બ્રિગેડિયર ઉસ્માન : 'નૌશેરાનો સિંહ', જેના માથે પાકિસ્તાને 50,000નું ઇનામ રાખ્યું હતું
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
'નૌશેરા કા શેર' તરીકે વિખ્યાત બ્રિગેડિયર ઉસ્માનની આગેવાનીમાં ભારતીય સૈન્યની પૅરાશૂટ બ્રિગેડે જમ્મુ અને કાશ્મીરમાં રણનૈતિક દૃષ્ટિએ મહત્ત્વનાં સ્થળ એવાં ઝાંગર અને નૌશેરા પાકિસ્તાનના કબજામાંથી પરત મેળવ્યાં હતાં.
તેમની અંતિમયાત્રમાં એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ગવર્નર જનરલ સી. રાજગોપાલચારી ઉપરાંત કૅબિનેટ મંત્રીઓ સામેલ થયા હતા.

ઇમેજ સ્રોત, BHARATRAKSHAK.COM
ભારતના ઘણા લશ્કરી ઇતિહાસકારો માને છે કે બ્રિગેડિયર ઉસ્માનનું અકાળે મોત થયું ન હોત તો તેઓ કદાચ ભારતના પહેલા મુસ્લિમ સૈન્યપ્રમુખ બન્યા હોત.
ઈશ્વર જેને ચાહતા હોય છે તેને વહેલા પોતાની પાસે બોલાવી લે છે, એવી એક કહેવત છે. બહાદુર લોકોનું આયુષ્ય ખૂબ ટૂંકું હોય છે. બ્રિગેડિયર ઉસ્માનના કિસ્સામાં પણ એવું જ હતું.
તેમણે દેશ માટે પ્રાણ ન્યોછાવર કર્યા ત્યારે તેમના 36મો જન્મદિવસ આવવામાં 12 દિવસ બાકી હતા, પણ તેમના કરતાં બમણાં વર્ષો જીવવા છતાં ઘણા લોકો જે હાંસલ કરી શક્યા ન હતા એ બધું બ્રિગેડિયર ઉસ્માને નાનકડા જીવનકાળમાં પ્રાપ્ત કર્યું હતું.
તેઓ કદાચ એવા એકમાત્ર ભારતીય સૈન્યઅધિકારી હતા કે જેમના માથા સાટે પાકિસ્તાને 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ હતું અને એ જમાનામાં 50,000 રૂપિયા બહુ મોટી રકમ હતી. 1948માં નૌશેરાની લડાઈ બાદ તેઓ 'નૌશેરાના સિંહ' તરીકે ઓળખાતા થઈ ગયા હતા.

કૂવામાં ડૂબતાં બાળકને 12 વર્ષની વયે બચાવ્યું

ઇમેજ સ્રોત, BHARATRAKSHAK.COM
ઉસ્માનનો જન્મ 15 જુલાઈ, 1912ના રોજ મઉ જિલ્લાના બીબીપુર ગામમાં થયો હતો. તેમના પિતા કાઝી મોહમ્મદ ફારુક બનારસ શહેરના કોતવાલ હતા અને અંગ્રેજ સરકારે તેમને ખાન બહાદુરનો ખિતાબ આપ્યો હતો.
ઉસ્માન 12 વર્ષના હતા ત્યારે તેઓ એક કૂવા પાસેથી પસાર થઈ રહ્યા હતા. કૂવાની ચારે તરફ લોકોની ભીડ જોઈને તેઓ ત્યાં ઊભા રહ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે એક બાળક કૂવામાં પડી ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
12 વર્ષના ઉસ્માન આગળપાછળનો વિચાર કર્યા વિના બાળકને બચાવવા કૂવામાં કૂદી પડ્યા હતા.
ઉસ્માન બાળપણમાં બોલવામાં થોથવાતા હતા. તેમના પિતાને શંકા હતી કે એ કારણે ઉસ્માનની પસંદગી સિવિલ સર્વિસિસ માટે નહીં થાય.
તેથી તેમણે ઉસ્માનને પોલીસદળમાં જોડાવાની પ્રેરણા આપી હતી. તેઓ ઉસ્માનને પોતાના બૉસ પાસે લઈ ગયા હતા. યોગાનુયોગ તેમના બૉસ પણ બોલવામાં થોથવાતા હતા.
તેમણે ઉસ્માનને કેટલાક સવાલ પૂછ્યા અને ઉસ્માને તેના જવાબ આપ્યા ત્યારે એ અંગ્રેજ અધિકારી એવું સમજ્યા હતા કે ઉસ્માન તેમની નકલ કરી રહ્યા છે. આ કારણસર તેઓ ઉસ્માનથી નારાજ થયા અને ઉસ્માનનું પોલીસદળમાં જોડાવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું.

પાકિસ્તાન ન જવાનો નિર્ણય

ઇમેજ સ્રોત, GETTY IMAGES
એ પછી ઉસ્માને સૈન્યમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. તેમણે સેન્ડહર્સ્ટમાં પસંદગી માટે અરજી કરી હતી અને તેમને પસંદ કરી લેવામાં આવ્યા હતા. 1 ફેબ્રુઆરી, 1934ના રોજ તેઓ સેન્ડહર્સ્ટમાંથી પાસ થયા હતા. તેઓ આ કોર્સ માટે પસંદ કરાયેલા 10 ભારતીયો પૈકીના એક હતા.
સેમ માણેક શા અને મોહમ્મદ મૂસા તેમના સહાધ્યાયી હતા, જેઓ અનુક્રમે ભારતીય તથા પાકિસ્તાની સૈન્યના વડા બન્યા હતા. 1947 સુધીમાં તેઓ બ્રિગેડિયર બની ચૂક્યા હતા.
ઉસ્માન એક વરિષ્ઠ મુસ્લિમ સૈન્ય અધિકારી હતા. તેથી બધાની એવી ધારણા હતી કે તેઓ પાકિસ્તાન જવાનું પસંદ કરશે, પણ તેમણે ભારતમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.
તેઓ બલૂચ રેજિમેન્ટના સભ્ય હતા અને એ રેજિમેન્ટના અનેક અધિકારીઓએ ઉસ્માનના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા અને તેમને પુનર્વિચાર કરવા જણાવ્યું હતું.
બ્રિગેડિયર ઉસ્માનની જીવનકથાના લેખક મેજર જનરલ વી. કે. સિંહ કહે છે, "ઉસ્માન ભારતમાં રહેવાનો તેમનો નિર્ણય ફેરવે એ માટે મહંમદઅલી ઝીણા અને લિયાકત અલી બન્નેએ પ્રયાસ કર્યા હતા. તેમણે ઉસ્માનને તત્કાળ બઢતીની લાલચ પણ આપી હતી, પણ તેઓ તેમના નિર્ણય પર અફર રહ્યા હતા. મુસલમાન હોવા છતાં તેમનામાં કોઈ ધાર્મિક પૂર્વગ્રહ ન હતો. પોતાની નિષ્પક્ષતા, ઈમાનદારી અને ન્યાયપ્રિયતા વડે ઉસ્માને તેમના હાથ નીચેના સૈનિકોનું દિલ જીત્યું હતું."

ઝંગડ પર કબાઇલીઓનો કબજો

ઇમેજ સ્રોત, BHARATRAKSHAK.COM
ઑક્ટોબર, 1947માં કબાઇલીઓએ પાકિસ્તાનની સૈન્યની મદદ વડે કાશ્મીર પર હુમલો કર્યો હતો અને 26 ઑક્ટોબર સુધીમાં તેઓ શ્રીનગરની બહારના વિસ્તારો સુધી પહોંચી ગયા હતા. તેમને આગળ વધતા રોકવા માટે ભારતે પોતાના સૈનિકોને મોકલવાનો નિર્ણય બીજા દિવસે કર્યો હતો.
કબાઇલીઓએ 7 નવેમ્બરે રાજૌરી કબજે કરી લીધું હતું અને ત્યાં રહેતા લોકોની મોટા પ્રમાણમાં કત્લેઆમ થઈ હતી. 50 પેરાબ્રિગડના કમાન્ડર બ્રિગેડિયર ઉસ્માન નૌશેરામાં જોરદાર ટક્કર આપતા હતા, પણ કબાઇલીઓએ તેની આજુબાજુના અને ખાસ કરીને ઉત્તરના વિસ્તારોમાં પોતાનું વર્ચસ જાળવી રાખ્યું હતું.
ઉસ્માન તેમને ત્યાંથી હઠાવીને ચિંગાસ સુધીનો રસ્તો કબજે કરવા ઇચ્છતા હતા, પણ તેમની પાસે પૂરતા પ્રમાણમાં સૈનિકો ન હતા. તેથી તેમને સફળતા મળી ન હતી.
કબાઇલીઓએ 24 ડિસેમ્બરે અચાનક હુમલો કરીને ઝંડગ કબજે કરી લીધું હતું. એ પછી તેમનું લક્ષ્ય નૌશેરા હતું. તેથી તેમણે એ શહેરને ચારે તરફથી ઘેરવાનું શરૂ કરી દીધું હતું.

ઉસ્માન સામે સૌથી મોટો પડકાર

ઇમેજ સ્રોત, BHARATRAKSHAK.COM
ઉસ્માને 4 જાન્યુઆરી, 1948ના રોજ પોતાની બટાલિયનને, ઝંગડ રોડ પર ભજનોઆથી કબાઇલીઓને હઠાવવાનું શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. એ હુમલો તોપખાનાના ઉપયોગ વિના કરવામાં આવ્યો હતો, પણ એ નિષ્ફળ રહ્યો. કબાઇલીઓ તેમની જગ્યા પરથી ટસના મસ ન થયા.
એ સફળતાથી પોરસાઈને તેમણે એ જ સાંજે નૌશેરા પર હુમલો કર્યો હતો, પણ ભારતીય સૈનિકોએ તે હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. બે દિવસ પછી તેમણે ઉત્તર-પશ્ચિમ તરફથી બીજો હુમલો કર્યો હતો. એ પણ નિષ્ફળ રહ્યો હતો.
એ પછી કબાઇલીઓએ 5,000 લોકો અને તોપખાના સાથે હુમલો કર્યો હતો. બ્રિગેડિયર ઉસ્માનના સૈનિકોઓ કબાઇલીઓના નૌશેરા કબજે કરવાના ત્રીજા હુમલાને પણ પૂરી તાકાતથી નિષ્ફળ બનાવ્યો હતો.
ઉસ્માનની જીવનકથાના લેખક જનરલ વી. કે. સિંહ કહે છે, "કબાઇલીના હુમલાને નિષ્ફળ બનાવવા છતાં ગૈરિસનના સૈનિકોનું મનોબળ બહુ મજબૂત ન હતું."
"વિભાજન પછી ફેલાયેલી કોમી તંગદિલીને કારણે કેટલાક સૈનિકોને તેમના મુસ્લિમ કમાન્ડરની વફાદારીની ખાતરી ન હતી. ઉસ્માને તેમના દુશ્મનોના મનસૂબાઓને ધ્વસ્ત કરવા ઉપરાંત પોતાના સૈનિકોનો વિશ્વાસ પણ જીતવાનો હતો."
"તેમના શાનદાર વ્યક્તિત્વ, સૈનિક વ્યવસ્થાપન અને પ્રોફેશનલ અભિગમે થોડા દિવસોમાં જ પરિસ્થિતિ બદલી નાખી હતી. બ્રિગેડમાંના લોકો એકમેકની સાથે વાત કરતા હોય ત્યારે જયહિંદ બોલાવવાનું ઉસ્માને શરૂ કરાવ્યું હતું."

કરિયપ્પાની ફરમાઇશ

ઇમેજ સ્રોત, BHARATRAKSHAK.COM
જાન્યુઆરી, 1948માં વૅસ્ટર્ન કમાન્ડનો ચાર્જ સંભાળ્યા બાદ લેફ્ટનન્ટ જનરલ કરિયપ્પાએ નૌશેરાની મુલાકાત લીધી હતી.
તેઓ મેજર એસ. કે. સિન્હા સાથે ટૂ સીટર ઓસ્ટર વિમાનમાં નૌશેરાની ઍરસ્ટ્રીપ પર ઉતરાણ કર્યું હતું. ઉસ્માને તેમનું સ્વાગત કર્યું હતું અને પોતાના બ્રિગેડના સૈનિકો સાથે તેમની મુલાકાત કરાવી હતી.
અર્જુન સુબ્રમણિયમે પોતાના પુસ્તક 'ઇન્ડિયાઝ વૉર્સ'માં લખ્યું છે, "પાછા ફરતાં પહેલાં કરિયપ્પા બ્રિગેડિયર ઉસ્માન તરફ વળ્યા અને તેમને કહ્યું હતું કે, તમારી પાસેથી એક ભેટ મેળવવા ઇચ્છું છું."
"હું ઇચ્છું છું કે તમે નૌશેરા પાસેના સૌથી ઊંચા વિસ્તાર કોટ પર કબજો કરો, કારણ કે દુશ્મન ત્યાંથી નૌશેરા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો છે."
"દુશ્મન હુમલો કરે એ પહેલાં તમે કોટ પર કબજો કરી લો. ઉસ્માને કરિયપ્પાને વચન આપ્યું હતું કે તેઓ તેમની ઇચ્છાને થોડા દિવસમાં ફળીભૂત કરશે."

'છત્રપતિ શિવાજી મહારાજની જય'

ઇમેજ સ્રોત, BHARATRAKSHAK.COM
કોટ નૌશેરાથી ઉત્તર-પૂર્વ દિશામાં 9 કિલોમીટર દૂર આવેલું હતું. એ સ્થળ એક રીતે કબાઇલીઓ માટે ટ્રાન્ઝિટ કૅમ્પનું કામ કરતું હતું, કારણ કે તે રાજૌરી તથા સિયોટ વચ્ચેના રસ્તામાં હતું.
કોટ પર કબજો કરવાની કાર્યવાહીના ઓપરેશનનને ઉસ્માને 'કિપર' નામ આપ્યું હતું. કરિયપ્પા આ જ નામે સૈન્યવર્તુળોમાં ઓળખાતા હતા. ઉસ્માને કોટ પર બે બટાલિયનો સાથે બે તરફથી હુમલો કર્યો હતો.
3 પેરાબટાલિયને જમણી બાજુથી પથરડી તથા ઉપર્લા ડંડેસર પર ચડાઈ કરી હતી અને 2/2 પંજાબ બટાલિયને ડાબી બાજુથી કોટ પર હુમલો કર્યો હતો.
હવાઈદળે જમ્મુ ઍરબેઝથી વિમાનો ઉડાવીને ઍર સપોર્ટ આપ્યો હતો. વાસ્તવમાં ઝંગડ પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી છાપ કબાઇલીઓમાં સર્જવામાં આવી હતી. તેથી ઘોડા તથા ખચ્ચરોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભારતીય સૈનિકોએ મરાઠાઓનો નારો "બોલ, છત્રપતિ શિવાજી મહારાજકી જય" નારો પોકારીને કબાઇલીઓ પર હુમલો કર્યો હતો. એ લડાઈમાં હાથ અને બેયોનેટ્સનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કોટ પર કબજો

ઇમેજ સ્રોત, BBC WORLD SERVICE
કોટ પર 1 ફેબ્રુઆરી, 1948ની સવારે 6 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો અને 7 વાગ્યા સુધીમાં એવું લાગવા માંડ્યું હતું કે ભારતીય સૈનિકો કોટ પર કબજો કરી લેશે. 2/2 પંજાબ બટાલિયને તેની સફળતાનો સંદેશો પણ મોકલી આપ્યો હતો.
બાદમાં ખબર પડી હતી કે બટાલિયને ગામનાં ઘરોની ચોકસાઈપૂર્વક તલાશી લીધી ન હતી અને ઊંઘી રહેલા કેટલાક કબાઇલીઓને તેઓ ઓળખી શક્યા ન હતા.
થોડી વારમાં કબાઇલીઓએ વળતો હુમલો કર્યો હતો અને અર્ધા કલાકમાં જ કબાઇલીઓએ કોટ ફરી કબજે કરી લીધો હતો.
ઉસ્માને આ પરિસ્થિતિનો અંદાજ અગાઉથી જ મેળવીને બે ટુકડીઓ રિઝર્વમાં રાખી હતી.
એ ટુકડીઓને તરત જ આગળ મોકલવામાં આવી હતી અને તોપમારા તથા હવાઈ બૉમ્બવર્ષા વચ્ચે સવારે 10 વાગ્યે કોટ ફરીથી ભારતીયોએ કબજે કરી લીધો હતો.
એ લડાઈમાં 156 કબાઇલીઓનાં મોત થયાં હતાં, જ્યારે 2/2 પંજાબ બટાલિયનના માત્ર 7 સૈનિકો શહીદ થયા હતા.

નૌશેરા પર કબાઇલીઓનો હુમલો

કાશ્મીરમાં યુદ્ધ પહેલાંની સૌથી મહત્ત્વપૂર્ણ લડાઈ 6 ફેબ્રુઆરી, 1948ના રોજ લડવામાં આવી હતી.
ઉસ્માન સવારે 6 વાગ્યે કલાલ પર હુમલો કરવાના હતા, પણ ત્યારે જ તેમને ખબર પડી હતી કે કબાઇલીઓ એ દિવસે નૌશેરા પર હુમલો કરવાના છે. તેમાં કબાઇલીઓ તરફથી 11,000 લોકોએ ભાગ લીધો હતો.
20 મિનિટ સુધી તોપમારા પછી લગભગ 3,000 પઠાણોએ તેનઘાર પર હુમલો કર્યો હતો અને લગભગ એટલા જ લોકોએ કોટ પર હુમલો કર્યો હતો.
એ ઉપરાંત લગભગ 5,000 લોકોએ આસપાસના કંગોટા તથા રેદિયોંને પોતાનું નિશાન બનાવ્યા હતા. સવાર થઈ કે તરત જ હુમલાખોરોએ ઉસ્માનના સૈનિકો પર જોરદાર હુમલો કર્યો હતો.
વન રાજપૂતની પલટન નંબર-બેએ તે હુમલાનો પૂરી તાકાતથી સામનો કર્યો હતો. 27 લોકોની પિકેટમાંથી 24 લોકો માર્યા ગયા હતા અથવા તો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બાકી બચેલા ત્રણ સૈનિકોએ, તેમના પૈકીના બે સૈનિક ધરાશાયી ન થયા ત્યાં સુધી લડવાનું ચાલુ રાખ્યું હતું. માત્ર એક સૈનિક બચ્યો હતો ત્યારે એક ટુકડી ત્યાં પહોંચી હતી અને તેણે પરિસ્થિતિને પલટાવી નાખી હતી.
એ ટુકડી ત્યાં જરાક મોડી પહોંચી હોત તો તેનધાર ભારતીય સૈનિકોના હાથમાંથી જતું રહ્યું હોત. તેનધાર અને કોટ પર હુમલો ચાલતો હતો ત્યાં 5,000 પઠાણોના એક ઝૂંડે પશ્ચિમ તથા દક્ષિણ પશ્ચિમ બાજુએથી હુમલો કર્યો હતો.
એ હુમલો નિષ્ફળ રહ્યો હતો. એ નિષ્ફળતા પછી પઠાણોએ પીછેહઠ કરી હતી અને લડાઈનું પરિણામ બદલાઈ ગયું હતું.

સફાઈ કર્મચારી અને બાળકોની બહાદુરી
આ લડાઈમાં સૈનિકો ઉપરાંત વન રાજપૂતના એક સફાઈ કર્મચારીએ પણ અસાધારણ વીરત દેખાડી હતી.
મોટા પ્રમાણમાં ત્રાટકેલા કબાઇલીઓના હુમલામાં એક પછી એક ભારતીય સૈનિકો ધરાશાયી થવા લાગ્યા ત્યારે સફાઈ કર્મચારીએ એક ઘાયલ સૈનિકના હાથમાંથી રાઇફલ લઈને કબાઇલીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. તેણે એક હુમલાખોરના હાથમાંથી તલવાર છીનવીને ત્રણ કબાઇલીઓને ખતમ પણ કર્યા હતા.
આ અભિયાનમાં 'બાળકસેના'એ પણ મોટી ભૂમિકા ભજવી હતી. બ્રિગેડિયર ઉસ્માને નૌશેરામાં અનાથ થઈ ગયેલાં 6થી 12 વર્ષનાં બાળકોને સામેલ કરીને તે સેના બનાવી હતી. બ્રિગેડિયરે એ બાળકોના શિક્ષણ તથા તાલીમની વ્યવસ્થા પણ કરી હતી.
નૌશેરાની લડાઈમાં ચાલતા સામસામા ગોળીબાર વચ્ચે સંદેશાઓ પહોંચાડવા માટે આ બાળકસેનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એ પૈકીનાં ત્રણ બાળકોનું બહાદુરી દેખાડવા બદલ લડાઈ પૂરી થયા બાદ સન્માન કરવામાં આવ્યું હતું અને વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને ઇનામમાં સોનાની ઘડિયાળો આપી હતી.

બન્યા દેશના હીરો

ઇમેજ સ્રોત, BHARATRAKSHAK.COM
નૌશેરાની લડાઈ બાદ બ્રિગેડિયર ઉસ્માનની ખ્યાતિ ચારે તરફ ફેલાઈ હતી અને તેઓ રાતોરાત દેશના હીરો બની ગયા હતા.
કમાન્ડિંગ મેજર જનરલ કલવંત સિંહે એક પત્રકારપરિષદ યોજી હતી અને નૌશેરાની સફળતાનું સંપૂર્ણ શ્રેય 50 પેરાબ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર ઉસ્માને આપ્યું હતું.
આ વાતની ખબર પડી ત્યારે ઉસ્માને એક પત્ર લખીને કલવંત સિંહ સમક્ષ વિરોધ પ્રગટ કર્યો હતો.
તેમણે પત્રમાં લખ્યું હતું કે "આ જીતનું શ્રેય બ્રિગેડના કમાન્ડર તરીકે મને નહીં, પણ બહાદુરીથી લડીને દેશ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા સૈનિકોને મળવું જોઈએ."
મેજર જનરલ કલવંત સિંહે 10 માર્ચ, 1948ના દિવસે ઝંગડને ફરી કબજે કરવાનો આદેશ આપ્યો હતો.
બ્રિગેડિયર ઉસ્માને તેમના સૈનિકોને આપેલા તે વિખ્યાત આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે "સમગ્ર વિશ્વની નજર તમારા પર છે. આપણે ઝંગડ કબજે કરવા માટે ડર્યા વિના આગળ વધીશું. તમે તમારું કર્તવ્ય નિભાવશો એવી ભારતને તમારી પાસેથી આશા છે."

ઝંગડ ફરી કબજે ન થાય ત્યાં સુધી પલંગ પર નહીં સૂવાની પ્રતિજ્ઞા
આ અભિયાનને 'ઑપરેશન વિજય' નામ આપવામાં આવ્યું હતું. તે 12 માર્ચે શરૂ થવાનું હતું, પણ જોરદાર વરસાદને કારણે તેને બે દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું.
ભારતીય સૈનિકો કબાઇલીઓના બંકરમાં પહોંચ્યા ત્યારે ત્યાં ભોજન રંધાઈ રહ્યું હતું અને ચા ઉકળી રહી હતી. તેમને આગ ઠારવાની તક સુધ્ધાં મળી ન હતી. 18 માર્ચે ઝંગડ ભારતીય સૈન્યના નિયંત્રણમાં આવી ગયું હતું.
બ્રિગેડિયર ઉસ્માનની જીવનકથામાં જનરલ વી. કે. સિંહે લખ્યું છે, "ડિસેમ્બર-1947માં ઝંગડ ભારતીય સૈન્યના હાથમાંથી ગયું પછી બ્રિગેડિયર ઉસ્માને મહારાણા પ્રતાપની માફક પ્રતિજ્ઞા લીધી હતી કે ઝંગડ ભારતીય સૈન્યના નિયંત્રણમાં નહીં આવી જાય ત્યાં સુધી તેઓ પલંગ પર ઊંઘશે નહીં."
"ભારતીય સૈન્યે ઝંગડ કબજે કર્યું પછી બ્રિગેડિયર ઉસ્માન માટે એક પલંગ મંગાવવામાં આવ્યો હતો. બ્રિગેડ હેડક્વાર્ટર પર કોઈ પલંગ ન હતો. તેથી નજીકના ગામમાંથી એ પલંગ ઉધાર લેવામાં આવ્યો હતો અને બ્રિગેડિયર ઉસ્માન એ રાતે તેના પર સૂતા હતા."

તોપના ગોળાથી થયું બ્રિગડિયર ઉસ્માનનું મૃત્યુ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
3 જુલાઈ, 1948ના રોજ પાકિસ્તાની ઘૂસણખોરો સામે લડતાં બ્રિગેડિયર ઉસ્માન માર્યા ગયા હતા. એ સમયે જનરલ એસ. કે. સિન્હા ત્યાં હાજર હતા. જનરલ એસ. કે. સિન્હા બાદમાં ભારતના નાયબ લશ્કરી વડા બન્યા હતા.
એ ઘટનાની વિગત આપતાં તેમણે મને કહ્યું, "બ્રિગેડિયર ઉસ્માન રોજ સાંજે સાડા પાંચ વાગ્યે તેમના હાથ નીચે કામ કરતા લોકો સાથે બેઠક યોજતા હતા. એ દિવસે બેઠક અરધો કલાક વહેલી યોજવામાં આવી હતી અને ઝડપથી પૂરી પણ થઈ ગઈ હતી."
"પોણા છ વાગ્યે કબાઇલીઓએ બ્રિગેડ હેડક્વાર્ટર પર તોપમારો શરૂ કર્યો હતો. ચાર ગોળા તંબુથી લગભગ 500 મીટર દૂર પડ્યા હતા."
"દરેક વ્યક્તિ સલામત જગ્યાએ જવા ભાગી હતી. ઉસ્માને સિગ્નલર્સના બંકરની ઉપર એક ખડકની પાછળ આશરો લીધો હતો. કબાઇલીઓનો તોપમારો બંધ કરાવવા માટે અમે પણ તોપમારો શરૂ કર્યો હતો."
"ઉસ્માને મેજર ભગવાન સિંહને અચાનક આદેશ આપ્યો હતો કે તોપને પશ્ચિમની તરફ ફેરવીને પૉઇન્ટ 3150 પર નિશાન તાકો. ભગવાન સિંહને તે આદેશ સાંભળીને થોડું આશ્ચર્ય થયું હતું, કારણ કે દુશ્મનો તો દક્ષિણ તરફથી તોપમારો કરી રહ્યા હતા."
"જોકે, ભગવાન સિંહે ઉસ્માનના આદેશનું પાલન કર્યું હતું અને તોપનું નાળચું ઉસ્માને ઈશારો કર્યો હતો એ તરફ ફેરવ્યું હતું. એ દિશામાં કબાઈલીઓની આર્ટિલરી ઑબ્ઝર્વેશન પોસ્ટ હતી. નાળચું એ તરફ ફેરવતાંની સાથે જ ત્યાંથી તોપમારો બંધ થઈ ગયો હતો."

તોપગોળાની ઊડતી કરચો ઉસ્માનના શરીરમાં ઘૂસી ગઈ
જનરલ સિન્હાએ મને કહ્યું, "તોપમારો અટક્યાની સાથે જ સિગ્નલ્સના લેફ્ટનન્ટ રામસિંહ તેમના સાથીઓ સાથે નષ્ટ થયેલા એરિયલ્સની મરામત કરવા લાગ્યા હતા."
"ઉસ્માન પણ બ્રિગેડ કમાન્ડની પોસ્ટ ભણી આગળ વધવા લાગ્યા હતા. મેજર ભગવાન સિંહ અને હું તેમની પાછળ હતા. અમે થોડાં ડગલાં જ ભર્યાં હશે ત્યાં ભગવાન સિંહને એક તોપગોળાનો અવાજ સંભળાયો હતો."
"તેમણે મને હાથ પકડીને પાછળ ખેંચી લીધો હતો. ત્યાં સુધીમાં ઉસ્માન કમાન્ડ પોસ્ટના દરવાજા સુધી પહોંચી ગયા હતા અને ત્યાં ઊભા રહીને સિગ્નલ કર્મચારીઓ સાથે વાત કરતા હતા."
"એ જ સમયે 25 પાઉન્ડનો એક તોપગોળો બાજુના ખડક પર પડ્યો. તેમાંથી ઊડેલી કરચો બ્રિગેડિયર ઉસ્માનના શરીરમાં ઘૂસી ગઈ અને એ સ્થળે જ તેઓ મૃત્યુ પામ્યા. એ આખી રાત તોપમારો ચાલ્યો હતો. ઝંગડ પર લગભગ 800 તોપગોળા ફેંકવામાં આવ્યા હતા."

જનાજામાં જવાહરલાલ નેહરુ પણ સામેલ થયા

ઇમેજ સ્રોત, BETTMANN
બ્રિગેડિયર ઉસ્માનના મૃત્યુને કારણે સમગ્ર સૈન્યમાં શોક છવાઈ ગયો હતો. ભારતીય સૈનિકોએ રસ્તા પર ઊભા રહીને પોતાના બ્રિગેડિયરને અંતિમ વિદાઈ આપી ત્યારે તેમની આંખોમાં આંસુ હતાં.
બધા સૈનિકો એ અધિકારી માટે રડતા હતા, જે અધિકારીએ બહુ ઓછા સમયમાં તેમને પોતાના બનાવી લીધા હતા.
બ્રિગેડિયર ઉસ્માનના પાર્થિવ દેહને પહેલાં જમ્મુ લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી દિલ્હી લઈ જવામાં આવ્યો હતો.
દેશ માટે પોતાનું જીવન ફના કરી ચૂકેલા આ વીરના સન્માનમાં દિલ્હીના વિમાનમથકે લોકો મોટા પ્રમાણમાં એકઠા થયા હતા. સરકારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે બ્રિગેડિયર ઉસ્માનના અંતિમસંસ્કાર કર્યા હતા.
બ્રિગેડિયર ઉસ્માનના અંતિમસંસ્કાર જામિયા મિલિયા યુનિવર્સિટીમાં કરવામાં આવ્યા હતા. તેમાં ભારતના તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન અને વડા પ્રધાન જવાહરલાલ નેહરુ તેમના પ્રધાનમંડળના સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
એ પછી તરત જ બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનને મરણોત્તર મહાવીર ચક્ર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

વીરગતિ પામેલા સૈન્યના સૌથી વરિષ્ઠ અધિકારી
શહીદ થયા ત્યારે બ્રિગેડિયર ઉસ્માનની વય પૂરા 36 વર્ષની પણ ન હતી. તેઓ જીવતા રહ્યા હોત તો નિશ્ચિત રીતે તેમના પ્રોફેશનમાં સર્વોચ્ચ પદે પહોંચ્યા હોત.
ઝંગડ ભારતીય સૈન્યના હાથમાંથી ગયું પછી ઘણા સામાન્ય નાગરિકોએ નૌશેરામાં શરણ લીધું હતું. એ સમયે ત્યાં ભોજનની કમી હતી. ઉસ્માને તેમના સૈનિકોને મંગળવારે વ્રત રાખવાનો આદેશ આપ્યો હતો, જેથી એ દિવસનું બચેલું રૅશન સામાન્ય લોકોને આપી શકાય.
બ્રિગેડિયર ઉસ્માને શરાબ તો આજીવન પીધી ન હતી. ડોગરાઓ સાથે કામ કર્યું હોવાને લીધે તેઓ શાકાહારી પણ થઈ ગયા હતા.
તેઓ આજીવન અપરિણીત રહ્યા હતા અને તેમના પગારનો મોટો હિસ્સો ગરીબ બાળકોની મદદ માટે આપવામાં આવતો હતો. તેઓ ધર્મ તથા દેશ બન્નેને હંમેશાં વફાદાર રહ્યા હતા.
તેમની જીવનકથાના લેખક જનરલ વી. કે. સિંહે એક રસપ્રદ કિસ્સો જણાવતાં કહ્યું, "કેટલાક કબાઇલીઓ એક મસ્જિદ પાછળ છુપાયેલા છે અને ભારતીય સૈનિકો ધાર્મિક સ્થળ પર ગોળીબાર કરતાં ખચકાઈ રહ્યા છે, એવું નૌશેરા પરના હુમલા દરમિયાન બ્રિગેડિયર ઉસ્માનને જણાવવામાં આવ્યું હતું."
"તેમણે કહ્યું હતું કે મસ્જિદનો ઉપયોગ દુશ્મનને આશરો આપવા માટે કરવામાં આવતો હોય તો એ પવિત્ર સ્થળ નથી. બ્રિગેડિયર ઉસ્માને મસ્જિદને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો હતો."
ભારતના સૈનિક ઇતિહાસમાં વીરગતિ પામેલા સૌથી વરિષ્ઠ સૈન્ય અધિકારી બ્રિગેડિયર ઉસ્માન છે. ઝંગડમાં જે ખડક પર પડેલા તોપગોળાએ બ્રિગેડિયર ઉસ્માનનો જીવ લીધો હતો એ જ ખડક પર તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે.
(આ અહેવાલ સૌપ્રથમ 2020માં પ્રકાશિત કરાયો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














