મનુસ્મૃતિમાં ખરેખર શું લખ્યું છે કે વારંવાર વિવાદ થાય છે?

- લેેખક, તુષાર કુલકર્ણી
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
"કોઈ પણ છોકરી હંમેશાં તેના પિતાના રક્ષણમાં રહેવી જોઈએ, લગ્ન પછી પતિ એ છોકરીનો રક્ષક હોવો જોઈએ. પતિના મૃત્યુ પછી તેણે તેનાં બાળકોની દયા પર નિર્ભર રહેવું જોઈએ. સ્ત્રી કોઈ પણ પરિસ્થિતિમાં સ્વતંત્ર થઈ શકતી નથી."
મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના 148મા શ્લોકમાં આ વાત લખેલી છે, જે મહિલાઓ વિશેનો મનુસ્મૃતિનો દૃષ્ટિકોણ એકદમ સ્પષ્ટ રીતે દર્શાવે છે.
મનુસ્મૃતિમાં દલિતો તથા મહિલાઓ વિશે એવા અનેક શ્લોક છે, જેને કારણે વારંવાર વિવાદ જન્મ્યા કરે છે.
આવોજ એક વિવાદ તાજેતરનાં વર્ષોમાં મહારાષ્ટ્રમાં થયો હતો જ્યારે મહારાષ્ટ્રના રાજકારણી છગન ભુજબળને એક અજ્ઞાત વ્યક્તિએ લખેલો પત્ર મળ્યો હતો. એ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે "મનુસ્મૃતિ વિશે કશું કહેશો નહીં. અન્યથા તમારી હાલત પણ દાભોલકર જેવી થશે."
એ સમયે બીબીસી મરાઠી સાથે વાત કરતાં છગન ભુજબળે કહ્યું હતું કે "હું આવા પત્રોને મહત્ત્વ આપતો નથી. આવી ધમકીઓને કારણે હું મારું કામ બંધ કરવાનો નથી."
"બાબાસાહેબ આંબેડકરે મનુસ્મૃતિને સળગાવીને આ દેશનું બંધારણ આપ્યું છે. એ બંધારણ તમામ લોકોને સમાન અધિકાર આપે છે. જેને કારણે અમારે હજારો વર્ષ સુધી શોષણનો સામનો કરવો પડ્યો હતો એ વિચારોને મનુસ્મૃતિ ફરી લાવતી હોય તો અમે મનુસ્મૃતિને ફરી સળગાવીશું. અમે તેની ટીકા કરીશું. હું કોઈથી ડરતો નથી."
આ અગાઉ સંભાજી ભિડેએ મનુને સંત તુકારામ તથા સંત જ્ઞાનેશ્વરથી કરતાં પણ મહાન ગણાવીને વિવાદ સર્જ્યો હતો.
ભિડે હિન્દુત્વવાદી નેતા છે અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં તેમના અનેક અનુયાયી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014ના એક ભાષણમાં સંભાજી ભિડેને ટેકો આપ્યો હતો અને 2018ના ફેબ્રુઆરીમાં ભિડે સાથેનો એક ફોટો ટ્વીટ કર્યો હતો.
ભિડે તેમના કટ્ટર હિન્દુવાદી વિચારો માટે વિખ્યાત છે અને તેઓ મનુસ્મૃતિને ખુલ્લેઆમ ટેકો આપે છે.
જાન્યુઆરી-2018માં ભીમા કોરેગાંવ હુલ્લડમાં તેમની કથિત ભૂમિકા બહાર આવી એ પછી તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
મનુસ્મૃતિમાં લખેલી વાતો પાછલાં ઘણાં વર્ષોમાં વિવાદનું કારણ બની છે, પણ મનુસ્મૃતિ વાસ્તવમાં એટલું વિવાદાસ્પદ પુસ્તક છે?

મનુસ્મૃતિ આખરે છે શું?

ઇમેજ સ્રોત, RAJU SANADI/BBC
ઇતિહાસકાર નરાહર કુરુંદકર જણાવે છે કે "સ્મૃતિનો અર્થ ધર્મશાસ્ત્ર થાય. તેથી મનુ દ્વારા લખવામાં આવેલા ધાર્મિક લેખનને મનુસ્મૃતિ કહેવામાં આવે છે. મનુસ્મૃતિમાં કુલ 12 અધ્યાય છે, જેમાં 2684 શ્લોક છે. કેટલીક આવૃત્તિઓમાં શ્લોકની સંખ્યા 2964 છે."
કુરુંદકર મનુસ્મૃતિ વિશે અત્યાર સુધીમાં ત્રણ લેક્ચર આપી ચૂક્યા છે. એ ત્રણેય ભાષણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યાં છે. તેમાં મનુસ્મૃતિની અંદરની દુનિયા વિશે જણાવવામાં આવ્યું છે.
મનુસ્મૃતિ વિશેનો પોતાનો દૃષ્ટિકોણ જણાવતાં કુરુંદકર કહે છે કે "મનુસ્મૃતિને આગ ચાંપવાની તરફેણ કરતા લોકોમાં મારો સમાવેશ થાય છે."
મનુસ્મૃતિનું ફૉર્મેટ સમજાવતાં કુરુંદકર કહે છે કે "આ પુસ્તકની રચના ઈસુના જન્મના 200-300 વર્ષ પહેલાં થઈ હતી. પહેલા અધ્યાયમાં પ્રકૃતિની રચના, ચાર યુગ, ચાર વર્ણ, તેમના વ્યવસાય, બ્રાહ્મણોની મહાનતા વગેરે જેવા વિષયોનો સમાવેશ થાય છે. બીજો અધ્યાય બ્રહ્મચર્ય તથા પોતાના માલિકની સેવા પર આધારિત છે."
"ત્રીજા અધ્યાયમાં લગ્નના પ્રકાર, વિવાહના રીતરિવાજ અને શ્રાદ્ધ એટલે કે પૂર્વજોના સ્મરણ સંબંધી વર્ણન છે. ચોથા અધ્યાયમાં ગૃહસ્થ ધર્મનાં કર્તવ્ય, ભોજન કરવા કે ન કરવાના નિયમો અને 21 પ્રકારનાં નર્કની વાત છે.''
"પાંચમા અધ્યાયમાં મહિલાઓનાં કર્તવ્ય, શુદ્ધતા તથા અશુદ્ધતા વગેરેની વાત છે. છઠ્ઠા અધ્યાયમાં એક સંત તથા સાતમા અધ્યાયમાં એક રાજાના કર્તવ્યની વાતો છે. આઠમો અધ્યાય અપરાધ, ન્યાય, વચન અને રાજકીય મામલાઓ વગેરેની વાત કરે છે."
"નવમા અધ્યાયમાં પૈતૃક સંપત્તિ, દસમા અધ્યાયમાં વર્ણોના મિશ્રણ અને અગિયારમા અધ્યાયમાં પાપકર્મની વાતો છે તથા બારમા અધ્યાયમાં ત્રણ ગુણ તથા વેદોનાં વખાણ કરવામાં આવ્યાં છે. આ મનુસ્મૃતિની સામાન્ય રૂપરેખા છે."
"મનુસ્મૃતિમાં અધિકાર, અપરાધ, નિવેદન અને ન્યાય વિશે લખવામાં આવ્યું છે. એ વર્તમાન સમયના આઈપીસી તથા સીઆરપીસી જેવા કાયદાઓની જેમ લખવામાં આવ્યું છે."
પંજાબ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક રાજીવ લોચન જણાવે છે કે બ્રિટિશ લોકો ભારત આવ્યા એ પહેલાં મનુસ્મૃતિનો ઉપયોગ કાયદાના પુસ્તક તરીકે કરવામાં આવ્યો ન હતો.

મનુસ્મૃતિને આટલી પ્રસિદ્ધિ કઈ રીતે મળી?

ઇમેજ સ્રોત, CHARUKESH RAMADURAI/BBC
મનુસ્મૃતિનો ઇતિહાસ સમજાવતાં રાજીવ લોચન કહે છે કે "બ્રિટિશરો ભારત આવ્યા ત્યારે તેમને એમ લાગ્યું હતું કે જે રીતે મુસ્લિમો પાસે કાયદાના પુસ્તક સ્વરૂપે શરિયા છે, એવી જ રીતે હિન્દુઓ પાસે મનુસ્મૃતિ છે. તેથી તેમણે મનુસ્મૃતિને આધારે મુકદ્દમાઓની સુનાવણી શરૂ કરી દીધી હતી."
"એ ઉપરાંત કાશીના પંડિતોએ પણ અંગ્રેજોને જણાવ્યું હતું કે મનુસ્મૃતિને હિન્દુઓનો સૂત્રગ્રંથ ગણાવીને તેનો પ્રચાર કરો. આ કારણસર એવી ધારણા બની કે મનુસ્મૃતિ હિન્દુઓનો માનક ધર્મગ્રંથ છે."

બ્રાહ્મણોના પ્રભુત્વ માટે મનુસ્મૃતિ?
રાજીવ લોચન કહે છે કે "બૌદ્ધ સંઘોની ખ્યાતિ ભારતમાં ફેલાવા લાગી ત્યારે પોતાનો પ્રભાવ ઘટતો હોવાનું જણાતાં બ્રાહ્મણોએ આ પુસ્તક લખીને પોતાનું પ્રભુત્વ ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસ કર્યા હતા.
"તેમણે એવી દંતકથા રચી કે બ્રાહ્મણનું સ્થાન સમાજમાં સર્વોચ્ચ છે અને સમાજમાં બ્રાહ્મણો તથા બીજા લોકો માટે અલગઅલગ નિયમ છે."
"વર્ણોને કારણે બ્રાહ્મણોને ઓછી સજા મળતી હતી, પણ અન્ય લોકોને આકરી સજા મળતી હતી. જે વ્યક્તિ ખોટું કામ કરશે તેણે આકરી સજાનો સામનો કરવો પડશે, એવું કહેવામાં આવ્યું હતું."
"આ પુસ્તક જણાવે છે કે બ્રાહ્મણોનો કોઈ પણ સ્થિતિમાં આદર થવો જોઈએ. એક પુરુષનું કલ્યાણ થાય ત્યારે જ કોઈ મહિલાનું કલ્યાણ થઈ શકે. મહિલાને કોઈ પણ પ્રકારના ધાર્મિક અધિકાર નથી. એ તેના પતિની સેવા કરીને સ્વર્ગને પામી શકે છે. આ બધું મનુસ્મૃતિમાં લખ્યું છે."

આ વિચારોને કોણે પડકાર્યા?

ઇમેજ સ્રોત, Getty Images
મનુસ્મૃતિએ શૂદ્રોના શિક્ષણ મેળવવાના અધિકારને નકારી કાઢ્યો હતો. શિક્ષણ-પ્રક્રિયા મૌખિક હતી. તેથી કેટલાક બ્રાહ્મણો સિવાય બીજું કોઈ જાણતું ન હતું કે મનુસ્મૃતિ આખરે છે શું.
બ્રિટિશરાજ દરમિયાન આ પુસ્તકનો ઉપયોગ કાયદાકીય મામલાઓમાં થયો હતો. તેથી એ પુસ્તક બહુચર્ચિત બની ગયું હતું.
વિલિયમ જોનાસે મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. એ કારણે લોકોને આ પુસ્તક વિશે જાણ થઈ હતી.
રાજીવ લોચન જણાવે છે કે "મહાત્મા જ્યોતિબા ફૂલે મનુસ્મૃતિને પડકારનારી પહેલી વ્યક્તિ હતી. ખેતમજૂરો, સીમાંત ખેડૂતો અને સમાજના બીજા વંચિત તથા શોષિત વર્ગની દયનીય હાલત જોઈને તેમણે બ્રાહ્મણો તથા વેપારીઓની ટીકા કરી હતી."

જ્યારે આંબેડકરે મનુસ્મૃતિને આગ ચાંપી

ઇમેજ સ્રોત, ARUN SANKAR/GETTY IMAGES
ડૉ. બાબાસાહેબ આંબેડકરે મહારાષ્ટ્રના કોલાબા જિલ્લાના (હાલના રાયગડના) મહાડમાં 1927 માં મનુસ્મૃતિને જાહેરમાં આગ ચાંપી હતી.
ડૉ. આંબેડકરે તેમના પુસ્તક 'ફિલોસોફી ઑફ હિન્દુઇઝમ'માં લખ્યું છે કે "મનુએ ચાર વર્ણની વ્યવસ્થાની તરફેણ કરી હતી. મનુએ આ ચાર વર્ણોને અલગઅલગ રાખવા વિશે જણાવીને જ્ઞાતિ-વ્યવસ્થાનો પાયો નાખ્યો હતો. જોકે, જ્ઞાતિ-વ્યવસ્થાની રચના મનુએ કરી હોવાનું કહી શકાય તેમ નથી, પણ તેમણે એ વ્યવસ્થાના બિયારણનું વાવેતર જરૂર કર્યું હતું."
તેમણે મનુસ્મૃતિનો વિરોધ તેમના પુસ્તક 'કૌન થે શુદ્ર' અને 'જાતિ કા અંત'માં પણ નોંધાવ્યો છે.
એ દિવસોમાં દલિતો તથા મહિલાઓને આ સામાન્ય જીવન જીવવાનો અધિકાર ન હતો. બ્રાહ્મણોના પ્રભુત્વને કારણે જ્ઞાતિ-વ્યવસ્થાનો જન્મ પણ એ સાથે થયો હતો.
ડૉ. આંબેડકરના જણાવ્યા મુજબ, જ્ઞાતિ-વ્યવસ્થા બહુમાળી ઇમારત જેવી હોય છે. તેમાં એક માળથી બીજા માળ પર જવા માટે સીડી હોતી નથી.
તેમણે કહ્યું હતું કે "વર્ણ-વ્યવસ્થાની રચના કરીને માત્ર કર્મનું જ નહીં, પણ કામ કરનારાઓનું પણ વિભાજન કરવામાં આવ્યું છે."

મનુવાદી અને મૂળનિવાસી

ઇમેજ સ્રોત, Getty Images
આંબેડકરે મનુસ્મૃતિને આગ ચાંપી એ પછી દેશભરમાં અનેક ઠેકાણે આ પુસ્તકને સળગાવવામાં આવ્યું હતું. તેથી અખબારો તથા સમાજમાં મનુસ્મૃતિના પ્રભાવ જેવા મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી.
એ બધું દેશને આઝાદી મળી એ પછી પણ ચાલતું રહ્યું.
કાંશીરામે 1970માં બામસેફની રચના કરી અને જાહેરાત કરી કે સમાજ બે હિસ્સામાં વહેંચાયેલો છે. તેમાં એક હિસ્સો મનુવાદીઓનો છે, જ્યારે બીજો હિસ્સો મૂળ નિવાસીઓનો છે.
જેએનયુના પ્રોફેસર વિવેક કુમાર કહે છે કે "કાંશીરામ કહેતા કે જ્ઞાતિઓની રચના મનુસ્મૃતિને આધારે થઈ છે. તેથી અસમાનતાવાળો સમાજ રચાયો છે. એ જ કારણસર આ સમાજ 6,000 જ્ઞાતિઓમાં વહેંચાઈ ગયો છે."

મનુવાદનું સમર્થન કોણે કર્યું?
મનુવાદનું સમર્થન કરતા લોકોની સંખ્યા પણ ઓછી નથી.
ઇતિહાસકાર નરહર કુરુંદકર સમજાવે છે કે "આ સૃષ્ટિની રચના બ્રહ્માએ કરી હતી અને દુનિયાના કાયદા પ્રજાપતિ મનુ-ભૃગુની પરંપરામાંથી આવ્યા છે. તેથી તેનો આદર થવો જોઈએ, એવું મનુસ્મૃતિના ટેકેદારોનું એક જૂથ કહે છે."
કુરુંદકરે તેમના પુસ્તકમાં આ જણાવતાં લખ્યું છે કે "મનુસ્મૃતિના બચાવમાં એવું પણ કહેવામાં આવે છે કે સ્મૃતિઓ વેદ આધારિત છે અને મનુસ્મૃતિ પણ વેદ અનુસારની જ છે. તેથી તેને વેદોની માફક જ આદર મળવો જોઈએ."
"શંકરાચાર્ય ઉપરાંત બીજા ધર્મગુરુઓએ પણ આ વાતના આધારે મનુસ્મૃતિનો બચાવ કર્યો. મનુસ્મૃતિના આધુનિક સમર્થકો કહે છે કે આ પુસ્તકના કેટલાક હિસ્સાને બાદ કરીએ તો મનુસ્મૃતિ સમાજના કલ્યાણની વાત કરે છે."

"કાયદો લખનારી પહેલી વ્યક્તિ"

ઇમેજ સ્રોત, Getty Images
વિવાદાસ્પદ નેતા સંભાજી ભિડે તેમના એક ભાષણમાં દાવો કર્યો હતો કે મનુએ વિશ્વકલ્યાણ માટે આ પુસ્તક લખ્યું હતું અને મનુ કાયદાના નિષ્ણાત હતા.
કેટલાક લોકોના જણાવ્યા અનુસાર, રાજસ્થાન હાઈકોર્ટમાં મનુની એક મૂર્તિ પણ રાખવામાં આવેલી છે.
રાજસ્થાનના દલિત કાર્યકર્તા પી. એલ. મીથારોથે બીબીસી સાથેની વાતમાં કહ્યું હતું કે "એ મૂર્તિ જયપુર બાર ઍસોસિયેશને મુકાવી છે. ભૂતકાળમાં બાર ઍસોસિયેશનના મોટા ભાગના સભ્ય વકીલો ઊંચી જ્ઞાતિના હતા."
"એ સંજોગોમાં સમર્થકોએ દાવો કર્યો હતો કે મનુ કાયદો લખનારી પહેલી વ્યક્તિ હતી. તેથી હાઈકોર્ટ પરિસરમાં તેમની મૂર્તિ રાખવી યોગ્ય છે."

સનાતન સંસ્થા પણ કરે છે મનુસ્મૃતિનું સમર્થન

ઇમેજ સ્રોત, Getty Images
આ સંસ્થાએ પ્રકાશિત કરેલા એક પુસ્તકનું નામ છે "મનુસ્મૃતિને સળગાવવી કે તેનો અભ્યાસ કરવો"
આ સંસ્થાનો દાવો છે કે એક સમયે સમાજનું સંચાલન મનુસ્મૃતિ અનુસાર જ થતું હતું.
સનાતન સંસ્થા એક ચુસ્ત હિન્દુવાદી સંગઠન છે અને વિવાદાસ્પદ હિપ્નોથેરપિસ્ટ ડૉ. જયંત અઠાવલે તેના વડા છે.
આ સંસ્થાના કેટલાક સભ્યોના નામ ગોવા તથા મહારાષ્ટ્રમાં થયેલા બૉમ્બવિસ્ફોટ સાથે કથિત રીતે જોડાયેલા છે. આ સંસ્થાના કેટલાક લોકો તર્કવાદી નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે અને પત્રકાર ગૌરી લંકેશની હત્યાના કેસમાં મહત્ત્વના શકમંદ છે.
સનાતન સંસ્થાના જણાવ્યા મુજબ, જર્મન દાર્શનિક "નિત્સે" મનુસ્મૃતિથી ઘણા પ્રભાવિત થયા હતા તથા મનુસ્મૃતિમાં જ્ઞાતિ-વ્યવસ્થાનો કોઈ ઉલ્લેખ જ નથી.

આધુનિક શિક્ષણ અને આધુનિક દિમાગ

કુરુંદકર કહે છે કે "આધુનિક શિક્ષણ આ લોકો માટે આધુનિક દિમાગની રચના કરી શક્યું નહીં. તેથી આ લોકો પરંપરાવાદી અને રૂઢિવાદી બની રહ્યા. આધુનિક શિક્ષણે પરંપરામાં વિશ્વાસ રાખવા માટે નવા તર્ક આપ્યા છે."
"ડૉ. આંબેડકરને આવા લોકો પર ગુસ્સો આવતો હતો. તેમને લાગતું હતું કે શિક્ષણ વ્યવસ્થા પારંપરિક દિમાગને બદલવામાં નિષ્ફળ સાબિત થઈ છે. રૂઢિવાદી લોકોએ આધુનિક શિક્ષણનો ઉપયોગ એક હથિયાર તરીકે કર્યો છે. આ લોકો જ જ્ઞાતિ-વ્યવસ્થા તથા પાખંડીઓના સંરક્ષક છે, એવું આંબેડકર માનતા હતા."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












