ગુજરાત : પંચમહાલમાં લોકો નકલી લગ્ન કરવા કેમ આવે છે અને ત્રણ દિવસમાં 24 લગ્નો કેવી રીતે થયાં?

બનાવટી લગ્ન, ગુજરાત, મહેસાણા, લગ્ન, છેતરપિંડી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'મેં ક્યારેય પંચમહાલનું કણજીપાણી ગામ જોયું નથી. મને બદનામ કરવાના ઇરાદે મારાં લગ્ન પહેલાં લગ્નનું સર્ટિફિકેટ દેખાડી મને ડરાવી ધમકાવી લગ્ન કર્યાં, લગ્નના નામે મને ખૂબ પરેશાન કરી અને છેવટે મને તક મળતાં હું મહેસાણા મારાં માતાપિતા પાસે ભાગી આવી...'

આ શબ્દો છે મહેસાણાની યુવતી શારદા પટેલના (નામ બદલેલું છે).

શારદા જેવી સંખ્યાબંધ છોકરીઓ હવે મહેસાણાના એસપીજી ગ્રૂપ પાસે આવી રહી છે, કારણ કે પંચમહાલના કણજીપાણી ગામમાં ત્રણ દિવસમાં 24 લગ્નો થયાં છે. અહીંના તલાટી અર્જુન મેઘવાળ સામે માત્ર અઢી હજારમાં નકલી લગ્ન કરાવીને લાખો રૂપિયા કમાઈને રાજસ્થાનમાં જમીન ખરીદી હોવાના આરોપ લાગ્યા છે.

સરકારે આ કથિત કૌભાંડ સામે આવતા સરકારે એમને સસ્પેન્ડ કરી ધરપકડ કરી છે. સરકારને આ મામલે અલગ-અલગ જિલ્લાના લોકોના એક જ મંદિરમાં લગ્ન થયાં હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે.

બનાવટી લગ્નનો શું છે સમગ્ર મામલો?

બનાવટી લગ્ન, ગુજરાત, મહેસાણા, લગ્ન, છેતરપિંડી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav parikh

ઇમેજ કૅપ્શન, પંચમહાલના કણજીપાણી ગામમાં ત્રણ દિવસમાં 24 લગ્નો થયાં હોવાનું જાણવા મળ્યું છે

ઉત્તર ગુજરાતના એક ગામની યુવતી બ્યૂટી-પાર્લર જવાના બહાને ઘરેથી નીકળીને ગુમ થઈ ગઈ હતી. પરિવારે ઊંઝામાં પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સિદ્ધપુર પાસેના ઉનાવામાં રહેતા કૌશિકગીરીએ વીજાપુર પોલીસ સ્ટેશનમાં એમણે યુવતી સાથે પંચમહાલમાં લગ્ન કર્યાં હોવાનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.

દીકરી પુખ્ત વયની હતી, પણ એમની દીકરીનાં લગ્નના દસ્તાવેજ ધ્યાનથી જોયા તો ખબર પડી કે 'લગ્નના બનાવટી દસ્તાવેજ' પંચમહાલમાં બન્યા છે, કારણ કે લગ્ન હારીજના મોગલમાતાના મંદિરમાં 14 નવેમ્બરે થયાં હોવાનું સોગંદનામું હતું અને 15 નવેમ્બરે પાટણમાં સ્ટૅમ્પપેપર લેવાયાં હતાં અને એના ત્રણ કલાકમાં 300 કિલોમીટર દૂર 15 નવેમ્બરે લગ્નનું રજિસ્ટ્રેશન થયું હતું.

પટેલ પરિવારે આ પ્રકારે ભાગીને લગ્ન કરનાર યુવતીનાં માતાપિતાને મદદ કરનાર મહેસાણાના સરદાર પટેલ ગ્રૂપની મદદ માગી અને આ સંસ્થાના સ્વયંસેવકોએ તપાસ શરૂ કરતા પંચમહાલમાં મોટા પાયે 'નકલી લગ્ન' થતાં હોવાનું બહાર આવ્યું. એમાં લગ્ન ઉત્તર ગુજરાતની મોટા ભાગની પ્રેમલગ્ન કરનારી યુવતીઓનાં લગ્ન જાંબુઘોડાના નાનકડા ગામ કણજીપાણીમાં નોંધણી થયાં હતાં.

બનાવટી લગ્ન, ગુજરાત, મહેસાણા, લગ્ન, છેતરપિંડી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav parikh

ઇમેજ કૅપ્શન, તલાટી અર્જુન મેઘવાળ સામે નકલી લગ્ન કરાવવાનો આરોપ છે

સામાજિક કાર્યકર અને સરદાર પટેલ ગ્રૂપના નેતા લાલજી પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ કેસમાં પહેલી નજરે તમામ કાગળો સાચા લાગતા હતા. મંદિરમાં પૂજારીએ લગ્ન કરાવ્યા હોય અને પછી પંચમહાલમાં લગ્ન રજિસ્ટર થયાં હોય. દસ્તાવેજોને ધ્યાનથી ચકાસ્યા તો ખબર પડી કે ચોક્કસ મંદિરમાં એક જ પૂજારી લગ્ન કરાવે, સાક્ષીઓનાં નામ એકસરખાં હોય અને એમની સહીના બદલે અંગૂઠાનાં નિશાન હતાં. અહીં અમને શંકા પડી."

"લગ્નનાં સ્ટૅમ્પપેપર પાટણથી ખરીદાયાં હતાં. વકીલ વીસનગરના હોઈ સાક્ષીની સહીઓ હોય તો એ લોકોએ ક્યારેય પંચમહાલ જોયું ના હોવાનું જાણવા મળ્યું. પંચમહાલનાં કણજીપાણી, ઊંધવાડ અને રામપુરામાં મોટાં ભાગનાં લગ્ન થયાં હતાં. અમે 'પ્રેમલગ્નના વિરોધી' નથી કે કોઈ એક જ્ઞાતિ માટે નથી લડી રહ્યા, તમામ જ્ઞાતિના લોકોની સમસ્યા છે એટલે અમે આ તમામ પુરાવા સાથે ગૃહમંત્રી સાથે બેઠક કરી અને ઊંઝામાં થયેલી પોલીસ ફરિયાદ જાંબુઘોડા ટ્રાન્સફર થઈ અને મામૂલી રકમમાં લગ્નનું રજિસ્ટ્રેશન કરાવનાર તલાટી અર્જુન મેઘવાળ સામે કાનૂની કાર્યવાહી થઈ રહી છે."

શું કહે છે પોલીસ અને જાંબુઘોડાના જિલ્લા અધિકારી?

બનાવટી લગ્ન, ગુજરાત, મહેસાણા, લગ્ન, છેતરપિંડી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav parikh

ઇમેજ કૅપ્શન, જાંબુઘોડાના તાલુકા વિકાસ અધિકારી ધવલ લિમ્બાચિયા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જાંબુઘોડા પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારી એસએ મકવાણાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે ઊંઝાથી ટ્રાન્સફર થયેલી ફરિયાદના આધારે અર્જુન મેઘવાળની ધરપકડ દેરોલથી કરી. એના મિત્રના ત્યાં રાખેલા દસ્તાવેજો જપ્ત કરીને તાલુકા વિકાસ અધિકારીને સોંપી દીધા છે, કારણ કે આ તપાસ હવે ખાતાકીય રીતે થઈ રહી છે."

આ કેસની તપાસ કરી રહેલા જાંબુઘોડાના તાલુકા વિકાસ અધિકારી ધવલ લિમ્બાચિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારી પાસે આ ફરિયાદ આવી પછી અમે ઊંધવાણ, કણજીપાણી અને રામપુરામાં 2006ના નવા નિયમ પ્રમાણે ઉંમર, સાચું સરનામું, એમનાં ઓળખપત્રો, ફોટા અને લગ્ન કરાવનાર મહારાજનું સોગંદનામું અને કોર્ટમાં નોંધાયેલી ઍફિડેવિટ જેવા સરકારી પુરાવાના આધારે લગ્ન થયાં છે કે નહીં એની તપાસ કરી."

લિમ્બાચિયાએ વધુમાં કહ્યું કે "રજિસ્ટર થયેલાં લગ્નોની તમામ વિગતો અને માટે પુરાવા મંગાવ્યા હતા, પણ એમને ન આપતા અમે એમની સામે કાર્યવાહી શરૂ કરી છે. ત્યાર બાદ અમે પંચોની હાજરીમાં પંચાયતની ઑફિસમાં રહેલા દસ્તાવેજો જપ્ત કર્યા છે, જેમાં બીજા જિલ્લાનાં લગ્ન પંચમહાલમાં કરાવ્યાં હોવાનું બહાર આવ્યું છે, જેના આધારે અમે કાનૂની કાર્યવાહી કરી ટૂંક સમયમાં સરકારમાં રિપોર્ટ આપીશું."

તો ઊંધવાણના વિકાસ અધિકારી ડીકે ગરાસિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમને પુરાવા નહીં મળતાં પહેલાં કણજીપાણીના તલાટીને સસ્પેન્ડ કર્યા, ત્યાર બાદ બીજા બે લોકોને સસ્પેન્ડ કર્યા છે."

કેવી રીતે થાય છે નકલી લગ્ન?

બનાવટી લગ્ન, ગુજરાત, મહેસાણા, લગ્ન, છેતરપિંડી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav parikh

ઇમેજ કૅપ્શન, અલગ-અલગ જિલ્લાના લોકોના એક જ મંદિરમાં લગ્ન થયાં હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે

આવાં લગ્નો માટે ચાલતા ષડ્યંત્ર અંગે બનાસકાંઠાના બીલિયા ગામના ભૂતપૂર્વ સરપંચ દિલીપ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારા વિસ્તારમાં અનેક યુવતીઓનાં આ પ્રકારે લગ્ન થયાં હતાં. સામાજિક રીતે થનારાં લગ્ન પહેલાં ભાગી જવાના કિસ્સા બનતા હતા. ઘણાં માતાપિતાની ફરિયાદ અમારી પાસે આવી હતી, પણ પોલીસ ફરિયાદ થઈ નહોતી."

"ઊંઝાની ફરિયાદ જોયા પછી અમે તપાસ શરૂ કરી અને હારીજના મોગલમાતા મંદિરમાં લગ્ન થયાં હોવાનું બતાવવામાં આવ્યું હતું. અમે મોગલમાતા મંદિર પર ગયા તો ત્યાં કોઈને લગ્ન કરવાની મનાઈ હતી. પૂજારીને મળ્યા તો એમને પણ અહીં કોઈ લગ્ન થતાં હોવાની વાતનો ઇન્કાર કર્યો, એટલે અમે અમારી તપાસ વધારી તો બીજાં લગ્ન ઘોઘંબાના મસાણી માતાના મંદિરમાં થતાં હતાં, પણ બંને મંદિરમાં એવું કશું જોવા મળ્યું નહોતું."

તેઓ જણાવે છે, "અમે એ પછી જે લોકો સાક્ષી હતા એમની તપાસ કરી તો ઘણા સાક્ષીઓએ અમને કહ્યું કે એ લોકો ક્યારેય પંચમહાલ ગયા નથી. અહીં મોટા ભાગના લોકો અભણ હતા. એમના સ્ટિંગ ઑપરેશન કરી વીડિયો ઉતાર્યા. અંતે અમે કણજીપાણીના તલાટીનું સ્ટિંગ ઑપરેશન કર્યું તો એને કહ્યું કે એ 2,500 રૂપિયામાં લગ્નનું રજિસ્ટ્રેશન કરાવે છે."

"આ બધા પુરાવા ભેગા કર્યા. ત્રણ દિવસમાં 24 લગ્ન થયાના પુરાવા મળ્યા બાદ જે પૂજારીનું નામ હતું એ પ્રવીણ સોમેશ્વરનો સંપર્ક કર્યો તો એમણે ઍફિડેવિટ કરીને કહ્યું કે એ ક્યારેય કણજીપાણી ગયા જ નથી. આ ગામના સરપંચે પણ તલાટીને આ પ્રકારે પ્રેમીઓનાં લગ્ન નહીં કરાવવા કહ્યું હતું, પણ એ માન્યા નહોતા. આ પછાત વિસ્તાર હોવાથી અહીં કોઈ ઝાઝી તપાસ નહીં કરતા હોવાથી અહીં બનાવટી દસ્તાવેજના આધારે લગ્ન રજિસ્ટર થતાં હતાં. ત્યાર બાદ અમે સરકાર સમક્ષ આ તમામ પુરાવા રજૂ કર્યા, સરકારે આખીય વાતને ગંભીરતાથી લીધી અને પ્રેમલગ્નના કાયદામાં સુધારાની ખાતરી આપી છે."

લગ્ન કરનાર કપલનું શું કહેવું છે?

બનાવટી લગ્ન, ગુજરાત, મહેસાણા, લગ્ન, છેતરપિંડી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav parikh

શારદા પટેલે (નામ બદલેલું છે) બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "મને નશીલું પીણું પીવડાવી કાગળ પર સહીઓ કરાવી હતી. ત્યાર બાદ મારાં લગ્ન થવાનાં હતાં ત્યારે એને મને કહ્યું કે મારાં લગ્ન થયેલાં છે અને મને બદનામ કરવાની ધમકી આપી, એની સાથે ભાગી જવા મજબૂર કરી હતી, હું ઘરે પછી જઈ શકું એમ નહોતી એટલે એની સાથે બે મહિના રહી, એને નશો કરવાની આદત હતી અને મને ત્રાસ આપતો હતો. એક દિવસ મને તક મળતાં મેં મારી માતાને ફોન કર્યો, એમને મારી સ્થિતિ જણાવી તો એ લોકોએ મને માફ કરી દીધી અને હું ઘરે પછી આવી છું."

તો શારદા સાથે લગ્ન કરનાર મોનાર્કનો પણ બીબીસી ગુજરાતીએ સંપર્ક કર્યો તો એને કહ્યું કે "મારી સામેના આરોપો ખોટા છે. એને રાજીખુશીથી લગ્ન કર્યાં હોવાના પુરાવા છે અને પોલીસ સ્ટેશનમાં પણ એણે કબૂલ કર્યું છે કે અમે પ્રેમલગ્ન કર્યાં છે, મને અને મારા પરિવારને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે."

આવું જ ખેડાની એક યુવતી સાથે થયું છે. યુવતીને એના જ ગામના એક યુવકે સરકારી યોજના હેઠળ ટેબ્લૅટ અપાવવાની ખાતરી આપી હતી. એની પાસેથી દસ્તાવેજો લઈ લીધા અને કેટલાંક કાગળ પર સહીઓ કરાવી હતી.

યુવતીએ કહ્યું કે "ટેબ્લૅટ તો ન આવ્યું, પણ હવે એ મને દબાણ કરે છે કે હું એની પત્ની છું, માટે મારે એના ઘરે જવું પડશે. છેવટે અમને સંસ્થાનો સપોર્ટ મળતાં હવે અમે પોલીસ ફરિયાદ કરી છે."

શું કહે છે ગુજરાત સરકાર?

ગુજરાત નકલી લગ્ન પંચમહાલ જિતુ વાઘાણી, જીતુ વાઘાણી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Jitu Vaghani/FB

ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ મામલાને અમે ગંભીરતાથી લીધો છે. અમારી પાસે રજૂઆત આવી છે. આ કાયદામાં કેવી રીતે ફેરફાર કરવો એ અંગે નાયબ મુખ્ય મંત્રી અને કાયદામંત્રી એકઠા મળી નવા નિયમ બનાવવાની દિશામાં કાર્યવાહી કરી રહ્યા છીએ. તમામ કાનૂની પાસાં ચકાસી ટૂંક સમયમાં કાયદામાં સુધારા કરવામાં આવશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન