યુકે જવા માટે 'નકલી લગ્ન અને છૂટાછેડાનો ખેલ', બોગસ મૅરેજ સર્ટિફિકેટની મદદથી વિદેશ મોકલતી ટોળકી ઝડપાઈ

બીબીસી ગુજરાતી ભરુચ પોલીસ ગુજરાત બનાવટી વિઝા કૌભાંડ યુકે લગ્ન બોગસ લગ્ન નકલી લગ્ન નકલી દસ્તાવેજ છૂટાછેડા નકલી ઍડ્વોકેટ વકીલ ઇંગ્લૅન્ડ કૅનેડા ગુજરાત ભરુચ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વિદેશમાં કોઈ પણ ભોગે સેટલ થવા માટે કેટલાક લોકો જાતજાતના 'ગેરકાયદે રસ્તા' અજમાવે છે. આવા એક કૌભાંડનો ભરુચમાં પર્દાફાશ થયો છે.

ભરુચ પોલીસે લગ્નનાં બનાવટી સર્ટિફિકેટોની મદદથી લોકોને યુકે મોકલતી ટોળકીને ઝડપી છે. પોલીસે આ મામલે ચાર લોકો સામે કેસ કર્યો છે જેમાં એક કૅનેડાસ્થિત વકીલ પણ સામેલ છે.

પોલીસનું કહેવું છે કે આ વિશે બ્રિટિશ સત્તાવાળાઓને પણ જાણ કરવામાં આવી છે.

આખો મામલો શું છે અને કેવી રીતે આ લોકો બોગસ મૅરેજ સર્ટિફિકેટની મદદથી લોકોને યુકે મોકલતા હતા? તે સમજીએ.

બોગસ મૅરેજ સર્ટિફિકેટ બનાવી મેળવાતા હતા યુકેના વિઝા

બીબીસી ગુજરાતી ભરુચ પોલીસ ગુજરાત બનાવટી વિઝા કૌભાંડ યુકે લગ્ન બોગસ લગ્ન નકલી લગ્ન નકલી દસ્તાવેજ છૂટાછેડા નકલી ઍડ્વોકેટ વકીલ ઇંગ્લૅન્ડ કૅનેડા ગુજરાત ભરુચ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, આરોપી પૈકી એક ઍડ્વોકેટ સાજિદ કોઠીયા

તાજેતરમાં ભરુચના પાલેજ પોલીસ સમક્ષ એક અરજી આવી હતી. આ અરજી પરથી બનાવટી ડૉક્યુમેન્ટ મારફતે યુકે જવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સૌથી પહેલાં બનાવટી લગ્નનાં સર્ટિફિકેટનો ઉપયોગ યુકે પહોંચવા માટે કરવામાં આવ્યો અને પછી નાણાકીય મામલે વિવાદ થવાથી બનાવટી ડાયવૉર્સ ઑર્ડર પણ રજૂ કરાયા હતા.

પોલીસના કહેવા પ્રમાણે, જંબુસરના રહેવાસી રિઝવાન ઇસ્માઈલ મેદાએ ખોટી રીતે દાવો કર્યો કે યુકેસ્થિત તસ્લીમા ઇસ્માઈલ કારબારી તેમનાં પત્ની છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીએ લગ્નના રજિસ્ટ્રેશનના ખોટા સર્ટિફિકેટનો ઉપયોગ કરીને યુકેના વિઝા માટે અરજી કરી હતી. રિઝવાન મેદાએ સોએબ દાઉદ ઇખારિયા નામના એક એજન્ટની પણ મદદ લીધી હતી અને તસ્લીમાબાનુને પોતાનાં પત્ની ગણાવીને તેમના ડિપેન્ડન્ટ વિઝાની અરજી કરી હતી.

જુલાઈ 2024માં તસ્લીમાબાનુ ડિપેન્ડન્ટ વિઝા પર યુકે પહોંચ્યાં હતાં. પોલીસના કહેવા મુજબ ત્યાર પછી બંને વચ્ચે નાણાકીય બાબતે ડખો થયો અને તેના પગલે છૂટાછેડાના બોગસ ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યાં હતાં.

પોલીસ તપાસ મુજબ આ કેસમાં સાજિદ કોઠીયા નામના એક વકીલ પણ સામેલ છે જેઓ હાલમાં કૅનેડાસ્થિત છે.

પોલીસના કહેવા પ્રમાણે, આ વકીલે ભરુચની કોર્ટના નામે બનાવટી ડાયવૉર્સ ઑર્ડર તૈયાર કર્યો હતો. તસ્લીમાના પિતરાઈ ફૈઝલની મદદથી આ ડાયવૉર્સ ઑર્ડર અસલી હોય તે રીતે રજૂ કરાયો હતો.

પાલેજ પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે લગ્ન પ્રમાણપત્ર અને છૂટાછેડાના ઑર્ડર બંને નકલી છે.

તેના આધારે ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાંથી અમુક આરોપી યુકે અને કૅનેડાસ્થિત છે. આ મામલે બ્રિટિશ દૂતાવાસને પણ જાણ કરવામાં આવી છે.

પોલીસ હવે એ બાબતની તપાસ કરે છે કે આ ગૅંગ દ્વારા ભરુચ અને બીજા જિલ્લામાં આવા કૌભાંડ કરવામાં આવ્યા છે કે કેમ?

કઈ રીતે પકડાયું વિઝા કૌભાંડ?

બીબીસી ગુજરાતી ભરુચ પોલીસ ગુજરાત બનાવટી વિઝા કૌભાંડ યુકે

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, આપોરી રિઝવાન મેદા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભરૂચના સીતપોણ ગામના મિન્હાઝ ઉધરદારનો સંપર્ક થોડા સમય અગાઉ રિઝવાન મેંદા સાથે થયો હતો. રિઝવાન 2023માં યુકે ગયો હતો અને મિન્હાઝને લાગ્યું કે રિઝવાન તેને યુકેના વિઝા અપાવી શકે છે.

આ દરમિયાન રિઝવાને ભરુચમાં રહેતાં તસ્લીમા કારભારી નામની યુવતીના વિઝા કઢાવવા પોતાના મિત્ર અને વિઝા કન્સલ્ટન્ટ સોએબ ઇખારિયાને કહ્યું હતું.

યુકેમાં વસતા પોતાના મિત્ર તાહિર ગોગાની મદદથી વિઝા મળી જશે એમ પણ કહ્યું હતું. થોડા સમયમાં તસ્લીમાના વિઝા થઇ ગયા હતા.

ડિસેમ્બર 2024માં રિઝવાન ભારત આવ્યો અને આમોદનાં નફીસા વાણિયા નામની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ તેણે નફીસાના યુકેના વિઝા માટે તમામ ડૉક્યુમેન્ટ્સ પોતાના મિત્ર સોએબ ઇખારિયા અને તાહિર ગોગાને સોંપવા મિન્હાઝને જણાવ્યું હતું.

મિન્હાઝે તમામ ડૉક્યુમેન્ટ્સ આપી દીધાં, પરંતુ વિઝાની અરજી કરતા ખબર પડી કે રિઝવાનનાં લગ્ન તસ્લીમા સાથે થયેલાં છે. તેથી મિન્હાઝે રિઝવાનના પરિવારનો સંપર્ક કર્યો કારણ કે બંને એક જ જ્ઞાતિના છે. ત્યાર બાદ તેઓ તસ્લીમાના ઘરે ગયા ત્યારે તસ્લીમાના ભાઈ ફૈઝલે રિઝવાન અને તસ્લીમાનાં લગ્નનું પ્રમાણપત્ર દેખાડ્યું.

મિન્હાઝે તપાસ કરાવતા આ સર્ટિફિકેટ નકલી હોવાનું જાણવા મળ્યું. ફૈઝલે પોતાને યુકે જવાનું હોવાથી આ મામલો ઘરમાં જ પતાવવા માટે ફૈઝલ અને વકીલ સાજિદે સવા લાખ રૂપિયાના બદલામાં છૂટાછેડાનો નકલી ઑર્ડર આપી દીધો હતો.

પોલીસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી ભરુચ પોલીસ ગુજરાત બનાવટી વિઝા કૌભાંડ યુકે

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, ભરૂચના જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા

આ કેસના તપાસ અધિકારી ડી. એસ. રાજપૂતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પાલેજ પોલીસ સ્ટેશનમાં મિન્હાઝે થોડા સમય પહેલાં એક અરજી આપી હતી. જેમાં તેણે કહ્યું હતું કે પરદેશ જવાના નામે તેની પાસેથી રૂપિયા પડાવાયા છે. અમે કાનૂની તપાસ કરી અને જોયું કે રિઝવાન તથા તસ્લીમાનાં લગ્નનું સર્ટિફિકેટ ભરૂચના કહાન ગામનું હતું. આ ગ્રામપંચાયતમાંથી જાણવા મળ્યું કે આવા કોઈ લગ્નની નોંધણી થઈ નથી."

"મૅરેજ સર્ટિફિકેટમાં તલાટીના સહી-સિક્કા પણ બનાવટી હતાં. તેથી અમે વિઝા કન્સલ્ટન્ટનું કામ કરતા સોએબની ઉલટ તપાસ કરી તો ખબર પડી કે નિયમ મુજબ જ તસ્લીમાના યુકેના વિઝા માટે અરજી કરવામાં આવી હતી અને તસ્લીમાને વિઝા મળ્યા હતા."

બ્રિટિશ ઍમ્બેસીમાં રિઝવાનનાં લગ્ન તસ્લીમા સાથે થયેલાં હોવાનું દેખાડવામાં આવ્યું હતું અને રિઝવાન ડિપેન્ડન્ટ વિઝા પર યુકે રહે છે. તેથી નફીસાને બીજી પત્ની તરીકે વિઝા મળી ન શકે. પરંતુ જ્યારે લગ્ન જ નકલી હોય ત્યારે કોર્ટના જજ છૂટાછેડાનો ઑર્ડર કેવી રીતે આપી શકે તે સવાલ હતો.

હવે આ મામલે ભરુચની કોર્ટમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે છૂટાછેડાનો ઑર્ડર સપ્ટેમ્બર 2024નો હતો અને ભરુચમાં ઍડિશનલ સિવિલ જજની કોઈ કોર્ટ જ ન હતી. તેથી આ ટોળકી દ્વારા વ્યવસ્થિત કાવતરું ચાલતું હતું તેવું પોલીસને જણાઈ આવતા રિઝવાન, તસ્લીમા, તેના ભાઈ ફૈઝલ અને સવા લાખ રૂપિયામાં નકલી કોર્ટનું જજમેન્ટ બનાવનારા ઍડ્વોકેટ સાજિદ કોઠીયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ભરૂચના જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ભરૂચ અને તેની આસપાસ લગ્નના ખોટા દસ્તાવેજો અને છૂટાછેડાના નકલી કોર્ટ ઑર્ડર બનાવીને લોકોને ગેરકાયદે વિદેશ મોકલતી ટોળકીનું કૌભાંડ બહાર આવ્યું છે. અમે રિઝવાન, તસ્લીમા અને ફૈઝલ સામે ખોટાં લગ્ન કરાવીને પરદેશ મોકલવાનો ગુનો નોંધ્યો છે, જયારે નકલી કોર્ટનું જજમેન્ટ બનાવનાર ઍડ્વોકેટ સાજિદ કોઠીયા સામે પણ ગુનો દાખલ કર્યો છે."

તેમણે કહ્યું કે, "સાજિદ હાલમાં કૅનેડા છે જ્યારે રિઝવાન અને તસ્લીમા યુકે છે. તેમની સામે કાર્યવાહી કરવા અમે વિદેશ મંત્રાલય અને યુકેની ઍમ્બેસીને જાણ કરી છે."

નકલી મૅરેજ સર્ટિફિકેટ અને છૂટાછેડાના બનાવટી કોર્ટ ઑર્ડર વિશે વધુ માહિતી આપવાનો અક્ષયરાજ મકવાણાએ ઇન્કાર કરતા કહ્યું કે કાનૂની કાર્યવાહી પછી આ લોકોને ડિપૉર્ટ કરી ભારત લાવવામાં આવશે, ત્યાર પછી તેમના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી કરાશે."

તસ્લીમાનાં માતા અને મિન્હાઝે શું કહ્યું?

બીબીસી ગુજરાતી ભરુચ પોલીસ ગુજરાત બનાવટી વિઝા કૌભાંડ યુકે લગ્ન બોગસ લગ્ન નકલી લગ્ન નકલી દસ્તાવેજ છૂટાછેડા નકલી ઍડ્વોકેટ વકીલ ઇંગ્લૅન્ડ કૅનેડા ગુજરાત ભરુચ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી ગુજરાતીએ પોલીસની મદદથી તસ્લીમાનાં માતા ફિરોઝાબાનુ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે "રિઝવાન અને તસ્લીમાએ અમારી જાણ બહાર લગ્ન કર્યાં હતાં અને તે (તસ્લીમા) 2024માં યુકે જતી રહી હતી. ત્યાં રિઝવાન તેને રૂપિયા માટે પરેશાન કરતો હોવાથી તે તેનાથી અલગ રહે છે. ફૈઝલ અને મિન્હાઝ વચ્ચે 3.30 લાખ રૂપિયાની લેવડદેવડ થઈ હતી. તેનાથી વધારે મને કંઈ ખબર નથી."

જ્યારે મિન્હાઝે બીબીસી ગુજરાતીને કહ્યું કે રિઝવાનના મોટા ભાઈ હારુન મેદા મારા કૌટુંબિક સાઢુભાઈ થાય છે. હારુન મેદાએ આ વિશે કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન