ચિનાબ નદી પરના ભારતના ડેમથી પાકિસ્તાન ચિંતિત શા માટે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, ટીમ બીબીસી હિંદી
- પદ, નવી દિલ્હી
ભારતમાં ચિનાબ નદી પરની બે યોજના પૈકીની એક સામે પાકિસ્તાને વાંધો લીધો છે.
ભારત ચિનાબ નદી પર બે જળવિદ્યુત યોજના માટે બે ડેમનું નિર્માણ કરી રહ્યું છે. એ બે યોજનામાં 48 મેગાવોટની લોઅર કાલનાઈ અને 1500 મેગાવોટની પાકલ દુલ યોજનાનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન પાકલ દુલ બંધ બાબતે ચિંતિત છે અને આક્ષેપ કરી રહ્યું છે કે તે સિંધુ જળ કરારનું ઉલ્લંઘન છે.
પાકિસ્તાનના મતાનુસાર, પાકલ દુલ બંધની ઊંચાઈ 1,708 મીટર થઈ શકે છે અને તેને કારણે પાકિસ્તાનમાં આવતા પાણીનું પ્રમાણ ઘટી શકે છે.
પાકિસ્તાનનું કહેવું છે કે બંધની ઊંચાઈને કારણે ભારત તેની ઇચ્છા અનુસાર પાણી રોકવા કે છોડવામાં સક્ષમ થઈ જશે.
સિંધુ જળ કરારની શરત મુજબ, ભારત ચિનાબ નદી પર ડેમ બાંધવાની યોજના બનાવે તો તેનું કામ શરૂ કરવાના લગભગ છ મહિના પહેલાં તેણે પાકિસ્તાનને આ બાબતે જણાવવાનું રહેશે.
તમે આ વાંચ્યું કે નહીં?

પાકિસ્તાનમાં મંત્રણા

ઇમેજ સ્રોત, Getty Images
સિંધુ જળ કરાર સંબંધે વાતચીત કરવા માટે પાકિસ્તાન ગયેલું ભારતીય પ્રતિનિધિ મંડળ થોડા દિવસ અગાઉ લાહોરમાં હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નદીના જળની વહેંચણી બાબતે બન્ને દેશો વચ્ચે 115મી દ્વિપક્ષી મંત્રણા યોજાઈ.
બે દિવસની આ મંત્રણામાં ભારતના નવ સભ્યોના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ વોટર કમિશનર પી. કે. સક્સેનાએ કર્યું.
પાકિસ્તાની પ્રતિનિધિ મંડળનું વડપણ તેના વોટર કમિશનર સૈયદ મેહર અલી શાહે કર્યું.
ચાલુ વર્ષે માર્ચ મહિનામાં પણ બન્ને દેશોના અધિકારીઓની મુલાકાત ભારતમાં થઈ હતી.

કઈ રીતે થયો હતો સિંધુ જળ કરાર?

ઇમેજ સ્રોત, Getty Images
સિંધુ જળ કરારને બે દેશ વચ્ચેના જળવિવાદનું એક સફળ આંતરરાષ્ટ્રીય ઉદાહરણ માનવામાં આવે છે.
સિંધુ ઘાટીમાંથી પસાર થતી છ નદીઓ પરના નિયંત્રણ બાબતે ભાગલા બાદ સર્જાયેલા વિવાદમાં વિશ્વ બૅન્કે મધ્યસ્થતા કરી હતી.
ભારત અને પાકિસ્તાને 1960માં આ કરાર પર સહીસિક્કા કર્યા હતા. તે કરાર મુજબ, આ ક્ષેત્રની ત્રણ નદીઓના પાણી પર ભારતનું નિયંત્રણ રહેશે, જ્યારે સિંધુ, ઝેલમ અને ચિનાબનાં વહેણ પર પાકિસ્તાનનું નિયંત્રણ રહેશે.
આ નદીઓમાં પાણી પ્રાકૃતિક રીતે પાકિસ્તાન ભણી જ વહે છે.
આ કરાર પાછળની કહાણી અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીની વેબસાઇટ પર જણાવવામાં આવી છે.
એરોન વોલ્ફ અને જોશુઆ ન્યૂટન તેમના કેસ સ્ટડીમાં જણાવે છે કે ખાસ કરીને પંજાબ તથા સિંધ પ્રાંત વચ્ચે જળ વહેંચણીનો ઝઘડો 1947માં ભારતના વિભાજન પહેલાં જ શરૂ થઈ ગયો હતો.
ભારત અને પાકિસ્તાનના એન્જિનિયર્સ 1947માં મળ્યા હતા તથા તેમણે પાકિસ્તાન તરફની બે મુખ્ય નહેર વિશેના એક 'સ્ટેન્ડસ્ટીલ' કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
એ કરાર મુજબ પાકિસ્તાનને પાણી સતત મળતું રહ્યું હતું. એ કરાર 1948ની 31 માર્ચ સુધી અમલમાં હતો.
સિંધુ બેસિન ટ્રિટી સંબંધે 1993થી 2011 સુધી પાકિસ્તાનના કમિશનર તરીકે કાર્યરત રહેલા જમાત અલી શાહના જણાવ્યા મુજબ, 1948ની પહેલી એપ્રિલે એ કરાર અમલમાં ન હતો, ત્યારે ભારતે બે મુખ્ય નહેરોનું પાણી રોકી દીધું હતું.
તેને કારણે પાકિસ્તાનના પંજાબની 17 લાખ એકર જમીનની હાલત ખરાબ થઈ ગઈ હતી.

ભારતના નિર્ણયનું કારણ

ઇમેજ સ્રોત, BHASKAR SOLANKI
ભારતે આ નિર્ણય માટે ઘણા કારણ જણાવ્યાં હતાં. તેમાંનું એક કારણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પર દબાણ લાવવાનું હતું.
એ પછી થયેલા કરારમાં ભારત પાણીનો પુરવઠો ચાલુ રાખવા સહમત થયું હતું.
અભ્યાસમાં જણાવ્યા મુજબ, 1951માં વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ટેનસી વેલી ઑથૉરિટીના ભૂતપૂર્વ પ્રમુખ ડેવિડ લિલિયંથલને ભારત બોલાવ્યા હતા.
લિલિયંથલ પાકિસ્તાન પણ ગયા હતા અને એ પછી અમેરિકા પાછા જઈને તેમણે સિંધુ નદીના જળની વહેંચણી બાબતે એક લેખ લખ્યો હતો.
એ લેખ વર્લ્ડ બૅન્કના પ્રમુખ અને લિલિયંથલના દોસ્ત ડેવિડ બ્લેકે પણ વાંચ્યો હતો. એ પછી ડેવિડ બ્લેકે ભારત તથા પાકિસ્તાનના વડાઓનો સંપર્ક કર્યો હતો અને બન્ને દેશ વચ્ચે ફરી મંત્રણા શરૂ થઈ હતી.
મંત્રણાનો એ દૌર લગભગ એક દાયકા સુધી ચાલ્યો હતો. આખરે 1960ની 19 સપ્ટેમ્બરે કરાચીમાં સિંધુ નદી કરાર પર હસ્તાક્ષર થયા હતા.
ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ અયુબ ખાને તેના પર હસ્તાક્ષર કર્યા હતા.

સિંધુ જળ કરારના મહત્વના મુદ્દા

ઇમેજ સ્રોત, Getty Images
1. કરાર અનુસાર, સિંધુ નદીની સહાયક નદીઓને પૂર્વી અને પશ્ચિમી નદીઓમાં વિભાજિત કરવામાં આવી હતી. સતલજ, બ્યાસ અને રાવી નદીને પૂર્વી, જ્યારે ઝેલમ, ચેનાબ અને સિંધુને પશ્ચિમી નદી ગણાવવામાં આવી હતી.
2. કરાર અનુસાર, કેટલાક અપવાદોને બાદ કરતાં પૂર્વની નદીઓના પાણીનો ઉપયોગ ભારત બેરોકટોક કરી શકે છે. પશ્ચિમી નદીઓનું પાણી પાકિસ્તાન માટે હશે. અલબત, આ નદીઓના પાણીનો સીમિત ઉપયોગ કરવાનો અધિકાર કરારમાં ભારતને પણ આપવામાં આવ્યો હતો. એ પાણીનો ઉપયોગ વીજળી ઉત્પાદન માટે કે ખેત ઉત્પાદન માટે કરવાનો હતો.
3. કરાર હેઠળ કાયમી સિંધુ પંચની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં બન્ને દેશના કમિશનરોની મુલાકાતની દરખાસ્ત હતી. એ કમિશનરો સમયાંતરે એકમેકને મળશે અને પોતપોતાની તકલીફની વાત કરશે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
4. કોઈ દેશ કોઈ પ્રોજેક્ટ હાથ ધરી રહ્યો હોય અને બીજા દેશને તેની ડિઝાઇન સામે વાંધો હોય તો સંબંધિત દેશે તેનો જવાબ આપવાનો રહેશે. બન્ને પક્ષ વચ્ચે બેઠકો યોજાશે. સમસ્યાનું નિરાકરણ કમિશન નહીં કરી શકે તો બન્ને દેશની સરકારો પ્રયાસ કરશે.
5. એ ઉપરાંત વિવાદના નિરાકરણ માટે તટસ્થ નિષ્ણાતોની મદદ લેવાની કે લવાદ કોર્ટમાં જવાનો વિકલ્પ પણ કરારમાં સામેલ કરવામાં આવ્યો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












