આ મુસ્લિમ દેશે કયા ડરથી તબલીગી જમાત પર પ્રતિબંધ મૂક્યો?
- લેેખક, મોહમ્મદ જુબૈર ખાન
- પદ, પત્રકાર
"સાઉદી અરેબિયા એક જ જમાત (સાંપ્રદાયિક જૂથ-સમાજ) અને માર્ગને અનુસરતા હતા, એવામાં બીજે ક્યાંકથી ત્યાં કેટલીક જમાતો આવી, અને આ એક જમાત અને એક મજહબ (ધર્મ)માં માનનારા લોકોને ફિરકાઓમાં વહેંચવાની કોશિશ કરવામાં આવી, જેથી એમની (સાઉદી નાગરિકોની) એકતા તોડીને અનેકતામાં વહેંચી શકાય."
"આ પ્રસિદ્ધ જમાતોમાંની એક તબલીગી જમાત પણ છે જે પોતાને આ દેશ (સાઉદી અરેબિયા)માં અહબાબ એટલે કે મિત્રના નામે ઓળખાવે છે."
"આ જમાત મૂળરૂપે હિન્દ (ભારતીય ઉપમહાદ્વીપ)ની છે. તબલીગ જમાત ઇસ્લામના પયગંબરે સૂચવેલા ઘણા માર્ગની વિરુદ્ધ ચાલે છે. આ જમાત જ્ઞાન વિના જ દાવત (ધર્મનું શિક્ષણ આપવા) માટે નીકળી પડે છે."

ઇમેજ સ્રોત, Getty Images
"એ અલ્લાહ અને ઇસ્લામના પયગંબરોએ સૂચવેલા માર્ગની વિરુદ્ધનું છે. આ એવી જમાત છે જેમાંથી આતંકવાદી જૂથોની પણ ઉત્પત્તિ થઈ. એમની સાથે જોડાનાર લોકો ઓછા-અધૂરા જ્ઞાનને કારણે 'તકફીરી' (કોઈ મુસલમાનને ધર્મભ્રષ્ટ કહેનાર) જમાતોના શિકાર બને છે."
"એ કારણે જ જ્યારે સાઉદી અરેબિયાની જેલોમાં બંધ આતંકવાદી સંગઠનોના લોકોની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ પહેલાં તબલીગી જમાતમાં હતા. આ દેશ (સાઉદી અરેબિયા)ની ફતવા બહાર પાડનારી કમિટીએ નિર્ણય કર્યો છે કે આ જમાત (તબલીગી જમાત કે અહબાબ)માં જોડાવું માન્ય નથી."
"આપણા માટે એ અનિવાર્ય છે કે આપણે એમના નિમંત્રણનો અસ્વીકાર કરીએ. આ જમાત અને એના જેવી જમાતો આપણી એકતાના ટુકડેટુકડા કરી નાખશે. અને આ કોઈ પણ કિંમતે માન્ય નથી."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ ખુતબો (ઉપદેશ) સાઉદી અરેબિયાની એક મોટી જામા મસ્જિદમાં શુક્રવારે અપાયો હતો. સાઉદી અરેબિયાના ધાર્મિક બાબતોના મંત્રાલયના નિર્દેશાનુસાર આની સાથે સામ્ય ધરાવતા ખુતબા લગભગ દરેક જામા મસ્જિદોમાં અપાયા.
સાઉદી અરેબિયાના ધાર્મિક બાબતોના મંત્રી ડૉક્ટર શેખ અબ્દુલ લતીફ બિન અબ્દુલ અઝીઝ અલ શેખે કરેલી ટ્વિટમાં પણ, સાઉદી અરેબિયામાં શુક્રવારે અપાયેલા ખુતબા અનુસાર તબલીગી જમાત અંગે, જનતાને સચેત કરવાની અપીલ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિષયમાં પાકિસ્તાનમાંના તબલીગી જમાતના અગ્રણી નેતાઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરાયો, પણ તેમણે આ વિશે વાત કરવાની સાફ ના પાડી દીધી.
જોકે, ભારતમાં દારુલ ઉલૂમ દેવબંદ મદરેસા તરફથી પોતાનો વિરોધ પ્રગટ કરતું એક બયાન પ્રસિદ્ધ કરવામાં આવ્યું, જેમાં તબલીગી જમાત પર મુકાયેલા આરોપોને પાયા વગરના ગણાવ્યા છે.
સાઉદી અરેબિયાના ધાર્મિક બાબતોના મંત્રાલયમાં કાર્યરત એક સૂત્રએ જણાવ્યું કે તબલીગી જમાત પર કોઈ પ્રતિબંધ નથી, બલકે, તાજેતરના ટ્વીટ અને ખુતબા દ્વારા જૂના પ્રતિબંધોને જ પુનરાવર્તિત કરાયા છે.

સાઉદી અરેબિયામાં પ્રતિબંધની સંપૂર્ણ બાબત શી છે?

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાના ધાર્મિક મામલોના મંત્રાલયમાં ઘણાં વરસો સુધી સેવારત રહેલા એક અધિકારીએ જણાવ્યું કે તબલીગી જમાત પરના પ્રતિબંધની બાબત સમજતાં પહેલાં સાઉદી અરેબિયાના હાલના શાસનને સમજવું પડશે, જે શાસનમાં સાઉદી અરેબિયામાં રાજકીય અને ધાર્મિક જમાતોને કાયદેસર કામ કરવાની મંજૂરી નથી.
આ રીતે જો હવે સાઉદી અરેબિયામાં આવવા અને કામ કરવાની મંજૂરી એટલે કે વિઝા અને ત્યાં રહેવાની શરતોને જોઈએ તો સમજાય છે કે સાઉદી અરેબિયામાં ધાર્મિક પ્રચાર કે ઉપદેશ માટે પ્રવેશવાની મંજૂરી નથી, એટલે કે આવો કોઈ વિઝા કે વર્કિંગ વિઝા અસ્તિત્વમાં નથી.
જો કોઈ વ્યક્તિ ડૉક્ટરના વિઝા પર કે રહેવાના હેતુથી સાઉદી અરેબિયામાં પ્રવેશે છે તો એમને માત્ર પોતાનું કામ એટલે કે હૉસ્પિટલ વગેરે જગ્યાએ હોય તો ત્યાં એને લગતું કામ કરવાની જ મંજૂરી અપાઈ છે.
ત્યાં તેઓ માત્ર સ્વાસ્થ્ય સાથે સંકળાયેલાં ક્ષેત્રોમાં જ કામ કરશે, એમને તબલીગ (ધાર્મિક પ્રચાર અને ઉપદેશ) કે નિમંત્રણનું કામ કરવાની પરવાનગી નહીં હોય. ધર્મનાં નિમંત્રણ અને તબલીગી માટે સરકાર દ્વારા સંગઠન અને બીજા લોકો નક્કી કરાયાં છે.
આ જ રીતે જો બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, આફ્રિકા, ભારત, પાકિસ્તાન કે બીજા કોઈ દેશોના કોઈ શિક્ષક કે અનુવાદકને વર્કિંગ વિઝા અપાય તો એ શિક્ષક કે અનુવાદક જ રહેશે.
જો એ પોતાના વર્કિંગ વિઝા અથવા વિઝામાં દર્શાવાયેલા કોઈ પણ કામ કરતાં ઉફરા જઈને બીજું કંઈ કામ કરે તો એ કાયદા અનુસાર ગુનો છે.
તબલીગી જમાતની શરૂઆત ભારતમાંથી થઈ હતી. આખી દુનિયામાં એને તબલીગી જમાતના નામે જ ઓળખવામાં આવે છે પણ સાઉદી અરેબિયામાં એને અહબાબના નામે ઓળખવામાં આવે છે, કેમ કે સાઉદી અરેબિયામાં તબલીગી જમાતના નામે કામ કરવાની મંજૂરી નથી.
અહબાબ નામનો ઉપયોગ પણ કદાચ સરકારની નજરથી બચવા માટે કરાયો છે, કેમ કે સામાન્ય વાતચીતમાં એ ખૂબ વધારે વપરાય છે.
સાઉદી અરેબિયામાં પ્રવેશવા માટે દુનિયાભરના તબલીગી જમાતના લોકો જુદી જુદી રીતો અપનાવે છે. ઘણી વાર એમની એ જમાતો, જે એક એક વરસ માટે જુદા જુદા દેશોના પ્રવાસ કરતી હોય છે એ, ઉમરા, હજ કે પર્યટન વિઝા મેળવી લે છે.
આ વિઝાના આધારે તેઓ બેત્રણ મહિના કે થોડા દિવસો માટે સાઉદી અરેબિયાના જુદા જુદા લોકોને મળે છે અને તબલીગનું કામ કરે છે. અને એ લોકોને ખાડી દેશોના બીજા કેટલાક લોકોનો સહયોગ પણ મળતો હોય છે.
આ જાણકારીઓના આધારે થોડાં વરસો પહેલાં સાઉદી અરેબિયાના વિદેશ અને ધાર્મિક બાબતોના મંત્રાલયે કડક કાર્યવાહી કરી હતી અને આવાં કામ કરનારા લોકો વિરુદ્ધ કાયદો બનાવનારાં સંગઠનોને સક્રિય કર્યાં હતાં.
એ કારણે તબલીગનું કામ કરતા ઘણા લોકો પકડાયા અને એમને સાઉદી અરેબિયાના કાયદા અનુસાર સજા કરવામાં આવી હતી. આ રીતે જ્યારે ચરમપંથીઓ સામે વૈશ્વિક સ્તરે યુદ્ધ છેડાયું ત્યારે એવું જોવા મળ્યું કે ઘણા બધા સાઉદી નાગરિકો પાકિસ્તાનમાં અને અફઘાનિસ્તાનમાં ગયેલા એમાંના મોટી સંખ્યાના સાઉદી નાગરિકો તબલીગી જમાતની આડ લઈને ગયા હતા.
ત્યાર બાદ સાઉદી નાગરિકો પર પણ આ પ્રતિબંધ લાગુ કરી દેવાયો અને પાકિસ્તાનના રાજદ્વારીઓને કહેવાયું કે તેઓ તબલીગ માટે સાઉદી નાગરિકોને વિઝા ન આપે, જે આજે પણ અમલી છે.
આ બધા મુદ્દા વિશે વાત કરવા માટે તબલીગી જમાતના લોકોનો સંપર્ક કરવામાં આવ્યો પણ એમણે આ બધા મુદ્દે વાત કરવાનો ઇનકાર કરી દીધો.
ધાર્મિક સંગઠનો વિશે ઘણાં વરસો રિપોર્ટિંગ કરનારા કરાચીના પત્રકાર અજમત ખાન એમ કહેતા હતા કે ભલે તબલીગી જમાતના સદસ્યોની હત્યા કરી દેવાય કે કોઈ બનાવમાં સામેલ હોવાનો તેમના માણસો પર આરોપ મુકાય, જમાત એના વિશે વાત નથી કરતી અને માત્ર પોતાનું કામ કર્યે જાય છે.

તબલીગી જમાત શું કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
અજમત ખાન અનુસાર સ્પષ્ટરૂપે તબલીગી જમાતનું કોઈ પણ કાર્ય ગુપ્ત કે છુપાયેલું નથી. એ લોકો રાજનીતિમાં જોડાય છે, એમના અગ્રણી લોકો કોઈ પણ ધાર્મિક કે રાજકીય દળના કાર્યકર્તા કે નેતા નથી બનતા. એમનો રાજકીય, આર્થિક કે સામાજિક કોઈ એજન્ડા નથી હોતો અને તેઓ બધાને અપનાવે છે.
એમણે જણાવ્યું કે તેઓ એમની સાથે જોડાનાર લોકોમાંથી કોઈને એમ નથી પૂછતા કે તેઓ એમની સાથે કેમ જોડાયા છે? હેતુ શો છે? તેઓ એમની સાથે જોડાનાર દરેક વ્યક્તિનું સ્વાગત કરે છે. ઇસ્લામની બાબતોમાં તેઓ સ્પષ્ટરૂપે વાત કરે છે, જેમાં લોકોને કલમા, નમાજ, અરબીમાં દુવાઓ અને કુરાન શીખવવાનો સમાવેશ થાય છે.
અજમત ખાને જણાવ્યું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભારત, આફ્રિકા અને એટલે સુધી કે બ્રિટન અને અમેરિકામાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તબલીગી જમાત ખૂબ જ લોકપ્રિય થઈ છે. એનાં દેખીતાં કારણ, એમનું છૂટછાટવાળું અનુશાસન અને પોતાની સાથે જોડાયેલા લોકોની કોઈ જવાબદારી ન સ્વીકારવી એ છે.
આ જ કારણ છે કે આતંકવાદ વિરુદ્ધના યુદ્ધ દરમિયાન ઘણી એવી ઘટનાઓ જોવા મળી જેમાં એમ કહેવાયું કે કેટલાક ચરમપંથીઓએ એમના ત્યાં શરણ લીધું હતું, પરંતુ તબલીગી જમાતે ક્યારેય કોઈ જવાબદારી સ્વીકારી નથી અને ના તો પાકિસ્તાને અને કોઈ બીજા દેશોએ પણ નથી સ્વીકારી તથા ના તો કાયદો અને વ્યવસ્થાનો અમલ કરાવનારી કોઈ એજન્સીઓએ તબલીગી જમાતને એ માટે દોષિત ઠરાવી.

સાઉદી અરેબિયાની આકરી પ્રતિક્રિયા શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા સમયથી ધાર્મિક જમાતો વિશે રિપોર્ટિંગ કરનાર પત્રકાર સબૂખ સૈયદે જણાવ્યા અનુસાર, એવા સમાચારો મળતા રહ્યા છે કે સાઉદી અરેબિયામાં આતંકવાદી જાહેર કરાયેલાં સંગઠનો અલકાયદા અને ઇખ્વાન-ઉલ-મુસ્લિમિનના સભ્યો ઉપરાંત, સાંપ્રદાયિક સંગઠનોમાં જોડાયેલા લોકોએ પણ તબલીગી જમાતમાં જોડાઈને પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી.
એમણે જણાવ્યું કે એક મત હંમેશાં પ્રગટતો રહ્યો છે કે સાઉદી અરેબિયામાં પાકિસ્તાન અને બીજા દેશોની તબલીગી જમાતની તુલનાએ ભારતની તબલીગી જમાતનો મોટો ફાળો રહ્યો છે. તાજેતરમાં જ ભારતમાં પણ તબલીગી જમાત પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
એમણે જણાવ્યું કે, કેટલીક ઘટનાઓ બની છે, જેમાં પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ તબલીગી જમાત સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરી હતી, જેમાંના કેટલાક સાઉદી નાગરિક અને અન્ય લોકો પણ હતા. આ ઘટના પછી, થોડા સમયથી સાઉદી નાગરિકોને તબલીગીના નામે વિઝા નથી અપાતા અને એનું કારણ સાઉદી સરકાર પણ હોઈ શકે.
સબૂખ સૈયદેના મતાનુસાર, એવું લાગે છે કે સાઉદી સરકારને શંકા છે કે અહબાબના નામે જાણીતી તબલીગી જમાતમાં મોટી સંખ્યામાં એવા લોકો જોડાયેલા છે જે વર્તમાન સાઉદી શાસનના વિરોધી છે.
એમણે જણાવ્યું કે આ રીતે કદાચ એમને એવી પણ શંકા છે કે એવાં સંગઠન જેના પર સાઉદી અરેબિયાએ પ્રતિબંધ મૂક્યો છે તેમણે તબલીગી જમાત કે અહબાબના નામે પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે, જે સાઉદી અરેબિયા માટે ભય ઊભો કરી શકે એમ છે.
સબૂખ સૈયદે જણાવ્યું કે આ ઉપરાંત સાઉદી અરેબિયાના શાસનમાં, કોઈ પણ પાર્ટીને ઇસ્લામની વ્યાખ્યા, ઇસ્લામી કાયદા, તબલીગ અને ઉપદેશ આપવો તથા ઇસ્લામી બાબતોમાં ફતવો બહાર પાડવો જેવાં કામ કરવાની મંજૂરી નથી બલકે, આ બધાં કામ સરકાર પોતાનાં જુદાં જુદાં મંત્રાલયો દ્વારા જાતે કરે છે. આ સ્થિતિમાં પણ ત્યાં તબલીગી જમાત કે અહબાબ કામ કરે એવી કોઈ શક્યતા નથી.
એમણે જણાવ્યું કે સાઉદી અધિકારીઓનાં તાજેતરનાં ટ્વિટ અને શુક્રવારે અપાયેલા ધર્મોપદેશમાં તબલીગી જમાત વિશે ફરી એક વાર વાતચીત કરવાનો અર્થ તબલીગી જમાત કે અહબાબના સભ્યોને ચેતવણી આપવાનો હોઈ શકે છે. સંભવ છે કે કોઈ પ્રવૃત્તિ સાઉદી સરકારની જાણમાં આવે તો એના પર આકરી કાર્યવાહી પણ થઈ શકે છે.
સબૂખ સૈયદે જણાવ્યા અનુસાર, સરકારના દૃષ્ટિકોણથી જોઈએ તો, તબલીગી જમાતની પ્રવૃત્તિઓ રૂઢિવાદી વાતાવરણ ઊભું કરી શકે છે અને બીજી વાર ચેતવણી આપવાનો હેતુ રૂઢિવાદી પરંપરાઓને છોડવાની નીતિ પણ હોઈ શકે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












