કે જો પરિણામને બદલવામાં નહીં આવે, તો "નવેસરથી જનઆંદોલન" થશે.

ચૂંટણી પછી વિરોધપ્રદર્શનોમાં ત્રણ મહિનાની અંદર 150થી વધુ લોકો માર્યા ગયા છે.

ગુજરાતીઓએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી હિંસા

ઇમેજ સ્રોત, ugc

ઇમેજ કૅપ્શન, મોઝામ્બિકમાં કેવી સ્થિતિ છે તેનું વર્ણન કરતા ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોઝામ્બિકમાં વિરોધપ્રદર્શનોને કારણે ત્યાં રહેતા ગુજરાતીઓ તકલીફમાં મુકાયા હોવાના અહેવાલ આવી રહ્યા છે.

ભરૂચથી મોઝામ્બિક ગયેલા લોકોના પરિજનોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું છે કે ત્યાં કામ-ધંધો કરતા ગુજરાતીઓ સાથે મોટા પાયે લૂંટફાટ થઈ છે. રોજગાર અર્થે ગુજરાતના ભરૂચથી કેટલાક લોકો મોઝામ્બિકમાં રહે છે.

ભરૂચના સિટપોણ ગામના રહેવાસી મહબૂબ યાકૂબ માટલીવાલાના બે ભાઈ મોઝામ્બિકમાં રહે છે.

તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, "મારા બે ભાઈ મોઝામ્બિકમાં રહે છે તેમની સાથે લૂંટફાટ થઈ છે. મારા ભાઈઓ બે ત્રણ દિવસથી સૂતા નથી. ભારતના કેટલાય લોકો ત્યાં રહે છે જેમનું કરોડો ડૉલરનું નુકસાન થયું છે."

મહબૂબ યાકૂબ માટલીવાલા અનુસાર ત્યાં રહેતા વિદેશી જેમાં ભારતીયો સહિત બંગાળી મૂળના લોકો, ચીની અને પાકિસ્તાની લોકોને પણ લૂંટી લેવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે, "દુકાનો તો લૂંટી જ લીધી છે, નાની-મોટી વસ્તુઓ પણ લૂંટી લઈ જઈ રહ્યા છે. બે ત્રણ દિવસ પહેલાં તો વિરોધપ્રદર્શન થઈ રહ્યાં હતાં, પણ હવે લોકોની દુકાનો લૂંટીને તેને તોડી પાડવામાં પણ આવી રહી છે."

પોતાના ભાઈઓ વિશે વાત કરતા મહબૂબે જણાવ્યું કે મારો 37 વર્ષનો ભાઈ હાફેઝ યાકૂબ મોહમ્મદ માટલીવાલા પોતાનાં પત્ની અને ચાર વર્ષના પુત્ર સાથે રહે છે. તેઓ મોઝામ્બિકની રાજધાની માપુટોથી 70 કિલોમીટર દૂર એક નાનકડા ટાઉન મનીશામાં રહે છે.

તેઓ કહે છે કે, "મારાં ભાભી ગર્ભવતી છે અને દસેક દિવસમાં ડિલિવરી થાય એમ છે. અમે તેમની સુરક્ષાને લઈને ખૂબ ચિંતિત છીએ. પ્રદર્શનકારીઓ પહેલાં રાતના આવીને દુકાનમાંથી પૈસા લૂંટી ગયા પછી દુકાન તોડી ગયા હતા. એ લોકો મારા ભાઈના ઘરમાં પણ ઘૂસી ગયા હતા અને પૈસા લઈ ગયા હતા."

બીબીસી ગુજરાતી મોઝામ્બિક હિંસા ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોઝામ્બિકની રાજધાનીમાં હિંસાનો માહોલ

મહબૂબ યાકૂબનું કહેવું છે કે મોઝામ્બિકમાં ભરૂચનાં અનેક ગામોમાંથી લોકો કામકાજ અર્થે ગયેલા છે. મોટા ભાગના લોકો અનાજની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સનો ધંધો કરે છે, તો કેટલાક લોકો નોકરી પણ કરે છે. અનેક લોકોનાં ઘર અને દુકાનોમાં લૂંટ થઈ છે અને તોડી પાડવામાં આવ્યાં છે.

તેમના બીજા ભાઈ સિદ્દીક યાકૂબ એક પ્લાસ્ટિકની ફૅક્ટરીમાં કામ કરે છે અને તે પણ રાજધાનીમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ હોવાનું કહે છે.

મહબૂબ યાકૂબે વિદેશ મંત્રાલયને મોઝામ્બિકમાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે પગલાં લેવાની વિનંતી કરી હતી.

તેમણે કહ્યું કે રોજગાર માટે લોકો વિદેશ જાય છે અને ભારતમાં પોતાના પરિવારને પણ આર્થિક મદદ મોકલે છે ત્યારે ભારતની સરકારે વિદેશમાં રહેતા ભારતના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.

તેમણે કહ્યું કે મોઝામ્બિકમાં અત્યારે રાજકીય સમસ્યા પેદા થઈ છે અને ભારતીયોના જાનમાલ ખતરામાં છે. ઘણાની દુકાનો લૂંટાઈ ગઈ છે અને ભારે તણાવમાં છે. તેમણે કહ્યું કે જેઓ સરકાર સાથે નજીકના સંબંધ ધરાવતા હોય તેઓ વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રાલય, યુએન વગેરેને સંદેશ પહોંચાડે અને લોકોના જાનમાલ અને આબરૂ બચાવવા માટે ઇમરજન્સીમાં મદદ માટે કોશિશ કરે તેવી અપીલ છે.

ભારત-મોઝામ્બિક વચ્ચેના સંબંધો કેવા છે?

બીબીસી મોઝામ્બિક ચૂંટણી પરિણામ હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી શેરીઓમાં હિંસા ચાલુ થઈ છે

ભારત અને મોઝામ્બિક વચ્ચે સદીઓથી વ્યાપાર સંબંધ રહ્યા છે અને વિદેશીઓના સંસ્થાન બન્યા તે અગાઉથી બંને દેશો વચ્ચે વેપાર થતો હતો. 1947માં ભારત આઝાદ થયા પછી ભારતે મોઝામ્બિકની સ્વતંત્રતાની લડાઈમાં ટેકો આપ્યો હતો.

1975માં મોઝામ્બિક સ્વતંત્ર થયું ત્યારે તેની સાથે રાજદ્વારી સંબંધો બનાવનાર દેશોમાં ભારત અગ્રેસર હતું. 2001માં મોઝામ્બિકે ભારતમાં પોતાનું દૂતાવાસ ખોલ્યું હતું.

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલીપ નયુસીએ જાન્યુઆરી 2024માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ભારતની મુલાકાત લીધી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓ 2015માં પણ ભારતયાત્રાએ આવ્યા હતા.

મોઝામ્બિક ખાતે ભારતીય હાઈ કમિશનની વેબસાઇટ પ્રમાણે મોઝામ્બિકમાં લગભગ 20,000થી વધુ નાગરિકોના મૂળ ભારત સાથે જોડાયેલા છે. તેમાંથી મોટા ભાગના ગુજરાત, દીવ, દમણ અને ગોવાથી મોઝામ્બિક ગયેલા છે.

મોઝામ્બિકમાં ભારતીયો મોટા ભાગે હોલસેલ અને રિટેલ વેપાર સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત લગભગ 3000 ભારતીય નાગરિકો મોઝામ્બિકમાં વિવિધ કંપનીઓમાં પ્રોફેશનલ તરીકે કામ કરે છે.

આ મામલે વધુ માહિતી માટે બીબીસી ગુજરાતીએ મોઝામ્બિકમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે પણ હજુ સુધી સંપર્ક નથી સાધી શકાયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.