ઝૂંપડામાં રહેતી દલિત મહિલા અમેરિકામાં પ્રોફેસર બની, મળી 7 કરોડની ફૅલોશિપ

ઇમેજ સ્રોત, MacArthur Foundation & Shailaja Paik
- લેેખક, વિનાયક હોગાડે
- પદ, બીબીસી સંવાદદાતા
“અમારી પાસે ન તો નિયમિત પાણીની સગવડ હતી કે ન તો શૌચાલય હતું. હું કચરા અને ગંદકીથી ઘેરાયેલા વિસ્તારમાં મોટી થઈ છું એ વાત સાચી છે. એ વિસ્તારમાં ભૂંડ મુક્તપણે ફરતાં હતાં. જાહેર શૌચાલયોની સ્મૃતિ તો આજે પણ શૂળ બનીને પીડે છે.”
શૈલજા પાઈકે “ડુક્કરથી ભરેલી ઝૂંપડપટ્ટીથી અમેરિકામાં પ્રોફેસર” સુધીની અભૂતપૂર્વ સફર કરી છે. તેઓ પ્રતિષ્ઠિત મૅકઆર્થર ફૅલોશિપ મેળવનાર પ્રથમ દલિત મહિલા બન્યાં છે.
આ ફૅલોશિપ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે તબક્કા વાર આઠ લાખ ડૉલર (અંદાજે 6.71 કરોડ રૂપિયા) આપવામાં આવે છે.
શૈલજા પાઈકે તેમના સંશોધનમાં દલિત મહિલાઓના જીવનને ઊંડાણપૂર્વક રજૂ કર્યું છે.
તેઓ ઇતિહાસકાર તરીકે વિખ્યાત છે. તેમણે દલિત મહિલાઓના યોગદાન અને તેમની આત્મચેતના જાગૃતિનો ઇતિહાસ લખ્યો છે.
અમેરિકામાં વિવિધ ક્ષેત્રોના 20થી 30 સર્જનાત્મક વિદ્વાનોને જૉન ડી અને કેથરિન ટી મૅકઆર્થર ફાઉન્ડેશન તરફથી મૅકઆર્થર ફૅલોશિપ પ્રોગ્રામ માટે ‘જીનિયસ ગ્રાન્ટ’ ફૅલોશિપ દર વર્ષે આપવામાં આવે છે.
આ વર્ષે પણ લેખકો, કળાકારો, સમાજશાસ્ત્રીઓ, શિક્ષકો, મીડિયાકર્મીઓ, આઈટી, ઉદ્યોગ અને સંશોધન જેવાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોને આ ફૅલોશિપ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં ઇતિહાસના વિદ્વાન તરીકે શૈલજા પાઈકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
બીબીસી સાથે વાત કરતાં શૈલજાએ કહ્યું હતું, “આ ફૅલોશિપ મેળવીને હું ખૂબ જ ખુશ છું. મને લાગે છે કે હું વાદળો પર ચાલી રહી છું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડુક્કરથી ભરેલી ઝૂંપડપટ્ટીથી અમેરિકામાં પ્રોફેસર બનવા સુધી

ઇમેજ સ્રોત, Sarita Paik
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શૈલજા પાઈક પુણેના યરવડાનાં વતની છે. યરવડાની ઝૂંપડપટ્ટીમાં વીસ બાય વીસ ફૂટના નાનકડા ઘરમાં ત્રણ બહેનો સાથે તેમનો ઉછેર થયો હતો.
પોતાના બાળપણની વાત કરતાં શૈલજાએ કહ્યું હતું, “અમારી પાસે નિયમિત પાણીની સુવિધા ન હતી કે શૌચાલય પણ ન હતું. હું કચરા અને ગંદકીથી ઘેરાયેલા વિસ્તારમાં ઉછરી છું એ વાત સાચી છે. ત્યાં ભૂંડ રખડતાં હતાં. જાહેર શૌચાલયોની સ્મૃતિ તો આજે પણ શૂળ બનીને પીડે છે.”
રસોઈ અથવા સફાઈ જેવાં નિયમિત કામો માટેનું પાણી વસાહતમાંના એકમાત્ર જાહેર નળમાંથી લાવવું પડતું હતું. શૈલજાને એ પણ યાદ છે કે તેમણે પાણી મેળવવા માટે લાંબી કતારમાં ઊભવું પડતું હતું. તેમ છતાં શૈલજાના પિતા દેવરામ અને માતા સરિતાએ દીકરીના અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ માટે શક્ય તેટલું અનુકૂળ વાતાવરણ બનાવ્યું હતું, જેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને.
શૈલજાએ કહ્યું હતું, “તેમની સામાજિક, શૈક્ષણિક, ભાવનાત્મક અને માનસિક એમ તમામ સ્તરે ઊંડી અસર પડે છે. આટલું મુશ્કેલ જીવન જીવ્યા, યરવડા જેવા વિસ્તારમાં રહ્યા, પૂરતી સુવિધા અને સવલત ન હોવા છતાં આટલું કરી શક્યા. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શિક્ષણ કેટલું મહત્ત્વનું છે તે મારાં માતા-પિતા સમજ્યાં અને એ માટે મને પ્રોત્સાહિત કરી. તેથી જ હું મારી જાતને અભ્યાસ માટે સમર્પિત કરી શકી.”
જૂના દિવસોની સ્મૃતિ સંભારતાં તેમણે કહ્યું હતું, “હું સાંજના સમયે મારી જાતને ગોદડીમાં લપેટી અને ઘરના લોકોને શાંત સ્વરમાં વાત કરવાનું કહીને અભ્યાસ માટે શક્ય તેટલું અનુકૂળ વાતાવરણ બનાવતી હતી.”
“હકીકતમાં એવા વાતાવરણમાં અભ્યાસ કરવો પડકારજનક હતું. હું સાંજે સાડા સાત વાગ્યે ઊંઘી જતી હતી અને મધરાતે બે-ત્રણ વાગ્યે જાગી જતી હતી. ત્યારથી સવારના છ-સાત વાગ્યા સુધી હું અભ્યાસ કરતી હતી અને પછી સ્કૂલે જતી હતી.”
પોતાના સંઘર્ષની વાત કરતાં તેમણે કહ્યું હતું, “એક દલિત હોવાને કારણે ભેદભાવના અનેક કિસ્સાનો સામનો કરવો પડે છે. મેં પણ આવી ઘટનાઓનો અનુભવ કર્યો છે.”
“દાખલા તરીકે, મને ફોર્ડ ફાઉન્ડેશન ફૅલોશિપ મળી ત્યારે મારી આસપાસના કેટલાક લોકોને વિશ્વાસ ન હતો. તેઓ મને વારંવાર પૂછતા હતા કે તને આ ફૅલોશિપ કેવી રીતે મળી? મને મારા કામ માટે ફૅલોશિપ મળી હતી, પરંતુ એક દલિત મહિલાને ફૅલોશિપ મળવાથી તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત હતા.”
શું છે આ ફૅલોશિપનું મહત્ત્વ?

ઇમેજ સ્રોત, MacArthur Foundation
જીનિયસ ગ્રાન્ટ નામે ઓળખાતી આ ફૅલોશિપ દર વર્ષે 22 લોકોને આપવામાં આવે છે.
મૅકઆર્થર ફૅલોશિપનો મૂળભૂત માપદંડ ‘ક્રીએટિવિટી’ છે. આ ફૅલોશિપનો હેતુ નવી વિચારો સાથે ઊભરતા સંશોધકોના કામમાં રોકાણ કરવાનો, તેમને પ્રોત્સાહન આપવાનો અને તેમના કામનું સમર્થન કરવાનો છે.
આ ફૅલોશિપ પાછળનો મૂળ વિચાર એવા લોકોને પ્રકાશમાં લાવવાનો છે, જેઓ જોખમ લે છે અને સમાજની જટિલ સમસ્યાઓનો સામનો કરે છે, જેઓ બધા કરતાં અલગ વિચારે છે અને સુંદર, સર્જનાત્મક તેમજ પ્રેરણાદાયી સર્જન કરે છે.
આ ફૅલોશિપ માટે પસંદ કરાયેલા લોકોને પાંચ વર્ષ માટે કુલ આઠ લાખ ડૉલર એટલે કે આશરે 6.71 કરોડ રૂપિયા આપવામાં આવે છે.
ફૅલોશિપ વિશે વાત કરતાં શૈલજાએ કહ્યું હતું, “આ ફૅલોશિપ દલિતો તથા બિન-દલિતો બંનેની જાતિવાદ સામેની લડાઈને દક્ષિણ એશિયા અને તેનાથી આગળ મજબૂત બનાવશે, તેવી મને આશા છે.”
આ ફૅલોશિપના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગનાં વડાં શ્રદ્ધા કુંભોજકરે બીબીસીને કહ્યું હતું, “આ ફૅલોશિપ શરતી નથી. એટલે કે તેના માટે પસંદ કરાયેલા ઉમેદવારો પાસેથી ફૅલોશિપના બદલામાં કંઈ ખાસ કે અલગ કરવાની અપેક્ષા રાખવામાં આવતી નથી. તે આ ફૅલોશિપની ઉલ્લેખનીય બાબત છે.”
“ભારતીય ચલણમાં આ ફૅલોશિપની રકમ બહુ મોટી છે. મૅકઆર્થર ફાઉન્ડેશન પ્રતિભાશાળી લોકોમાં રોકાણ કરવાના ઉદ્દેશ સાથે આ ફૅલોશિપ ઑફર કરે છે.”
શ્રદ્ધા કુંભોજકરે ઉમેર્યું હતું, “ફૅલોશિપ મેળવનારા લોકો ભવિષ્યમાં સારું કામ કરશે એવી અપેક્ષા સાથે તેમની ક્ષમતામાં વિશ્વાસ દાખવનારી આ ફૅલોશિપ છે તે વધારે મહત્ત્વની વાત છે.”
આ ફૅલોશિપ માટે કોઈ અરજી કરવાની હોતી નથી કે કોઈ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પણ નથી.
આ ફૅલોશિપ માટે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો દ્વારા વિદ્વાન અને આશાસ્પદ ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવે છે.
‘દલિતોમાં પણ દલિત એટલે દલિત મહિલાઓ’

ઇમેજ સ્રોત, Shailaja Paik
આધુનિક ભારતમાં જ્ઞાતિ, લિંગ અને લૈંગિકતા વિશેનો દલિત મહિલાઓનો દૃષ્ટિકોણ શૈલજાના અભ્યાસનો વિષય છે.
પોતાના અભ્યાસ બાબતે વાત કરતાં તેમણે કહ્યું હતું, “ભારતમાં કુલ વસ્તીના 17 ટકા લોકો દલિતો છે. મેં નોંધ્યું છે કે દલિત મહિલાઓની શિક્ષણ પર વધુ કામ થયું નથી. આંકડા છે, પરંતુ ચોક્કસ પરિસ્થિતિ વિશે કોઈ ગુણાત્મક સંશોધન થયું નથી. કોઈએ આ દલિત મહિલાઓનો ઇતિહાસ લખ્યો નથી. એટલે મેં નક્કી કર્યું હતું કે આ કામ હું કરીશ.”
“ઐતિહાસિક રીતે આટલી મોટી વસ્તીને કોઈ પણ પ્રકારનું શિક્ષણ, સાર્વજનિક વ્યવસ્થા, સાર્વજનિક જળાશયો કે કૂવા ઉપલબ્ધ ન હતાં. પરવડે એમ હોય તો પણ ચપ્પલ અથવા નવાં કપડાં પહેરવાની છૂટ ન હતી.”
“તેમાં પણ દલિત મહિલાઓ નિઃશંકપણે સૌથી વધુ વંચિત છે. જેન્ડર અને રાજકારણના દૃષ્ટિકોણથી વિચાર કરીએ તો દલિત મહિલાની સ્થિતિ દલિતોમાં પણ દલિત જેવી છે.”
શૈલજાએ ઉમેર્યું હતું, “હું આ જ સમાજમાંથી આવી છું. તેથી છેલ્લાં 25 વર્ષથી તે મારા અભ્યાસ, સંશોધન અને લેખનનો વિષય છે.”
દલિત મહિલાઓના જીવનનો ઊંડો અભ્યાસ
શૈલજા પાઈક જ્ઞાતિ, લિંગ અને લૈંગિકતાના દૃષ્ટિકોણથી દલિત મહિલાઓના જીવનનો અભ્યાસ કરતાં આધુનિક ઇતિહાસકાર છે.
તેમણે તેમના અભ્યાસ દ્વારા જ્ઞાતિના વર્ચસ્વના ઇતિહાસ સંબંધે એક નવો પરિપ્રેક્ષ્ય પ્રદાન કર્યો છે. તેની સાથે તેમણે એ પણ ચર્ચા કરી છે કે દલિત મહિલાનાં આત્મસન્માન અને સમગ્ર વ્યક્તિત્વના શોષણમાં લિંગ અને લૈંગિકતાએ કેવી અસર કરી છે.
તેમનાં સમગ્ર લખાણોમાં દલિતો અને દલિત મહિલાઓ કેન્દ્રસ્થાને છે.
તેમણે અંગ્રેજી, મરાઠી અને હિન્દી ભાષાના સાહિત્ય ઉપરાંત સમકાલીન દલિત સ્ત્રીઓની મુલાકાતો તેમજ તેમના અનુભવો એકત્ર કરીને આજના સંદર્ભમાં એક નવો દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે.
તેમણે બે પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. એ પૈકીના 2014ના ‘દલિત વીમેન્સ ઍજ્યુકેશન ઇન મૉડર્ન ઇન્ડિયાઃ ડબલ ડિસ્ક્રિમિનેશન’ નામના પુસ્તકમાં તેમણે મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં દલિત મહિલાઓના શિક્ષણ માટેના સંઘર્ષને બ્રિટિશકાલીન પરિસ્થિતિ સાથે સરખાવ્યો છે. તેમના બીજા પુસ્તકનું નામ ‘ધ વલ્ગારિટી ઑફ કાસ્ટઃ દલિત્સ, સેક્સ્યુઆલિટી ઍન્ડ હ્યુમેનિટી ઇન મૉડર્ન ઇન્ડિયા’ છે.
ક્યાં મેળવ્યું શિક્ષણ?

ઇમેજ સ્રોત, MacArthur Foundation
શૈલજા પાઈક 2010થી યુનિવર્સિટી ઑફ સિનસિનાટી સાથે જોડાયેલાં છે. ત્યાં તેઓ વીમેન, જેન્ડર ઍન્ડ સેક્યુઆલિટી સ્ટડીઝ ઍન્ડ એશિયન સ્ટડીઝનાં રિસર્ચ પ્રોફેસર તરીકે કાર્યરત્ છે.
નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારના શૈલજાએ ઇતિહાસમાં એમ.એ. સુધીનો અભ્યાસ સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં 1994-1996 દરમિયાન પૂર્ણ કર્યો હતો.
તેમને એમ.ફીલ. માટે વિદેશ જવા ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ તરફથી 2000માં ફૅલોશિપ મળી ત્યારે તેઓ બ્રિટન ગયાં હતાં.
એ પછી તેમને વધુ અભ્યાસ માટે અમેરિકા જવાની તક મળી હતી. તેમના આજ સુધીના સંશોધનાત્મક લેખન માટે અમેરિકન કાઉન્સિલ ઑફ લર્નડ સોસાયટીઝ, સ્ટેનફોર્ડ હ્યુમેનિટી સેન્ટર, નેશનલ એન્ડોવમેન્ટ ફૉર ધ હ્યુમેનિટીઝ, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ, યેલ યુનિવર્સિટી, એમોરી યુનિવર્સિટી, ફોર્ડ ફાઉન્ડેશન અને ચાર્લ્સ ફેલ્પ્સ ટેક્ટ રિસર્ચ સેન્ટર તરફથી ભંડોળ પ્રાપ્ત થયું છે.
તેમણે બ્રિટનની યુનિવર્સિટી ઑફ વોરવિકમાંથી 2007માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેમણે યુનિયન કૉલેજમાં (2008-2010) ઇતિહાસના વિઝિટિંગ આસિસ્ટંટ પ્રોફેસર તરીકે અને યેલ યુનિવર્સિટીમાં (2012-2013) દક્ષિણ એશિયાના ઇતિહાસના પોસ્ટ ડૉક્ટરલ ઍસોસિએટ તથા મદદનીશ પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












