કોટાની હૉસ્ટેલો ખાલી રહેવા લાગી, કોચિંગ ઇન્ડસ્ટ્રીના પાયા ડગમગી ગયા? - ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Siddharth Kejriwal/BBC
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા, કોટાથી પરત આવીને
ઍન્જિનિયરિંગ હોય કે મેડિકલની પરીક્ષાની તૈયારી, ભારતમાં એક શહેરનું નામ ટોચ પર આવતું રહ્યું છે એ છે રાજસ્થાનનું કોટા શહેર.
પણ કોચિંગ ઇન્ડસ્ટ્રી માટે આખા ભારતમાં જાણીતા બનેલા રાજસ્થાનના કોટાની ચમક હવે ઝાંખી પડી રહી છે. એક સમયે વિદ્યાર્થીઓથી ધમધમતા કોટાની હૉસ્ટેલો હવે ખાલી રહેવા લાગી છે.
આઠ માળની એક હૉસ્ટેલના પહેલા માળે સોનુ ગૌતમ છેલ્લાં બે વર્ષથી એક રૂમમાં રહે છે. સોનુ ઉત્તર પ્રદેશના કાનપુરના વતની છે.
તેમના રૂમમાં એક સિંગલ બૅડ, ચા બનાવવા માટે ગૅસનું નાનકડું સિલિન્ડર, ચારે બાજુ વેરવિખેર પુસ્તકો અને નોટ્સ જોવા મળે છે. મહિને 2500 રૂપિયા ભાડાના આ રૂમમાં સોનુ એકલા રહે છે. તેમના મોટા ભાગના મિત્રો કોટા શહેર છોડી ગયા છે.
એક સમયે આ હૉસ્ટેલ વિદ્યાર્થીઓથી ધમધમતી હતી, પણ હવે લગભગ ખાલી છે.
સોનુ કહે છે, "હવે વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. કોચિંગમાં પહેલાં જેટલા વિદ્યાર્થી જોવા નથી મળતા. હું બે વર્ષથી ઘરે નથી ગયો. ઘેર જઈશ તો ગામવાળા પૂછશે કે હજુ સુધી પાસ કેમ નથી થયો."
સોનુએ હિંદી મિડિયમમાં અભ્યાસ કર્યો છે અને હવે અંગ્રેજીમાં કોચિંગ લેવું તેમના માટે મુશ્કેલ રહ્યું છે. આ ઉપરાંત શહેરનો અલગ માહોલ પણ તેમના માટે પડકારજનક છે.
મોટા ભાગના સમયમાં તેઓ ભણે છે અથવા જાતે વાતો કરે છે, કારણ કે તેમની સાથે વાત કરવા માટે બીજું કોઈ નથી. હૉસ્ટેલના અડધાથી વધુ રૂમ પર તાળાં લટકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સ્થિતિ માત્ર સોનુ ગૌતમની હૉસ્ટેલની નથી. શહેરથી લગભગ 10 કિમી દૂર 25 હજાર વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલા કોરલ પાર્ક સિટીમાં પણ આવી જ સ્થિતિ છે.
એક સમયે અહીં એટલા બધા વિદ્યાર્થી આવતા હતા કે વિદ્યાર્થીઓ માટે 350થી વધારે હૉસ્ટેલ બની ગયા છે.
સફળતાનાં સપનાં લઈને અને દુનિયા જીતી લેવાના જુસ્સા સાથે દેશના દરેક ખૂણેથી લાખો વિદ્યાર્થીઓ દર વર્ષો કોટા આવતા હોય છે.
10 લાખની વસતી ધરાવતા કોટા શહેરમાં છેલ્લા બે દાયકામાં ઘણા વિસ્તારો હૉસ્ટેલમાં ફેરવાઈ ગયા છે. દરેક જગ્યાએ એન્જિનિયરિંગ અને મેડિકલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જોવા મળે છે.
પરંતુ હવે કોટાની ચમક ધીમે ધીમે ફિક્કી પડવા લાગી છે. વિદ્યાર્થીઓના આધારે અબજો રૂપિયાનો બિઝનેસ મેળવનાર કોટાનો કોચિંગ ઉદ્યોગ હવે હાંફવા લાગ્યો છે.
જે હૉસ્ટેલમાં અગાઉ વિદ્યાર્થીઓની ચહલપહલ જોવા મળતી હતી, ત્યાં રૂમ પર તાળાં લટકે છે અને આખો વિસ્તાર સૂમસામ દેખાય છે.
તેની અસર માત્ર હૉસ્ટેલ ઇન્ડસ્ટ્રી પર નહીં પણ શહેરના બાકીના લોકો પર પણ પડી છે.
કોટાના અર્થતંત્રનો આધાર વિદ્યાર્થીઓ પર છે અને તેમની સંખ્યા ઘટે ત્યારે અર્થતંત્રને ફટકો પડે તે સ્વભાવિક છે.
પરંતુ સવાલ એ છે કે આઈઆઈટી અને નીટ કોચિંગ માટે જાણીતા બનેલા કોટામાં આવી સ્થિતિ કેમ પેદા થઈ?
શા માટે ઓછાં બાળકો કોચિંગ માટે આવે છે? કોટા આ સંકટમાંથી કઈ રીતે બહાર નીકળી શકશે?
વિદ્યાર્થીની સંખ્યામાં કેટલો ઘટાડો થયો?

90ના દાયકામાં વીકે બંસલે કોટાના વિજ્ઞાન નગરમાં બંસલ ક્લાસિસની શરૂઆત કરી હતી. કેટલાંક બાળકોને તાલીમ આપવાથી આ બધું શરૂ થયું અને જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું.
ત્યાર પછી ઘણી કોચિંગ સંસ્થાઓએ કોટાને એન્જિનિયરિંગ અને મેડિકલની પરીક્ષાની તૈયારી માટે તેમનું કેન્દ્ર બનાવ્યું અને ધીમે ધીમે આ શહેર કોચિંગ ઉદ્યોગમાં ફેરવાઈ ગયું.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી મુજબ વર્ષ 2024માં લગભગ 23 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા અને લગભગ 12 લાખ વિદ્યાર્થીઓએ જેઈઈની પરીક્ષા આપી હતી.
કોટા હૉસ્ટેલ એસોસિયેશનના અધ્યક્ષ નવીન મિત્તલે જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં પહેલી વખત કોટા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે.
ઈકોર્સના સ્થાપક અને બે દાયકાથી કોટાની કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચુકેલા ડૉક્ટર સોમવીર તાયલ પણ આવી જ વાત કરે છે.
તેઓ કહે છે, "કોરોના પછી એટલા બધા વિદ્યાર્થીઓ આવ્યા કે કોટાને પણ તેનો અંદાજ ન હતો. પરંતુ હવે ધીમે ધીમે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. આ વર્ષે તો એવી સ્થિતિ છે કે લગભગ એક કે સવા લાખ વિદ્યાર્થીઓ જ કોટા આવ્યા છે."
હૉસ્ટેલ ઇન્ડસ્ટ્રીની સ્થિતિ?

કોચિંગ માટે આવતા વિદ્યાર્થીઓ માટે કોટામાં દરેક જગ્યાએ હૉસ્ટેલો જોવા મળે છે. દક્ષિણ કોટામાં વિજ્ઞાન નગર, મહાવીર નગર, ઇન્દિરા કૉલોની, રાજીવ નગર, તલવંડી અને ઉત્તર કોટામાં કોરલ સિટીનો વિદ્યાર્થીઓનો ગઢ ગણવામાં આવે છે.
પરંતુ હવે આ વિસ્તારમાં દરેક જગ્યાએ હૉસ્ટેલ અથવા ઘરની બહાર 'ભાડે આપવાનું છે' લખેલું દેખાય છે. બહારથી ચમકતી ઈમારતોની અંદર રૂમ પર તાળા લટકે છે. કેટલીક હૉસ્ટેલ એવી છે જેને લોકોએ ઓછા ભાડાંના કારણે બંધ કરી નાખી છે.
નવીન મિત્તલ કહે છે, "લગભગ ત્રણ કરોડ બાળકોની ઘટ પડવાના કારણે અમારો ઉદ્યોગ છ હજાર કરોડ રૂપિયાથી ઘટીને ત્રણ હજાર કરોડ રૂપિયા પર આવી ગયો છે."
વિજ્ઞાન નગરમાં મેસની સાથે હૉસ્ટેલ ચલાવતા સંદીપ જૈન કહે છે, "કોટામાં આ કોચિંગનો સૌથી જૂનો વિસ્તાર છે. બંસલ સરે અહીંથી જ કોચિંગની શરૂઆત કરી હતી."
કોટામાં રહેતા દીપક કોહલીની પણ આવી જ સ્થિતિ છે. તેઓ છેલ્લાં 25 વર્ષથી હૉસ્ટેલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. તેઓ રાજીવ નગરમાં 50 રૂમની એક હૉસ્ટેલ ધરાવે છે, વિજ્ઞાન નગરમાં તેમની પાસે 20 રૂમનું એક પીજી અને કોરલ સિટીમાં 50 રૂમની એક હૉસ્ટેલ છે.
કોહલી કરે છે કે, "રાજીવ નગરમાં અમે એક વર્ષ અગાઉ એક રૂમનું 15,000 રૂપિયા ભાડું લેતા હતા. તે ભાડું હવે ઘટીને આઠ હજાર રૂપિયા થઈ ગયું છે. વિજ્ઞાન નગરમાં જે પીજીનું ભાડું મહિને પાંચ હજાર રૂપિયા હતું તેના માટે હવે ત્રણ હજાર રૂપિયા પણ નથી મળતા. અમારી બધી હૉસ્ટેલ અડધા કરતા વધુ ખાલી છે."
કોરલ સિટીમાં જ હૉસ્ટેલ ચલાવતા મુકુલ શર્મા પણ પરેશાન છે. તેઓ 2009થી હૉસ્ટેલ ઉદ્યોગમાં છે અને અહીં 75 રૂમની એક હૉસ્ટેલ ચલાવે છે.
શર્મા કહે છે, "અમારી પાસે સારી જગ્યા હતી. હૉસ્ટેલ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે એવી અપેક્ષા હતી પરંતુ હવે તેમાંથી અડધાથી વધુ જગ્યા ખાલી પડી છે. હૉસ્ટેલ બનાવવાનો ખર્ચ લગભગ 4 કરોડ રૂપિયા હતો, જે મુજબ દર મહિને ચાર લાખ રૂપિયાની બચત થવી જોઈતી હતી. પરંતુ હાલમાં પરિસ્થિતિ એવી છે કે અમે માંડ એક લાખ રૂપિયા બચાવી શકીએ છીએ."
તેઓ કહે છે, "ઓછાં બાળકો આવવાથી ભાડું પણ ઓછું થઈ ગયું છે. જે સુવિધાઓ સાથે અમે એક બાળક પાસેથી 15 હજાર રૂપિયા ભાડું લેતા હતા, તેના માટે હવે માત્ર 8000 રૂપિયા ભાડું મળે છે. બીજી તરફ સમયની સાથે સાથે વસ્તુઓની કિંમતો વધી રહી છે. લોનના હપ્તા ભરવા મુશ્કેલ બની રહ્યા છે."
અર્થતંત્રને કેટલો ફટકો પડ્યો

વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાના કારણે કોચિંગ ઉદ્યોગ પર તેની માઠી અસર સ્પષ્ટ જોવા મળે છે.
કોટામાં જૂની સાઈકલની લે-વેચનો મોટો ઉદ્યોગ ચાલે છે. શહેરમાં આવતા જ મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાના માટે એક સાઇકલની વ્યવસ્થા કરતા હોય છે.
વિજ્ઞાન નગરમાં રાજુ સાઈકલ સ્ટોરના મેનેજર દિનેશ કુમાર ભાવનાની કહે છે, "મોટા ભાગના વિદ્યાર્થીઓ જૂની સાઇકલ ખરીદે છે કારણ કે તે અઢીથી ત્રણ હજાર રૂપિયામાં મળી જાય છે, જ્યારે નવી સાઇકલનો ખર્ચ 10 હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે."
તેઓ કહે છે, "અમારે એક દુકાન બંધ કરવી પડી. અગાઉ દુકાન પર ચાર લોકો કામ કરતા હતા. હવે એક માણસનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ છે. આવું જ ચાલતું રહેશે તો બધું બંધ થઈ જશે."
છેલ્લા બે દાયકાથી વિજ્ઞાન નગરમાં હૉસ્ટેલની સાથે સાથે મેસ ચલાવતા સંદીપ જૈન પણ આ મુશ્કેલ પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે. તેઓ કહે છે કે, "પહેલાં 500થી 700 વિદ્યાર્થીઓ મારે ત્યાં ભોજન લેતા હતા, પરંતુ હવે સંખ્યા અડધી થઈ ગઈ છે. પહેલા 20 લોકોનો સ્ટાફ હતો, પરંતુ આ વર્ષે મારે માત્ર પાંચ જ લોકો સાથે કામ ચલાવવાનું છે."
મહાવીર નગરમાં ચાની દુકાન ચલાવતા મુરલીધર યાદવ કહે છે, "અગાઉ અહીં ભીડ રહેતી હતી. એક મિનિટ પણ વાત કરવાનો સમય નહોતો મળતો. અમે દરરોજ 80 કિલો દૂધની ચા વેચતા હતા. આજે 40 કિલો દૂધની ચા પણ નથી વેચાતી."
કોચિંગ સેન્ટરોના બીજા ગઢ ગણાતા કોરલ પાર્ક સિટીમાં ઓટો રિક્ષા ચલાવતા પ્રેમ સિંહ કહે છે, "પહેલાં અમે રોજના એક હજાર રૂપિયાથી વધુ કમાતા હતા, પરંતુ હવે 500 રૂપિયા પણ કમાવવા મુશ્કેલ બની ગયા છે."
પ્રેમ સિંહ કહે છે, "આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા ચોથા ભાગની થઈ ગઈ છે. અમારો ધંધો વિદ્યાર્થીઓના કારણે ચાલે છે. આવી જ સ્થિતિ રહેશે તો લોનવાળા અમારી રિક્ષા ઉઠાવી જશે."
શહેરમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાના કારણે દક્ષિણ કોટાના ડેપ્યુટી મેયર પવન મીણા પણ ચિંતિત છે.
તેઓ કહે છે, "વિદ્યાર્થીઓની ઘટ પડવાના કારણે આખા કોટાએ નુકસાન સહન કરવું પડે છે, કારણ કે શહેરના અર્થતંત્રમાં તેમનું મોટું યોગદાન છે."
મીણા કહે છે, "બાળકોને કોઈ તકલીફ ન પડે તે માટે નગરપાલિકાના સ્તરે અમે બધા પ્રયાસ કરીએ છીએ. પાણી, વીજળી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા મજબૂત કરીએ છીએ જેથી કરીને વધુને વધુ બાળકો શહેરમાં ભણવાં આવે."
કોટાથી મોહભંગ શા માટે?

ઇમેજ સ્રોત, Siddharth Kejriwal/BBC
એવાં ઘણાં કારણો છે જેના લીધે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ કોટાથી દૂર જઈ રહ્યા છે.
કોટામાં વર્ષ 2023માં 23 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. વર્ષ 2015 પછી પહેલી વખત આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અંતિમ પગલું ભર્યું હતું.
બિહારના વતની આદિત્ય કુમાર પોતાના ક્લાસના 10 વિદ્યાર્થીઓ સાથે બે વર્ષ અગાઉ કોટા આવ્યા હતા. તેમને આઈઆઈટીમાં એડમિશન લેવું હતું. પરંતુ તેઓ અને તેમના સાથીદારો હવે પટના અથવા બિહારના બીજા શહેરમાં પરત આવી ગયા છે અને ત્યાંથી જ તૈયારી કરે છે.
પટનામાં બીબીસીના સંવાદદાદા સીટુ તિવારી સાથે વાત કરતા આદિત્યએ કહ્યું, "2024માં અમે પાછા આવી ગયા. ત્યાં સતત આત્મહત્યાના સમાચાર આવતા હતા જેના કારણે અમે પરેશાન થઈ જતા હતા. આ ઉપરાંત ત્યાં ટેસ્ટ લીધા પછી વિદ્યાર્થીઓને વહેંચી દેવામાં આવે છે અને નીચલી બેંચવાળાઓ પર એટલું ધ્યાન નથી અપાતું."
તેમની સાથે જ કોટાથી પાછા આવેલા બેગુસરાયના સાકેત કહે છે, "તમે જેની સાથે બેસીનો ભોજન કરો છે, તેણે આત્મહત્યા કરી લીધે એવું તમને જાણવા મળે છે. આવી સ્થિતિમાં ભણતર પર ધ્યાન નથી આપી શકાતું."
પટનામાં આ વિદ્યાર્થીઓને કોચિંગ આપતા ડૉક્ટર કૌમાર્ય મનોજ કહે છે, "90ના દાયકામાં બિહારમાં વાતાવરણ ખરાબ હતું. તેના કારણે કોટાનો ઉદય થયો."
"જે માતા-પિતા પોતાના બાળ પર એક લાખ રૂપિયા ખર્ચ કરી શકતા હતા, તેઓ પોતાનાં બાળકોને અપહરણથી બચાવવા માટે કોટા મોકલી દેતા હતા."
તેઓ કહે છે, "હવે બિહારમાં સારું વાતાવરણ છે. દેશની મોટી કોચિંગ સંસ્થાઓએ પટનામાં પોતાના સેન્ટર ખોલ્યા છે. તેથી માતાપિતા તેમને કોટા મોકલવાના બદલે પટનામાં જ ભણાવવાનું પસંદ કરે છે. કાટો પહોંચવામાં 26 કલાક લાગી જાય છે જ્યારે પટનામાં માતાપિતા બે કલાકમાં પોતાનાં સંતાનોને મળી શકે છે."
નિયમોમાં ફેરફાર પણ એક કારણ?

કોટામાં વિદ્યાર્થીઓના આત્મહત્યાની વધતી ઘટનાઓ અને ભણતરના પ્રેશરને ઘટાડવા માટે તાજેતરમાં જ શિક્ષણ મંત્રાલયે નવી એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ ગાઇડલાઇન ફૉર રજિસ્ટ્રેશન રેગ્યુલેશન કોચિંગ સેન્ટર 2024ની જાહેરાત કરી છે.
તેની એક મુખ્ય જોગવાઈ એવી છે કે હવે 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને કોચિંગ સેન્ટરમાં પ્રવેશ નહીં આપી શકાય.
શહેરમાં એવા ઘણા સંસ્થાન એવા છે જે ધોરણ 6 પછી બાળકોને કોચિંગ આપતા હતા. પરંતુ હવે તેને બંધ કરવામાં આવ્યા છે.
નવીન મિત્તલ મુજબ આવા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 10 ટકા જેટલી હતી. મિત્તલ આ નિયમોનો વિરોધ કરે છે.
તેઓ કહે છે, "આ પ્રકારની મનાઈ હોવી ન જોઈએ. તમે જુઓ કે આઈપીએલમાં તાજેતરમાં રાજસ્થાન રૉયલ્સે 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને ખરીદ્યો છે. રમતગમતમાં આવા કોઈ નિયમ ન હોય ત્યારે કોચિંગમાં પણ બંધન હોવા ન જોઈએ, કારણ કે પ્રેશર તો દરેક ફિલ્ડમાં છે."
બીજી તરફ ઈકોર્સના સ્થાપક સોમવીર તાયલ માને છે કે કોટામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે તે શહેર માટે ચિંતાની વાત છે. પરંતુ વિદ્યાર્થીઓ અને શિક્ષણ ઉદ્યોગ માટે આ એક હકારાત્મક પગલું છે.
તેઓ કહે છે, "કોટા શહેર કોચિંગ ઉદ્યોગનું હબ બની ગયું હતું. 2020 પછી કોચિંગ સાથે સંકળાયેલી સંસ્થાઓએ પુષ્કળ ફંડ એકઠું કર્યું અને બીજા રાજ્યોમાં પણ પોતાનો બિઝનેસ વિસ્તાર્યો હતો."
જોકે, ઘણાં માતાપિતા એવાં પણ છે જેઓ આ ડર હોવા છતાં પોતાનાં બાળકોને કોટામાં ભણાવે છે. ધોલપુરમાં રહેતાં પ્રીતિ જાદૌન અને તેમના પતિ જય સિંહ જાદૌન દર મહિને પોતાની દીકરી કનક જાદૌનને મળવા માટે કોટા આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રીતિ જાદૌનના પુત્ર પુનીતે કોટામાં રહીને નીટની તૈયારી કરી હતી અને હવે એક સરકારી મેડિકલ તૉલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે.
તેઓ કહે છે, "બાળક પહેલી વખત ઘરની બહાર નીકળે ત્યારે તેને એકલવાયાપણું લાગે છે. ભણતર દરમિયાન તણાવ પણ સર્જાય છે. આવામાં હું દર મહિને તેને મળવા જાઉં છું જેથી કરીને તેને ઘર જેવું વાતાવરણ મળી શકે."
પ્રીતિ કહે છે, "મીડિયામાં આત્મહત્યાના સમાચાર વાંચીને અમે પણ પરેશાન થઈ જઈએ છીએ. પરંતુ અમે દીકરી સાથે સતત સંપર્કમાં રહીએ છીએ. ગઈ વખતે તો હું બે મહિના સુધી મારી દીકરી સાથે રહી ગઈ હતી."
બીજી તરફ કોટા હૉસ્ટેલ એસોસિયેશનના અધ્યક્ષ નવીન મિત્તલનું માનવું છે કે આત્મહત્યાઓના નામે કોટાને જાણી જોઈને બદનામ કરવામાં આવે છે.
તેઓ કહે છે કે, "તમે નેશનલ ક્રાઇમ બ્યૂરોના આંકડા જોશો તો તેમાં કોટા બહુ પાછળ આવે છે. કોટા એ માત્ર કોચિંગ સેન્ટર નથી, પરંતુ એક કેયરિંગ સિટી પણ છે."
"તાજેતરમાં અમે કોટા સ્ટુડન્ટ પ્રીમિયર લીગ યોજી હતી જેમાં 16 ટીમ સામેલ હતી. આ માત્ર એટલા માટે જેથી બાળકો માટે સારું વાતાવરણ રહે."
બીજી તરફ સોમવીર તાયલ માને છે કે કોટાની કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં ઉતારચઢાવ આવતા રહે છે.
તેઓ કહે છે, "થોડા સમય અગાઉ જેઈઈની પેટર્ન બદલવામાં આવી ત્યારે પણ કહેવાતું હતું કે કોટા ટકી શકશે કે કેમ. તેમાંથી પણ કોટા મજબૂત બનીને ઊભર્યું અને પોતાનું નામ જાળવી રાખ્યું. મને આશા છે કે કોટા તેનો સામનો કરવા માટે કોઈને કોઈ રસ્તો જરૂર શોધી કાઢશે."
(બિહારથી બીબીસી સંવાદદાતા સીટુ તિવારીના અહેવાલ સાથે)
- જો તમને કે અન્ય કોઈને સ્વપીડન કે આત્મહત્યાના વિચાર આવતા હોય, તો મદદ મેળવવા માટે ભારત સરકારના જીવનસાથી હૅલ્પલાઇન નંબર 18002333330 પર કૉલ કરો.
- સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા 18005990019 નંબર પર 13 ભાષામાં હૅલ્પલાઇન ચલાવવામાં આવે છે.
- નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅન્ટલ હૅલ્થ ઍન્ડ ન્યૂરો સાયન્સનો હૅલ્પલાઇનનો નંબર 08026995000 છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












