ભારતમાં જ્યારે હિન્દુ અને મુસલમાનો એક થઈને વિરોધી જૂથ સામે લડ્યા
- લેેખક, દિનયાર પટેલ
- પદ, ઇતિહાસકાર
તે વખતના બૉમ્બે (હવે મુંબઈ)માં ભારતીય ઇતિહાસમાં તદ્દન અલગ પ્રકારનાં તોફાનો થયાં હતાં. તેમાં એક બાજુ હિન્દુ અને મુસ્લિમો સાથે મળીને વિરોધી જૂથો સામે લડ્યા હતા.
1921માં થયેલાં એ તોફાનોને પ્રિન્સ ઑફ વેલ્સ રાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આજે મુંબઈમાં ભાગ્યે જ કોઈને ખબર છે કે આવાં તોફાનો શહેરમાં ત્યારે થયાં હતાં. પરંતુ આજના વિભાજિત સમયગાળામાં ધાર્મિક અસહિષ્ણુતા અને બહુમતીવાદની બાબતમાં ઇતિહાસ બહુ ઉપયોગી બોધપાઠ પૂરો પાડે છે.
આ તોફાનોમાં ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના નાયક, બ્રિટિશના ભાવી સમ્રાટ અને ભાંગી રહેલા ઑટોમન સામ્રાજ્યના સુલતાન મુખ્ય પાત્રો તરીકે ઊપસ્યા હતા.
જુદીજુદી વિચારસરણી અને પોતપોતાનાં હેતુઓને કારણે આ ટક્કર થઈ હતી, જેમ કે સ્વરાજ, સ્વદેશી, નશાબંધી અને વૈશ્વિક-ઇસ્લામના મુદ્દાઓ કેન્દ્રસ્થાને હતા.
નવેમ્બર 1921માં પ્રિન્સ ઑફ વેલ્સ અને ઇંગ્લૅન્ડના ભાવી સમ્રાટ ઍડવર્ડ આઠમા બહુ કસમયે ભારતીય સામ્રાજ્યના શાહી પ્રવાસે આવી પહોંચ્યા હતા.

અસહયોગ આંદોલનના સમયે થયાં તોફાનો

તે વખતે ભારતમાં મહાત્મા ગાંધીની આગેવાનીમાં અસહકાર આંદોલન ચાલી રહ્યું હતું. 1857 પછી બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે આ સૌથી મોટો પડકાર ઊભો થયો હતો.
ગાંધીજીએ "હિન્દુ-મુસ્લિમ એકતા"નો નારો આપીને ભારતીય મુસ્લિમો તરફથી ચાલી રહેલી ખિલાફત ચળવળને ટેકો આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુસ્લિમોને ચિંતા હતી કે ઑટોમન સામ્રાજ્યની પ્રથમ વિશ્વયુદ્ધમાં હાર થઈ તે પછી ગ્રેટ બ્રિટન સુલતાનને ગાદી પરથી હઠાવશે. આ સામ્રાજ્યના સુલતાનને ઇસ્લામના ખલીફા તરીકે તેઓ માનતા હતા.
ગાંધીજીએ કહ્યું કે આવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. "હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોઈ સહમતી થાય તેનાથી એવો અર્થ ના નીકળવો જોઈએ કે મોટો સમુદાય, નાના સમુદાય પર જોર જમાવે."

પ્રિન્સ ઑફ વૅલ્સ ભારત આવ્યા હતા

બીજી બાજુ પ્રિન્સ ઑફ વેલ્સ નાદાનીથી એવું માની બેઠા હતા કે તેમના શાહી પ્રવાસને કારણે વફાદારોમાં ઉત્સાહ આવી જશે અને ગાંધીજીનું અસહકાર આંદોલન શમી જશે.
આ યાત્રાના પ્રતિસાદમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે જાહેરાત કરેલી કે પાટવીકુંવરના સ્વાગતમાં મુંબઈમાં હડતાળ પાડવામાં આવશે અને બ્રિટનના આર્થિક સામ્રાજ્યના પ્રતીક જેવાં વિદેશી વસ્ત્રોની હોળી કરવામાં આવશે.
17 નવેમ્બર, 1921ના રોજ જાહેર કરવામાં આવેલી હડતાળ વખતે ઘણા બધા મુંબઈવાસીઓ એવા પણ હતા, જે હડતાળમાં જોડાવાના બદલે બંદર પર પ્રિન્સના આગમનને વધાવવા પહોંચી ગયા હતા. તેમાં ઘણા બધા પારસી, યહૂદીઓ અને એંગ્લો-ઇન્ડિયન હતા.
ગાંધીજીએ અરજ કરેલી કે હડતાળ અહિંસક રહેવી જોઈએ, પરંતુ કૉંગ્રેસના અને ખિલાફત ચળવળના કેટલાક કાર્યકરોએ રોષમાં આવીને તોફાનો કર્યાં હતાં. ભારતનાં પ્રથમ મહિલા ફોટોજર્નલિસ્ટ તરીકે જાણીતા હોમાઈ વ્યારાવાલા આઠ વર્ષની વયે એ ઘટનાઓના સાક્ષી બન્યાં હતાં.
2008માં મેં હોમાઈ વ્યારાવાલાનો ઇન્ટરવ્યૂ કરેલો ત્યારે તેમણે મને જણાવેલું કે તે વખતે પારસી વિદ્યાર્થિનીઓએ પરંપરાગત ગરબા લઈને પ્રિન્સ ઑફ વેલ્સનું સ્વાગત કર્યું હતું, પરંતુ તે પછીના દિવસોમાં મુંબઈની શેરીમાં તોફાનો થયાં હતાં તે પણ વ્યારાવાલાએ જોયું હતું. સોડા બૉટલમાં વપરાતી માર્બલની ગોળીઓનો ઘાતક હથિયાર તરીકે ઉપયોગ કરાયો હતો. લોકોએ પારસી માલિકીની દારૂની દુકાનો પર હુમલા કર્યા હતા અને પથ્થરબાજી કરી હતી. કેટલીક દુકાનો સળગાવી દેવાની ધમકીઓ અપાઈ હતી.
ગાંધીજીએ પોતાના અસહકાર આંદોલનમાં નશાબંધીના મુદ્દાને પણ સમાવી લેવા માટે ઘણી કોશિશ કરી હતી.
તેમણે પારસીઓને વિનંતી કરી હતી કે તેમણે સ્વેચ્છાએ પોતાની દુકાનો બંધ કરી દેવી જોઈએ. તે વખતે મોટા ભાગની શરાબની દુકાનો પારસી માલિકીની હતી.

પારસી અને ઈસાઈને નિશાન બનાવ્યા

મુંબઈમાં તોફાનો ફેલાવાં લાગ્યાં તે સાથે હિન્દુ અને મુસ્લિમ તોફાનીઓએ પારસીના આર્થિક વર્ચસ્વના પ્રતીક જેવી દારૂની દુકાનોને મુખ્ય નિશાન બનાવી હતી.
રાષ્ટ્રવાદી રાજકારણ સામે પારસીઓનો વિરોધ પણ તેમને નારાજ કરી રહ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર દારૂની દુકાન હોય તેમાં આગ લગાવીને આખી પારસી કૉલોનીને રાખ કરી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી. દુકાનદારોએ જાતે જ પોતાની દારૂની બૉટલો ખાલી કરીને ગટરમાં વહાવી દીધી ત્યારે જ તોફાનીઓ શાંત થયાં હતાં.
પારસી અને એંગ્લો-ઇન્ડિયન્સ માત્ર ભોગ બન્યા હોય તેવી પણ વાત નહોતી. ઘણા બધા પારસીઓ અને એંગ્લો-ઇન્ડિયન્સ સામનો કરવા માટે લાકડીઓ અને બંદૂકો લઈને કૂદી પડ્યા હતા.
ખાદીધારી હોય તેવા લોકો પર તેમણે હુમલા કર્યા હતા અને 'ગાંધી ટોપી મુર્દાબાદ' એવા નારા લગાવ્યા હતા. આમાં થયું હતું એવું કે કૉંગ્રેસને સમર્થન આપી રહેલા પારસીઓ કે ખ્રિસ્તીઓને બંને બાજુથી માર ખાવાનો વારો આવ્યો હતો.

ગાંધીના પ્રથમ ઉપવાસ

ઇમેજ સ્રોત, Getty Images
તોફાનો ફેલાયાં એટલે ગાંધીજી તરત સક્રિય થઈ ગયા હતા. તેમણે બધા સમુદાયના અગ્રણીઓને એકઠા કરીને શાંતિની સ્થાપના કરાવી હતી.
19 નવેમ્બરે જ તેમણે કોમી રમખાણો વિરુદ્ધ તેમના સૌપ્રથમ ઉપવાસ પણ શરૂ કરી દીધા હતા. હિંસા અટકશે નહીં ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરવાની તેમણે જાહેરાત કરી હતી.
તેમની આ રીત કામ કરી ગઈ. 22 નવેમ્બર સુધીમાં તોફાનો શમી ગયાં અને ગાંધીજીએ પારણાં કર્યાં. તે વખતે બધા સમુદાયના અને જુદાજુદા રાજકીય વિચારધારાના લોકો પણ હાજર રહ્યા હતા.
જોકે આ પ્રકારે તોફાનો થયાં તેના કારણે તેમને બહુ આઘાત લાગ્યો હતો.
તેમણે વક્રતા સાથે કહ્યું હતું કે "સ્વરાજ કેવું હશે તેનો સ્વાદ આપણને ચાખવા મળી ગયો." તેમણે દુખ સાથે જણાવ્યું કે આ તોફાનોના કારણે બહુમતીની હિંસાનો જે ભય નાના સમુદાયોમાં હોય તે સાબિત થઈ ગયો હતો.
એથી જ મુંબઈનાં તોફાનો શમ્યાં તે પછી ગાંધીજીએ બધા સમુદાયો વચ્ચે ફરીથી વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય તે માટે કામ કર્યું હતું.
તેમણે કૉંગ્રેસના અને ખિલાફતના કાર્યકરોને સમજાવ્યું કે લઘુમતી અધિકારો કેટલાક અગત્યના છે અને તે માટે તૈયારીઓ પણ કરી.

બધા ધર્મના લોકોની એકતા પર ભાર

ગાંધીજીએ કહ્યું કે બહુમતી સમાજની જવાબદારી બને છે કે તે લઘુમતીઓના કલ્યાણ પર ધ્યાન આપે. જાહેર સભાઓમાં અને કૉંગ્રેસનાં મુખપત્રોમાં તેમણે ઘણા લઘુમતી પ્રતિનિધિઓને સ્થાન આપ્યું. તેમણે ગાંધીજીના સત્યાગ્રહ વિશે પોતાની આશંકાઓ વ્યક્ત કરી અને બહુમતીવાદનાં ભયસ્થાનો પણ વ્યક્ત કર્યાં.
સૌથી અગત્યની વાત એ છે કે ગાંધીજીએ માત્ર હિન્દુ-મુસ્લિમ એકતાના બદલે હવે પોતાના નવા સૂત્રમાં બધા સમુદાયોને સમાવી લીધા હતા: "હિન્દુ-મુસ્લિમ-શીખ-પારસી-ખ્રિસ્તી-યહુદી એકતા".
એ બહુ વિચલિત કરનારો તબક્કો હતો, પણ તેના કારણે નાના સમુદાયોને એટલી ખાતરી મળી કે સ્વતંત્ર ભારતમાં તેમના માટે પણ સ્થાન હશે.
તે તોફાનોમાં 58 જેટલા લોકો માર્યા ગયા હતા. મુંબઈની લગભગ દર છઠ્ઠી દારૂની દુકાન પર હુમલા થયા હતા. પ્રિન્સ ઑફ વેલ્સ માટે પ્રવાસની શરૂઆત જ બહુ ખરાબ રહી. ભારતમાં અન્ય જગ્યાએ પણ તેમના આગમન વખતે હડતાળો પડી અથવા કેટલીક જગ્યાએ હત્યાની ધમકીઓ પણ મળી.

આ તોફાનોથી આપણે શું શીખવું જોઈએ?

ઇમેજ સ્રોત, CENTRAL PRESS/GETTY IMAGES
આવી સ્થિતિમાંય ગાંધીજીએ પોતાની સંવાદિતા સ્થાપવાની જહેમત છોડી નહીં અને તેના કારણે જ આજે તે તોફાનોની કડવી યાદને ભૂલવાડી દેવાઈ છે. તેમણે બહુમતીવાદની આગને ઠારી દીધી હતી અને મુંબઈ પર કાયમી ઘા ના પડે તેની કાળજી લીધી હતી.
અહીં જ આજની સ્થિતિ માટે બોધપાઠ રહેલો છે.
પ્રિન્સ ઑફ વેલ્સ તોફાનોએ દર્શાવી આપ્યું કે કોમી રમખાણો પાછળ મુખ્યત્વે રાજકીય પરિબળો કામ કરતા હોય છે.
એ કંઈ જૂના, સાંધી ના શકાય તેવા ધાર્મિક ભેદભાવોને કારણે નથી થતા હોતા. 1921માં એવી રાજકીય સ્થિતિ હતી કે હિન્દુ અને મુસ્લિમો એક થઈને બીજા સમુદાયો સામે લડ્યા હતા. થોડાં વર્ષો પછી કૉંગ્રેસ-ખિલાફત વચ્ચેની સમજૂતી તૂટી પડી તે પછી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે આનાથીય વધારે લોહિયાળ ઘર્ષણો થયાં હતાં.

બીજો પણ એક બોધપાઠ રહેલો છે. બહુમતીવાદ બહુ ચંચળ હોય છે. તેની પાછળની ગણતરીઓ ગમે ત્યારે બદલાઈ શકે છે અને અણધારી રીતે તે ફંટાઈ જતી હોય છે. મુંબઈની શેરીઓમાં ત્યારે એવું જ કંઈક થયું હતું.
કદાચ તેથી જ ગાંધીજીએ બહુમતીવાદની સામે ઝુંબેશ ચલાવી હતી અને નાનામાં નાના સમુદાય પ્રત્યે સદભાવ અને સહનશીલતા પર ભાર મૂક્યો હતો.
એકસો વર્ષ પહેલાં તેમણે બહુ યોગ્ય રીતે ચેતવણી આપી હતી કે: આજે બહુમતી લોકો એક થઈને બીજાને દબાવશે, તો "આવતી કાલે લોભલાલચ અને ખોટી ધાર્મિકતાના કારણે તેમની એકતા તૂટી પણ જઈ શકે છે."
(દિનયાર પટેલ જાણીતા લેખક છે, તેમણે દાદાભાઈ નવરોજીની જીવનકથા લખી છે. આ અહેવાલ સૌપ્રથમ 22 નવેમ્બર 2021માં પ્રકાશિત થયો હતો.)


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












