1965 યુદ્ધ : પાક.ના બોમ્બ હુમલાથી બચવા ખેતરોમાં છુપાયા હતા ભારતીય કમાન્ડો

ઇમેજ સ્રોત, DEFENCE.PK
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી રિપોર્ટર
લાહોરના મોરચા પર ભારતીય સૈનિકોને શરૂઆતની સફળતા તો મળી ગઈ પરંતુ જમીન પર પરિસ્થિતી સારી નહોતી. મેજર જનરલ નિરંજન પ્રસાદની 15 ડિવિઝનમાં જોરદાર અવ્યવસ્થા ફેલાયેલી હતી.
પશ્ચિમની કમાનના પ્રમુખ જનરલ હરબક્શ સિંહને જ્યારે વાયરલેસ પર જનરલ નિરંજન પ્રસાદનો સંદેશ મળ્યો કે તેની ડિવિઝન પર પાકિસ્તાનની બે ડિવિઝનોએ હુમલો કર્યો છે અને તેની બ્રિગેડને ઈચ્છોગિલ નહેરથી સાત કિલોમીટર પાછળ ગોસલગયાલ સુધી હટવું પડ્યું હતું તો તેઓ હેરાન થઈ ગયા.
તેમણે જનરલ નિરંજન પ્રસાદને સંદેશ મોકલ્યો કે ભલે ગમે તે થાય તમે તમારી જગ્યાથી એક ઈંચ પણ હટશો નહીં. હું અને કોર કમાન્ડર તમને મળવા તમારી જગ્યાએ જ આવી રહ્યા છીએ.

વિમાનમાંથી બોમ્બ વર્ષા

ઇમેજ સ્રોત, BHARAT RAKSHAK
જનરલ હરબક્શ સિંહે પોતાના ડ્રાઇવરને જીપની પાછળ બેસવાનું કહ્યું અને પોતે જ ગાડી ચલાવવા લાગ્યા.
જ્યારે તેઓ જી. ટી. રોડ પર પહોંચ્યા તો ત્યાંનો નજારો જોઈને તેમના હોશ ઉડી ગયા. દરેક જગ્યાએ ભારતનાં વાહનો સળગી રહ્યાં હતાં.
રસ્તા પર પાકિસ્તાની વિમાનોના બોમ્બ હુમલાથી મોટા-મોટા ખાડા પડી ગયા હતા અને પાકિસ્તાની વિમાનો રસ્તાની ઉપર ઉડી રહ્યાં હતાં.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જનરલ હરબક્શ સિંહ પોતાની આત્મકથા 'ઇન ધી લાઇન ઓફ ડ્યુટી'માં લખે છે, ''અમે જોઈ રહ્યા હતા કે 15 ડિવિઝનની ગાડીઓ રસ્તામાં આમ-તેમ પડી હતી."
"તેમના ડ્રાઇવર તેને છોડીને ભાગી ચૂક્યા હતા. કેટલીક ગાડીઓના તો એન્જિન પણ બંધ કરવામાં આવ્યાં નહોતાં."
"રસ્તાની વચ્ચે એક બખ્તરબંધ ગાડી ઊભી હતી. તેમાં કોઈ નહોતું પરંતુ ચાવી લાગેલી હતી. મેં તેને રસ્તા પરથી હટાવી કિનારે લગાવી.''

શેરડીના ખેતરમાં જનરલ

હરબક્શ સિંહને ડિવિઝનલ મિલેટરી પોલીસનું એક વાહન શેરડીનાં એ ખેતરો પાસે લઈ ગયું, જ્યાં 15 ડિવિઝનના કોર કમાન્ડો મેજર જનરલ નિરંજન પ્રસાદ પાકિસ્તાની બોમ્બ હુમલાથી બચવા માટે છુપાયેલા હતા.
હરબક્શ સિંહ લખે છે,'' જ્યારે જનરલ નિરંજન પ્રસાદ મને લેવા માટે આવ્યા તો તેના બૂટ કિચડવાળાં હતાં."
"તેમના માથા પર ટોપી નહોતી અને તેઓની દાઢી પણ વિખેરાયેલી હતી. તેમનો યુનિફોર્મ પર પદવી બતાવનાર બધાં જ નિશાન ગાયબ હતાં."
"મેં તેઓને આ હાલતમાં જોઈને સીધો જ સવાલ કર્યો કે તમે ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ છો કે કુલી? તમારી દાઢી કેમ અસ્ત વ્યસ્ત છે અને તમારા રેંકના મેડલ ક્યાં છે?''
આ સવાલ જવાબ ચાલી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના બે યુદ્ધ વિમાનો ખૂબ જ નીચે ઉડાણ ભરી તેમના માથા પરથી પસાર થયાં.
જનરલ નિરંજન પ્રસાદે જનરલ હરબક્શ સિંહને પાસેની ઝાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો.

ઇમેજ સ્રોત, DEFENCE.PK
હરબક્શન સિંહ નિરંજન પ્રસાર પર જોરથી રાડ પાડી અને બોલ્યાં,''દુશ્મનોના વિમાનને આપણામાં કોઈ રુચી નથી. એમ પણ તેઓ આપણને જોઈ શકતા નથી."
"તેઓ એ વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે કે જેઓને તમે રસ્તા પર જ છોડી દીધા છે."
જનરલ હરબક્શે નિરંજન પ્રસાદને પૂછ્યું,''તમારા બ્રિગેડ કમાન્ડર ક્યાં છે?'' નિરંજન પ્રસાદે અવાજ કર્યો, '' પાઠક, પાઠક.'' જ્યારે પાઠક ત્યાં પહોંચ્યા તેમનું મોઢું ચાદર જેવું સફેદ હતું."
હરબક્શે તેમને પૂછ્યું, ''તમારા લોકો ક્યાં છે?'' પાઠકે જવાબ આપ્યો કે તે લોકો પાછળ આવી રહ્યા છે.
હરબક્શે પૂછ્યું,''કેટલા લોકો અકસ્માતનો ભોગ બન્યા છે?'' પાઠકે જવાબ આપ્યો કે 30 લોકો ઘાયલ થયા છે.
જનરલ હરબક્શ સિંહે જણાવ્યું,''4000માંથી માત્ર 30 લોકો ઘાયલ થયા છે અને તમે કહો છો કે પૂરી બ્રિગેડ નિષ્ક્રિય થઈ ગઈ છે?''

જોંગા ખેતરમાં છોડી

ઇમેજ સ્રોત, BHARATRAKSHAK.COM
જનરલ હરબક્શ સિંહે તેને નવી શરૂઆત કરી આગળ વધવાનો આદેશ આપ્યો.
તેમણે જનરલ નિરંજન પ્રસાદને જણાવ્યું કે તેઓ બ્રિગેડના કામકાજમાં નજર રાખે અને કાલે સવારે પોતાના કોર કમાન્ડરને ઓપરેશનની રિપોર્ટ આપે.
સાત સપ્ટેમ્બરે નિરંજન પ્રસાદ પોતાની બ્રિગેડની સ્થિતી જાણવા માટે પોતાના એક એડીસી સાથે એક જોંગા જીપ પર સવાર થઈને આગળ વધ્યા. તેની પાછળ બે એસ્કોર્ટ વાહન ચાલી રહ્યાં હતાં.
હજુ તો થોડા જ દૂર ગયા કે તેના પર પાકિસ્તાનીઓએ મીડિયમ મશીન ગનથી ફાયર કર્યું. નિરંજન પ્રસાદ અને તેના એડીસી જોંગા છોડીને બાજુના ખેતરમાં છુપાઈ ગયા.
થોડા સમય બાદ તેઓએ પરત ફરવાનો નિર્ણય કર્યો અને તેના માટે તેમણે પાછળ ચાલી રહેલી એસ્કોર્ટ્સ જીપોનો ઉપયોગ કર્યો.
તે જીપોમાં સવાર લોકોને ચાલીને પરત આવવા માટે કહેવામાં આવ્યું.
તેઓની પોતાની જોંગા ત્યાં જ ખેતરોમાં પડી રહી, જેમાં તેની એક બેગ રાખેલી હતી. તેમાં કેટલાક મહત્વનાં કાગળો પણ હતા. જીપ પર ડિવિઝનનો ઝંડો અને સ્ટાર પ્લેટ પણ લાગેલી હતી.

રેડિયો પાકિસ્તાનનો પ્રચાર

ઇમેજ સ્રોત, BHARATRAKSHAK.COM
પછી આ જોંગા પાકિસ્તાની સૈનિકોના હાથે લાગી ગઈ અને રેડિયો પાકિસ્તાને બેગમાં રાખેલા કાગળોને પ્રસાર કરવાનું શરૂ કરી દીધું.
તે કાગળોમાં હરબક્શ સિંહ વિરુદ્ધ સેનાધ્યક્ષને કરવામાં આવેલી ફરિયાદની કોપી પણ હતી.
11મી કોરના કમાન્ડર, નિરંજન પ્રસાદની આ ભૂલ માટે તેમનું કોર્ટ માર્શલ કરવા ઈચ્છતા હતા.
પરંતુ જનરલ ચૌધરીએ નિરંજન પ્રસાદને રાજીનામું આપવા જણાવ્યું.
તેના સ્થાને મેજર જનરલ મોહિંદર સિંહને 15 ડિવિઝનનો નવો કમાન્ડર બનાવવામાં આવ્યો.
ત્યારબાદ જનરલ નિરંજન પ્રસાદે જનરલ જોગિંદર સિંહને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાતનું ખંડન કર્યું કે તેમણે જીપમાં કોઈ મહત્વપૂર્ણ કાગળ છોડ્યાં હતાં.
તેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું, ''હું જોંગામાં માત્ર એક પેડ છોડીને આવ્યો હતો. પછી મારા ઓફિસરોએ મને આ મુદ્દા પર બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કર્યો અને મારા વિરુદ્ધ તપાસ તે વ્યક્તિને સોંપવામાં આવી, જેના ગુપ્ત રિપોર્ટમાં મેં તેના વિરુદ્ધ લખ્યું હતું.''

ભારતનું અપમાન

જોગિંદર સિંહ પોતાના પુસ્તક 'બિહાઈન્ડ ધ સીન'માં જનરલ નિરંજન પ્રસાદનો બચાવ કરતા લખે છે કે નિરંજનને તે માટે હટાવવામાં આવ્યા નહોતા કે તેઓ અસ્થિર વલણવાળા કમાન્ડર હતા પરંતુ તેના માટે કે તેઓ એક 'ડિફિકલ્ટ સબઓર્ડિનેટ' હતા.
જોગિંદર સિંહ અને હરબક્શ સિંહ એકબીજાને પસંદ કરતા નહોતા પરંતુ કેટલાક તટસ્થ ટીકાકારો જેવા કે મેજર કેસી પ્રવલ અને મેજર આગા હુમાંયૂ અમીનનું માનવું છે કે નિરંજન પ્રસાદની ડિવિઝને સારા અવસરને હાથમાંથી છૂટવા દીધો અને તેના કારણે ભારતનું ઘણું જ અપમાન થયું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












