સુરત: કારખાનામાં કામ કરીને ક્લાસ વન અધિકારી બનનાર ઓડિશાના ડ્રૉપઆઉટ વિદ્યાર્થીની કહાણી

ઇમેજ સ્રોત, SHITAL PATEL/BBC
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના બેલાગુથા તાલુકાના બડપાડા ગામના રહેવાસી વિષ્ણુ નાયક હાલ સુરતમાં રહે છે, પરંતુ ટૂંક સમયમાં જ રેવન્યુ ઑફિસર તરીકે સુરતથી ફરી ઓડિશા પાછા જશે.
એક સમય એવો હતો કે તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેઓ 12માની પરીક્ષા આપી શક્યા ન હતા.
ઘર-પરિવારની જવાબદારી પૂરી કરવા ભણતર અધૂરું છોડીને આર્થિક પરિસ્થિતિ સામે જીવન ટકાવવા ઓડિશાથી સુરત આવ્યા, સુરતમાં કામદાર તરીકે કારખાનામાં કામ કર્યું અને 15 વર્ષ બાદ ફરી અધૂરા રહી ગયેલા અભ્યાસને પૂર્ણ કરી માસ્ટર ડિગ્રી મેળવી.
વિષ્ણુનાં સપનાં ડિગ્રી મેળવ્યા બાદ અટક્યાં નહીં. ભણવામાં રસ પડતાં તેમણે ક્લાસ વન અધિકારી બનવાનું સપનું સેવ્યું અને મહેનત તેમજ સમર્પણથી ક્લાસ વન અધિકારી પણ બન્યા.
ધોરણ 12માં ડ્રૉપઆઉટ થયેલા વિષ્ણુ નાયકે ઓડિશા સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને તેમાં 426મો રૅન્ક મેળવ્યો છે.
ધોરણ 12ની છેલ્લી પરીક્ષાના છેલ્લા દિવસે સુરતની ટ્રેન પકડી

ઇમેજ સ્રોત, SHITAL PATEL/BBC
19 ઑક્ટોબર, 2024ના રોજ ઓપીએસસીની પરીક્ષાનું પરિણામ આવ્યું અને આ પરિણામની રાહ જોઈ રહેલા વિષ્ણુ નાયકના જીવનમાં 'સોનેરી સૂરજ' ઊગ્યો. 683 જગ્યા માટે યોજાયેલી આ પરીક્ષામાં વિષ્ણુએ 426મો રૅન્ક હાંસલ કર્યો.
વિષ્ણુનું પરિણામ આવતાં જ વિષ્ણુના પરિવારજનો અને મિત્રો તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે, મીઠાઈઓ ખવડાવી એકબીજાનાં મોં મીઠાં કરાવી રહ્યા છે પરંતુ આ ઉમંગની આ ઉજવણી વચ્ચે વિષ્ણુનો અહીં સુધી પહોંચવાનો સંઘર્ષ પણ છે.
ઘર-નિર્વાહ ચલાવવા અભ્યાસનું બલિદાન આપનાર વિષ્ણુ 17 વર્ષ સુધી બડપાડામાં તેમનાં માતાપિતા અને ભાઈબહેન સાથે રહ્યાં. પરિવારમાં તેઓ સૌથી મોટા પુત્ર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના પિતા આર્મીમાં હતા પરંતુ 34 વર્ષની ઉંમરે તેમણે નિવૃત્તિ લેતા ઘરની પરિસ્થિતિ આર્થિક રીતે ખરાબ થઈ ગઈ હતી.
બીબીસી સાથે વાત કરતા વિષ્ણુ નાયક કહે છે, "માતા ઘર સંભાળતાં અને અમે ત્રણેય ભાઈબહેન સરકારી શાળામાં અભ્યાસ કરતાં, પિતાનું હજાર-પંદરસો રૂપિયા જેટલું પેન્શન આવતું પણ તેમાં અમારું ઘર બહુ મુશ્કેલીથી ચાલતું."
"હું અભ્યાસમાં હોશિયાર હતો પરંતુ મારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે ધોરણ 12ની છેલ્લી પરીક્ષાના દિવસે જ સુરતની ટ્રેન પકડી લીધી, કારણ કે ઘરની જે પરિસ્થિતિ હતી તેને જોતા ભણવામાં મારું મન જરાય પણ લાગતું ન હતું. મારી પાસે સ્કૂલે આવવા-જવા માટે બસભાડું પણ નહોતું અને ઘરનાં ઘણાં લોકો પણ મારા નિર્ભર હતાં."
તેઓ કહે છે, "ગામના એક મિત્ર પાસેથી રૂપિયા 40 ઉધાર લઈ અન્ય એક મિત્ર સાથે ટ્રેનના જનરલ ડબ્બામાં વગર ટિકિટે હું સુરત પહોંચી ગયો. સુરત આવ્યો તેની પણ જાણ પરિવારને કરી ન હતી અને સુરત આવી ગામના અન્ય યુવકો સાથે એક રૂમમાં રહેવા લાગ્યો અને નોકરી શોધી."
સુરત આવી 1200 રૂપિયાના પગારે નોકરી શરૂ કરી

ઇમેજ સ્રોત, SHITAL PATEL/BBC
વિષ્ણુ કહે છે કે વર્ષ 2001માં સુરત આવી અને ડાઇંગ-પ્રિન્ટિંગ મિલમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં 1200 રૂપિયા પગાર મળતો.
જોકે આ નોકરીમાં તેમનો ખર્ચો કાઢવો અને પરિવાર માટે પણ રૂપિયા મોકલવા ખૂબ મુશ્કેલ હતું. આથી તેમણે બોબીન ભરવાનું કામ શરૂ કર્યું હતું. 2004 સુધી આ રીતે જ સિલસિલો ચાલુ રહ્યો, પરંતુ કંઈ ખાસ કમાણી થઈ નહીં.
તેઓ કહે છે, "વર્ષ 2005માં ફરી ગામ ગયો અને ત્યાં એસટીડી બૂથ શરૂ કર્યું પરંતુ મોબાઇલ ફોનનું ચલણ વધતા તેમાંથી પણ કોઈ ખાસ કમાણી થઈ નહીં અને એવામાં 2009માં સંતોષની નાયક સાથે મારાં લગ્ન થયાં."
"લગ્ન થતાં પરિવારની જવાબદારી વધી એટલે ફરી સુરત આવવાનો વિચાર કર્યો અને પત્ની સાથે સુરત આવી ઍમ્બ્રૉઇડરીના ખાતામાં હેલ્પર તરીકે કામ શરૂ કર્યું અને ત્યારબાદ ઑપરેટર બન્યો. છ હજાર જેટલો પગાર મળતો અને તેનાથી મારું ઘર ચાલતું. 12 કલાક સુધી કારખાનામાં કામ કર્યા બાદ ઘરે આવીને સાંજે ધોરણ 8થી 10નાં બાળકોને ટ્યૂશન પણ આપતો હતો."
14 વર્ષ બાદ ફરી અભ્યાસ શરૂ કરી ગ્રૅજ્યુએશનની ડિગ્રી મેળવી

ઇમેજ સ્રોત, SHITAL PATEL/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઍમ્બ્રૉઇડરી, ડાઇંગ મિલ અને લૂમ્સ મશીનમાં કારીગર તરીકે કામ કરી ચૂકેલા વિષ્ણુએ બાળકોને ટ્યૂશન આપવાં સહિતનાં કામો કરવાં સાથે અને ઘર ચલાવવાની જવાબદારી સંભાળી.
અચાનક વિષ્ણુના મનમાં ફરી વાર ભણવાની ઇચ્છા જાગી અને એટલે તેમણે બારમા ધોરણમાં નાપાસ થયાનાં 14 વર્ષ બાદ ફરી પરીક્ષા આપવાનો વિચાર કર્યો.
વિષ્ણુ કહે છે કે "ધોરણ 12માં ઇંગ્લિશ વિષયમાં નાપાસ થયો હતો અને તેની પરીક્ષા આપી ન હતી, પરંતુ 2014માં મને થયું કે મારે અભ્યાસ પૂર્ણ કરવો છે એટલે મેં ધોરણ 12ની પરીક્ષા માટે ફૉર્મ ભર્યું અને વર્ષ 2015માં 12મું પાસ કર્યું."
ધોરણ 12ની પરીક્ષા બાદ કર્યા બાદ વિષ્ણુની દિશા જાણે કે બદલાઈ ગઈ હતી. હવે તેમને કારીગર તરીકે કામ નહોતું કરવું, પણ કંઈક બનવું હતું અને ભણવાનું ચાલુ રાખ્યું.
તેઓ કહે છે, "12મું ધોરણ પાસ કર્યા બાદ મારી ભણવાની ઇચ્છા વધુ જાગી અને મેં ગ્રૅજ્યુએશનનો અભ્યાસ શરૂ કર્યો. દિવસે નોકરી કરતો અને રાતે અભ્યાસ કરતો. કામકાજ દરમિયાન પણ જો થોડો સમય મળે તો હું વાંચતો અને આમ મેં વર્ષ 2018માં આર્ટસમાં ગ્રૅજ્યુએશનની ડિગ્રી મેળવી."
"ગ્રૅજ્યુએશન પાસ કર્યા બાદ મને સ્કૂલમાં નોકરી મળી, એટલે મેં કારખાનાની નોકરી છોડીને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને તેની સાથે વર્ષ 2021માં પૉલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી લીધી."
એક દિવસમાં સાત જગ્યાએ કામ કર્યું
લૂમ્સના કારખાનામાં મજૂર તરીકે કામ કરતા વિષ્ણુ હવે સુરતની એક કૉલેજમાં પ્રોફેસર અને સંશોધક બની ગયા હતા.
વર્ષ 2021માં માસ્ટર ઇન પૉલિટિકલ સાયન્સની પરીક્ષા પૂર્ણ કર્યા પછી તેમણે યુજીસી નેટની પરીક્ષા પણ પાસ કરી અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ક્વૉલિફાય થયા અને સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર અને સંશોધક તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
કૉલેજના કાર્યકાળ દરમિયાન જ કૉલેજમાં ચાલતા આઈએએસ અને આઇપીએસના ક્લાસ જોતા તેમને પણ ક્લાસ વન અધિકારી બનવાનું સપનું જોયું.
વિષ્ણુ યુપીએસસીની પરીક્ષા આપવા માગતા હતા પરંતુ વયમર્યાદા વટાવી ચૂક્યા હોવાને કારણે યુપીએસસીની જગ્યાએ ઓપીએસસી (ઓડિશા પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. 38 વર્ષની ઉંમરે આ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "ઓપીએસસી પરીક્ષા દરમિયાન ફી ભરવા માટે વધુ આવકની જરૂરિયાત હોઈ મેં એક દિવસમાં સાત જેટલી અલગઅલગ જગ્યાએ કામ કર્યું હતું. સ્કૂલમાં બાળકોને ભણાવવું, યુનિવર્સિટીમાં લેક્ચર આપવું, બાળકોનાં ટ્યુશન અને હોમ બૅચ લેવા સહિતનાં કામો વચ્ચે વાંચવાનો પણ સમય કાઢતો હતો."
"આ સિલસિલો 2022 સુધી ચાલ્યો અને ત્યારબાદ મેં પ્રીલિમ પરીક્ષા પાસ કરતા બધાં જ કામો છોડી દીધાં અને ફક્ત ઓપીએસસીની તૈયારી કરી હતી."
વિષ્ણુ ઓપીએસસીની પરીક્ષા દરમિયાન મળેલા સહયોગ અને સફળતા પાછળ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. ગગનબિહારી શાહ અને તેમજ બાલાજી રાજે, કો-ઑર્ડિનેટર આઈએએસ, આઈપીએસ ટ્રેનિંગ સેન્ટર અને તેમનાં પત્નીનો ખૂબ મોટો સહયોગ હોવાનું માને છે.
વિષ્ણુનાં પત્ની સંતોષની નાયક બીબીસીને જણાવે છે કે જ્યારે "પહેલી વાર વિષ્ણુએ કહ્યું હતું કે મારે આગળ અભ્યાસ કરવો છે ત્યારે મને પણ થયું હતું કે નબળી આર્થિક પરિસ્થિતિમાં આ કઈ રીતે શક્ય બનશે? પરંતુ તેમની ઇચ્છા કંઈક બનવાની હતી અને મને વિશ્વાસ હતો કે સફળ થશે માટે મેં સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી શરૂ કરી."
"અમારાં બંને બાળકોને ભણાવવું અને ઘર ચલાવવું બધી જ જવાબદારી મેં માથે ઉપાડી લીધી, જેથી તેમના અભ્યાસમાં કોઈ અડચણ ન આવે અને આજે અમારા આ સંઘર્ષનું સફળ પરિણામ વિષ્ણુએ લાવી બતાવ્યું છે. હું અને મારો પરિવાર ખૂબ જ ખુશ છીએ કે તેઓ આ પરીક્ષામાં પાસ થયા અને તેમનું સપનું સાકાર કર્યું."
બાલાજી રાજે કહે છે કે કોઈ વિદ્યાર્થી આ સફળતા મેળવે એ સામાન્ય લાગે પરંતુ ખૂબ જ ગર્વ સાથે એ વાત કહી શકીએ કે સુરત મજૂરી કરવા આવેલી વ્યક્તિ આજે ક્લાસ વન અધિકારી બની ચૂકી છે. વિષ્ણુ ભલે ડ્રૉપઆઉટ વિદ્યાર્થી હતા પણ ભણવામાં તેમની રુચિ હતી.
"તેઓ આ પરીક્ષા પાસ કરે તે માટે યુનિવર્સિટીમાં ખાસ ઇન્ટરવ્યૂ પણ રાખ્યા હતા. વિષ્ણુએ આ પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી અને આજે તેનું સફળ પરિણામ તેમણે મેળવ્યું છે."
ડ્રૉપઆઉટ વિદ્યાર્થીઓ માટે એનજીઓ શરૂ કરી
વિષ્ણુ નાયકે પોતાના જેમ અન્ય ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ પણ અધૂરો અભ્યાસ પૂર્ણ કરી શકે અને જીવનમાં કંઈક કરી શકે તે માટે તેમને વિનામૂલ્યે અભ્યાસ કરાવવાનું પણ શરૂ કર્યું છે.
2022થી તેમણે સર્વોત્તમ સેવા ચૅરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું છે, જેના પ્રમુખ વિષ્ણુ નાયક પોતે છે અને અન્ય 15 જેટલા સહાયકોની મદદથી તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે.
વિષ્ણુ કહે છે કે "આ ટ્રસ્ટ થકી અત્યાર સુધી 30 જેટલાં બાળકોએ ગ્રૅજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ત્રણ વિદ્યાર્થીએ માસ્ટર ડિગ્રી પણ મેળવી છે. ઉપરાંત હાલમાં ત્રીસ જેટલા અન્ય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે."
વિષ્ણુએ પ્રથમ પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરી છે અને હવે ટૂંક સમયમાં તેઓ ઓડિશામાં રેવન્યુ ઑફિસર અથવા લેબર ઑફિસર તરીકે નોકરીમાં જોડાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













