વાહનોમાં એલઈડી લાઇટ્સના ઉપયોગથી શું અકસ્માતની શક્યતા વધે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, કોટેરુ શ્રાવણી
    • પદ, બીબીસી સંવાદદાતા

હેડલાઇટ હોય, બ્રેક લાઇટ્સ હોય કે પછી પાર્કિંગ લાઇટ્સ, રાત્રે પ્રવાસ કરતા વાહનચાલકો માટે લાઇટ બહુ જરૂરી હોય છે.

અલબત, આ લાઇટ્સ વાહનચાલકો માટે મુશ્કેલીનું કારણ પણ બને છે, ખાસ કરીને તે વિરુદ્ધ દિશામાંથી આવતા વાહનોની ચોક્કસ પ્રકારની એલઈડી લાઇટ્સ હોય તો.

વધુ સારી રોશની માટે વાહનોમાં એલઈડી લાઇટ્સ રેટ્રોફિટ કરવામાં આવે છે, પરંતુ તે જોખમી બનતી હોવાથી કેટલાંક રાજ્યોએ એલઈટી લાઇટના ઉપયોગ સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અખબારમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, "હાઈ-બીમ એલઈડી હેડલાઇટનો ઉપયોગ કરતા વાહનો સામે કર્ણાટક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ રાજ્ય પોલીસે 8,000 ચલાન ઇસ્યૂ કર્યાં હતાં. માત્ર બેંગલુરુ શહેરમાં જ 3,000 ચલાન ઇસ્યૂ કરવામાં આવ્યાં હતાં."

એક અન્ય અહેવાલ મુજબ, "વાહન ઉત્પાદક કંપની દ્વારા પૂરી પાડવામાં આવેલી લાઇટ્સને બદલે પોતાનાં વાહનોમાં એલઈડી લાઇટ્સ લગાવતા વાહનચાલકોને ગુજરાત સરકાર દંડ ફટકારી રહી છે."

એલઈડી લાઇટ્સનો પ્રૉબ્લેમ શું છે?

વાહનો, એલઇડી લાઇટ્સ, ટ્રાફિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હાઈ-બીમ એલઈડી લાઇટ્સ રોડ યુઝર્સ માટે એક ઉપદ્રવ બની રહી છે. ઘણા વાહનચાલકો કહે છે કે એલઈડી લાઇટ્સવાળા વાહનો સામેની દિશામાંથી આવતાં હોય છે ત્યારે આગળનો રસ્તો જોવામાં બહુ મુશ્કેલી થાય છે.

અગાઉ દરેક લાઈટમાં બ્લેક મિરર રાખવામાં આવતો હતો. તેનો હેતુ સામેથી આવતા વાહનચાલકની આંખો પર પ્રકાશ ન પડે તે સુનિશ્ચિત કરવાનો હતો. હવે આવો કોઈ નિયમ નથી.

હૈદરાબાદના એક વાહનચાલકે પોતાના અનુભવની વાત કરતાં કહ્યું, "હું હૈદરાબાદથી મારા ગામ જાઉં છું ત્યારે મારે વચ્ચેની લેનમાં વાહન ચલાવવું પડે છે. એલઈડી લાઇટ્સવાળા વાહનો સામેથી આવતાં હોય છે ત્યારે ઘણીવાર મારી આંખો અંજાઈ જાય છે. એ સમયે વાહનને કન્ટ્રોલ કરવાનું મુશ્કેલ બની જાય છે. હું સ્પીડમાં વાહન ચલાવી શકતો નથી. મેં ઘણીવાર આ મુશ્કેલીનો સામનો કર્યો છે."

વાહનો માટે હેડલાઇટ્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને કઈ લાઇટનો ઉપયોગ ક્યારે કરવો તેની ખબર ડ્રાઇવરને હોવી જોઈએ. હાઈ બીમ અને લો બીમ એમ હેડલાઇટના બે પ્રકાર છે.

આ લાઇટ્સ સલામત ડ્રાઇવિંગ માટે નિર્ણાયક છે અને ભારતમાં તેના ઉપયોગના ચોક્કસ નિયમો છે.

અંધારામાં, ધુમ્મસમાં અને વરસાદ વેળાએ વિઝિબિલિટી ઓછી હોય ત્યારે ફોગ લાઇટ્સ ડ્રાઇવરને રસ્તો જોવામાં મદદરૂપ થાય છે. સામેથી આવતા વાહનને જોવામાં આ લાઇટ્સ ડ્રાઇવરને મદદ કરે છે.

કઈ લાઇટનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ તેની ખબર ડ્રાઇવરને ન હોય તો તેમના માટે જોખમ સર્જાય છે.

રસ્તા પર ખૂબ જ અંધારું હોય અને સામેથી બીજું વાહન ન આવતું હોય ત્યારે હાઈ બીમ હેડલાઇટનો ઉપયોગ કરવો જોઈએ. સામેથી કોઈ વાહન આવતું હોય ત્યારે આવી લાઇટ્સ બંધ કરી દેવી જોઈએ.

વાહનો, એલઇડી લાઇટ્સ, ટ્રાફિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મન ફાવે ત્યારે હાઈ બીમ લાઇટનો ઉપયોગ કરો તો તમને મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ દંડ થઈ શકે છે. મોટાભાગના લોકો લો બીમ હેડલાઇટનો ઉપયોગ કરતા હોય છે. હાઈ બીમ અને લો બીમ હેડલાઇટ માટે દરેક વાહનમાં એક સ્વિચ હોય છે.

કેટલાક લોકો તેમના વાહનની હેડલાઇટમાં એલઈડી બલ્બનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં આ લાઇટ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ નથી, પરંતુ સરકાર તેના ઉપયોગને નિયંત્રિત કરી રહી છે. વાહન ઉત્પાદક કંપની દ્વારા પૂરી પાડવામાં આવેલી હેડલાઇટ અને ટેઈલલાઇટ બદલવી તે ભારતમાં ગેરકાયદે છે. આમ કરવાથી ઇન્સ્યુરન્સ ક્લેઈમ કરવામાં પણ સમસ્યાઓ સર્જાઈ શકે છે.

વિઝિબિલિટી વધારવા માટે અલગ-અલગ રંગની હેડલાઇટ લગાવવામાં આવી હોય અને એવાં વાહનને અકસ્માત થાય તો તેનો ઇન્સ્યુરન્સ ક્લેઈમ નામંજૂર કરવામાં આવે તે શક્ય છે.

આંધ્ર પ્રદેશના ડેપ્યુટી ટ્રાન્સપૉર્ટ કમિશનર (રોડ સેફ્ટી) રાજા રત્નમે કહ્યું હતું, "એલઈડી લાઇટ્સ લગાવવા સંબંધે વાહનચાલકો કે કંપનીઓ પર કોઈ પ્રતિબંધ નથી. દરેક કંપનીએ સ્થાનિક ધારાધોરણ અનુસાર વાહનનું ઉત્પાદન કરવાનું હોય છે. એ ધારાધોરણનું પાલન કરવામાં આવે છે કે કેમ, તે ચકાસવાની જવાબદારી ટ્રાન્સપૉર્ટ વિભાગની છે. હાલ એલઈડી લાઇટ્સ વાહનચાલકો માટે અસુવિધાનું કારણ બની હોવાથી હેડલાઇટ્સ પર સ્ટિકર લગાવવાનો નિયમ ફરી અમલી બનાવવામાં આવે તો સારું થશે."

ભૂતપૂર્વ એડિશનલ ટ્રાન્સપોર્ટ કમિશનર સી એલ એન ગાંધીએ કહ્યુ હતું, "સૅન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સની કલમક્રમાંક 105માં વાહનો સંબંધી લાઇટિંગના નિયમો સમાવિષ્ટ છે. નિયમ એવો છે કે ઉત્પાદક કંપની દ્વારા પૂરી પાડવામાં આવેલી લાઇટ્સ બદલી શકાતી નથી, પણ કેટલાક લોકો જાતે લાઇટ્સ બદલી નાખે છે. કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી એલઈડી લાઇટ્સમાં કોઈ સમસ્યા નથી. ચેન્જેબલ લાઇટ્સને કારણે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે."

એલઈડી લાઇટ્સનો ઉપયોગ શા માટે?

વાહનો, એલઇડી લાઇટ્સ, ટ્રાફિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

એલઈડી લાઇટ્સ દૂરના અંતરે શું છે તે જોવાનું ડ્રાઇવર માટે સરળ બનાવે છે. એ ઉપરાંત તે બૅટરી પાવર બચાવે પણ છે.

માર્કેટ રિસર્ચ ફ્યૂચરના એક રિપોર્ટ મુજબ, આ પ્રકારની લાઇટ્સની માંગ લક્ઝરી વાહનોમાં વધી રહી છે.

તે સૂચવે છે કે ઑટોમૅટિવ એલઈડી લાઇટિંગ માર્કેટનો વાર્ષિક વૃદ્ધિ દર વૈશ્વિક સ્તરે શા માટે વધી રહ્યો છે.

ઉત્પાદકો અદ્યતન સુવિધાઓ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિશિષ્ટતાઓ સાથેના લક્ઝરી વાહનો બજારમાં લાવી રહ્યા છે. તેઓ એલઈડી લાઈટિંગ સિસ્ટમનો ઉપયોગ વાહનને આકર્ષક બનાવવા માટે કરી રહ્યા છે.

માર્કેટ રિસર્ચ ફ્યૂચરના જણાવ્યા મુજબ, એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારતીય ઑટોમોટિવ એલઈડી લાઈટિંગ માર્કેટ ઝડપભેર વૃદ્ધિ પામી રહ્યું છે.

વિવિધ સૅક્ટર્સના રિસર્ચ રિપોર્ટ્સ બનાવતી મોર્ડોર ઇન્ટેલિજન્સના અહેવાલ અનુસાર, શિયાળામાં ધુમ્મસને કારણે અકસ્માતો વધી રહ્યા હોવાથી ફોગ એલઈડી લૅમ્પ્સનો ઉપયોગ વધી રહ્યો છે.

અકસ્માતોમાં કેટલો વધારો?

વાહનો, એલઇડી લાઇટ્સ, ટ્રાફિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રના માર્ગ પરિવહન અને હાઈવેઝ પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતમાં યુદ્ધ, આતંકવાદ અને નક્સલવાદ કરતાં પણ વધુ લોકો માર્ગ અકસ્માતોમાં માર્યા જાય છે. માર્ગ અકસ્માતોથી દેશના ઘરેલુ માથાદીઠ ઉત્પાદનમાં ત્રણ ટકા ફટકો પડે છે.

ઈકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માત થાય છે અને તેમાં દોઢ લાખ લોકો મૃત્યુ પામે છે તથા ત્રણ લાખ લોકો ઘાયલ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.