કાશ્મીરમાં ઍન્કાઉન્ટરમાં થઈ રહેલાં મૃત્યુ અને તેની તપાસની વાસ્તવિકતા શું છે?
- લેેખક, આમિર પીરઝાદા
- પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગર
ઠંડી રાત હતી અને હવામાં તણાવ ફેલાયેલો હતો. અલ્તાફ બટનો પરિવાર અને તેનાં સગાં તેમના મૃતદેહના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ઇમેજ સ્રોત, MUKHTAR ZAHOOR
શ્રીનગરમાં સુરક્ષાદળો અને શંકાસ્પદ ઉગ્રવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન કરાયેલી લશ્કરી કાર્યવાહીમાં અલ્તાફ બટ્ટ માર્યા ગયા હતા.
તાજેતરમાં કાશ્મીરમાં આવાં ઘણાં મૃત્યુ થયાં છે જેના વિશે અસ્પષ્ટતા છે અને પરિવારના સભ્યોએ પોલીસના દાવાઓને ફગાવી દીધા છે. અલ્તાફનું મૃત્યુ પણ ઓ પૈકીનું એક છે.
સુરક્ષાદળોનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે ઉગ્રવાદવિરોધી કામગીરીના ભાગરૂપે ઉગ્રવાદીઓને નિશાને લીધા છે. પરંતુ એવા ઘણા કિસ્સા છે જેમાં મૃત્યુ પામેલી વ્યક્તિના સંબંધીઓએ સુરક્ષાદળો પર ઍન્કાઉન્ટરના નામે કથિત રીતે નાગરિકોની હત્યા કરવાનો અને તેમને ઉગ્રવાદી જાહેર કરવાનો આરોપ લગાવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 15 નવેમ્બરના રોજ શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં કથિત ઉગ્રવાદીઓ અને સશસ્ત્ર સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી.
પોલીસનું કહેવું છે કે થોડા સમય સુધી ચાલેલા 'ફાયરિંગ'માં ચાર લોકો માર્યા ગયા હતા. તેમાં બિલ્ડિંગના માલિક અલ્તાફ બટ, ડૉક્ટરમાંથી બિઝનેસમૅન બનેલા મુદાસિર ગુલ, મુદાસિર સાથે કામ કરનાર આમિર મગરે અને એક 'વિદેશી ઉગ્રવાદી' બિલાલભાઈનો સમાવેશ થાય છે.
પોલીસનું કહેવું છે કે આમિર અને મુદાસિર ઉગ્રવાદીઓના સાથી હતા જ્યારે અલ્તાફનું મૃત્યુ 'ક્રૉસ ફાયરિંગ'માં થયું હતું.
ત્રણેયના પરિવારોએ પોલીસના દાવાને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ ઘટનામાં માર્યા ગયેલા "નિર્દોષ" હતા અને પોલીસે તેમનો "માનવ ઢાલ" તરીકે ઉપયોગ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાદમાં ત્રણેયના મૃતદેહોને પોલીસ ઘટનાસ્થળથી લગભગ 85 કિમી દૂર કાશ્મીરના ઉત્તર તરફ લઈ ગઈ અને કથિત રીતે કાશ્મીરી બળવાખોરો માટે બનાવવામાં આવેલા કબ્રસ્તાનમાં ઉતાવળે દફનાવી દીધા.
પરંતુ સ્થાનિક રાજનેતાઓના સમર્થન સાથે કેટલાક દિવસો સુધી સંબંધીઓના વિરોધને પગલે મુદાસિર ગુલ અને અલ્તાફ બટના મૃતદેહોને કબરમાંથી બહાર કાઢીને તેમના પરિવારને સુપ્રત કરવામાં આવ્યા.
જોકે આમિર મગરેના પરિવારજનો હજુ પણ તેના મૃતદેહની માગ કરી રહ્યા છે. આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં કાશ્મીરમાં ઘણા પરિવારોએ ભારતીય સુરક્ષાદળો પર આવાં નકલી ઍન્કાઉન્ટરોનો આરોપ લગાવ્યો છે.
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન 'હ્યુમન રાઈટ્સ વૉચે' તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "2019થી સુરક્ષાદળો પર નિયમિતપણે લોકોને હેરાન કરવા, ચેક પોસ્ટ પર દુર્વ્યવહાર કરવા, બળજબરીથી રોકવા અને ગેરકાનુની હત્યા કરવા જેવા આરોપો લગાવવામાં આવ્યા છે."

મૃત્યુ અંગે કરવામાં આવતા દાવાઓની તપાસ

ઇમેજ સ્રોત, EPA
પોલીસના જણાવ્યા અનુસાર, 15 નવેમ્બરના રોજ હૈદરપોરામાં એક ઇમારતમાં 'ઉગ્રવાદી' હાજર હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
જમ્મુ અને કાશ્મીર પોલીસના એક ટોચના અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે, "પરિસરની તપાસ કરવામાં આવી હતી અને ઇમારતમાં કોઈ ઉગ્રવાદી જોવા મળ્યા ન હતા."
પોલીસ અધિકારીઓ તેમનાં નામ જાહેર કરવા માંગતા નથી કારણ કે તેઓ આ વિષય પર સત્તાવાર રીતે બોલી શકતા નથી.
તેમણે કહ્યું, "બાદમાં અલ્તાફ, આમિર અને મુદાસિરને જે ઓરડાઓ પર તાળાં લાગેલા હતાં તેને ખોલવા માટે મોકલવામાં આવ્યા હતા અને પંદર મિનિટ પછી અમને બે રાઉન્ડ ગોળીબારનો અવાજ સંભળાયો. ઑપરેશન દરમિયાન એક વ્યક્તિને ગોળી વાગી હતી અને તેનું મૃત્યુ થયું હતું. આ વ્યક્તિનું નામ બિલાલભાઈ હતું. તે કથિત રીતે વિદેશી ઉગ્રવાદી હતો."
તેમણે કહ્યું, "સીડીઓની પાસે બે મૃતદેહો પડ્યા હતા, એક અલ્તાફનો અને બીજો આમિરનો. આમિરના હાથમાં રિવોલ્વર હતી. બંને મૃત્યુ પામ્યા હતા."
"ત્યાં સુધી મુદાસિરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બે કલાક સુધી રાહ જોયા પછી અમે ઉપરના માળે ગયા અને અમે જોયું કે તેનો મૃતદેહ ઉપરના માળે પડ્યો હતો."

ઇમેજ સ્રોત, MUKHTAR ZAHOOR
જોકે તેમના સંબંધીઓ અને પ્રત્યક્ષદર્શીઓ અલગ વાત કહે છે.
40 વર્ષીય અલ્તાફ બટ બિઝનેસમૅન હતા અને જ્યાં કથિત રીતે જ્યાં ગોળીબાર થયો હતો તે બિલ્ડિંગના માલિક હતા.
પ્રત્યક્ષદર્શીઓએ બીબીસીને જણાવ્યું કે સાંજે પાંચ વાગ્યાની આસપાસ સાદાં કપડાંમાં કેટલાક લોકો આવ્યા અને તેઓએ આખો વિસ્તાર ખાલી કરાવ્યો હતો. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, "દરેકને પોતપોતાની દુકાનોમાંથી બહાર આવી જવા માટે કહેવામાં આવ્યું હતું."
"તેઓ બધાને ત્યાંથી બહાર કાઢવા માંડ્યા, તેઓએ અમારા ફોન લઈ લીધા અને બધાને નજીકના શોરૂમમાં લઈ ગયા. મુદાસિર અને અલ્તાફ પણ ત્યાં હતા."
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે અલ્તાફને ત્રણ વખત તલાશી માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ અલ્તાફ ત્રીજી વખત ગયા તે પછી પાછા આવ્યા નહોતા.
એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, "ત્રીજી વખત ફરીથી કેટલાક હથિયારધારી માણસો આવ્યા અને તેમણે પૂછ્યું કે આ બિલ્ડિંગનો માલિક કોણ છે? બિલ્ડીંગના માલિકને બહાર આવવા માટે કહેવામાં આવ્યું, અલ્તાફે મુદાસિર ગુલને તેમની સાથે આવવા વિનંતી કરી, તે પછી બંને પાછા ફર્યા નહીં. અમને ત્યાર પછી માત્ર ગોળીબારનો અવાજ સંભળાયો."
તે જ રાત્રે ત્રણેય (અલ્તાફ બટ, મુદાસિર ગુલ અને આમિર મગરે)ના મૃતદેહને દફનાવવા માટે ઉત્તર કાશ્મીર લઈ જવામાં આવ્યા હતા. અંતિમ વિધિમાં પરિવારના કોઈ સભ્ય ત્યાં હાજર નહોતા.
અલ્તાફના મોટા ભાઈ અબ્દુલ મજીદ બટે કહ્યું, "સુરક્ષાદળો અમારી સુરક્ષા માટે છે. શું અમને આ સુરક્ષા મળી રહી છે? અમે ટૅક્સ ચૂકવીએ છીએ અને તેના બદલામાં અમને ગોળીઓ મળે છે, શું આ ન્યાય છે?"
અલ્તાફને ત્રણ બાળકો છે અને તેનો સૌથી નાનો દીકરો માત્ર ત્રણ વર્ષનો છે, મજીદ કહે છે, "તે મને વારંવાર પૂછતો રહે છે કે મારા પિતાને લઈ આવો. હું તેમને ક્યાંથી લાવી આપું?"
આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ આ લોકોના પરિવારજનોને તપાસ પર વિશ્વાસ નથી.
અબ્દુલ મજીદ કહે છે, "છેલ્લાં ત્રીસ વર્ષમાં કોઈને ન્યાય નથી મળ્યો, અમે તેમની પાસેથી ન્યાયની આશા કેવી રીતે રાખી શકીએ?"

તપાસ

ઇમેજ સ્રોત, FAMILY
ગત વર્ષોમાં, આવાં મૃત્યુના કેટલાક કેસોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ આવી તપાસ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હોય અથવા કોઈને સજા થઈ હોય તેવું ભાગ્યે જ જોવા મળ્યું છે.
વર્ષ 2017માં, માનવાધિકાર કાર્યકર્તા મહમદ એહસાન ઉંટૂએ રાજ્ય માનવાધિકાર આયોગમાં અરજી કરીને કાશ્મીરમાં સશસ્ત્ર વિદ્રોહની શરૂઆતથી લઈને પિટિશન ફાઈલ કરવા સુધી થયેલી ઍક્સ્ટ્રાજ્યુડિશીયલ હત્યાઓની તપાસના આદેશો થયા હોય તે તમામની જાણકારી માગી હતી.
અહેસાન કહે છે, "સરકારે તેના જવાબમાં લખ્યું છે કે 1989થી 2018 સુધીમાં આવા 506 કેસોમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તેમાંથી માત્ર એક કેસમાં તપાસ પૂર્ણ થઈ શકી છે."
તેઓ કહે છે, "આ માત્ર એક છેતરપિંડી છે, જો જનતાનું દબાણ હોય તો તેઓ આ મામલે તપાસ નીમે છે, પરંતુ તપાસ ક્યારેય પૂર્ણ થતી નથી."
18 જુલાઈ 2020ના રોજ, ભારતીય સેનાએ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક ઍન્કાઉન્ટરમાં ત્રણ "અજ્ઞાત કટ્ટર ઉગ્રવાદીઓ"ને માર્યા હોવાનો દાવો કર્યો હતો.
તે જ દિવસે જમ્મુના રાજૌરીના ત્રણ કામદારો શોપિયાંમાં ગુમ થયા હતા. તે મજૂરી માટે શોપિયાં ગયા હતા.
આ "કટ્ટર ઉગ્રવાદીઓ"ની ઓળખ થઈ નહોતી અને તેમના મૃતદેહોને શોપિયાંથી લગભગ 140 કિમી દૂર ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં દફનાવવામાં આવ્યા હતા. આ લોકોની ઓળખ માટે તેમની તસવીરો પણ બહાર પાડવામાં આવી નહોતી.
પરંતુ મૃત 'ઉગ્રવાદીઓ'ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી જેના પગલે રાજૌરીમાં તેમના સંબંધીઓએ ગુમ થયેલાના રિપોર્ટ નોંધાવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે માર્યા ગયેલા ઉગ્રવાદીઓ તેમના પરિવારના છે.
આ પછી, ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તેને "ફેક" ઍન્કાઉન્ટર ગણાવી ચર્ચા ઉપાડી હતી, જે પછી ભારતીય સેના અને પોલીસ માટે આ મામલાની તપાસ શરૂ કરવી જરૂરી બની ગઈ હતી.
સપ્ટેમ્બરમાં, સેનાની તપાસ પૂરી થઈ હતી જેમાં "પ્રથમ દૃષ્ટિએ" જાણવા મળ્યું હતું કે સેનાએ AFSPA (આર્મ્ડ ફૉર્સીસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ) હેઠળ મળેલી સત્તાનો "દુરુપયોગ" કર્યો હતો.
તપાસમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે અધિકારી પર આરોપ હતો તેની સામે આર્મી ઍક્ટ હેઠળ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
AFSPA ઍક્ટ સુરક્ષાદળોને સર્ચ અને જપ્તી સંબંધિત વિશેષ સત્તા આપે છે. તે ભૂલથી અથવા અનિવાર્ય કારણોસર ઑપરેશન દરમિયાન નાગરિક જાનહાનિના કિસ્સામાં સૈનિકોને સુરક્ષા પણ પૂરી પાડે છે.
પરંતુ કાશ્મીર અને પૂર્વોત્તરના મણિપુરમાં આ કાયદાને "નકલી ઍન્કાઉન્ટર" માટે જવાબદાર ઠેરવવામાં આવે છે અને સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ તપાસમાં જણાવાયું છે કે માર્યા ગયેલા ત્રણ લોકો સામાન્ય નાગરિક હતા અને તેમનો ઉગ્રવાદ સાથે કોઈ સંબંધ નહોતો અને તે એ જ ત્રણ લોકો હતા જે જુલાઈમાં શોપિયાંમાંથી ગુમ થયા હતા.
તપાસમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે નાગરિકોનાં નામ પણ સામે આવ્યાં છે અને તેમની ઉપર હત્યા, અપહરણ અને પુરાવા સાથે ચેડા કરવાના આરોપ મૂકવામાં આવ્યા છે.
વકીલ હબીલ ઇકબાલ કહે છે, "હાલમાં આ કેસ શોપિયાંની કોર્ટમાં પેન્ડિંગ છે, તેમાં આ કેસમાં મુખ્ય આરોપી નથી એવા બે સામાન્ય નાગરિકોને સજા થઈ છે. જ્યારે આ કેસના મુખ્ય આરોપી લશ્કરી અધિકારીઓ છે."
બનાવટી ઍન્કાઉન્ટરના આ કેસમાં જે અધિકારી આરોપી છે તેની સામે સૈન્ય કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. એ કાર્યવાહી સુધી સામાન્ય નાગરિકોની પહોંચ નથી.
ઇકબાલ કહે છે, "AFSPA જેવા કાયદાને કારણે, આપણને ખબર નથી પડતી કે આ કેસમાં મુખ્ય આરોપી અધિકારી સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે આર્મી ટ્રિબ્યુનલમાં શું ચાલે છે તેની જાણકારી બહાર મળતી નથી. ત્યાં શું ચાલી રહ્યુ છે તેની તમને ખરેખર જાણ હોતી નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
હ્યુમન રાઇટ્સ વૉચે કાશ્મીરમાં "સામાન્ય લોકો"ની હત્યાઓ વિશેના તેના તાજેતરનાં નિવેદનમાં, સુરક્ષાદળો દ્વારા કરવામાં આવતા ગેરવર્તન માટે "કોઈ જવાબદેહી નથી." એવી વાત કરી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે AFSPA જેવા કાયદા સુરક્ષાદળોને કાનુની પ્રક્રિયા સામે "અસરકારક રક્ષણ" આપે છે. આ કારણે જ ભારત સરકારે "સામાન્ય અદાલતોમાં સુરક્ષાદળો પર કાર્યવાહી કરવાની મંજૂરી આપી નથી."
દોઢ વર્ષ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી આરોપીઓ સામે આરોપ ઘડવામાં આવ્યા નથી અને સૈન્ય અદાલતમાં શું ચાલી રહ્યું છે તેની કોઈ માહિતી નથી.
અબરાર અહેમદનાં પત્ની શરીન અખ્તર માટે આશાનું કિરણ દિન-પ્રતિદિન મંદ પડી રહ્યું છે.
21 વર્ષનાં શરીન કહે છે, "મારે સત્તાવાળાઓ પાસેથી કંઈ નથી જોઈતું, મારે માત્ર ઈશ્વર પાસેથી ન્યાય જોઈએ છે. હવે બે વર્ષ પૂરા થવાં આવ્યાં છે. અમને જે ન્યાય આપવાનું વચન આપવામાં આવ્યું હતું તે ક્યાં છે?"
બીબીસીએ આરોપી અધિકારી સામે ચાલી રહેલા કોર્ટ માર્શલ વિશે માહિતી માટે ભારતીય સેનાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.

ન્યાયની આશા

30 ડિસેમ્બર 2020ના રોજ કાશ્મીરમાં સુરક્ષાદળોએ દાવો કર્યો હતો કે તેમણે શ્રીનગર શહેરની સીમમાં લાયલપુરા ખાતે "એક ઍન્કાઉન્ટર"માં ત્રણ "ઉગ્રવાદીઓને" મારી નાખ્યા છે.
પોલીસના નિવેદન અનુસાર, ઍન્કાઉન્ટર 29 ડિસેમ્બરની સાંજે શરૂ થયું હતું, એ વખતે ભારતીય સેનાના આતંકવાદવિરોધી એકમ રાષ્ટ્રીય રાઇફલ્સે "પૂરતી માહિતી"ના આધારે એક વિસ્તારને ઘેરીને ત્યાં સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.
કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો "તત્કાલ" સ્થળ પર પહોંચી ગયા. પોલીસના જણાવ્યા મુજબ, 30 ડિસેમ્બરે સવારે 11.30 વાગ્યે ગોળીબાર બંધ થયો હતો અને "છુપાયેલા ત્રણ આતંકવાદીઓ" માર્યા ગયા હતા.
આ ત્રણ શંકાસ્પદ મૃત "ઉગ્રવાદી"ની ઓળખ એજાઝ મકબૂલ ગની, અતહર મુશ્તાક વાની અને ઝુબેર અહેમદ લોન તરીકે થઈ હતી.
પરંતુ "ઍન્કાઉન્ટર" પછી તરત જ માર્યા ગયેલા ત્રણેય મૃતકના પરિવારજનોએ સેના અને પોલીસનાં નિવેદનોને નકારી કાઢ્યા હતા, અને દાવો કર્યો હતો કે ત્રણેય ઉગ્રવાદી ન હતા પરંતુ "બનાવટી ઍન્કાઉન્ટર"માં માર્યા ગયા હતા.
કથિત ઍન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 17 વર્ષીય અતહર મુશ્તાક વાનીના 42 વર્ષીય પિતા મુશ્તાક અહેમદ વાનીએ બીબીસીને જણાવ્યું હતું કે તેમનો પુત્ર 11મા ધોરણનો વિદ્યાર્થી હતો અને મૃત્યુ પહેલાં વાર્ષિક પરીક્ષાના ચાર પેપર આપી ચૂક્યો હતો.
ધોરણ 11 ની પરીક્ષાનું પરિણામ 20 એપ્રિલ 2021ના રોજ બહાર આવ્યું હતું. મુશ્તાકે બીબીસીને કહ્યું, "જુઓ, તેણે બધી પરીક્ષાઓ પાસ કરી છે, માત્ર ઉર્દૂમાં પાસ ન થઈ શક્યો કારણ કે ઉર્દૂની પરીક્ષાના એક દિવસ પહેલા તેની હત્યા કરવામાં આવી હતી."

ઇમેજ સ્રોત, MUKHTAR
મુશ્તાકનું કહેવું છે કે 29 ડિસેમ્બરે તેનો પુત્ર ઘરે હતો, ત્યારબાદ તે શ્રીનગર જવા રવાના થયો હતો. મુશ્તાકે કહ્યું હતું "તેણે પરિવારને કહ્યું કે તે સવારે પાછો આવી જશે."
તેમનું કહેવું છે કે જો તેમનો પુત્ર ઉગ્રવાદી હતો તો સેનાએ તે સાબિત કરવું જોઈએ કારણ કે તેમના પરિવારનું માનવું છે કે તેને ઉગ્રવાદીઓ સાથે કોઈ લેવાદેવા નહોતી.
મુશ્તાકે સવાલ કરે છે, "પોલીસમાં તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી. તે કેવી રીતે ઉગ્રવાદી હોઈ શકે?"
ત્યારથી મુશ્તાકે તેના ઘરની નજીક કબર ખોદી રાખી છે અને તેમના પુત્રના મૃતદેહની માંગણી કરી રહ્યા છે. તેમના પુત્રના મૃતદેહને પોલીસે તેમના ઘરથી 125 કિમી દૂર દફનાવ્યો છે.
મુશ્તાક કહે છે, "મેં વિરોધ કર્યો અને ન્યાયની માગ કરી અને મેં મારા પુત્રના મૃતદેહની માંગ કરી તો મારા પર UAPA લગાવી દેવાયો. મને ચૂપ કરવા માટે આવું કરવામાં આવ્યું."
ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA)ની જોગવાઈઓ હેઠળ, આરોપીને જામીન મળવા લગભગ અશક્ય છે. સામાજિક કાર્યકર્તાઓ તેને ક્રૂર કાયદો કહે છે.
મુશ્તાક ન્યાયની આશામાં છે અને તેના પુત્રના મૃતદેહની માગણી કરતા રહે છે. 2020થી, ભારતીય અધિકારીઓએ ઉગ્રવાદીઓના મૃતદેહો તેમના પરિવારોને સોંપવાનું બંધ કરી દીધું છે અને તેમના મૃતદેહોને ગુપ્ત રીતે દૂરના સ્થળે દફનાવવાનું શરૂ કર્યું છે.
માનવાધિકાર માટે કામ કરતા જાણકારોનું કહેવું છે કે આનાથી સુરક્ષાદળોને માનવાધિકારનું ઉલ્લંઘન કરવાની હિંમત મળે છે.
વકીલ હબીલ ઇકબાલ કહે છે, "મૃતદેહને નજીકના સંબંધીઓને નહી સોંપવા એ એક પ્રકારે સામૂહિક દંડ સમાન છે અને સાથે જ તેમાં પારદર્શિતાનો અભાવ સમાયેલો છે. તેનાથી કૃત્ય કરનાર વ્યક્તિની ઍક્સ્ટ્રાજ્યૂડિશિયલ કે મનસ્વી રીતે હત્યા થઈ તેની જવાબદેહી નક્કી થતી નથી."
પરંતુ સુરક્ષા એજન્સીઓ આ દૃષ્ટિકોણને પડકારે છે.
સુરક્ષા નિષ્ણાતો કહે છે કે કાશ્મીરમાં "ઉગ્રવાદને ગ્લેમરાઇઝ કરવા" માટે ઉગ્રવાદીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તેમનું કહેવું છે કે આ કારણસર અધિકારીઓએ માર્યા ગયેલા ઉગ્રવાદીઓના મૃતદેહ પરિજનોને નહી સોંપવાનું પગલું ભર્યું.
જમ્મુ અને કાશ્મીર પોલીસના ભૂતપૂર્વ મહાનિર્દેશક કુલદીપ ખોડા કહે છે કે ઍન્કાઉન્ટર કેસમાં પરિવારોના દાવાઓનો કોઈ નક્કર આધાર હોતો નથી અને તેમાં સેનાના કામને અમાન્ય ઠેરવવાનો પ્રયાસ હોય છે.
કુલદીપ ખોડા કહે છે, "સુરક્ષાદળોના ઉત્સાહને ઘટાડવાના ઇરાદાથી આવા દાવાઓ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ દાયકાથી જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં સુરક્ષાદળો આવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. એક સમય બાદ સુરક્ષાદળો પણ એ જાણવા લાગ્યા છે કે જો તેઓ નેક ઇરાદા સાથે કામ કરશે તો જુદાંજુદાં તત્ત્વો દ્વારા કરવામાં આવતા દાવા અંગે ચિંતા કરવાનું કોઈ કારણ નથી."
કાશ્મીરમાં હિંસાની કહાણી, અહીં તેની કથાને નિયંત્રિત કરવાની પણ કહાણી છે. જોકે, અહી મૃત્યુના સિલસિલા પર નિયંત્રણ નથી આવી રહ્યું.
(આ અહેવાલ અકિબ જાવેદની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












