દેશનાં પ્રથમ દલિત લેખિકાએ 14 વર્ષની વયે 167 વર્ષ પહેલાં શું લખ્યું હતું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PHULE MEMORIAL

    • લેેખક, વિદ્યા કુલકર્ણી
    • પદ, બીબીસી માટે

મુક્તા સાલ્વેને મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ દેશનાં પ્રથમ દલિત મહિલા લેખિકા મનાય છે. તેમની આ ઓળખ નિબંધના કારણે ઘડાઈ. મુક્તા સાલ્વેએ એ નિબંધ માત્ર 14 વર્ષની ઉંમરે લખ્યો હતો.

આ ઘટના લગભગ 167 વર્ષ પહેલાં 1855માં બની હતી. પુણેમાં જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલેની શાળામાં તેઓ વિદ્યાર્થિની હતાં.

પરિવાર અને સમાજમાં મુક્તા સામે જે જે મુશ્કેલીઓ આવી એ અંગે શિક્ષણ બાબતે તેમની એક સમજ બંધાઈ અને તેમણે દલિતોની મુશ્કેલીઓ અંગે એક નિબંધ લખ્યો.

આ લઘુ નિબંધ ‘માંગ મહારાચેયા દુખવિસાઈ’ કે ‘ઑન ધ સફરિંગ ઑફ માંગ ઍન્ડ મહાર’ના નામે ખ્યાત છે. આમાં મુક્તા ન માત્ર માંગ અને મહારોની પીડા રજૂ કરે છે. પરંતુ સામાજિક કારણોની ચર્ચા કરતાં સામાજિક અસમાનતા પર તીવ્ર પ્રહાર કરે છે.

એ તબક્કામાં પણ મુક્તાના એ લેખનાં ઘણાં વખાણ થયાં હતાં અને આજેય મુક્તાના નિબંધને ‘દલિત સ્ત્રી સાહિત્યની દિશામાં પ્રથમ પગલા તરીકે જોવાય છે.’

મુક્તા સાલ્વેનો જન્મ વર્ષ 1840માં પુણેમાં જ થયો હતો. આ એ સમયગાળો હતો, જ્યારે સમાજમાં જાતિના નામે અસમાનતા ચરમસીમાએ હતી અને ઉચ્ચ જ્ઞાતિઓનું વર્ચસ્વ હતું. મુક્તાનો જન્મ એ સમયે ‘અસ્પૃશ્ય’ મનાતી જાતિ ‘માંગ’માં થયો હતો.

સાવિત્રીબાઈ ફુલે અને ફાતિમા શેખ

ઇમેજ સ્રોત, PHULE MEMORIAL

ઇમેજ કૅપ્શન, સાવિત્રીબાઈ ફુલે અને ફાતિમા શેખ

એ સમયે પ્રચલિત ધાર્મિક શિક્ષણ માત્ર બ્રાહ્મણ પુરુષો પૂરતું જ સીમિત હતું. મહિલાઓ અને ‘અસ્પૃશ્યો’નેય તેની પરવાનગી નહોતી.

જોકે, ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા હિંદુ છોકરીઓ માટે કેટલીક શાળાઓ જરૂર શરૂ કરાઈ હતી. પરંતુ સમાજના જે લોકોને અત્યાર સુધી જાણીજોઈને શિક્ષણથી વંચિત રખાયા હતા, તેમની પહોંચ આ સ્કૂલો સુધી નહોતી. તેથી મુક્તા છેક 11 વર્ષની વયે સ્કૂલે પહોંચી શક્યાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પુણેમાં જ્યોતિબા અને સાવિત્રીબાઈએ કન્યાશાળા શરૂ કરી હતી. ફુલે દંપતી છોકરીઓ માટે અલગ શાળા શરૂ કરનાર પ્રથમ ભારતીયો હતાં.

આ શાળામાં તમામ સમુદાયોની છોકરીઓને પ્રવેશ મળી રહ્યો હતો. તેમણે 1848માં પુણેના ભિડેવાડા ખાતે પ્રથમ સ્કૂલ શરૂ કરી અને સામાજિક વિરોધો છતાં તે ચાલુ રાખી. પરંતુ ફુલે દંપતીને એ વાતનો અહેસાસ થયો કે માત્ર એક જ સ્કૂલ શરૂ કરવી એ પૂરતું નથી. શિક્ષણથી વંચિત લોકોને સ્કૂલ સુધી પહોંચાડવા માટે અનેક સ્કૂલોની જરૂર હતી.

આ જ કારણે ફુલે દંપતીએ પુણેમાં જુદાં જુદાં સ્થળોએ સ્કૂલ શરૂ કરી. 1851-52માં ચિપલૂનકરવાડામાં વધુ એક સ્કૂલ શરૂ થઈ. એ જ વર્ષે વેતાલમાં ત્રીજી શાળા શરૂ કરાઈ.

જ્યોતિબા-સાવિત્રીબાઈના શિક્ષણપ્રસારના કામનું સમર્થન કરનાર લોકોએ જુદાં જુદાં સ્થળોએ સ્કૂલ શરૂ કરવામાં તેમની મદદ કરી. તેમાંથી એક હતા લાહુજી સાલ્વે. ક્રાંતિગુરુ ઉસ્તાદના નામે પ્રખ્યાત લાહુજી સાલ્વે વેતાલમાં એક માર્શલ આર્ટ તાલીમ કેન્દ્ર ચલાવતા.

મુક્તા સાલ્વે ફુલે દંપતીની ત્રીજી સ્કૂલનાં વિદ્યાર્થિની હતાં, તેઓ લાહુજી સાલ્વેનાં પૌત્રી હતાં. તેઓ મહાર અને માંગ સમુદાયથી સ્કૂલે પહોંચનાર પ્રથમ વિદ્યાર્થિની હતાં.

‘મહાર અને માંગ સમુદાયની પીડા’ મુદ્દે તેમનો એ ખ્યાત નિબંધ 1855માં છપાયો હતો. તેઓ ત્રણ વર્ષ સુધી સ્કૂલમાં રહ્યાં હતાં. 14 વર્ષની ઉંમરે લખાયેલા આ નિબંધને કારણે તેમનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું. એ ન માત્ર એક દલિત મહિલા દ્વારા લખાયેલ પ્રથમ પુસ્તક સ્વરૂપે મહત્ત્વપૂર્ણ છે બલકે તેની સામગ્રી આજેય વિચારોત્તેજક છે.

મુક્તાના સમયગાળામાં ‘અસ્પૃશ્ય’ મનાતી જાતિઓની સામાજિક સ્થિતિ વિશે તેમના નિબંધના દરેક શબ્દ પરથી ખ્યાલ આવે છે.

આ નિબંધમાં તેઓ ભગવાનને સંબોધિત કરીને ‘મહારો અને માંગો અને પીડા’ વિશે વાત કરે છે. ખરેખર તેઓ ઈશ્વરને ફરિયાદ કરે છે કે આ સમુદાયોને ધાર્મિક વ્યવસ્થાથી બહાર કેમ મનાય છે.

ધાર્મિક વ્યવસ્થાની ધુરા સંભાળનારા બ્રાહ્મણ સમુદાયને તેઓ પાંખડી ગણાવે છે, "બ્રાહ્મણ કહે છે કે વેદ અમારા છે અને અમારે તેમનું પાલન કરવું જોઈએ. તો તેનાથી સ્પષ્ટ છે કે અમારી પાસે કોઈ ધાર્મિક પુસ્તક નથી."

"જો વેદ બ્રાહ્મણો માટે હોય તો વેદો અનુસાર આચરણ કરવું એ તેમનો ધર્મ છે. જો અમે ધાર્મિક પુસ્તકો ન જોઈ શકતા હોઈએ, તો સ્પષ્ટપણે અમે ધર્મહીન છીએ. બરાબર ને?"

આ સિવાય તેઓ ઈશ્વરને પોતાના ધર્મ અંગે સવાલ કરે છે.

તેઓ લેખમાં લખે છે કે, "હે ભગવાન, અમને જણાવો કે તમારો ધર્મ કયો છે, તમે કયો ધર્મ પસંદ કર્યો છે, જેથી અમે બધા તેને સમાનપણે અનુભવીએ, પરંતુ જે ધર્મનો અનુભવ માત્ર એક સમુદાય જ કરી શકે તો એ અને એના જેવા અન્ય ધર્મોએ પૃથ્વી પરથી નષ્ટ થઈ જવું જોઈએ."

નિબંધની આકરી ભાષા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PHULE MEMORIAL

જન્મના આધારે વિશેષ સામાજિક દરજ્જો મેળવનારાની ટીકા કરતાં મુક્તાએ પોતાના નિબંધમાં લખ્યું છે કે ધર્મનું કામ માનવતા અને સમાનતા સ્થાપિત કરવાનું હોવું જોઈએ.

પેશવાયુગના સમયની સામાજિક સ્થિતિ જણાવતાં મુક્તાની કલમ વધુ ધારદાર બની જાય છે.

પેશવાકાળના અન્યાય અને બ્રાહ્મણો દ્વારા ‘અસ્પૃશ્યો’ પ્રત્યે કરાતા અમાનવીય અને પ્રાણીઓ કરતાં પણ હીન વ્યવહાર પર પ્રકાશ પાડતાં મુક્તાએ લખ્યું, "બ્રાહ્મણો અમને ગાય-ભેંસ કરતાં પણ ઊતરતી કક્ષાના માને છે. સાંભળો, બાજીરાવના રાજમાં અમારી સાથે ગધેડા જેવો વ્યવહાર કરાતો હતો. તેઓ કહેતા કે લંગડા ગધેડાને લાત મારો, પરંતુ માંગો કે મહારોને ન મારશો, એવું કહેનારું કોઈ નહોતું."

પેશવાકાળની ટીકા

જ્ઞાનોદયમાં મુક્તા સાલ્વેનો નિબંધ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, જ્ઞાનોદયમાં મુક્તા સાલ્વેનો નિબંધ

એ તબક્કામાં શિક્ષણ બ્રાહ્મણોનો વિશેષાધિકાર મનાતો. આવી સ્થિતિને કારણે સમાજના કહેવાતા ‘નીચલા વર્ગ’માં આવતી જાતિ કઈ રીતે શિક્ષણના અધિકારથી વંચિત રહી જતી એ ભાવના મુક્તાની રચનામાં સ્પષ્ટપણે દેખાય છે.

તેઓ લખે છે કે, "જો અસ્પૃશ્યો માટે રાજાના દરવાજેથી પસાર થવાનું પણ પ્રતિબંધિત હોય તો શીખવાની સ્વતંત્રતા ક્યાંથી મળશે? જો કોઈ અસ્પૃશ્ય ભણી શકત અને એ વાતની બાજીરાવને ખબર પડત, તો તે કહેતો કે આ એક મહાર અને માંગ થઈને ભણી રહ્યો છે? આને કોણ કામે રાખશે કહીને તેને સજા કરાતી."

મુક્તા પોતાના નિબંધમાં સવાલ ઉઠાવે છે કે શિક્ષણના પ્રતિબંધ, તિરસ્કારનો ભોગ બનીને અને રોજગારીથી વંચિત રહેતા દલિતોની સ્થિતિ કેવી રીતે સુધરશે. અફસોસની વાત તો એ છે કે સમાજની આ હકીકત આજેય દેશના ઘણા ભાગોમાં નથી બદલાઈ.

બ્રાહ્મણ સમાજસુધારકોનાં વખાણ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAVITRIBAI PHULE SMARAK

મુક્તાએ પોતાના નિબંધમાં લખ્યું છે કે દલિત સમાજની મહિલાએ ગરીબાઈની સાથોસાથ જાતિગત અસમાનતા અને લૈંગિક અસમાનતાનો બેવડો-ત્રણ ગણ માર વેઠવો પડે છે.

તેમણે લખ્યું છે કે, “જ્યારે અમારી મહિલાઓ બાળકને જન્મ આપે છે, તેમનાં ઘરોમાં છત સુધ્ધાં નથી હોતી, આવી સ્થિતિમાં ગરમી, વરસાદ અને હવાને કારણે તેઓ કેટલાં દુ:ખી થતાં હશે. મહામારી સમયે તેમના પર શું વીતતી હશે, આ વાત અંગે તમારા અનુભવને આધારે વિચારો. જો તેઓ ક્યારેક માંદાં પડે તો તેઓ દવા અને ડૉક્ટર માટે પૈસા ક્યાંથી લાવશે? તમારા પૈકી કોણ એવો ડૉક્ટર છે જે તેમની મફત દવા કરશે?”

પેશવાના સમયમાં થતા જાતીય અત્યાચારોથી માંડીને બ્રિટિશકાળમાં થયેલા બદલાવોનો પણ તેઓ ઉલ્લેખ કરે છે. મુક્તા સાલ્વેએ પોતાના નિબંધમાં લખ્યું છે કે અંગ્રેજોના કારણે સમાજમાં જાતિવ્યવસ્થાનો દંશ ઘટ્યો હતો.

તેઓ પોતાના નિબંધમાં સમાજસુધારક બ્રાહ્મણોની પણ પ્રશંસા કરે છે. તેમણે લખ્યું છે, "મને એ લખતા ખૂબ આશ્ચર્ય થઈ રહ્યો છે કે હવે એક ચમત્કારી વાત થઈ છે કે નિષ્પત્ર અને દયાળુ અંગ્રેજ સરકારનું શાસન આવ્યું છે. જે બ્રાહ્મણો અમને કષ્ટ આપતા, હવે એ મારા પ્રેમાળ દેશવાસીઓ અમને કષ્ટમાંથી બહાર કાઢવા દિવસરાત મહેનત કરી રહ્યા છે. પરંતુ તમામ બ્રાહ્મણ એવા નથી. શયતાનો જેવા વિચાર ધરાવનારા તો અમને અગાઉની માફક જ નફરત કરે છે."

મુક્તા પોતાના લેખમાં દલિતોને શિક્ષણ મેળવવાની અપીલ પણ કરે છે, તેઓ લખે છે કે ‘અજ્ઞાનતા દૂર કરો, જૂની માન્યતાઓને વળગેલા ન રહો અને અન્યાય ન સહન કરો.’

મુક્તા સાલ્વેનું લખાણ વારંવાર વાંચવાલાયક છે.

ઘણાને આશ્ચર્ય થાય એવી વાત એ છે કે માત્ર ત્રણ વર્ષનું શિક્ષણ મેળવીને 14 વર્ષીય એક છોકરી આટલી સ્પષ્ટતા અને વાકપટુતા સાથે કેવી રીતે લખી શકે. તેમના લખાણમાં માર્મિકતાની સાથોસાથ વિવરણનું પાસું પણ સામેલ છે. આનું જેટલું શ્રેય ફુલે દંપતીના શિક્ષણને અપાય છે, એટલું જ શ્રેય મુક્તાની ચતુરાઈ અને પ્રતિભાને પણ જાય છે. ફુલે દંપતીએ તેમને ન માત્ર શિક્ષિત કર્યાં, પરંતુ તેમની અંદર સત્યની શોધ કરવાની પ્રવૃત્તિ પણ વિકસિત કરી.

જ્યારે નિબંધ જાહેરમાં વંચાયો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GOVERNMENT OF MAHARASHTRA

ફુલે દંપતીએ મુક્તાને આત્મજાગૃતિ અને સ્થિતિ પ્રત્યે સજાગ રહેવાની સાથે ધાર્મિક વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા પણ શીખવ્યું. એ વાસ્તવિક અર્થમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણ માની શકાય.

મુક્તાનો એ નિબંધ 1855માં ‘જ્ઞાનોદય’માં બે ભાગમાં પ્રકાશિત થયો અને ઘણા વાચકો સુધી પહોંચ્યો. પ્રથમ ભાગ 15 ફેબ્રુઆરી અને બીજો ભાગ 1 માર્ચના રોજ પ્રકાશિત થયો. બાદમાં આ નિબંધના જવાબમાં બે પત્ર પણ છપાયા.

ત્યારે જ્ઞાનોદય ખ્રિસ્તી મિશનરી તરફથી છપાતું સાપ્તાહિક હતું. એ જ વર્ષે આ નિબંધ બ્રિટિશ સરકાર તરફથી બૉમ્બે સ્ટેટ ઍજ્યુકેશનલ રિપોર્ટમાં પ્રકાશિત કરાયો હતો.

મુક્તાને આ નિબંધ ભારે ભીડ સામે વાંચવાની તકેય મળી.

જ્યોતિબાનો સન્માનસમારોહ પૂના કૉલેજના પ્રિન્સિપાલ, સરકારી જેલખાનાના પ્રમુખ અને ફુલેનાં શૈક્ષણિક કાર્યોના શુભચિંતક મેજર કૅન્ડીની અધ્યક્ષતામાં વિશ્રામબાગવાડામાં આયોજિત કરાયો હતો.

ત્યાં મુક્તાએ લગભગ ત્રણ હજાર લોકોની હાજરીમાં પોતાનો નિબંધ વાંચ્યો. આ સાંભળીને મેજર કૅન્ડી ખૂબ પ્રભાવિત થયા. તેમણે તેમની પશંસા કરી અને તેમને ભેટમાં ચૉકલેટ આપી.

ત્યારે મુક્તાએ કહ્યું, “સાહેબ, અમારે ચૉકલેટ નહીં, પરંતુ એક લાઇબ્રેરી જોઈએ.”

એ જમાનામાં એક દલિત છોકરી દ્વારા પુસ્તક અને લાઇબ્રેરીની માગ કરવાનું કેટલું અસાધારણ અને ક્રાંતિકારી રહ્યું હશે, એ વાતની આપ કલ્પના કરી શકો છો.

પ્રથમ મહિલા દલિત લેખિકા

મુક્તા સાલ્વેએ નિબંધમાં જે મુદ્દા ઉઠાવ્યા, તે સામાજિક જાગૃતિ સંદર્ભે ખૂબ મહત્ત્વપૂર્ણ મનાયા.

બહુજનોની જાગૃતિ માટે કામ કરનારા મહાત્મા ફુલે, બાબા પદ્મજી અને રેવરન્ડ મરે મિશેલે મુક્તા સાલ્વેના નિબંધનો ઉલ્લેખ ઘણી જગ્યાએ કર્યો. તેમજ એન. વી. જોશીએ 1868માં પ્રકાશિત પોતાના પુસ્તક ‘પુણેવર્ણન’માં મુક્તાના નિબંધનો એક ભાગ પ્રકાશિત કર્યો. મૂળપણે મરાઠીમાં લખાયેલા આ નિબંધનો અંગ્રેજીમાં અનુવાદ સૂસી થારૂ અને કે. કે. લલિતાએ કર્યો અને અનુવાદ 1991માં પ્રકાશિત ‘વિમન રાઇટિંગ ઇન ઇન્ડિયા : 600 બીસી ટુ પ્રેઝન્ટ’માં પણ પ્રકાશિત થયો છે.

આજેય મુક્તા સાલ્વેનો મૂળ નિબંધ અંગ્રેજી અને હિંદી અનુવાદ સાથે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

‘માંગ અને મહારોની પીડા’ નિબંધ લખનારાં 14 વર્ષીય મુક્તા સાલ્વેની ઓળખ ભલે પ્રથમ દલિત મહિલા લેખિકાની હોય, પરંતુ તેમણે આ નિબંધ બાદ આગળ શું લખ્યું, કે તેમનું જીવન કેવું રહ્યું એ અંગે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.

એવું મનાય છે કે તેમના પર મરાઠી ઇતિહાસકારોનીય નજર નહીં પડી હોય, કારણ કે એ સમયના મોટા ભાગના ઇતિહાસકારો ઉચ્ચ જાતિના હતા. દલિત સાહિત્ય અંગે જાણકારી એકત્રિત કરવાનો સિલસિલો વર્ષ 1950થી શરૂ થયો છે, એટલે કે મુક્તા સાલ્વેનો નિબંધ છપાયાનાં લગભગ 100 વર્ષ બાદ. એસ. જી. માલી અને હરિ નારાકે જેવા વિદ્વાનોનું માનવું છે કે મુક્તા સાલ્વેના નામને ઇતિહાસમાં એટલે સામેલ નહીં કરાયો હોય, કારણ કે મહિલાઓ તેમજ દલિતોનાં કામની ઉપેક્ષા ખૂબ વ્યવસ્થિતપણ થઈ છે.

એવો પણ દાવો કરાય છે કે અંગ્રેજોના કારણે મુક્તા સાલ્વેનું પ્રથમ અને એકમાત્ર લખાણ બચેલું રહ્યું છે. આ નિબંધને વાંચવાનું કામ એ આજેય પડકારભર્યું અને પ્રેરણાત્મક છે. આ જ કારણે મુક્તા સાલ્વે વિશે ઝાઝી માહિતી ન હોવાના કારણે તેઓ પ્રથમ દલિત મહિલા લેખિકા છે એ વાત નિર્વિવાદ છે.

(લેખિકા ફોટોગ્રાફર, ફિલ્મનિર્માતા અને મહિલાઓના મુદ્દાઓ પર કામ કરે છે. આ લેખમાં વ્યક્ત થયેલા વિચારો તેમના અંગત છે)

રેડ લાઇન
રેડ લાઇન